You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વર્જિન હાઇપરલૂપ ટ્રાયલ: અમેરિકાના રણમાં થયેલો આ પૉડ્સ ટ્રાન્સપોર્ટ ટેસ્ટ સુપરસ્પીડની વ્યાખ્યાઓ બદલી દેશે?
- લેેખક, ઝો ક્લેઇનમૅન
- પદ, ટેકનૉલૉજી રિપોર્ટર
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 3 મિનિટ
ભવિષ્યના હાઈસ્પીડ પરિવહન કૉન્સેપ્ટ પર આધારિત વર્જિન હાઇપરલૂપનું યાત્રિકો સાથે અમેરિકાના નેવાડામાં પ્રથમ ટ્રાયલ કરવામાં આવી છે ,જેમાં ટ્રાવેલ પૉડ્સની ગતિ 172 કિલોમિટર પ્રતિકલાક સુધી નોંધાઈ હતી.
આ હાઈસ્પીડ ટ્રાવેલનો કૉન્સેપ્ટ વૅક્યુમ ટ્યૂબ્સમાં પૉડ્સ પર આધારિત છે.
આ ટ્રાવેલ પૉડ્સે બે મુસાફરો સાથે 500 મિટરના ટેસ્ટ ટ્રૅક પરની સફર 15 સેકંડમાં પૂરી કરી, આ ટ્રાયલમાં વૅક્યુમ ટ્યૂબ્સમાં પૉડ્સની ગતિ 172 કિલોમિટર પ્રતિ કલાક સુધી પહોંચી હતી.
જોકે વર્જિન હાઇપરલૂપની મહત્ત્વાકાંક્ષા કો 1,000 કિલોમિટર પ્રતિકલાકની ગતિ મેળવવાની છે, તેના પ્રમાણમાં હાલની ટ્રાયલમાં મેળવેલી સ્પીડ ઘણી ઓછી છે.
આ ટ્રાયલમાં સામેલ થનારા બે યાત્રિકો કંપનીના અધિકારીઓ જ હતા.
વર્જિન હાઇપરલૂપ એકમાત્ર કંપની નથી જે આ પ્રકારની ટેકનૉલૉજી પર કામ કરી રહી છે. જોકે અન્ય કોઈ કંપનીએ પ્રવાસીઓ સાથે હાઈસ્પીડ ટ્રાવેલ કૉન્સેપ્ટની ટ્રાયલ નથી કરી.
હાઇપરલૂપ વર્જિનનાં કસ્ટમર એક્સપિરિયન્સના ડાયરેક્ટર સારા લુચિયન આ ટ્રાયલમાં સામેલ થયાં હતાં અને બીબીસી સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું, "આ અનુભવ માનસિક અને શારીરિક રીતે આનંદ ભરેલો હતો."
તેમની સાથે મુખ્ય ટેકનૉલૉજી અધિકારી જૉશ ગીગલ પણ આ ટ્રાયલમાં સામેલ થયા. ફ્લાઇટ સૂટની જગ્યાએ સામાન્ય પહેરવેશમાં તેઓ આ ટ્રાયલમાં સામેલ થયાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નેવાડામાં લાસ વેગાસમાં રવિવારે આ ટ્રાયલ થઈ હતી.
સારા લુચિયને કહે છે કે "આ સફર ખૂબ સીધી સપાટ હતી, કોઈ રોલરકોસ્ટર જેવી નહોતી, પરંતુ એક્સલરેશન લાંબા અંતરની મુસાફરી કરતાં વધારે ઝડપી હતું."
તેમણે કહ્યું, "આ ટ્રાયલમાં તેમને માંદગી જેવું નહોતું અનુભવાયું."
નેવાડામાં ટ્રાયલ
ટેકનૉલૉજી કંપની ટેસલાના સંસ્થાપક એલન મસ્કે આપેલા એક પ્રસ્તાવ પર આધારિત આ કૉન્સેપ્ટ પર વર્ષો સુધી કામકાજ ચાલ્યું હતું.
જોકે કેટલાક આલોચકો આને એક 'સાયન્સ ફિક્શન' - વૈજ્ઞાનિક કલ્પના કહે છે.
આ કૉન્સેપ્ટ દુનિયાની સૌથી ઝડપી મૅગનેટિક લેવિટેશન (મૅગલેવ) ટ્રેન પર આધારિત છે, જોકે તેમાં વૅક્યૂમ ટ્યૂબ ઉમેરીને તેની ગતિને વધારવામાં આવી હતી.
વર્ષ 2015માં જાપાનના માઉન્ટ ફ્યૂજી નજીક મૅગલેવ ટ્રેનની સૌથી વધારે ગતિનો રેકર્ડ નોંધાયો હતો, તે સમયે ટ્રેનના ટેસ્ટ રનમાં 374 માઇલ પ્રતિકલાકની સ્પીડ નોંધાઈ હતી.
2014માં વર્જિન હાઇપરલૂપની સ્થાપના કરવામાં આવી હતી અને વર્જિન ગ્રુપે 2017માં તેમાં રોકાણ કર્યું હતું.
પહેલાં તેને હાઇપરલૂપ વન અને વર્જિન હાઇપરલૂપ વનના નામે ઓળખવામાં આવતી હતી.
વર્ષ 2018માં બીબીસીને આપેલી એક મુલાકાતમાં વર્જિન હાઇપરલૂપ વનના પ્રમુખ રૉબ લૉઇડે કહ્યું હતું કે "લંડનના વિપરિત છેડે સ્થિત બે ઍરપોર્ટ ગૅટવિક અને હીથ્રો વચ્ચેનું 45 માઇલનું અંતર લગભગ ચાર મિનિટમાં કાપી શકાશે."
જોકે ત્યાર પછી તેઓ વર્જિન હાઇપરલૂપ કંપનીમાંથી બહાર થઈ ગયા.
1000 કિલોમિટર પ્રતિકલાકની ગતિ
અમેરિકાના લૉસ એન્જલસસ્થિત વર્જિન હાઇપરલૂપ કંપની અન્ય દેશોમાં પણ આ કૉન્સેપ્ટ પર કામ કરવાની સંભાવનાઓ શોધી રહી છે જેમાં દુબઈ અને અબુ ધાબી વચ્ચે હાઇપોથેટિક (અનુમાનિત) 12 મિનિટનું કનેક્શન સ્થાપિત કરવાનું પણ સામેલ છે.
હાલ દુબઈ અને અબુ ધાબી વચ્ચેનું આ અંતર સાર્વજનિક પરિવહન મારફતે કાપતા એક કલાકથી વધારે સમય લાગે છે.
આલોચકોએ હાઇપરલૂપ ટ્રાવેલ સિસ્ટમ વિશે પોતાના વિચારો વ્યક્ત કરતા કહ્યું છે કે આ ટ્રાવેલ સિસ્ટમને વિકસાવવા માટેની યોજના માટે પરવાનગી જોઈશે અને ટ્રાવેલ રૂટ બનાવવા માટે ટ્યૂબ્સનું વિશાળ નેટવર્ક બનાવવું પડશે.
આ પ્રૉજેક્ટમાં આવનારી સંભવિત મુશ્કેલીઓ વિશે સારા લુચિયન કહે છે, "બિલ્કુલ સાચી વાત છે કે આના માટે ઘણું બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવું પડશે પરંતુ આ કૉન્સેપ્ટ શક્ય છે જ નહીં એવી ધારણાને અમે તોડી શક્યા છીએ."
તેઓ કહે છે, " ઇન્ફ્રાસ્ટ્રક્ચર સરકારના અધિકારીઓની વિચારણાનું કેન્દ્ર છે. અમને ખબર છે કે લોકો સમાધાન તરફ વિચારી રહ્યા છે. લોકોને ભવિષ્યના પરિવહનની શોધ છે. આપણે આજ અથવા ગઈકાલના પરિવહન સિસ્ટમ પર કામ કરતા રહીએ અને તેમાં આવનારી એની એ જ સમસ્યાઓ સામે લડતા રહીએ અથવા આપણે આ મુશ્કેલીઓનું સમાધાન કરતો કોઈ નવો રસ્તો શોધી શકીએ છીએ."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો