You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અફઘાનિસ્તાનમાં અહમદ મસૂદનું 'રાષ્ટ્રીય વિદ્રોહ'નું આહ્વાન, તાલિબાનનો દાવો, 'પંજશીર આખું કબજે’
તાલિબાનવિરોધી સંગઠન નેશનલ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (એનઆરએફ)ના પ્રમુખ નેતા અહમદ મસૂદે સોશિયલ મીડિયા પર એક વીડિયો જાહેર કરીને તાલિબાન વિરુદ્ધ 'રાષ્ટ્રીય વિદ્રોહ'નું આહ્વાન કર્યું છે.
તેમણે એક ટ્વીટ કરીને કહ્યું, "અમે પંજશીરમાં જ છીએ અને અમારો વિદ્રોહ ચાલુ રહેશે."
થોડા સમય પહેલાં જ મસૂદે લગભગ સાત મિનિટનો ઑડિયો સંદેશ ટ્વીટ કરતાં લખ્યું, "પોતાના ધર્મ, પોતાના સન્માન અને પોતાના દેશ માટે લડવું - એ જ સામર્થ્ય છે. આનાથી વધારે સન્માનજનક બીજું કંઈ નથી."
"બલ્ખથી લઈને પંજશીર સુધી મારો પરિવાર અવાજ ઊઠાવી રહ્યો છે. તાલિબાન અમારા પરિવારજનોની હત્યા માટે નીકળી ચૂક્યું છે. એ પંજશીરના દરેક દરવાજે જઈ રહ્યું છે."
તેમણે એવું પણ કહ્યું કે તાલિબાનીઓ મોલવીઓની અપીલને અવગણીને એનઆરએફના લોકો પર હુમલા કરી રહ્યા છે.
પોતાના પરિવારના કેટલાક સભ્યોની રવિવારે હત્યા કરી દેવાઈ હોવાનું પણ મસૂદે જણાવ્યું છે.
આ રૅકૉર્ડિંગમાં મસૂદે આંતરરાષ્ટ્રીય સમુદાયને તાલિબાનને વૈધતા આપવા ઉપરાંત સૈન્ય અને રાજકીય સમર્થન આપવા માટે પણ દોષી ગણાવ્યો છે.
તેમણે કહ્યું કે વિદ્રોહી સૈન્ય હજુ પણ પંજશીરમાં હાજર છે અને પોતાની લડાઈ ચાલુ રાખશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આઈએસઆઈના પ્રમુખની મુલ્લા બરાદર સાથે મુલાકાત
તાલિબાને એ વાતની પુષ્ટી કરી છે કે પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈના પ્રમુખે પોતાની કાબુલયાત્રા દરમિયાન તાલિબાનના નેતા સાથે મુલાકાત કરી હતી.
આઈએસઆઈના મહાનિદેશક લેફ્ટનન્ટ નજર ફૈઝ હમીદે પણ ગત દિવસોમાં કાબુલની એક અઘોષિત મુલાકાત લીધી હતી.
કાબુલ પર ગત મહિને તાલિબાનના કબજા બાદ કોઈ વિદેશી અધિકારીની આ પ્રથમ મુલાકાત હતી.
સોમવારે તાલિબાનના પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદે એક પત્રકારપરિષદમાં આ વાતની જાહેરાત કરી હતી કે આઈએસઆઈના પ્રમુખે મુલ્લા બરાદર સાથે મુલાકાત કરી હતી.
તાલિબાન પ્રવક્તાએ આ અંગે જાણકારી આપતાં કહ્યું, "પાકિસ્તાની પ્રતિનિધિમંડળે ડુરંડ લાઇનની સુરક્ષા અને જેલમાંથી એવા કેદીઓના ભાગવાના મામલે ચિંતા વ્યક્ત કરી છે, જે પાકિસ્તાનમાં આતંકવાદ ફેલાવી શકે એમ છે."
"અમે તેમને વિશ્વાસ અપાવ્યો કે અફઘાનિસ્તાનમાં પાકિસ્તાન વિરુદ્ધ કોઈ પણ કાર્યવારીની પરવાનગી નહીં આપીએ."
પંજશીર પર તાલિબાનનો કબજો?
તાલિબાને દાવો કર્યો છે કે તેમણે પંજશીર પર સંપૂર્ણ કબજો કરી લીધો છે. જોકે, વિરોધી નેશનલ રેઝિસ્ટન્સ ફ્રન્ટે આ દાવ ફગાવી દીધો છે.
તાલિબાનના પ્રવક્તાએ કહ્યું કે, "આ વિજય સાથે દેશ હવે યુદ્ધમાંથી સંપૂર્ણ બહાર આવી ગયો છે."
જોકે, નેશનલ રેઝિસ્ટન્સ ફ્રન્ટે કહ્યું કે, તાલિબાને પંજશીર કબજે નથી કર્યું, એમનો દાવો ખોટો છે. અગાઉ અફઘાનિસ્તાનના પંજશીરમાં જારી સંઘર્ષ વચ્ચે વિરોધી સમૂહે કહ્યું હતું કે તાલિબાન સાથે શાંતિમંત્રણા માટે તેમના દરવાજા ખુલ્લા છે.
પંજશીરમાં વિજયના દાવા સાથે તાલિબાનના પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદે પત્રકારો સાથે વાતચીત કરી.
ઝબીહુલ્લાહ મુજાહિદે કહ્યું "પંજશીર ખીણને સંપૂર્ણ સાફ કરી દેવામાં આવી છે અને પંજશીરની લડાઈમાં કોઈ પણ સામાન્ય નાગરિકનું મૃત્યુ નથી થયું."
એમણે કહ્યું, "તાલિબાને જ્યારે પણ સંવાદની કોશિશ કરી તો વિરોધી જૂથોએ નકારાત્મક જવાબ આપ્યો અને અંતિમ ખૂણામાંથી આંતકવાદને સમાપ્ત કરવા તાલિબાને સૈન્ય દળ મોકલ્યું."
એમણે કહ્યું કે, "પંજશીરમાં આજે જ વીજળી અને ઇન્ટરનેટ સેવા શરૂ કરી દેવામાં આવશે." ઉલ્લેખનીય છે કે તાલિબાને પંજશીરની વીજળી, ફોન અને ઇન્ટરનેટ સેવા ખોરવી નાખી હતી.
એમણે દાવો કર્યો છે કે "પૂર્વ રાષ્ટ્રપતિ અમરુલ્લાહ સાલેહ દેશ છોડીને ભાગી ગયા છે."
ઝબીહુલ્લાહે કહ્યું, "પંજશીર જે લોકોના નિયંત્રણમાં હતું તે લોકો ગાયબ છે. અફઘાનિસ્તાન એમનું ઘર છે અને તેઓ જ્યારે ઇચ્છે પરત ફરી શકે છે."
એમણે એમ પણ કહ્યું કે "પંજશીરમાંથી જે હથિયારો જપ્ત કરવામાં આવ્યાં છે અફઘાનિસ્તાનના હથિયાર ભંડોળમાં જમા કરવામાં આવશે."
ગત અઠવાડિયે તાલિબાને ત્રણ દિવસમાં નવી સરકારની રચનાની વાત કરી હતી.
જોકે પત્રકારો સાથેની આ વાતચીતમાં નવી સરકારની રચના અંગે કોઈ વાત કરવામાં નથી આવી.
પત્રકારોએ ઝબીહુલ્લાહને નવી સરકાર અંગે કરેલા સવાલમાં એટલું જ કહેવામાં આવ્યું કે તે "સર્વસમાવેશી" હશે પણ કોઈ વિગતો નથી આપવામાં આવી.
આ પહેલાં અહમદ મસૂદે શું કહ્યું હતું?
આ દરમિયાન નેશનલ રેઝિસ્ટન્સ ફ્રન્ટના નેતા અહમદ મસૂદે એક ટ્વિટ કરીને કહ્યું છે કે તેઓ સુરક્ષિત છે.
અત્યાર સુધી નેશનલ રેઝિસ્ટન્સ ફ્રન્ટ તાલિબાનની જીતનો ઇનકાર કરી રહ્યું હતું.
ત્રણ સપ્ટેમ્બરે મસૂદે ટ્વિટ કરીને કહ્યું હતું, "તાલિબાને પંજશીર કબજે કરી લીધું એવી વાત પાકિસ્તાની મીડિયા કરે છે પણ એ ખોટી છે. પંજશીર કબજે થશે એ મારો અંતિમ દિવસ હશે."
અહમદ મસૂદે કહ્યું છે કે તેમણે એક યોજનાનું સમર્થન કર્યું છે, જે એક સમજૂતી માટે છે. સાથે જ તેમણે તાલિબાન વિરુદ્ધ ચાલી રહેલો સંઘર્ષને ખતમ કરવા અંગે પણ કહ્યું હતું.
સમાચાર સંસ્થા એએફપીએ જણાવ્યું છે કે તાલિબાનવિરોધી નેશનલ રેઝિસ્ટન્ટ ફ્રન્ટે ભાર નુકસાનના અહેવાલો બાદ પંજશીરમાં યુદ્ધવિરામનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. નેશનલ રેઝિસ્ટન્ટ ફ્રન્ટનું કહેવું છે કે તાલિબાન પંજશીરમાંથી નીકળી જાય અને તેના બદલામાં તે લશ્કરી કાર્યવાહી નહીં કરે.
આ પહેલાં એક અહેવાલમાં જણાવ્યું હતું કે તાલિબાને પંજશીરમાં ઝડપથી પોતાની પકડ જમાવી લીધી છે.
રાજધાની કાબુલની ઉત્તરે આવેલા આ પ્રાંતે તાલિબાનના શાસન સામે વિદ્રોહ કર્યો છે.
ત્રણ અઠવાડિયાં પહેલાં 15 ઑગસ્ટે તાલિબાને અફઘાનિસ્તાન પર કબજો કરી લીધો હતો.
બે દિવસ અગાઉ પણ તાલિબાને આવો દાવો કર્યો હતો જેને પૂર્વ ઉપરાષ્ટ્રપતિ અમરુલ્લાહ સાલેહે ફગાવી દીધો હતો. ત્યારે સાલેહે બેઉ પક્ષોને નુકસાન થયું હોવાનું કહ્યું હતું.
ઉલ્લેખનીય છે તાલિબાને કાબુલ કબજે કર્યું એ પછી રાષ્ટ્રપતિ અશરફ ઘનીએ દેશ છોડી દીધો હતો અને પૂર્વ ઉપરાષ્ટ્રપતિ અમરુલ્લાહ સાલેહે પોતાને કાર્યકારી રાષ્ટ્રપતિ જાહેર કર્યાં હતા.
રાજધાની કાબુલની ઉત્તરે આવેલી પંજશીર ખીણ એ અફઘાનિસ્તાનનો એ નાનો અને એકમાત્ર પ્રાંત છે, જેને તાલિબાન કબજે કરી શક્યું નથી.
પહાડોની પાછળ લપાયેલા આ પ્રાંતમાં અંદાજે દોઢથી બે લાખ લોકો વસે છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો