You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રશિયા-યુક્રેન યુદ્ધને લીધે યુક્રેનના અંદાજે એક કરોડ લોકો વિસ્થાપિત થયા- સંયુક્ત રાષ્ટ્ર
શરણાર્થીઓ માટે સંયુક્ત રાષ્ટ્રના હાઈ કમિશનરે કહ્યું કે રશિયા-યુક્રેન યુદ્ધને કારણે અત્યાર સુધીમાં યુક્રેનથી અંદાજે એક કરોડ લોકો વિસ્થાપિત થયા છે. આ સંખ્યા યુક્રેનની કુલ વસ્તીની એક ચતુર્થાંશ થાય છે.
રશિયાની સેનાના આક્રમણથી બચવા માટે લોકો દેશ છોડીને ચાલ્યા છે અથવા તો દેશની અંદર સુરક્ષિત સ્થળો તરફ પલાયન કરી ચૂક્યા છે.
સંયુક્ત રાષ્ટ્રનું કહેવું છે કે રશિયાએ 24 ફેબ્રુઆરીએ પોતાના પડોશી દેશ યુક્રેન પર હુમલો કર્યો હતો અને અહીં છેલ્લા 25 દિવસથી લડાઈ ચાલી રહી છે. આ દરમિયાન 35 લાખ લોકો દેશ છોડવા મજબૂર થયા છે, જ્યારે અન્ય લોકો યુક્રેનની અંદર જ અન્ય સુરક્ષિત સ્થળો તરફ ચાલ્યા ગયા છે.
સંયુક્ત રાષ્ટ્ર અનુસાર, દેશની અંદર 'મારિયુપોલ અને સુમી' જેવાં શહેરોમાં રશિયન સેનાની ઘેરાબંધી છે અને અહીં ફસાયેલા લોકોની સ્થિતિ બહુ ચિંતાજનક છે.
એજન્સી અનુસાર રશિયન સેના રહેણાક વિસ્તારોને નિશાન બનાવી રહી છે, જેના લીધે હજારો સામાન્ય નાગરિકોના જીવન માટે સંકટ પેદા થયું છે.
યુક્રેન યુદ્ધમાં અત્યાર સુધીમાં શું-શું થયું?
યુક્રેનના સૈન્ય અધિકારીઓનું કહેવું છે કે તેમની સેનાએ 14,700 રશિયન સૈનિકોને મારી નાખ્યા છે. યુક્રેનનાં મારિયુપોલ, જપોરજિયા અને કિએવમાં ભીષણ લડાઈ ચાલુ છે.
યુક્રેનના સેનાપ્રમુખના સ્ટાફ તરફથી જાહેર એક ફેસબુક અપડેટમાં અધિકારીઓના હવાલાથી કહેવામાં આવ્યું કે યુક્રેનની સેનાએ 25 દિવસની લડાઈમાં રશિયાના 14,700 સૈનિકોને મારી નાખ્યા છે.
આ અપડેટમાં એ પણ દાવો કરવામાં આવ્યો કે યુક્રેનની સેનાએ મોટી સંખ્યામાં રશિયાનાં શસ્ત્ર-સરંજામને નષ્ટ કર્યાં છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે બીબીસી આ વાતની પુષ્ટિ કરી શકતું નથી. પશ્ચિમી દેશોના સૂત્રોનું કહેવું છે કે અત્યાર સુધીની લડાઈમાં રશિયન સેનાને ઘણું નુકસાન વેઠવું પડ્યું છે.
બ્રિટનના વડા પ્રધાન બોરિસ જોન્સને ચીનને કહ્યું છે કે તે રશિયાના આક્રમણની નિંદા કરે
સંડે ટાઇમ્સ અખબારને અપાયેલા ઇન્ટરવ્યૂમાં વડા પ્રધાન જૉન્સને યુક્રેન-રશિયાના સંઘર્ષને સારપ અને બૂરાશ વચ્ચેનું યુદ્ધ ગણાવતાં કહ્યું કે રશિયા સાથે ઊભા રહેવું એ દ્વિતિય વિશ્વ યુદ્ધમાં ખોટા પક્ષની પસંદગી બરોબર છે.
તેમણે કહ્યું કે, "જેમ-જેમ સમય પસાર થતો જઈ રહ્યો છે અને રશિયામાં અત્યાચારની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, મને લાગે છે લોકો માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે પુતિનના આક્રમણ પર ધ્યાન ન આપવાનું વધુ કપરું અને રાજકીય રીતે વધુ શરમજનક થતું જઈ રહ્યું છે."
જોકે, જૉન્સને કહ્યું કે તેમનું માનવું છે કે બીજિંગ પોતાની તટસ્થ સ્થિતિ અંગે "ફરીવાર વિચારશે."
ચીને યુક્રેન પર રશિયાની કાર્યવાહીને લઈને હજુ સુધી તેની નિંદા કરી નથી. એવા પણ સમાચાર છે કે રશિયાએ ચીન પાસેથી મદદ માગી છે. આ પહેલાં શુક્રવારે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને ચીનને ચેતવ્યું હતું કે જો તેણે રશિયાને સહાય કરી તો તેનાં "ગંભીર પરિણામ" હોઈ શકે છે.
શનિવારના રોજ ચીનના વિદેશમંત્રી વાંગ યીએ આ મામલે દેશના વલણને "નિષ્પક્ષ" ગણાવ્યું હતું. તેમણે એવું પણ કહ્યું હતું કે ચીન આ મુદ્દે બાહ્ય દબાણ પર કોઈ પ્રતિક્રિયા નહીં આપે.
રશિયા-યુક્રેન યુદ્ધમાં અત્યાર સુધી બાળકો સહિત 850 નાગરિકોનાં મૃત્યુ થયાં : UN
24 ફેબ્રુઆરીથી 18 માર્ચ સુધીમાં યુક્રેનમાં 64 બાળકો અને 847થી વધુ નાગરિકોનાં મૃત્યુ થયાં છે.
સંયુક્ત રાષ્ટ્રની સંસ્થા ઓએચસીએચઆર દ્વારા આ માહિતી આપવામાં આવી છે.
શુક્રવારે જારી કરવામાં આવેલ દૈનિક મૃત્યુના આંકડા કરતાં શનિવારે 31 મૃત્યુ વધારે નોંધાયાં હતાં.
ઑફિસ ઑફ ધ યુનાઇટે નેશન્સ હાઇ કમિશનર ફૉર હ્યુમન રાઇટ્સ (ઓએચસીએચઆર) દ્વારા જારી કરાયેલા આંકડા પ્રમાણે અત્યાર સુધીમાં 78 બાળકો સહિત 1399 નાગરિકો ઈજાગ્રસ્ત થયા છે. જોકે, સાચો આંકડો તેનાથી પણ વધારે હોવાનું માનવામાં આવી રહ્યું છે.
ઝૅલેન્સ્કીનું સ્વિત્ઝર્લૅન્ડમાં સંબોધન, કહ્યું- દુષ્ટ સામે લડતમાં જોડાઓ
શુક્રવારે ઘણા લોકો સ્વિત્ઝર્લૅન્ડની સંસદ બહાર યુદ્ધના વિરોધમાં પ્રદર્શન કરી રહ્યા હતા. જેમને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝૅલેન્સ્કીએ સંબોધ્યા હતા.
ઝૅલેન્સ્કીએ પોતાના સંબોધનમાં રશિયન અબજપતિઓ પર પ્રતિબંધ લાદવા અને દેશની બૅન્કોને તેમના પૈસા જપ્ત કરવા પણ અપીલ કરી હતી.
આ ઉપરાંત તેમણે નૅસલે સહિતની કંપનીઓને રશિયા સાથે વેપાર બંધ કરવા માટે પણ અપીલ કરી હતી.
વીડિયો કૉન્ફરન્સિંગના માધ્યમથી જોડાયેલા ઝૅલેન્સ્કીએ કહ્યું હતું કે અમારાં બાળકો મરી રહ્યાં છે, શહેરો વેરવિખેર થઈ રહ્યાં છે અને રશિયામાં વેપાર યથાવત્ છે.
તેમણે વધુમાં કહ્યું, "આ યુદ્ધ શરૂ કરનારાઓના પૈસા તમારી બૅન્કોમાં છે. જે દુ:ખદ છે. તેમનાં ખાતાં ફ્રીઝ કરવાં પણ દુષ્ટ સામેની લડાઈનો એક ભાગ છે."
મારિયુપોલના રહીશોને રશિયા મોકલવામાં આવી રહ્યા છે: મેયર
યુક્રેનિયન શહેર લવીવમાં બીબીસી ન્યૂઝના સંવાદદાતા હ્યુગો બચેગા લખે છે, મારિયુપોલના મેયરના કહેવા પ્રમાણે હજારો સ્થાનિક લોકોને રશિયા મોકલી દેવામાં આવ્યા છે.
મેયર વાદિમ બૉયચૅન્કોએ ટેલીગ્રામ પર જારી કરેલા એક સંદેશમાં જણાવ્યું કે આ લોકોને રશિયાનાં અંતરિયાળ શહેરોમાં લઈ જવામાં આવ્યા છે. ત્યાર બાદ તેમની સાથે શું કરવામાં આવ્યું તે કોઈને ખબર નથી.
જોકે, બીબીસી આ દાવાઓની પુષ્ટિ કરતું નથી.
બૉયચૅન્કો મુજબ, હુમલાખોરો અત્યારે જે કરી રહ્યા છે તે ખૂબી જૂની રીત છે. આવું તો બીજા વિશ્વયુદ્ધમાં પણ કરવામાં આવતું હતું, જ્યારે નાઝીઓ બળજબરીપૂર્વક લોકોને પકડી જતા હતા.
તેમણે વધુમાં કહ્યું કે આ માનવું અઘરું છે કે 21મી સદીમાં પણ આ પ્રકારની ઘટનાઓ બની રહી છે.
રશિયાના યુક્રેન પર હુમલા બાદ મારિયુપોલ શહેર સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાંનું એક બની ગયું છે. અહીં રશિયન સેનાએ હૉસ્પિટલો, ચર્ચ અને શહેરની લગભગ 80 ટકા રહેણાક ઇમારતોને નુકસાન પહોંચાડ્યું છે.
આ સિવાય રશિયા-યુક્રેન સંઘર્ષની અન્ય કેટલીક મહત્ત્વપૂર્ણ અપડેટ, જે જાણવી જરૂરી છે
- યુક્રેનિયન શહેર માયકોલઇવ પર રશિયન સેનાએ હવાઈહુમલા કર્યા, સમગ્ર દિવસ દરમિયાન ચાલેલા હુમલામાં શહેરની ઘણી ઇમારતોને નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળ્યું છે.
- યુનિસેફે ચેતવણી આપી છે કે આ યુદ્ધના કારણે યુક્રેનના બાળ શરણાર્થીઓ શોષણ અને માનવતસ્કરીનો ભોગ બની શકે છે. યુનિસેફ પ્રમાણે અત્યાર સુધી 500 જેટલાં બાળકો પોતાના વાલીઓ વગર યુક્રેન છોડીને નીકળ્યાં છે.
- પોલૅન્ડના વૉરસોસ્થિત બીબીસી સંવાદદાતા ઍડમ ઇસ્ટન પૉલિશ બૉર્ડર ગાર્ડ એજન્સીને ટાંકીને લખે છે કે યુદ્ધની શરૂઆતથી અત્યાર સુધીમાં યુક્રેનથી 20,57,114 લાખ લોકો પોલૅન્ડ આવ્યા છે. જોકે, આ પૈકી અડધા લોકો પોલૅન્ડથી અન્ય દેશોમાં જતા રહ્યા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
- યુક્રેનિયન સમાચાર એજન્સી ઇન્ટરફૅક્સના જણાવ્યા પ્રમાણે, રશિયન પ્રોપગંડા પ્રસરાવતા અંદાજે 1500 મીડિયા આઉટલેટ પર યુક્રેને પ્રતિબંધ લગાવ્યો છે. જ્યારે ઓનલાઇન માધ્યમો પરથી આ પ્રકારના 3,178 અહેવાલો દૂર કરવામાં આવ્યા છે.
- ઑસ્ટ્રેલિયા દ્વારા રશિયા પર વધુ પ્રતિબંધોની જાહેરાત કરવામાં આવી છે. ઑસ્ટ્રેલિયા હવે બૉક્સાઇટ, ઍલ્યુમિના અને ઍલ્યુમિનિયમ ઑર રશિયાને નહીં આપે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો