નેપાળના મુખ્ય ન્યાયાધીશ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટના જજોએ કેમ બળવો કર્યો?

    • લેેખક, શરદ કેસી
    • પદ, બીબીસી સંવાદદાતા
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 3 મિનિટ

નેપાળની સુપ્રીમ કોર્ટ 'રાજકીય વિવાદ'માં ફસાઈ ગઈ છે તથા તેના કેન્દ્રમાં દેશના મુખ્ય ન્યાયાધીશ ચોલેન્દ્ર શમશેર જબરા રાણા છે.

ચીફ જસ્ટિસ રાણા ઉપર આરોપ છે કે તેમણે રાજકીય લાભના બદલામાં ચુકાદા આપ્યા, જેની સામે સુપ્રીમ કોર્ટના જજોએ અવાજ ઉઠાવ્યો છે.

મુખ્ય ન્યાયાધીશ રાણાએ તેમની ઉપરના આરોપોને નકાર્યા છે તથા રાજીનામું આપવાનો ઇન્કાર કર્યો છે. આ ગજગ્રાહને કારણે અદાલતોનું કામકાજ ઠપ થઈ ગયું છે.

મુખ્ય ન્યાયાધીશ ચોલેન્દ્ર શમશેર જબરા રાણાએ ગુરૂવારે એકલ તથા પૂર્ણ સત્ર બોલાવ્યા હતા, જેમાં વિરોધ કરનારા જજોને પણ આવવા માટે કહેવામાં આવ્યું હતું.

ભયના ઓથાર હેઠળ જજો

અવાજ ઉઠાવનારા સુપ્રીમ કોર્ટના એક ન્યાયાધીશે બીબીસી સાથે વાત કરતા જણાવ્યું કે તેઓ બંદી પ્રત્યક્ષીકરણ (હેબિયસ કોર્પસ)ની અરજી દાખલ કરવા ઉપર વિચાર કરી રહ્યા છે.

બળવો પોકારનારા અન્ય એક જજે બીબીસી સાથે વાત કરતા ચિંતા વ્યક્ત કરી હતી કે મુખ્ય ન્યાયાધીશ રાજીનામું તો નહીં આપે, પરંતુ 'આંદોલનમાં સામેલ' તેમના જેવા અન્ય જજોને પ્રતાડિત કરવામાં આવે તેવી શક્યતા છે.

કેટલાક અસંતુષ્ટ ન્યાયાધીશો ગુરૂવારે કોર્ટમાં બેઠા ન હતા અને ગુરૂવારે બંદી પ્રત્યક્ષીકરણની અરજી પણ દાખલ કરવામાં આવી હતી. વિદ્રોહમાં સામેલ એક ન્યાયાધીશે બીબીસી સાથે વાત કરતા જણાવ્યું કે સત્રની કાર્યવાહીનો બહિષ્કાર કરવાનો નિર્ણય ઔપચારિકપણે લેવામાં નહોતો આવ્યો.

કોર્ટ, કલહ અને કાર્યવાહી

સુપ્રીમ કોર્ટના જણાવ્યા પ્રમાણે, તેની સમક્ષ 28 હજાર 626 કેસ પડતર છે. એક દાયકા પહેલાં પડતર કેસોની સંખ્યા સરેરાશ નવ હજાર જેટલી હતી.

આ સંજોગોમાં અદાલતની કાર્યવાહી ઠપ થતાં ન્યાયની આશાએ દેશના સર્વોચ્ચ સ્થાને આવનારા લોકોને નિરાશા સાંપડી રહી છે. એક જુનિયર જજે બીબીસી સાથે વાત કરતા જણાવ્યું કે અસીલોને તકલીફ ન પડે તે માટે એકમત થવાની જરૂર છે.

હવે જજો ઉપરાંત બાર ઍસોસિયેશન તથા ઍટર્ની જનરલ પણ આ વિવાદના ભાગરૂપ બની ગયા છે. ત્યારે સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે દરમિયાનગીરી કોણ કરશે તથા ઉકેલ કેવી રીતે લાવવામાં આવશે?

અદાલત અવરોધ અને આરોપ

નેપાળની લોકશાહીમાં નેતાઓ અને સરકારી બાબુઓ ભલે વિવાદમાં સપડાયા હોય, પરંતુ ન્યાયતંત્ર તથા સેના મુદ્દે કદાચ જ વિવાદ થયા છે.

વર્તમાન વિવાદમાં રાજકીય મુદ્દો ઉખડ્યો છે અને અદાલતોની કામગીરી ઠપ થઈ ગઈ છે. બાર ઍસોસિયેશન તથા સુપ્રીમ કોર્ટના અનેક જજોએ મુખ્ય ન્યાયાધીશ ચોલેન્દ્ર રાણાના રાજીનામાની માગ કરી છે, જેના કારણે ત્રણ દિવસથી અદાલતોની કાર્યવાહી ઠપ થઈ ગઈ છે. અને સુપ્રીમ કોર્ટમાં અગાઉથી નિર્ધારિત તારીખોએ સુનાવણી નથી થઈ રહી.

ચોલેન્દ્ર રાણા ઉપર આરોપ છે કે દેશમાં રાજકીય સંકટ ચાલી રહ્યું હતું ત્યારે તેમણે પોતાના સંબંધીને પ્રધાનપદના બદલામાં ચુકાદાને અસર પહોંચાડી હતી. તેમની ઉપર આરોપ છે કે શેરબહાદુર દેઉબાની સરકારમાં તેમણે પોતાના સંબંધીને સ્થાન અપાવ્યું હતું.

તા. 14મી જુલાઈએ સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ પૂર્વ વડા પ્રધાન કેપી શર્મા ઓલીની સરકારનું પતન થયું હતું અને દેઉબાને સરકાર રચવાનો મોકો મળ્યો હતો.

દેઉબાએ પાંચ પક્ષોની યુતિ સરકારનું ગઠન કર્યું છે. તેમણે ચાલુ મહિને મુખ્ય ન્યાયાધીશના સંબંધી ગજેન્દ્ર હમાલને કૅબિનેટમાં સ્થાન આપ્યું હતું, પરંતુ આ અંગે વિવાદ વકરતા તેમણે પદત્યાગ કર્યો હતો.

બીબીસી સાથેની વાતચીત દરમિયાન મુખ્ય ન્યાયાધીશ ચોલેન્દ્ર રાણાએ તેમની ઉપર લાગેલા તમામ આરોપોને નકારી કાઢ્યા છે અને સ્પષ્ટ કર્યું છે કે તેઓ રાજીનામું નહીં આપે.

રાણાએ મંગળવારે કહ્યું હતું કે તેઓ મહાભિયોગનો સામનો કરશે, પરંતુ તેઓ રાજીનામું નહીં આપે.

રાજકીયપક્ષો મૌન

સુપ્રીમ કોર્ટમાં પ્રવર્તમાન અભૂતપૂર્વ સંકટ અને ત્યાંના રાજકીયદળોએ મૌન સેવી લીધું છે. એમ લાગે છે કે રાજકીય પક્ષો રાણાના રાજીનામાની રાહ જોઈ રહ્યાં છે, જેથી કરીને તેમણે સ્પષ્ટપણે કોઈનો પક્ષ ન લેવો પડે.

નેપાળ કૉંગ્રેસના નેતા તથા વડા પ્રધાન શેરબહાદુર દેઉબાએ મહાભિયોગ અંગે કોઈ નિવેદન નથી આપ્યું. એવું માનવામાં આવે છે કે પાર્ટીમાં તેમના ઉપર આ માટે દબાણ છે.

બીજી બાજુ, પૂર્વ વડા પ્રધાન કેપી શર્મા ઓલીએ પણ મહાભિયોગના સમર્થનમાં કોઈ નિવેદન નથી આપ્યું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો