ઈરાનની કુખ્યાત જેલમાં આગ, ગોળીબાર અને સાઇરનના અવાજો સંભળાયા

પ્રકાશિત
  • તહેરાનમાં આવેલી ઈવીન જેલમાં આગ લાગવાની ઘટના
  • રાજકીય કેદીઓ, પત્રકારો અને વિદેશી નાગરિકોને રાખવા માટે કુખ્યાત જેલ
  • સોશિયલ મીડિયા પરનાં વીડિયોમાં ગોળીબારી અને વિસ્ફોટના અવાજ સંભળાયા

ઈરાનની કુખ્યાત ઈવીન જેલમાં ભયાનક આગ ફાટી નીકળી છે. આ જેલને રાજકીય કેદીઓ, પત્રકારો અને વિદેશી નાગરિકોને કેદમાં રાખવા માટે કુખ્યાતી મળેલી છે.

ઑનલાઇન શૅર કરાયેલા વીડિયોમાં તહેરાનમાં આવેલી આ જેલ ઉપરથી ઊઠી રહેલી આગની જ્વાળાઓ અને ધુમાડો જોઈ શકાય છે. આ ઉપરાંત ગોળીબાર અને વિસ્ફોટના અવાજો પણ સાંભળી શકાય છે.

સરકારી નિવેદનમાં સ્થિતિ પર કાબૂ મેળવી લેવાયો હોવાની વાત કરવામાં આવી છે. જોકે, આ બાદ પણ આગનાં વીડિયો ફૂટેજ જોવાં મળ્યાં છે.

નોંધનીય છે કે ઇરાનમાં છેલ્લાં કેટલાંક સપ્તાહથી સરકારવિરોધી પ્રદર્શનો ચાલી રહ્યાં છે.

ગત મહિને 22 વર્ષનાં કુર્દ મહિલા માહસા અમીનીનું પોલીસકબજામાં મૃત્યુ થયા બાદ આ પ્રદર્શનો શરૂ થયાં હતાં.

માહસાનું મૃત્યુ હાર્ટઍટેકને લીધે થયું હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું, જોકે પરિવારનો દાવો હતો કે તેણીને મૉરાલિટી પોલીસે માર માર્યો હતો.

બીબીસી ફારસી સેવાના રાણા રહિમપૌરે જણાવ્યું છે કે જેલની સ્થિતિ અને વર્તમાન વિરોધપ્રદર્શનો વચ્ચે સંબંધ છે કે કેમ એ જાણી શકાયું નથી.

જોકે, રાણાએ એવું કહ્યું છે કે આવું હોઈ પણ શકે છે, કેમ કે હજારોની સંખ્યામાં વિરોધકર્તાઓને આ જેલમાં બંધ કરાયા છે.

'કેદીઓમાં એક પણ રાજકીય કેદી નહીં'

સ્ટેટ મીડિયાએ પ્રદર્શનકારીઓ અને આગ વચ્ચે કોઈ સંબંધ ન હોવાની જણાવ્યું છે. મીડિયાએ એક અધિકારીને ટાંકતાં આ ઘટના પાછળ 'ગુનાહિત તત્ત્વો'ને જવાબદાર ઠેરવ્યાં છે.

સરકારવિરોધી મૉનિટરિંગ ગ્રુપ '1500 તસવીર' દ્વારા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલા વીડિયોમાં જેલની બહાર સરકારવિરોધી આંદોલનનાં મુખ્ય સૂત્રોમાંથી એક 'તાનાશાહને મોત' સાંભળી શકાય છે.

બીબીસી ફારસી પ્રમાણે, અન્ય એક વીડિયોમાં જેલ બહારથી ગોળીઓ ચલાવવામાં આવતી હોવાનું જોવા મળે છે અને બાદમાં એક વિસ્ફોટનો અવાજ સાંભળી શકાય છે.

સરકાર દ્વારા નિયંત્રિત ઈરાની મીડિયાએ જણાવ્યું કે હુલ્લડમાં સામેલ કેદીઓમાં એક પણ રાજકીય કેદી ન હતા. આઠ લોકો ઇજાગ્રસ્ત થયા છે.

જેલની અંદરથી તહેરાનના ગવર્નરે સ્ટેટ ટીવીને જણાવ્યું કે હુલ્લડ નાના કેદીઓની રહેણાક વિંગમાં થયાં હતાં અને હાલમાં પરિસ્થિતિ કાબૂમાં છે.

જોકે, બીબીસી ફારસી સેવાના કાસરા નાજી પ્રમાણે તહેરાનના ગવર્નરે જે કહ્યું, પરિસ્થિતિ તેનાથી ઘણી વિપરિત જોવા મળી હતી.

સોશિયલ મીડિયા પર પોસ્ટ થઈ રહેલા વીડિયોમાં જેલમાં ભભૂકી રહેલી આગ જોવા મળે છે અને ગોળીઓના અવાજ સાંભળવા મળે છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો