You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પદ્મભૂષણ સન્માન મેળવનાર અલકા યાજ્ઞિક ભાવુક થયાં, કહ્યું કે આ કરોડો શ્રોતાનું પણ સન્માન - ન્યૂઝ અપડેટ
જાણીતાં પ્લેબૅક સિંગર અલકા યાજ્ઞિકે પ્રતિષ્ઠિત પદ્મભૂષણ સન્માન મળતાં ખુશી અને આભાર વ્યક્ત કર્યાં છે.
તેમણે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઇન્સ્ટાગ્રામ પર એક ભાવુક પોસ્ટ મૂકીને આ સન્માન માટે આભાર માન્યો અને છેલ્લાં બે વરસમાં સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાનો સામનો કરવાનો પણ ઉલ્લેખ કર્યો.
અલકા યાજ્ઞિકે લખ્યું, "છેલ્લાં બે વરસમાં સ્પૉટલાઇટ, સાર્વજનિક કાર્યક્રમો અને પોતાની અંગત સફરને લોકો સાથે શૅર કરવાથી દૂર રહી. આ દરમિયાન હું સ્વાસ્થ્ય સંબંધિત કપરા સમયમાંથી પસાર થઈ રહી હતી, પરંતુ ચાહકોનાં પ્રેમ, પ્રાર્થનાઓ, સંદેશા અને અતૂટ સમર્થને દરેક પગલે મારો સાથ આપ્યો."
ગાયિકા અલકા યાજ્ઞિકે કહ્યું, "દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માનોમાંના એક પદ્મભૂષણ મેળવવો એ મારા માટે બહુ સન્માન અને વિનમ્રતાની વાત છે. આ સન્માન માત્ર મારું નથી, પણ એ કરોડો શ્રોતાનું પણ છે, જેણે મારા અવાજને પોતાના જીવનનો હિસ્સો બનાવ્યો. મારાં ગીતોને પેઢી દર પેઢીએ આગળ વધાર્યાં અને મારા જીવનમાં સારા અને ખરાબ દિવસોમાં મારો સાથે આપ્યો."
અંદાજે બે વર્ષ પહેલાં તેમણે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને જણાવ્યું હતું કે તેમને એક સેન્સર ન્યૂરલ હીયરિંગ લૉસની બીમારી છે. તેમાં સંભળાવું બંધ થઈ જાય છે.
ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મંગળવારે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત સમારોહમાં પદ્મ પુરસ્કાર 2026 આપ્યા હતા.
હોર્મુઝ સામુદ્રધુનીમાં ફસાયેલા 11 હજાર નાવિકોને સંયુક્ત રાષ્ટ્ર બહાર કાઢશે
સંયુક્ત રાષ્ટ્રનું આંતરરાષ્ટ્રીય સાગર સંગઠન (આઇએમઓ) ખાડી વિસ્તારમાં ફસાયેલા 11 હજારથી વધુ નાવિકોને બહાર કાઢવાની તૈયારી કરી રહ્યું છે. આ નાવિક અમેરિકા-ઇઝરાયલ અને ઈરાન વચ્ચે થયેલા યુદ્ધને કારણે ત્યાં ફસાઈ ગયા છે.
આઇએમઓના મહાસચિવ આર્સેનિયો ડોમિંગુએઝે કહ્યું, " આ વિશેષ અભિયાન ઈરાન, ઓમાન, અમેરિકા અને વિસ્તારના અન્ય તટીય દેશોના સહયોગથી ચલાવાશે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગત અઠવાડિયે એક વચગાળાના કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર થયા હતા, જેથી સંઘર્ષ સમાપ્ત થઈ શકે, પરંતુ અમેરિકા અને ઈરાન વચ્ચે હજુ કેટલીક બાબતો મુદ્દે વિવાદ થઈ રહ્યો છે.
અમેરિકાએ કહ્યું કે આ એમઓયુમાં એક ગૅરંટી સામેલ છે કે ઈરાનના પરમાણુ કાર્યક્રમની દેખરેખ આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સી (આઇએઇએ) દ્વારા થાય.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે સોશિયલ મીડિયા પર લખ્યું, "ઈરાને સંપૂર્ણ રીતે અને અંતિમ રૂપથી ભવિષ્યમાં ઉચ્ચ સ્તરીય પરમાણુ નિરીક્ષણોને સ્વીકાર્યા છે. તેનાથી 'પરમાણુ ઈનામદારી' સુનિશ્ચિત થશે."
ટ્રમ્પની પોસ્ટ અગાઉ ઈરાને કહ્યું હતું કે સંયુક્ત રાષ્ટ્રની આ દેખરેખ રાખતી સંસ્થા એ પરમાણુ સ્થળોની દેખરેખ નહીં રાખી શકે, જેને ગત વર્ષે અમેરિકા અને ઇઝરાયલે બૉમ્બમારો કરીને નષ્ટ કરી નાખી હતી.
આના જવાબમાં અમેરિકાના એક અધિકારીએ કહ્યું, "ઈરાનીઓએ પોતાના પરિમાણ હથિયાર કાર્યક્રમના અવશેષો પર આઇએઇએની દેખરેખ પર સહમતિ આપી છે. ઈરાની શાસન પોતાના નાગરિકો માટે જે કહેવું હોય એ કહે."
ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયાને મંગળવારે પાકિસ્તાનની મુલાકાત દરમિયાન કહ્યું કે "ઈરાન કોઈ પણ પરિસ્થિતિમાં, કોઈની પણ સાથે, પોતાની રક્ષા ક્ષમતાઓ પર ક્યારેય વાતચીત નહીં કરે."
12 ભારતીયનાં મોત પર કતારના અમીરે સંવેદના વ્યક્ત કરી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે કતારના અમીર, શેખ તમીમ બિન હમદ અલ-થાનીનો આભાર માન્યો છે.
અમીરે વડા પ્રધાન મોદીને ફોન કરીને રાસ લાફાનમાં થયેલી દુર્ઘટનામાં ભારતીય નાગરિકોનાં મોત બદલ દુખ વ્યક્ત કર્યું અને ઘાયલોના સાજા થવાની કામના કરી હતી.
બાદમાં વડા પ્રધાને ઍક્સ પર લખ્યું કે "કતારના અમીરે ફોન કરીને ભારતીય નાગરિકોનાં દુખદ મોત પર સંવેદના પ્રગટ કરી એ માટે હું તેમનો આભાર માનું છું. આ દુર્ઘટના કતારના રાસ લાફાન ઇન્ડસ્ટ્રિયલ સિટીમાં થઈ હતી."
"અમે બંને એ પરિવારના દુખમાં સામેલ છીએ, જેણે પોતાના સ્વજનો ગુમાવ્યા છે અને ઘાયલો જલદી સાજા થઈ જાય તેવી પ્રાર્થના કરીએ છીએ."
"ભારત અને કતાર પોતાના નાગરિકોની સુરક્ષા અને ભલાઈ સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે અને આ કપરા સમયમાં એકબીજા સાથે ઊભા છીએ."
રવિવારે કતારના રાસ લાફાન ઇન્ડસ્ટ્રિયલ સિટીમાં એક ફૅક્ટરીમાં થયેલા બ્લાસ્ટમાં 13 લોકોનાં મોત થયાં અને તેમાં 12 ભારતીય હતા.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન