પરિમલ નથવાણી : વેપારીમાંથી ચાર વખત રાજ્યસભાના સાંસદ બનેલા નેતા

    • લેેખક, મોહમ્મદ સરતાજ આલમ
    • પદ, રાંચીથી બીબીસી હિન્દી માટે
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 4 મિનિટ

ઝારખંડમાં ગુરુવારે સાંજે રાજ્યસભાની બે બેઠક માટે થયેલી ચૂંટણીનું પરિણામ જાહેર થયું. આ ચૂંટણીમાં એક બેઠક પર ઝારખંડ મુક્તિ મોરચાના ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારની જીત થઈ છે.

પરંતુ ચોંકાવનારું પરિણામ બીજી બેઠકનું હતું, જ્યાં ક્રૉસ-વોટિંગ વચ્ચે એનડીએ સમર્થિત અપક્ષ ઉમેદવાર પરિમલ નથવાણીએ શાનદાર જીત મેળવી છે.

નથવાણીને 28 મત મળ્યા, જે બાદ તેમને વિજેતા જાહેર કરાયા. તો કૉંગ્રેસના ઉમેદવાર પ્રણવ ઝાને 20 મત મળ્યા છે.

આ જીત સાથે પરિમલ નથવાણી ચોથી વાર રાજ્યસભામાં સાસંદ બનીને પહોંચશે.

જીત બાદ પરિમલ નથવાણીએ ઍક્સ પોસ્ટમાં લખ્યું કે "રાજ્યસભાના સભ્ય તરીકે ચોથા કાર્યકાળમાં સેવા કરવાની તક મળવા બહુ આભારી છું. આ ક્ષણ મારા માટે બહુ ભાવુક કરનારી છે, કેમ કે ઝારખંડથી મારો આ ત્રીજો કાર્યકાળ હશે."

"આ એ ધરતી જ્યાંથી 2008માં મારી પ્રથમ સંસદીય સફર શરૂ થઈ હતી. પોતાની કર્મભૂમિમાં ફરી વાર આવવું મારા માટે ગર્વ અને વિનમ્રતાની વાત છે."

તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ અને સહકારિતામંત્રી અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીનનો આભાર માન્યો.

રાજદ અને માલેના ધારાસભ્યો પર ક્રૉસ-વોટિંગનો આરોપ

હકીકતમાં ઇન્ડિયા ગઠબંધનમાં ઝારખંડ મુક્તિ મોરચાના 34, કૉંગ્રેસના 16 અને રાષ્ટ્રીય જનતા દળના 4 અને સીપીઆઇ (એમએલ) લિબરેશનના 2 ધારાસભ્ય છે.

કૉંગ્રેસનો આરોપ છે કે રાજદ અને સીપીઆઇ (એમએલ)ના ધારાસભ્યોએ તેમના ઉમેદવારને મત નથી આપ્યો

કૉંગ્રેસ પ્રભારી કે. રાજુએ પ્રણવ ઝાની હાર માટે રાજદ અને માલેના ધારાસભ્યો પર દગો કરવાનો આરોપ મૂક્યો છે.

કે. રાજુએ કહ્યું, "કૉંગ્રેસના બધા 16 મત સુરક્ષિત છે, ઝારખંડ મુક્તિ મોરચાએ 4 મત આપ્યા અને કૉંગ્રેસને 20 મત મળ્યા. આ સ્થિતિ એટલા માટે થઈ કે અપક્ષ ઉમેદવારે પૈસાનો ઉપયોગ કર્યો છે..."

જોકે તેમના આ આરોપોનું પર પૂર્વ સીપીઆઇ એમએલ ધારાસભ્ય વિનોદસિંહનું ખંડન કર્યું છે.

તેમણે કહ્યું, "કે. રાજુ તેમની ખામીઓ ઢાંકી રહ્યા છે. કૉંગ્રેસે ખુદ જોવું જોઈએ કે દેશભરમાં તેના ધારાસભ્યોએ સૌથી વધુ પક્ષ બદલ્યો છે. અમારા બંને ધારાસભ્યે મતદાન કર્યું, નિરીક્ષકને બતાવ્યું. રાજુ તો ત્યાં નહોતા, તેમના આરોપ પાયાવિહાણા છે."

આમ તો બંને ઉમેદવારની જીત પર ઝારખંડના મુખ્ય મંત્રી હેમંત સોરેને રાજ્યસભાના નવનિયુક્ત સભ્યો વૈદ્યનાથ રામ અને પરિમલ નથવાણીને અભિનંદન આપ્યાં છે.

તેમણે ઍક્સ પર લખ્યું કે "ઝારખંડના અવાજને ઉચ્ચ સદનમાં પ્રતિનિધિત્વ માટે આજે બંને જનપ્રતિનિધિ ચૂંટાયા છે."

આ જીત બાદ વિપક્ષ નેતા બાબુલાલ મરાંડીએ બધા ધારાસભ્યોને અભિનંદન આપ્યાં કે "નથવાણીનો ઝારખંડ સાથે જૂનો અને ઊંડો સંબંધ રહ્યો છે. તેમના ચૂંટાવાથી ઝારખંડના વિકાસને ગતિ મળશે."

પરિમણ નથવાણી કોણ છે?

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડમાં કૉર્પોરેડટ અફેર્સના ડાયરેક્ટર પરિમલ નથવાણી ભારતીય કૉર્પોરેટ અને રાજકારણમાં જાણીતો ચહેરો છે.

રાજકારણ અને બિઝનેસ સિવાય તેઓ ગુજરાત ફૂટબૉલ ઍસોસિયેશનના અધ્યક્ષ અને પ્રસિદ્ધ નાથદ્વારા મંદિર બોર્ડના સભ્ય પણ છે.

ઝારખંડ રાજ્યસભામાં મળેલી જીત સાથે રાજ્યસભા સાંસદ તરીકે તેમનો આ ચોથો કાર્યકાળ હશે.

વેપારથી રાજકારણ સુધીની સફર

70 વર્ષીય પરિમલ નથવાણીએ એક સમયે મુંબઈમાં ઠંડાં પીણાં પછી સાબુની ફૅક્ટરી શરૂ કરી હતી. એટલું જ નહીં, 1990ના દાયકામાં તેમણે ગુજરાતના વડોદરાથી અંદાજે 40 પીસીઓ પણ ચલાવ્યા.

પરંતુ શૅરબજારમાં પોતાનું નસીબ અજમાવ્યા પછી તેમને નોંધપાત્ર આર્થિક નુકસાન બાદ તણાવનો સામનો કરવો પડ્યો. જોકે, 1997માં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક ધીરુભાઈ અંબાણી સાથેની મુલાકાતે તેમના જીવનની દિશા બદલી નાખી.

ખરેખર તો જામનગરમાં જમીન સંપાદન નથવાણીની દેખરેખ હેઠળ થયું. ગુજરાતની આ જમીન પર જામનગરમાં વિશ્વની સૌથી મોટી રિફાઇનરી સ્થાપિત થઈ.

પરિમલ નથવાણીએ એ પછી ક્યારેય પાછળ વળીને જોયું નથી અને આમ તેઓ ધીરુભાઈ અંબાણીની ખૂબ અંગત બની ગયા.

મુકેશ અંબાણી અને નીતા અંબાણી માટે પરિમલ નથવાણી ખૂબ મહત્ત્વના છે.

તેમની ઉદ્યોગ સંબંધિત સમજને કારણે તેમનું કદ વધતું ગયું અને નથવાણીને જિયો નેટવર્કના વિસ્તરણમાં મુખ્ય ભૂમિકા ભજવવાની તક મળી.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડમાં કૉર્પોરેટ મામલાના ડાયરેક્ટર પરિમલ નથવાણી છેલ્લા ત્રણ દાયકાથી બિઝનેસ, રાજકારણ અને રમતગમત વહીવટમાં સક્રિય છે.

અગાઉ વડોદરા સ્ટોક ઍક્સચેન્જ લિમિટેડના ચૅરમૅન તરીકે સેવા આપી ચૂકેલા પરિમલ નથવાણીએ 30 સપ્ટેમ્બર, 2011થી 15 સપ્ટેમ્બર, 2012 સુધી આ પદ પર સેવા આપી હતી.

રાજ્યસભાના સાંસદ તરીકે પરિમલ નથવાણી

પરિમલ નથવાણી પહેલી વાર 2008માં ઝારખંડથી રાજ્યસભા માટે અપક્ષ સાંસદ તરીકે જીત્યા હતા.

ઝારખંડના વરિષ્ઠ પત્રકાર મનીષ આનંદ કહે છે, "પહેલી વાર પણ તેમને ક્રૉસ-વોટિંગનો લાભ મળ્યો અને બહુ ઓછા મતથી પરિમલ નથવાણીને જીત મળી. એ સમયે ઝારખંડ મુક્તિ મોરચાએ ખૂલીને સમર્થન આપ્યું હતું."

બીજા કાર્યકાળમાં પણ પરિમણ નથવાણીને ઝારખંડથી અપક્ષ રાજ્યસભા સાંસદ બનવાનો મોકો મળ્યો. તેમનો કાર્યકાળ એપ્રિલ 2014થી 2020 સુધી રહ્યો.

વરિષ્ઠ પત્રકાર અભિષેકસિંહ બીબીસીને કહે છે, "બીજી વાર તેમને અપક્ષ ઉમેદવાર તરીકે કૉંગ્રેસનું અંદરખાને સમર્થન મળ્યું હતું."

ત્રીજા કાર્યકાળમાં નથવાણી આંધ્ર પ્રદેશના વાયએસએર કૉંગ્રેસની ટિકિટ પર જીતીને રાજ્યસભામાં પહોંચ્યા હતા.

ચોથી વાર નથવાણીને ઝારખંડથી જીત મળવા પર વરિષ્ઠ પત્રકાર અભિષેકસિંહ કહે છે, "આ જીત માટે તેમને સમર્થન આપનારા એનડીએ પાસે કુલ 24 ધારાસભ્ય હતા. એવામાં તેમને કુલ ચાર ધારાસભ્યોની જરૂર હતી."

તેઓ કહે છે, "પરંતુ તેમણે પોતાની રીતે છ મતની ગોઠવણ કરી લીધી. બે અમાન્ય થવા છતાં તેમને જીત મળી. પણ સવાલ એ છે કે તેમને આ છ મત કેવી રીતે મળ્યા?"

ચોથી વાર રાજ્યસભાના સાંસદ બનેલા નથવાણી તેમના પાછલા બધા કાર્યકાળમાં સંસદમાં અનેક મહત્ત્વની સમિતિના સભ્ય પણ રહ્યા છે.

ઝારખંડમાં જીત બાદ પરિમલ નથવાણીએ મીડિયા સાથે વાત કરતા કહ્યું, "હું એક નવા સંકલ્પ અને પૂરી ઈમાનદારીથી ઝારખંડ અને અહીંના લોકોનાં હિતો અને આંકાક્ષાઓને આગળ વધારવા શક્ય એટલા તમામ પ્રયત્નો કરીશ."

પરંતુ ઝારખંડના રાજકારણમાં નજર રાખનાર વરિષ્ઠ પત્રકાર અભિષેકસિંહ માને છે કે "ક્રૉસ-વોટિંગથી નથવાણીને મળેલી જીત ઇન્ડિયા ગઠબંધનના ગાબડુંનું એક કારણ બની શકે છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન