You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
યુક્રેન સંઘર્ષ : રશિયાના રાષ્ટ્રપતિ પુતિને યુક્રેન સેનાને શું કહ્યું? હુમલાના બીજા દિવસે શું-શું થયું?
યુક્રેન પર રશિયાની લશ્કરી કાર્યવાહીના બીજા દિવસે બંને દેશોના વડાઓએ વાટાઘાટનો રસ્તો અપનાવવાની તૈયારી બતાવી હતી.
ગુરુવારે યુક્રેનમાં ત્રણ દિશાઓમાંથી પ્રવેશ કરનાર રશિયાનાં સૈન્યદળો યુક્રેનની રાજધાની કિએવ સુધી પહોંચી ગયાં અને શુક્રવારે કિએવમાં ઠેર-ઠેક વિસ્ફોટો થયા હોવાના સમાચાર આવતા રહ્યા હતા.
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેનની સેનાને દેશની સત્તા પોતાના હાથમાં લેવા માટે કહ્યું છે.
રશિયન સુરક્ષા પરિષદને સંબોધન કરતાં પરોક્ષ રીતે યુક્રેનની સેનાને પુતિને આ વાત કરી છે.
તેમણે કહ્યું કે "બૅંડેરાઇટ્સ (બીજા વિશ્વયુદ્ધમાં સોવિયેટવિરોધી સ્ટેપાન બૅંડેરાનો સંદર્ભ) અને કથિત નિયો-નાઝીઓએ કિએવ અને ખારકિએવમાં પોતાનાં રૉકેટ લૉન્ચ સિસ્ટમ સમેત પોતાનાં ઘણાં હથિયારો હેઠાં મૂકી દીધાં છે."
યુક્રેનની સરકાર પર પ્રહાર કરતા પુતિને નિયો-નાઝી શબ્દનો વારંવાર ઉલ્લેખ કરતા રહ્યા છે. જોકે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝૅલેન્સ્કી આ શબ્દને નકારી ચૂક્યા છે.
તેમણે વધુમાં યુક્રેનની સેનાને કહ્યું કે "સત્તા પોતાના હાથમાં લે. મને લાગે છે કે કિએવના નશાખોર અને નિયો-નાઝીઓની તુલનામાં તમારી અને અમારી વચ્ચે કોઈ સમજૂતી પર પહોંચવું સરળ રહેશે."
રશિયાની સેના ધીરેધીરે કિએવ શહેરના અંદરના વિસ્તારો તરફ વધી રહી છે. ઉત્તરમાં ઓબોલૉનથી ઘૂસેલી રશિયાની ટુકડીઓ હવે આગળ વધી રહી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
દરમિયાન કિએવના મેયરે કહ્યું કે હવે સ્થાનિક લોકો રશિયન સેના સાથે લડવાની તૈયારી કરી રહ્યા છે.
સરકારે હજારોમાં મશીન ગન અને રાઇફલો સામાન્ય નાગરિકોને આપી છે.
બ્રિટનના રક્ષા મંત્રાલયે કહ્યું કે રશિયાની મોટા ભાગની સેના હવે રાજધાની કિએવના 50 કિમીના વિસ્તારમાં પ્રવેશ કરી ચૂકી છે.
ટ્વિટર પર કહ્યું કે યુકેના રક્ષા મંત્રાલયે જણાવ્યું કે રશિયાની સેનાએ રાજધાની કિએવમાં પહોંચવા માટે વધુ એક રસ્તો શોધી લીધો છે.
યુક્રેનના રાષ્ટ્રપતિએ કહ્યું કે દુનિયાએ અમને રશિયા સામે લડવા માટે એકલા છોડી દીધા છે. તેમણે યુરોપના નેતાઓની ટીકા કરી અને ત્યાંના લોકોને વિરોધપ્રદર્શન કરીને નેતાઓ પર દબાણ લાવવા કહ્યું.
તેમણે કહ્યું કે ,"હું રશિયાનો ટાર્ગેટ નંબર વન છું અને મારો પરિવાર બીજા નંબર પર છે." તેમણે શુક્રવાર સવારે દાવો કર્યો હતો કે રશિયાના હુમલામાં યુક્રેનના 130થી વધુ લોકોનાં મોત થયાં છે.
જે રીતે રશિયાની સેનાઓ લગભગ 24 કલાકમાં યુક્રેનમાં હાહાકાર મચાવી દીધો તે જોતાં શુક્રવાર સાંજ થતાની સાથે તેમણે ફરી વીડિયો સંબોધનમાં કહ્યું કે તેમણે રાષ્ટ્રપતિ પુતિનને કહ્યું છે કે, "આટલાં મોત રોકવા માટે બેસીને વાત કરીએ."
છેવટે રશિયાએ પણ વાતચીત માટે તૈયારી બતાવી પણ સાથે એક શરત મૂકી.
યુક્રેન સાથે વાતચીત માટે રશિયા તૈયાર, મૂકી આ શરત
રશિયાના રાષ્ટ્રપતિના પ્રવક્તાએ કહ્યું છે કે રશિયા યુક્રેન સાથે વાત કરવા માટે પ્રતિનિધિમંડળને મિન્સ્ક મોકલવા તૈયાર છે.
જેમ કે તમે જાણો છો કો યુક્રેનના રાષ્ટ્રપતિ ઝૅલેન્સ્કીએ યુક્રેનના ન્યૂટ્રલ સ્ટેટસ (તટસ્થતા) વિશે વાત કરવાની તૈયારી બતાવી હતી.
"આ સંબંધમાં ઝૅલેન્સ્કીના પ્રસ્તાવના જવાબમાં વ્લાદિમીર પુતિન રક્ષા મંત્રાલય, વિદેશ મંત્રાલય અને રાષ્ટ્રપતિ પ્રશાસનના સ્તરે રશિયન પ્રતિનિધિમંડળને યુક્રેનના પ્રતિનિધિમંડળ સાથે વાત કરવા માટે મિન્સ્ક મોકલવા તૈયાર છે."
આજે, વોલોદિમીર ઝૅલેન્સ્કીએ વ્યક્તિગત રૂપે વ્લાદિમીર પુતિન સાથે વાત કરીને કહ્યું કે "આટલાં મૃત્યુ રોકવા માટે વાટાઘાટ માટે બેસીએ."
ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસકૉવે કહ્યું કે રશિયા બેલારુસની રાજધાની મિન્સ્કમાં યુક્રેન સાથે વાતચીત માટે તૈયાર છે. આ માહિતી રશિયાની સમાચાર એજન્સી આરઆઈએ નોવોત્સીએ આપી છે.
પરંતુ તેમણે કહ્યું કે યુક્રેનની તટસ્થતા વિશે વાતચીત થશે- જેમાં "ડિમિલિટરાઇઝેશન" સામેલ છે. રશિયા ઇચ્છે છે કે યુક્રેન નેટોમાં જોડાવાનો ઇરાદો હંમેશાં માટે છોડી દે.
યુક્રેનના રાષ્ટ્રપતિએ વ્લાદિમીર પુતિનને વાતચીત માટે વિનંતી કરી હતી પરંતુ એ સ્પષ્ટ નથી કે તેઓ આ શરતે વાત કરવા માટે તૈયાર છે.
જોકે ત્યાર બાદ દિમિત્રી પૅસ્કૉવે કહ્યું કે યુક્રેને પોલૅન્ડની રાજધાની વૉરસોમાં વાતચીત કરવાનો પ્રસ્તાવ મૂક્યો અને પછી તે ગાયબ થઈ ગયું. યુક્રેને વિરામ લીધો અને પછી પોતાના રહેણાક વિસ્તારમાં હથિયારો તહેનાત કરવા લાગ્યું.
બીજી તરફ યુક્રેના વિશે મંત્રાલયે આંતરરાષ્ટ્રીય સમુદાયને રશિયા પર વધારે પ્રતિબંધ મૂકીને મૉસ્કો સાથે સંબંધ ખતમ કરવાની વિનંતી કરી છે.
કિએવ સહિત અનેક શહેરોમાં રશિયન સેનાનો 'હુમલો' અને અફરાતફરી
રશિયન સૈનિકો કિએવમાં પ્રવેશી ગયા હોવાની પુષ્ટિ યુક્રેનિયન અધિકારીઓએ કરી હતી. કિએવમાં ભારે અફરાતફરીનો માહોલ હતો.
બીજી તરફ સમગ્ર યુક્રેનમાં રશિયાના હુમલાની તસવીરો સમગ્ર દિવસ આવતી રહી. ઉમાન શહેરમાં હુમલાના સમાચાર આવ્યા હતા. આ સિવાય ચેરનિહિવમાં સિક્યૉરિટી સર્વિસની ઇમારત, ખેરસોન પ્રાંતના એન્તોનોવ્સ્કી અને દ્નિપેર બ્રિજ પર હુમલો કરાયો હતો.
કિએવમાં ઠેરઠેર શેલિંગના સમાચાર આવ્યા હતા. કિએવના સ્થાનિક પ્રશાસન અનુસાર શહેરમાં એક સ્થળે શેલિંગમાં ચાર વ્યક્તિઓનાં મૃત્યુ થયાં છે અને 15 લોકો ઈજાગ્રસ્ત થયા છે.
શુક્રવારે કિએવના અધિકારીઓએ રશિયા તરફથી રૉકેટ હુમલાનો દાવો કર્યો અને તેના વીડિયો પણ પોસ્ટ કર્યા. જોકે રશિયાની સરકારી સમાચાર સંસ્થાએ રશિયાના સંરક્ષણ મંત્રાલયને ટાંકતાં કહ્યું કે શહેરમાં અલગઅલ વસ્તુઓને નિશાન નથી બનાવાઈ.
રશિયન સંરક્ષણ મંત્રાલયે આધિકારિક નિવેદનમાં આ રિપોર્ટ્સ પર ટિપ્પણી ન કરી અને કહ્યું કે રહેણાક વિસ્તાર પર હુમલો નહીં કરાય.
બ્રિટનના રક્ષામંત્રી બેન વૉલેસે દાવો કર્યો છે કે, "યુક્રેનમાં સૈન્ય કાર્યવાહી દરમિયાન રશિયાના 450 જેટલા સૈનિકો માર્યા ગયા છે."
બ્રિટનની ન્યૂઝ ચૅનલ સ્કાય ન્યૂઝ સાથેની વાતચીતમાં તેમણે આ વાત કહી હતી.
શુક્રવાર સવારે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝૅલેન્સ્કીએ કહ્યું કે રશિયન સેનાના હુમલાના પહેલા દિવસે યુક્રેનમાં 137 નાગરિકોનાં મૃત્યુ થયાં છે. તેમાં સૈનિકો અને સામાન્ય નાગરિકોનો સમાવેશ થાય છે.
અન્ડરગ્રાઉન્ડ મેટ્રો સ્ટેશનમાં આશરો મેળવી રહ્યા છે યુક્રેનવાસીઓ
રશિયાના હુમલા બાદ યુક્રેનવાસીઓ અન્ડરગ્રાઉન્ડ મેટ્રો સ્ટેશનમાં આશરો મેળવી રહ્યા છે.
તસવીરો દર્શાવે છે કે, વૃદ્ધો અને બાળકો સહિત પરિવારોએ રશિયાના હુમલાની પ્રથમ રાત મેટ્રો સ્ટેશનમાં વીતાવી હતી.
લોકો પોતાના સામાનની આસપાસ ધાબળો ઓઢીને સૂતા નજરે પડ્યા હતા.
યુક્રેનમાં કરફ્યૂ લાગુ કરવામાં આવ્યો છે અને મેટ્રો સ્ટેશનોને બૉમ્બ શૅલ્ટર તરીકે ઉપયોગમાં લેવા માટે ખુલ્લા રાખવામાં આવ્યા છે.
હજારો યુક્રેનિયન નાગરિકો પોતાના ઘર છોડીને પાડોશી દેશોમાં જઈ રહ્યા છે. સંયુક્ત રાષ્ટ્ર હાઇ કમિશનર ઑફ રૅફ્યૂજીઝે શરણાર્થીઓનો આંકડો એક લાખથી વધુ દર્શાવ્યો છે.
યુક્રેનથી મોટી સંખ્યામાં લોકો દેશ છોડીને પાડોશી દેશો તરફ જઈ રહ્યા છે. સંખ્યાબંધ પરિવારો પશ્ચિમમાં પોલૅન્ડ તરફ જવા માટે ટ્રેનોમાં સવાર થયા છે. રોમાનિયા તથા પોલૅન્ડ તરફ લોકો જઈ રહ્યા છે.
યુક્રેનના રાષ્ટ્રપતિએ યુરોપના નેતાઓ પર ભડક્યા, કહ્યું 'પૂરતાં પગલાં નથી લીધાં'
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝૅલેન્સ્કી કિએવમાં પોતાના ઑફિસથી આપેલા નિવેદનમાં કહ્યું કે રશિયાના આક્રમણને રોકવા માટે યુરોપના નેતાઓ પૂરતાં પગલાં નથી લીધાં.
તેમણે કહ્યું, "બીજા વિશ્વયુદ્ધની જેમ, તમે કહ્યું હતું કે હવે ક્યારેય આવું નહીં થાય, પરંતુ આજે પણ આવું જ થઈ રહ્યું છે અને તમે જવાબમાં અપૂરતાં પગલાં લઈ રહ્યા છો."
ઝૅલેન્સ્કીએ કહ્યું કે જો યુરોપના નેતાઓ પગલાં લે તો રશિયાના આક્રમણને રોકવામાં હજી મોડું નથી થયું, અને યુરોપિયન સંઘના નાગરિકોને વિરોધપ્રદર્શન કરીને તેમની સરકારોને નિર્ણાયક કાર્યવાહી લેવા માટે દબાણ લાવે.
રશિયા સામે લડાઈ માટે યુક્રેને કિએવમાં સ્વયંસેવીઓને 18,000 મશીન ગન્સ આપી
રશિયાની સેના એક તરફ કિએવ પર ચડાઈ કરવા પહોંચી છે ત્યારે અધિકારીઓએ જનતાને રશિયાન સેનાને રોકવા માટે શક્ય હોય તે કરવા માટે વિનંતી કરી છે.
સંરક્ષણમંત્રાલય અને આંતરિક બાબતોના મંત્રાલયે કિએવના રહેવાસીઓને "રશિયાની સેનાની મૂવમેન્ટ વિશે માહિતા આપવા, મૉલટોવ કૉકટેએલ અને દુશ્મનને નાથવામાં મદદ કરવાની" વિનંતી કરી છે.
પેટ્રોલ બૉમ્બ કેવી રીતે બનાવવા તે અંગે આંતરિક બાબતોના મંત્રાલયે સોશિયલ મીડિયા પર દિશાનિર્દેશો પોસ્ટ કર્યા છે.
આંતરિક મંત્રાલયના સલાહકાર વૅડિમ ડેનિસેંકોએ કહ્યું કે કિએવમાં સ્વયંસેવીઓ જે પોતાની રાજધાને રશિયાથી બચાવવા માગે છે તેમને 18,000 મશીન ગન્સ આપવામાં આવી છે".
"યુક્રેનના સૈનિક ઉપકરણો રશિયા સામે બચાવ માટે કિએવમાં લાવવામાં આવી રહ્યા છે."
ભારતીય વિદ્યાર્થીઓને યુક્રેનમાંથી બહાર કાઢવા માટે ભારતની સરકાર શું કરી રહી છે?
યુક્રેન ખાતેના ભારતીય દૂતાવાસે વિદ્યાર્થીઓને સલામત બહાર કાઢવા માટે હંગેરી સાથેની યુક્રેનની સરહદ પર ચોપ-ઝાહોની ખાતે તથા રોમાનિયા સાથેની સરહદ પર પૉર્યુબન-સિરેત ચૅકપોસ્ટ ખાતે ખાસ ટીમો તહેનાત કરવામાં આવી છે. જેઓ રશિયન ભાષાના જાણકાર છે.
વિદ્યાર્થીઓને 'મક્કમ, સલામત અને સતર્ક' રહેવા તાકીદ કરવામાં આવી છે.
યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને સુવ્યવસ્થિત રીતે જમીનમાર્ગે સરહદ પર પહોંચવા તાકિદ કરવામાં આવી છે. તેમને સાથે પાસપૉર્ટ, આકસ્મિક જરૂરિયાત માટે યુએસ ડૉલર, (શક્ય હોય તો) વૅક્સિનના બંને ડોઝના સર્ટિફિકેટ તથા પ્રવાસ સમયે વાહન પર સ્પષ્ટ રીતે દેખાય તેમ ભારતીય ઝંડો ચીપકાવવા સલાહ આપવામાં આવી છે.
અંધાધૂંધીને કારણે વિદ્યાર્થીઓને સંયુક્ત રીતે સંકલન કરીને નીકળવા આહ્વાન કરવામાં આવ્યું છે.
કેટલાક વિદ્યાર્થીઓ પગપાળા જ સરહદ તરફ જવા નીકળી ગયા છે, તો કેટલાકને સરહદ સુધી પહોંચવા માટે કૉલેજો દ્વારા બસની વ્યવસ્થા કરી આપવામાં આવી છે.
બીજી બાજુ, યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓના વાલીઓ અને માતા-પિતાએ નવી દિલ્હીમાં રશિયાના રાજદૂતાલય બહાર દેખાવો કર્યા હતા અને તેમને સલામત રીતે પરત લાવવા વ્યવસ્થા ઊભી કરવા માગ કરી હતી.
કેટલાક વિદ્યાર્થી સરહદ સુધી પહોંચી શકે તેમ નથી, તેમની પાસે ભોજન છે, પરંતુ તે ખૂટી રહ્યું છે અને ખાદ્યપદાર્થોના ભાવ વધી ગયા છે.
ભારતના વિદેશ મંત્રી તથા ગુજરાતમાંથી રાજ્યસભાના સંસદસભ્ય એસ. જયશંકરે રોમાનિયાના વિદેશમંત્રી સાથે ફોન ઉપર વાત કરી હતી અને સંકટના સમયમાં મળેલા સહકાર બદલ આભાર માન્યો હતો.
શુક્રવારે ભારતની બે ફ્લાઇટ રોમાનિયાના બુકારેસ્ટ પહોંચશે, જ્યારે એક ફ્લાઇટ શનિવારે હંગેરીના બુડાપેશ ખાતે ઊતરશે.
આ સિવાય પોલૅન્ડ અને સ્લોવાક ગણરાજ્યના રસ્તે પણ ભારતીયોને બહાર કાઢવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે.
ઍરઇન્ડિયાના ખાનગીકરણ બાદ ભારત સરકાર દ્વારા આ વિશિષ્ટ વિમાનોનું સંચાલન હાથ ધરવામાં આવ્યું છે. ભારતીય વાયુદળે જરૂર પડ્યે વિદેશમાં ફસાયેલા ભારતીયોને સલામત રીતે બહાર કાઢવા વિશેષ ઉડ્ડાણ હાથ ધરવાની તૈયારી દાખવી છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો