સ્વિટ્ઝર્લૅન્ડમાં ઈરાન-અમેરિકાની વાતચીતમાં શહબાઝ શરીફ પણ થશે સામેલ – ન્યૂઝ અપડેટ

પ્રકાશિત
વાંચવાનો સમય: 4 મિનિટ

અમેરિકા અને ઈરાન વચ્ચે સ્વિટ્ઝર્લૅન્ડમાં આજે સીધી વાતચીત શરૂ થનારી છે. તેમાં મધ્યસ્થ તરીકે પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફ અને ફિલ્ડ માર્શલ જનરલ આસિમ મુનીર પણ ભાગ લેશે.

શહબાઝ શરીફની કચેરીએ બીબીસીને જણાવ્યું કે પાકિસ્તાને આખા યુદ્ધ દરમિયાન મધ્યસ્થની ભૂમિકા ભજવી છે. પહેલાં પણ અમેરિકા-ઈરાનની વાતચીતની ઇસ્લામાબાદ ખાતે યજમાની કરી હતી.

પાકિસ્તાનના વડા પ્રધાન કાર્યાલયે ઍક્સ પોસ્ટમાં શનિવારે રાત્રે જ જાણકારી અપાઈ હતી કે "વડા પ્રધાન મોહમ્મદ શહબાઝ શરીફ અને સેના પ્રમુખ ફિલ્ડ માર્શલ સૈયદ આસિમ મુનીર આ વાતચીતમાં ભાગ લેશે. વડા પ્રધાન ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ સાથે ઇસ્લામાબાદથી સ્વિટ્ઝર્લૅન્ડ રવાના થઈ ચૂક્યા છે."

ઉલ્લેખનીય છે કે અમેરિકાના ઉપ રાષ્ટ્રપતિ જેડી વેન્સ પણ વાતચીત માટે શનિવારે મોડી રાત્રે વૉશિંગ્ટનથી સ્વિટ્ઝર્લૅન્ડ રવાના થઈ ગયા છે.

ઈરાન તરફથી સંસદના સ્પીકર મોહમ્મદ બગર ગાલિબાફ અને વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી પહેલા જ સ્વિટ્ઝર્લૅન્ડ પહોંચી ચૂક્યા છે.

આ સપ્તાહની શરૂઆતમાં અમેરિકા અને ઈરાનના રાષ્ટ્રપતિઓએ એક પ્રારંભિક સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા. જેમાં તમામ મોરચા પર યુદ્ધને સમાપ્ત કરવાની અને આવતા 60 દિવસ સુધી અંતિમ સમજૂતી સુધી પહોંચવાની વાત કરાઈ હતી.

ડોનાલ્ડ ટ્રમ્પે હવે હોર્મુઝ સામુદ્રધુનીને લઈને કર્યું આ ઍલાન

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઍલાન કર્યું છે કે યુદ્ધવિરામ દરમિયાન 60 દિવસ સુધી હોર્મુઝ સ્ટ્રેટમાં કોઈ ટોલ નહીં લાગે.

ડોનાલ્ડ ટ્રમ્પનું આ ઍલાન ત્યારે આવ્યું જ્યારે ઈરાનના ખાતમ અલ-અંબિયા મુખ્યાલયે ઘોષણા કરી કે હોર્મુઝ સ્ટ્રેટને જહાજો માટે 'બંધ' કરવામાં આવે છે.

ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર લખ્યું, "યુદ્ધવિરામ દરમિયાન 60 દિવસો સુધી હોર્મુઝ સ્ટ્રેટમાં કોઈ ટોલ નહીં લાગે. 60 દિવસ પૂર્ણ થયા બાદ પણ કોઈ ટોલ નહીં લાગે. જ્યાં સુધી કે અમેરિકા તરફથી કોઈ ટોલ ન લગાવવામાં આવે."

તેમણે આગળ લખ્યું, "જો સમજૂતી નહીં થાય, તો આ ટોલ એ સેવાઓ માટે લેવાશે જે અમેરિકાએ મિડલ ઇસ્ટના દેશો માટે 'ગાર્ડિયન એન્જલ' બનીને આપી છે. તેમાં જૂના, હાલના અને આવનારા ખર્ચની ભરપાઈ સામેલ છે."

આ પહેલા શનિવારે ઈરાનના રિવૉલ્યુશનરી ગાર્ડ કૉર (આઈઆરજીસી)ના નૌકાદળે કહ્યું કે હોર્મુઝ સ્ટ્રેટ તમામ જહાજો માટે બંધ કરી દેવામાં આવ્યું છે. નૌકાદળે તેનું કારણ જણાવતા કહ્યું કે અમેરિકા તથા ઇઝરાયલે યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે.

બીજી તરફ, અમેરિકાએ એ આરોપનું ખંડન કર્યું છે.

અમેરિકાના ઉપ રાષ્ટ્રપતિ જેડી વેન્સે કહ્યું, "અમને એવા કોઈ પુરાવા નથી મળ્યા કે ઈરાનીઓએ હજુ પણ હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરી રાખ્યું છે."

આજે નીટની ફરી વખત લેવાશે પરીક્ષા

નીટ (યુજી) 2026ની ફરીથી પરીક્ષા આજે યોજાવાની છે. તે પહેલાં સેન્ટર ફાળવણીને લઈને એક નવા વિવાદને કારણે નૅશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ) ચર્ચામાં આવી ગઈ હતી.

હકીકતમાં એક વિદ્યાર્થીએ દાવો કર્યો કે તેનું પરીક્ષા કેન્દ્ર નાગપુરની જગ્યાએ અબુ ધાબી ફાળવવામાં આવ્યું હતું. જોકે, એનટીએએ અબુ ધાબી સેન્ટર ફાળવવાની જવાબદારી ઉમેદવાર પર જ ઢોળી દીધી છે.

શનિવારે એનટીએએ કહ્યું કે ઉમેદવારે પોતે પોર્ટલ મારફતે પરીક્ષા શહેરની પસંદગીઓમાં ફેરફાર કર્યો હતો. તેણે અબુ ધાબીને પ્રથમ અને દુબઈને બીજી પસંદગી તરીકે પસંદ કર્યું હતું.

જ્યારે વિદ્યાર્થીના પિતા અબ્દુલ્લા તાલિબે કહ્યું કે તેમના પુત્રએ નીટ યુજી પરીક્ષા માટે નાગપુર, વર્ધા અને ભંડારા પરીક્ષા કેન્દ્રોને પ્રાથમિકતા આપી હતી.

નૅશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ)એ 3 મેના રોજ યોજાયેલી નીટ (યુજી) 2026ની પરીક્ષાને પેપરલીકની ફરિયાદ બાદ રદ કરી દીધી હતી. એનટીએએ કહ્યું હતું કે કેન્દ્ર સરકારની મંજૂરી બાદ પરીક્ષા રદ કરવામાં આવી હતી. ત્યારબાદ નીટ પરીક્ષા માટે નવી તારીખની જાહેરાત કરવામાં આવી હતી.

કૉક્રોચ જનતા પાર્ટી : જંતરમંતર પર ધરણા પર બેઠેલા અભિજિત દીપકેએ લોકોને શું અપીલ કરી?

કૉક્રોચ જનતા પાર્ટી (સીજેએપી)ના પ્રમુખ અભિજિત દીપકેએ જાહેરાત કરી છે કે તેઓ 'શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા સુધી જંતરમંતર નહીં છોડે.'

તેમણે લોકોને અપીલ કરતાં શનિવારે મોડી રાત્રે સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો.

અભિજિત દીપકેએ લોકોને સવારે 9 વાગ્યે દિલ્હીના જંતર-મંતર પહોંચવાની અપીલ કરી છે, તેમણે કહ્યું કે તેમની આ અપીલ ખાસ કરીને દિલ્હીવાસીઓ માટે છે.

સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર પોસ્ટ કરાયેલા વીડિયોમાં અભિજિત દીપકેએ કહ્યું, "જેમ કે તમે બધા જાણો છો કે અમે હજુ પણ જંતરમંતર પર છીએ. અમારું પ્રદર્શન આખી રાત ચાલુ રહેશે અને કાલે પણ ચાલુ રહેશે. હું આપ સૌને વિનંતી કરું છું કે સવારે નવ વાગ્યે જંતરમંતર આવો, અમને તમારા સમર્થનની જરૂર છે."

તેમણે કહ્યું, "અમે લોકોએ સંપૂર્ણ પ્રયાસ કર્યો, અમે આ પ્રદર્શનને જેટલું ખેંચી શકીએ એટલું ખેંચી ચૂક્યા છીએ. પરંતુ તમારા સાથ વગર આ પ્રદર્શન સફળ નહીં થાય. વિદ્યાર્થીઓ, માતાપિતા અને શિક્ષકો અને ખાસ કરીને દિલ્હીવાસીઓને વિનંતી છે કે તેઓ પ્રદર્શનમાં જોડાય."

દીપકેએ કહ્યું, "તમારા ઘરમાં લડાઈ ચાલી રહી છે, તમારા ઘરમાં અમે તમારો હક માંગીએ છીએ. જો હજુ પણ તમે આગળ નહીં આવો, જો હજુ પણ તમે સાથે નહીં આવો તો આ દેશમાં બચેલી એક આશા પણ સમાપ્ત થઈ જશે. હવે તમારી જવાબદારી છે."

ઉલ્લેખનીય છે કે, શનિવાર બપોરથી જ જંતરમંતર પર સીજેએપીનું પ્રદર્શન ચાલુ છે. જ્યારે દિલ્હી પોલીસે પ્રદર્શનકારીઓને અપીલ કરી છે કે તેઓ શક્ય તેટલી વહેલી તકે પ્રદર્શનસ્થળ ખાલી કરે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન