ભારતના આરોગ્ય અને કુટુંબકલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશભરમાં અત્યાર સુધી
કોરોના વાઇરસના સંક્રમણના 490થી વધારે કેસ સામે આવ્યા છે.
મંત્રાલયની વેબસાઇટ અનુસાર હજુ રાજ્યોમાંથી આ મામલે નવી માહિતી એકત્ર કરાઈ રહી છે.
આ બીમારીના સંક્રમણથી અત્યાર સુધી ભારતમાં નવ લોકોનાં મૃત્યુ થયાં છે. જ્યારે
36 લોકોને સાજા કરવામાં પણ સફળતા મળી છે.
વિશ્વમાં પણ કોરોના વાઇરસનો ચેપ સતત ફેલાઈ રહ્યો છે. વિશ્વભરમાં અત્યાર સુધી
કોરોના વાઇરસનો ચેપ લાગવાના કુલ કેસોનો આંકડો ત્રણ લાખ 81 હજારથી વધી ગયો છે. આમાંથી
એકલા ચીનના 81 હજાર મામલા છે, જ્યારે ઇટાલીના ભગભગ 64 હજાર કેસો. અત્યાર સુધી 16,500થી
વધારે લોકોનાં મૃત્યુ થયાં છે.
ગત ચોવીસ કલાકમાં દુનિયાભરમાં 41,500 મામલા સામે આવ્યા છે અને આટલા કેસો એક સાથે
પહેલી વખત સામે આવ્યા છે.
તો અમેરિકા ઇટાલી અને ચીન બાદ વિશ્વમાં ચેપનો ભોગ બનનારું ત્રીજું સૌથી મોટું
કેન્દ્ર બની ગયું છે. અમેરિકા આખામાં ચેપ લાગવાના 46 હજારથી વધારે કેસો નોંધાયા છે
અને 550થી વધુ લોકોનાં મૃત્યુ થયાં છે.
અત્યાર સુધી કોરોનાની ઝપેટથી બચી રહેલા મ્યાંમારમાં પણ સોમવારે સંક્રમણના બે
કેસો નોંધાયા છે. આમાંથી એક વ્યક્તિ અમેરિકા અને બીજી વ્યક્તિ બ્રિટનથી સ્વદેશ પરત
ફરી હતી.
તો ચીનના વુહાનમાં પણ સોમવારે કોરોના વાઇરસનો ચેપ લાગવાનો નવો કેસ નોંધાયો છે.
વાઇરનસા સંક્રમણની શરૂઆત આ જ શહેરમાંથી થઈ હતી. ગત પાંચ દિવસમાં આ શહેરમાં ચેપ
લાગવાનો એક પણ કેસ નહોતો નોંધાયો.
આ દરમિયાન ક્યુબાએ પોતાના દેશમાં આવેલા તમામ વિદેશ પ્રવાસીઓને આઇસોલેશનમાં રાખ્યા
છે. ક્યુબામાં સોમવારે 32 હજારથી વધારે વિદેશ પ્રવાસીઓ હોવાનું અનુમાન છે. અત્યાર
સુધી ક્યુબામાં કોરોના વાઇરસના 40 પૉઝિટિવ કેસો નોંધાયા છે.