યુક્રેન સંઘર્ષ : રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનો ન્યૂક્લિયર ફોર્સને 'સ્પેશિયલ ઍલર્ટ' પર રહેવાનો આદેશ, અત્યાર સુધી શું થયું?

પ્રકાશિત
વાંચવાનો સમય: 7 મિનિટ

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને રશિયાના સૈન્યને પરમાણુ ફોર્સને 'સ્પેશિયલ ઍલર્ટ' પર મૂકવાના આદેશ આપ્યા છે.

સ્પેશિયલ ઍલર્ટ એ રશિયાના વ્યૂહાત્મક મિસાઇલ ફોર્સ માટે ઉચ્ચતમ ઍલર્ટ લેવલ છે. યુક્રેનમાં સતત ચોથા દિવસે પણ સંઘર્ષ ચાલુ છે.

સંરક્ષણમંત્રી સરજી સોઇગુ સહિત ઊંચા દરજ્જાના સૈન્ય અધિકારીઓ સાથે વાત કરતાં તેમણે કહ્યું કે "પશ્ચિમના દેશોએ વેરભાવનાયુક્ત પગલાં ભર્યાં છે અને રશિયા પર ગેરકાયદેસર પ્રતિબંધો લાદ્યા છે."

બીબીસી ન્યૂઝના સિક્યૉરિટી સંવાદદાતા ગોર્ડન કોરેરાએ આ અંગે જણાવ્યું હતું કે, "પુતિને તેમના અધિકારીઓને ન્યૂક્લિયર ફોર્સને ઍલર્ટની વિશેષ શ્રેણીમાં તહેનાત કરવાના આદેશ આપ્યા છે."

આ પગલું મોસ્કો દ્વારા કહેવાતાં નેટો દેશોનાં 'આક્રમક નિવેદનો' બાદ લેવાયું છે.

પુતિને યુક્રેન પર આક્રમણ શરૂ કર્યા બાદ ગર્ભિતપણે એવી ચેતવણી પણ ઉચ્ચારી દીધી હતી કે તેઓ આ સંઘર્ષમાં પરમાણુ હથિયારોનો ઉપયોગ કરવાની ઇચ્છા ધરાવે છે.

ગત અઠવાડિયે તેમણે ચેતવણી આપતાં કહ્યું હતું કે, "જો કોઈ પણ અમારા માટે મુશ્કેલી ઊભી કરશે, તે તેમના ઇતિહાસમાં ક્યારેય ન નોંધાયેલા સંજોગો જોશે."

આ શબ્દોનાં ઘણાં અર્થઘટન રજૂ કરાયાં હતાં. જેમ કે જો પશ્વિમના દેશો તેમના રસ્તામાં આવે તો તેઓ ન્યૂક્લિયર હથિયારોનો ઉપયોગ કરતા પણ ખચકાશે નહીં.

તેથી હાલ લેવાયેલ પગલું એ મોસ્કોની ચેતવણી આપવાની રીત છે. ઍલર્ટ સ્થિતિમાં આવવાથી પરમાણુ હથિયારો છોડવાની પ્રક્રિયા વધુ ઝડપી અને સરળ બની જાય છે. પરંતુ તેનો અર્થ એ નથી કે હાલ તેમનો ઇરાદો પરમાણુ હથિયારોનો ઉપયોગ કરવાનો છે.

રશિયા પાસે પરમાણુ હથિયારોનો વિશ્વનો સૌથી મોટો જથ્થો છે. પરંતુ તે જાણે છે કે નેટો પાસે પણ રશિયાને બરબાદ કરી નાખે તેટલાં હથિયારોનો જથ્થો છે.

આનો હેતુ યુક્રેનને નેટો દ્વારા અપાઈ રહેલી સહાય ઘટાડવા માટે ભયનો માહોલ સર્જવાનો તેમજ તેઓ આ યુદ્ધમાં કઈ હદ સુધી જઈ શકે છે તે અંગે અને યુક્રેનને કયા પ્રકારની સહાય કરવાનું તેમને નહીં ગમે તે અંગે અસમંજસનો માહોલ ઊભો કરવાનો છે.

યુક્રેનનો દાવો- ખારકિએવમાંથી રશિયાના સૈન્યને બહાર ખદેડ્યું

ઉત્તર પૂર્વ યુક્રેનના ખારકિએવ શહેરના ક્ષેત્રીય પ્રમુખે જણાવ્યું કે સ્થાનિક સેનાઓએ રશિયાના સૈનિકો વિરુદ્ધ રસ્તા પર જંગ લડ્યા બાદ શહેર પર ફરીથી સંપૂર્ણ નિયંત્રણ હાંસલ કરી લીધું છે.

સોશિયલ મીડિયા પર એક સંદેશમાં ખારકિએવના ગવર્નર ઓલેગ સિનેગુબોવે કહ્યું કે યુક્રેનની સેનાએ રશિયન સેનાને શહેરની બહાર તગેડી મૂકી છે.

આ પહેલાં આજે સવારથી જ રશિયન સેનાના ખારકિએવમાં પ્રવેશના સમાચાર આવવાની શરૂઆત થઈ ચૂકી હતી.

સાથે જ અલગ-અલગ સ્રોતોથી એવી પણ ખબર પડી હતી કે રશિયન સેનાને યુક્રેનનાં સૈન્ય અને લોકલ મિલિશિયા ટક્કર આપી રહ્યાં છે.

ખારકિએવ બીજું સૌથી મોટું શહેર છે અને અહીં યુક્રેનની સેનાને મળેલી નાની એવી સફળતા તેમનું મનોબળ વધારી શકે છે.

પરંતુ એ સંભવ છે કે રશિયન સેના વધુ સંખ્યામાં આવીને ખારકિએવ પર એક મોટો હુમલો કરી શકે છે.

રશિયન સેનાએ શહેર છોડી દીધાના દાવા બાદ બીબીસીએ ખારકિએવમાં અમુક લોકો સાથે વાત કરી હતી.

એક 30 વર્ષીય મહિલાએ નામ ન જાહેર કરવાની શરતે કહ્યું કે ગત રાત્રિ દરમિયાન લગભગ સાડા બાર વાગ્યે તેઓ ભયાનક ધડાકાના અવાજ સાંભળીને જાગી ગયાં.

મહિલાએ બીબીસીને જણાવ્યું કે, "આ અનુભવ સ્ટાર વૉર્સ ફિલ્મો જેવો હતો. સતત 15 મિનિટ સુધી ધડાકા થતા રહ્યા. અમે બધાએ એક મિત્રને ત્યાં શરણ મેળવી. હું જગ્યા વિશે ન જણાવી શકું, કારણ કે તે ખતરનાક સાબિત થઈ શકે છે."

મહિલાએ આગળ જણાવ્યું, "અમે અહીં એટલા માટે આવ્યા છીએ કે અમારા ફ્લૅટ શહેરના રિંગ રોડ પર હતા અ રશિયન સેના ત્યાંથી ઘણી નજીક હતી. તેથી અમે હાલ ખતરાવાળા વિસ્તારથી દૂર આવી ગયાં છીએ."

મહિલાએ જણાવ્યું કે તેઓ હજુ પણ ગોળી ચાલવાનો અવાજ સાંભળી શકે છે પરંતુ હાલ આ ઘોંઘાટ ગત રાત્રિ જેવો બિલકુલ નથી.

બીજી તરફ યુક્રેનના પાટનગર કિએવમાં એક રહેણાક ઇમારત પર બૉમ્બમારો થયો. પુષ્ટિ ન કરી શકાય એવા મીડિયા રિપોર્ટમાં દેખાડવામાં આવ્યું કે સૈનિક ઉત્તર પશ્ચિમ ઉપનગરથી પસાર થઈ રહ્યા છે અને મશીનગનથી ગોળીઓ વરસાવી રહ્યા છે.

અત્યાર સુધીમાં 4300 રશિયનોનાં મૃત્યુનો યુક્રેનનો દાવો

યુક્રેનના નાયબ સંરક્ષણમંત્રીએ અંદાજ મૂક્યો છે કે તેમણે અત્યાર સુધી રશિયાને કેટલું નુકસાન પહોંચાડ્યું છે.

તેમણે એક ફેસબુક પોસ્ટમાં જણાવ્યું કે શરૂઆતના ત્રણ દિવસોમાં અંદાજે 4,300 રશિયન સૈનિકો સહિત તેમનાં ઘણાં સૈન્ય-સાધનોને નુકસાન પહોંચાડ્યું છે.

બીબીસી આ દાવાઓની પુષ્ટિ કરી શક્યું નથી અને રશિયાએ આ અંગે કોઈ નિવેદન આપ્યું નથી.

રશિયા વિરુદ્ધ ઇન્ટરનેશનલ કોર્ટ ઑફ જસ્ટિસ પહોંચ્યું યુક્રેન

યુક્રેને ઇન્ટરનેશનલ કોર્ટ ઑફ જસ્ટિસમાં રશિયા વિરુદ્ધ એક અરજી દાખલ કરાઈ છે.

એક ટ્વીટમાં આ અંગે જાણકારી આપતાં યુક્રેનના રાષ્ટ્રપતિ ઝૅલેન્સ્કીએ કહ્યું છે કે યુક્રેન પર આક્રમણ માટે રશિયાને જવાબદાર માનવું જોઈએ.

રાષ્ટ્રપતિ ઝૅલેન્સ્કીએ લખ્યું, "અમે આંતરરાષ્ટ્રીય કોર્ટ ઑફ જસ્ટિસને વિનંતી કરીએ છીએ કે તેઓ રશિયાને તરત સૈન્ય કાર્યવાહી રોકવા માટે કહે. અમે આગામી અઠવાડિયે જ આ કેસની સુનાવણી યોજાય તેવું ઇચ્છીએ છીએ."

ગુરુવારે સવારે રશિયાના રાષ્ટ્રપતિએ યુક્રેનમાં એક સૈન્ય કાર્યવાહીના આદેશ આપ્યા હતા. આ બાદ રશિયન સેનાએ યુક્રેનમાં પ્રવેશ કર્યો અને હવે યુક્રેનને રશિયન સેનાના હુમલાનો સામનો કરવો પડી રહ્યો છે.

ખારકિએવમાં શરૂ થયું ભીષણ યુદ્ધ, રશિયાને ટક્કર આપી રહ્યું છે યુક્રેનનું સૈન્ય

ખારકિએવ સ્થાનિક તંત્રે કહ્યું કે હળવાં સૈન્યવાહન "શહેરમાં પ્રવેશી ચૂક્યાં છે."

આ નિવેદન પહેલાં તસવીરો અને વીડિયો ફૂટેજ સામે આવ્યાં હતાં જેમાં રશિયાની બખ્તરબંધ ગાડીઓ ઉત્તર-પૂર્વ શહેરના માર્ગો પર દેખાઈ હતી. સોશિયલ મીડિયા ફૂટેજમાં દેખાઈ રહ્યું છે કે રશિયન સેના શહેરમાં છે.

કેટલીક એવી પણ તસવીરો સામે આવી છે જેમાં દેખાઈ રહ્યું છે કે રશિયાનાં ઓછામાં ઓછાં બે 'ટાઇગર'વાહનોને આગ ચાંપી દેવાઈ છે. જોકે, બીબીસીએ અત્યાર સુધી આ તસવીરોની કોઈ પુષ્ટિ નથી કરી.

ઇમર્જન્સી સર્વિસે જણાવ્યું છે કે એ નવ માળની ઇમારતને નિશાન બનાવાઈ છે, જેના કારણે ઇમારતને ઘણું નુકસાન થયું અને એક વૃદ્ધ મહિલાના મૃત્યુના સમાચાર આવ્યા છે.

ઇમારતના ભોંયરામાં શરણાર્થી તરીકે રહી રહેલા 60 લોકો ઈજાગ્રસ્ત થયા છે.

સ્થાનિક પ્રશાસને લોકોને ઘરમાં જ રહેવાની અપીલ કરી છે અને કહ્યું છે કે "શેલ્ટર ન છોડશો! યુક્રેનની સેના દુશ્મનોને ખતમ કરી રહી છે, નાગરિકોને રસ્તા પર ન આવવાનું જણાવવામાં આવે છે."

યુક્રેન વતી જણાવાયું કે રશિયાના સૈનિકોએ નજીકની એક નેચરલ ગૅસની પાઇપલાઇન પણ ધડાકો કરીને ધ્વસ્ત કરી દીધી.

આ એવા સમયે થયું જ્યારે કિએવથી 30 કિલોમિટર દૂર વાસિલકીવ ઑઇલ ટર્મિનલને મિસાઇલથી નિશાન બનાવાઈ અને તે બાદ ત્યાંથી ઝેરી ધુમાડો નીકળી રહ્યો છે.

વાતચીત માટે રશિયા તૈયાર પણ બેલારુસમાં વાત કરવા યુક્રેન રાજી નથી

રશિયા યુક્રેન સાથે વાતચીત માટે તૈયાર છે અને હવે તે યુક્રેનની પ્રતિક્રિયાની રાહ જોઈ રહ્યું છે. રશિયન સમાચાર એજન્સી રિયા નોવોસ્તીએ રશિયાના રાષ્ટ્રપતિ કાર્યાલાય ક્રેમલિનના પ્રવક્તાને ટાંકીને આ જાણકારી આપી છે.

જ્યારે યુક્રેનનું કહેવું છે કે બેલારુસમાં વાતચીત સંભવ નથી. રશિયન રાષ્ટ્રપતિના પ્રવક્તા દિમિત્રી પેસકોવે પત્રકારોને જણાવ્યું કે વાતચીત માટે રશિયન પ્રતિનિધિમંડળ પહેલેથી બેલારુસ પહોંચી ગયું છે.

પેસ્કોવે કહ્યું કે ડેલિગેશનમાં રશિયન વિદેશ મંત્રાલય, સંરક્ષણ મંત્રાલય અને અન્ય વિભાગોના પ્રતિનિધિઓ સામેલ છે.

પ્રવક્તાએ કહ્યું કે વાતચીત બેલારુસના ગોમેલમાં થઈ શકે છે. જોકે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝૅલેન્સ્કીએ કહ્યું કે જો યુદ્ધ ન થતું તો બેલારુસની રાજધાની મિન્સ્કમાં વાતચીત સંભવ હતી, પણ હવે નહીં.

ઉલ્લેખનીય છે કે બેલારુસ રશિયાનું ભરોસાપાત્ર સહયોગી છે અને તેણે યુક્રેન પર હુમલા માટે રશિયાની તમામ મદદ કરી છે.

સમાચાર એજન્સી રૉયટર્સ અનુસાર, ઝૅલેન્સ્કીએ કહ્યું કે બેલારુસ સિવાય અન્ય કોઈ પણ દેશમાં વાતચીત માટે તૈયાર છે, જે યુક્રેન પ્રત્યે આક્રમક ન હોય.

રશિયા-યુક્રેન વચ્ચે જમીનની સાથેસાથે ઇન્ટરનેટ પણ છેડાયો જંગ

હૅકર્સના એક ગ્રૂપ 'ઍનોનિમસ'એ દાવો કર્યો છે કે તેમણે ચેચેન્યાની સરકારી વેબસાઇટ હૅક કરી છે. હાલમાં વેબસાઇટ ખૂલી નથી રહી અને સતત ઍરર પેજ જોવા મળી રહ્યું છે.

ચેચેન્યાની સરકારી વેબસાઇટ હૅક થઈ તેના થોડા સમય પહેલા જ ત્યાંના નેતા રમઝાન કાદિરોવે કહ્યું હતું કે યુક્રેન વિરુદ્ધ રશિયાના સમર્થનમાં તેમના સૈનિકો તહેનાત કરવામાં આવ્યા છે.

કાદિરોવે એક વીડિયોમાં કહ્યું હતું કે ચેચેન્યાના સૈનિકોએ સરળતાથી એક યુક્રેનિયન સૈન્યમથક પર કબજો કરી લીધો છે.

સુમી રાજ્યના ગવર્નર દિમિત્રી ઝિવિત્સકીએ કહ્યું કે, યુક્રેનના ઉત્તર પૂર્વ ભાગમાં આવેલ ઓખટિર્કા શહેરમાં શુક્રવારે રશિયા દ્વારા કરાયેલા હુમલામાં સાત વર્ષની બાળકી સહિત કુલ છ લોકોનાં મૃત્યુ થયાં છે.

રશિયા દ્વારા હુમલો કરાયો હતો, તે જગ્યાઓમાં એક બાલવાડી અને અનાથાશ્રમનો પણ સમાવેશ થાય છે. જોકે રશિયાએ આ દાવો ફગાવ્યો હતો.

યુક્રેનના વિદેશમંત્રીએ આરોપ લગાવ્યો કે આ 'વૉર-ક્રાઇમ' છે અને તેની સામે આંતરરાષ્ટ્રીય ક્રિમિનલ કોર્ટમાં તપાસ થવી જોઇએ.

ખારકિએવમાં રશિયન અને યુક્રેનિયન સેના વચ્ચે અથડામણના અહેવાલો

યુક્રેનના બીજા સૌથી મોટા શહેર ખારકિએવમાં રશિયન આર્મી પ્રવેશી હોવાની સ્થાનિક સત્તાધીશોએ પુષ્ટિ કરી તેના ગણતરીના સમયમાં જ શહેરની સડકો પર રશિયન અને યુક્રેનિયન સેના વચ્ચે અથડામણ શરૂ થઈ હોવાના અહેવાલો સામે આવ્યા છે.

સોશિયલ મીડિયા પર જોવા મળેલી તસવીરો અને વીડિયોમાં રશિયન સેના ખારકિએવના રસ્તાઓ પર જોવા મળી રહી છે.

કેટલાક સ્થળે આગની ચપેટમાં આવેલા રશિયન 'ટાઇગર' વાહનો પણ વીડિયો અને ફોટોઝમાં જોવા મળે છે.

બીબીસી હજુ સુધી આ તસવીરો અને વીડિયોની પુષ્ટિ કરી શક્યું નથી.

ડોનાલ્ડ ટ્રમ્પે યુક્રેન પર હુમલાની કરી નિંદા, કહ્યું- ઝૅલેન્સ્કી 'નિડર નેતા'

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુક્રેન પર રશિયાના હુમલાની નિંદા કરી, કહ્યું કે તેઓ યુક્રેનના લોકો માટે પ્રાર્થના કરી રહ્યા છે.

અગાઉ જ્યારે રશિયાએ યુક્રેનમાં સૈનિકો મોકલવાનું શરૂ કર્યું હતું, ત્યારે ટ્રમ્પે પુતિનના આદેશને 'જિનિયસ' ગણાવ્યો હતો.

સાથે એમ પણ કહ્યું હતું કે તેઓ માને છે કે અમેરિકા પણ તેની દક્ષિણ સરહદની સુરક્ષા માટે આવી "પીસકીપિંગ" સેનાનો ઉપયોગ કરી શકે છે.

ન્યૂઝ એજન્સી રૉયટર્સ અનુસાર, ફ્લોરિડામાં એક સભાને સંબોધતા ટ્રમ્પે રશિયાના હુમલાની નિંદા કરી છે અને યુક્રેનના લોકો પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી છે.

યુક્રેનનાં ઘણાં શહેરોમાં ભીષણ જંગ

યુક્રેન પર રશિયાના હુમલાના અનુસંધાને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા કહેવામાં આવ્યું છે કે યુક્રેનમાં અત્યાર સુધી 64 લોકોનાં મોત થયાં છે.

અનેક હુમલાના કારણે અહીં મકાનો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ઘણું નુકસાન થયું છે. જેના કારણે સેંકડો લોકોને વીજળી અને પાણી વિના જીવવું પડે છે.

સંયુક્ત રાષ્ટ્રે એમ પણ કહ્યું કે 1,60,000થી વધુ યુક્રેનવાસીઓએ તેમનાં ઘર છોડી દીધાં છે, તેઓ વિસ્થાપિત થયા છે અને હવે આંતરરાષ્ટ્રીય સરહદો પાર કરીને દેશ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છે.

યુક્રેન સરકારના અંદાજ પ્રમાણે રશિયાના આ હુમલાથી શરણાર્થીઓનું મોટું સંકટ સર્જાઈ શકે છે. આ હુમલાથી 50 લાખ શરણાર્થીઓ પેદા થઈ શકે છે.

બીબીસીએ એવા ઘણા લોકો સાથે વાત કરી છે કે જેઓ છેલ્લા કેટલાક દિવસોથી દેશ છોડવા માટે આંતરરાષ્ટ્રીય સરહદ પર 15 કિલોમીટર લાંબી કતારોમાં ઊભા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો