પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું - 'જનતાએ રેકૉર્ડ તોડવાનો રેકૉર્ડ બનાવી નાખ્યો'

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે રેકૉર્ડ તોડતા 150થી વધારે બેઠકો જીતી છે. કૉંગ્રેસ 16 અને આમ આદમી પાર્ટી પાંચ બેઠકો જીતી શકી.

લાઇવ કવરેજ

  1. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022નું આજે પરિણામ, 8 વાગ્યે મતગણતરી શરૂ થશે

    વિધાનસભા ચૂંટણી પરિણામ

    ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022નું આજે ગુરૂવારે પરિણામ છે. સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થવા જઈ રહી છે.

    સવારે 8:00 વાગે સૌપ્રથમ પોસ્ટલ બૅલેટની ગણતરી કરાશે અને 8:30 વાગ્યાથી પોસ્ટલ બૅલેટની સાથે સાથે ઈવીએમના મતોની ગણતરી પણ શરૂ કરાશે.

    રિટર્નિંગ ઑફિસર/આસિસ્ટન્ટ રિટર્નિંગ ઑફિસર, ઉમેદવાર-કાઉન્ટીંગ એજન્ટ્સ તથા ભારતના ચૂંટણી પંચ દ્વારા નિમણૂંક પામેલા ઑબ્ઝર્વર્સની હાજરીમાં સ્ટ્રોંગરૂમમાંથી ઈવીએમબહાર કાઢી કાઉન્ટીંગ હૉલમાં ગોઠવવામાં આવશે.

    મત ગણતરી કેન્દ્રના કેમ્પસની બહાર સ્થાનિક પોલીસનો પહેરો હશે. મતગણતરી લોકેશન પર એસઆરપીએફ અને મતગણતરી કેન્દ્રના દરવાજાની બહાર સીએપીએફનો ચુસ્ત બંદોબસ્ત હશે. ફરજ પરના અધિકારીઓ અને ખાસ મંજૂરી પ્રાપ્ત રાજકિય પ્રતિનિધિઓ સિવાય વ્યક્તિ કે વાહનને આ સંકુલમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં.

    ગુજરાત વિધાનસભાની કુલ 182 બેઠકોની મતગણતરી થશે.

    મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી અનુસાર, રાજ્યના 37 કેન્દ્રો પર મતગણતરી શરૂ થશે.

    સમગ્ર મતગણતરી પ્રક્રિયા માટે 182 કાઉન્ટિંગ ઑબ્ઝર્વર્સ, 182 ચૂંટણી અધિકારી અને 492 મદદનીશ ચૂંટણી અધિકારી ફરજ બજાવશે.

    મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ જણાવ્યું હતું કે, અમદાવાદમાં 03 મતગણતરી કેન્દ્રો પર, સુરતમાં 02 મતગણતરી કેન્દ્ર પર અને આણંદમાં પણ 02 મતગણતરી કેન્દ્રો છે. એ સિવાય તમામ જિલ્લાઓમાં એક-એક મતગણતરી કેન્દ્ર ઉપર એકસાથે મતગણતરી શરૂ કરાશે.

    પી. ભારતીએ વધુમાં જણાવ્યું હતું કે, સમગ્ર મતગણતરી પ્રક્રિયા માટે 182 કાઉન્ટિંગ ઑબ્ઝર્વર્સ, 182 ચૂંટણી અધિકારી અને 494 મદદનીશ ચૂંટણી અધિકારી ફરજ બજાવશે. મતગણતરી માટે વધારાના 78 મદદનીશ ચૂંટણી અધિકારી હશે. આ ઉપરાંત 71 વધારાના મદદનીશ ચૂંટણી અધિકારીઓને ઇલેક્ટ્રોનિકલી ટ્રાન્સમિટેડ પોસ્ટલ બૅલેટ સિસ્ટમ માટે જવાબદારી સોંપવામાં આવી છે.

    પી. ભારતીએ વધુ માહિતી આપતા બુધવારે જણાવ્યું હતું કે, મતદાન કેન્દ્રના દરેક ટેબલ પર એક માઈક્રો-ઑબ્ઝર્વર, કાઉન્ટીંગ સુપરવાઈઝર અને કાઉન્ટીંગ આસિસ્ટન્ટને ફરજ સોંપવામાં આવી છે. આ ઉપરાંત કાઉન્ટીંગ હૉલમાં બે માઈક્રો-ઑબ્ઝર્વર મૂકવામાં આવશે. મતગણતરીની સમગ્ર પ્રક્રિયાની વીડિયોગ્રાફી કરવામાં આવશે.

  2. ગુજરાત વિધાનસભા ચૂંટણી પરિણામ આઠમી ડિસેમ્બરે

    ગ્રાફિક્સ

    ગુજરાતમાં મતદાતાઓની અંતિમ યાદી બહાર પાડી હતી, તેમાં રાજ્યમાં કુલ ચાર કરોડ 90 લાખ 89 હજાર 765 મતદારો છે.

    પુરુષ મતદાતાઓની સંખ્યા બે કરોડ 53 લાખ 36 હજાર 610 છે જ્યારે કે સ્ત્રી મતદાતાની સંખ્યા બે કરોડ 37 લાખ 51 હજાર 738 છે.

    નવા મતદાતાઓની સંખ્યા 11.62 લાખ વધી છે. થર્ડ જેન્ડર મતદાતાની સંખ્યા પણ વધીને 1,417 થઈ છે. નોંધનીય છે કે માન્ય મતદારોમાં ચાર લાખથી વધુ વિકલાંગ મતદાતા છે.

    સૌથી વધુ (59.9 લાખ) મતદારો અમદાવાદમાં છે, જ્યારે સૌથી ઓછા (1.93 લાખ) મતદારો ડાંગમાં છે.

  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: શું ભાજપ ફરી સરકાર બનાવશે?

    મતદાન

    ઇમેજ સ્રોત, Getty Images

    ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે બે તબક્કામાં મતદાન થયું હતું.

    89 બેઠકો માટે પ્રથમ તબક્કામાં અને 93 બેઠકો માટે બીજા તબક્કામાં મતદાન થયું હતું.

    પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં મતદાન થયું હતું, જ્યારે બીજા તબક્કામાં મધ્ય, પૂર્વ અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં મતદાન થયું હતું.

    ગુજરાતમાં આ વખતે ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ ખેલાયો હતો, આમ આદમી પાર્ટીના આવવાથી ચૂંટણી વધુ રસપ્રદ બની હતી.

  4. નમસ્કાર! બીબીસી ન્યૂઝ ગુજરાતીના લાઇવ પેજમાં આપનું સ્વાગત છે.

    ગુજરાત વિધાનસભા ચૂંટણી અને હિમાચલ પ્રદેશની ચૂંટણીનાં આજે પરિણામ જાહેર થશે.

    કોણ ક્યાં ચૂંટણી જીત્યું અને કોને કેટલી સીટ મળી એ તમામ અપડેટ્સ માટે જોડાયેલા રહો બીબીસી ગુજરાતી સાથે.