You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
નેપાળમાં વિમાન દુર્ઘટના : અત્યાર સુધી 14 મૃતદેહો મળ્યા
રવિવારે નેપાળના પોખરાથી જોમસોંગ જતી વખતે દુર્ઘટનાગ્રસ્ત થયેલા તારા ઍરલાઇન્સના વિમાનનો કાટમાળ મળી આવ્યો છે. રૅસ્ક્યૂ ઑપરેશનમાં જોડાયેલી વિવિધ ટીમોને અત્યાર સુધી 14 મૃતદેહો મળી આવ્યા છે અને કેટલાકની ઓળખ લગભગ અશક્ય હોવાનું જણાવાઈ રહ્યું છે.
સમાચાર સંસ્થા એએનઆઈ અનુસાર, નેપાળ પોલીસ કમિશનર રાજકુમાર તમાંગની આગેવાનીમાં એક ટીમ ક્રૅશ સાઇટ પર પહોંચી છે. અધિકારીઓને ટાંકીને એએનઆઈએ જણાવ્યું કે કેટલાક યાત્રીઓની ઓળખ લગભગ અસંભવ છે.
નાગરિક ઉડ્ડયન વિભાગના અધિકારી દેવચંદ્રલાલ કર્ણે બીબીસીને જણાવ્યું, "14 મૃતદેહો મળી આવ્યા છે. વિમાનમાં કુલ 22 લોકો સવાર હતા, જેમાંથી ચાર ભારતીય નાગરિકો હતા."
નેપાળી સેનાના પ્રવક્તાને ટાંકીને એએનઆઈએ જણાવ્યું કે 15 સભ્યો ધરાવતી સેનાની ટુકડી પણ ઘટનાસ્થળે હાજર છે. જેથી મૃતદેહોને બહાર કાઢી શકાય.
નેપાળના ગૃહ મંત્રાલયના પ્રવક્તા ફદિંદ્રમણિ પોખરેલે એએનઆઈને જણાવ્યું, "અમને આશંકા છે કે દુર્ઘટનામાં વિમાનમાં સવાર તમામ લોકોનાં મૃત્યુ થયાં છે. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે કોઈ બચ્યું નથી પરંતુ હજુ સુધી સત્તાવાર નિવેદન બાકી છે."
ઊડાણ ભરી તેની 15 મીનિટમાં થયું હતું સંપર્કવિહોણું
જોમસન ઍરપોર્ટના કર્મચારી પુષ્કલરાજ શર્મા પ્રમાણે, તારા ઍરલાઇનના વિમાને સવારે 9:55 વાગ્યે ઊડાણ ભરી હતી અને 10:11 વાગ્યે તેની સાથેનો સંપર્ક તૂટી ગયો હતો.
શર્માએ બીબીસીને જણાવ્યું,"વિમાન સાથેનો સંપર્ક તૂટ્યા બાદ ધૌલાગિરિ વિસ્તારમાં તપાસ માટે હેલિકૉપ્ટર મોકલવામાં આવ્યાં હતાં પરંતુ ખરાબ વાતાવરણના લીધે વિમાન શોધવામાં તકલીફ પડી હતી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ વિમાનમાં કુલ 22 લોકો સવાર હતા. જેમાં ચાર ભારતીય, બે જર્મન અને બાકીના નેપાળના નાગરિકો હતા.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો