You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બૈરુત : જ્યાં વિસ્ફોટ થયો હતો એ જ બંદર પર આગ લાગી
ઑગસ્ટ મહિનાના પહેલા અઠવાડિયામાં લેબનની રાજધાની બૈરુતના જે બંદર ઉપર 'ભયાનક વિસ્ફોટ' થયો હતો, ત્યાં ફરી આગ લાગી હોવાના અહેવાલ છે. ચોથી ઑગસ્ટે ઘટેલી દુર્ઘટનામાં ઓછામાં ઓછા 190 લોકોનાં મૃત્યુ થયાં હતાં.
સ્થાનિક અધિકારીઓના કહેવા પ્રમાણે,બંદરના ‘ડ્યૂટી ફ્રી ઝોન’માં આવેલાં ઑઈલ તથા ટાયરના ગોડાઉનમાં આગ લાગી, જેને આગળ વધતી અટકાવી દેવાઈ હતી.
સ્થાનિક વહીવટીતંત્રના જણાવ્યા પ્રમાણે, આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ દુર્ઘટનાને કારણે કાળો ધુમાડો ઉડ્યો હતો, જે સમગ્ર પાટનગર ઉપર છવાઈ ગયો હતો.
જોકે, આગના કારણ અંગે નક્કરપણે કશું બહાર નથી આવ્યું.
હેલિકૉપ્ટરનો ઉપયોગ
મળતી માહિતી પ્રમાણે, અગ્નિશમનની ગાડીઓ ઘટનાસ્થળે ધસી ગઈ છે. લેબનનની સેનાના કહેવા પ્રમાણે, 'આગને નિયંત્રણમાં લેવા માટે હેલિકૉપ્ટરનો ઉપયોગ કરવો પડ્યો હતો.'
સોશિયલ મીડિયા ઉપર વ્યાપક રીતે સર્ક્યુલેટ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે હાજર લોકોમાં જીવ બચાવવા માટે નાસભાગ મચી જવા પામી હતી.
બૈરુત સિવિલ ડિફેન્સના ડાયરેક્ટર જનરલ રેયમંડ ખટરના કહેવા પ્રમાણે, 'જે જગ્યાએ આગ લાગી છે,ત્યાં આસપાસના તમામ રસ્તાને બંધ કરી દેવામાં આવ્યા છે, જેથી કરીને આગને પ્રસરતી અટકાવી શકાય.'
સ્થાનિક રેડિયો સ્ટેશન સાથે વાત કરતાં બંદરના ડાયરેક્ટર બાસીમ અલ-કૈસીએ જણાવ્યું હતું કે જ્યાં ભોજન બનાવવાના તેલના મોટા બૅરલ રાખવામાં આવે છે, ત્યાંથી આગ લાગવી શરૂ થઈ હતી, જે ટાયરના ગોદામના વિસ્તાર સુધી પહોંચી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અલ-કૈસીએ કહ્યું, "ગરમીને કારણે આગ લાગી કે અન્ય કોઈ ભૂલ થઈ તે કહેવું વહેલું ગણાશે."
સ્થાનિક વહીવટી તંત્રના કહેવા પ્રમાણે, સ્થિતિ નિયંત્રિત છે, પરંતુ સોશિયલ મીડિયા ઉપરના વીડિયોમાં જોઈ શકાય છે કે સ્થાનિકો ખૂબ જ ચિંતિત છે, જે દર્શાવે છે કે ગત મહિને થયેલા ધડાકાનો ભય હજુ સુધી લોકોના મનમાંથી ઓછો નથી થયો.
ત્યારે વિસ્ફોટ, અત્યારે આગ
ચોથી ઑગસ્ટે બૈરુતના બંદર ઉપર રાખવામાં આવેલા લગભગ બે હજાર 750 ટન એમોનિયમ નાઇટ્રેટમાં આગ લાગવાથી ભયંકર વિસ્ફોટ થયો હતો, જેમાં 190 કરતાં વધુ લોકોનાં મૃત્યુ થયાં હતાં.
બૈરુતના બંદરનો મોટા ભાગનો વિસ્તાર સાફ થઈ ગયેલો, જેના કારણે બંદરના આજુબાજુના રહેણાક વિસ્તારમાં પણ ખાસ્સી તારાજી સર્જાઈ હતી.
સ્થાનિક રિપોર્ટ્સ મુજબ, આ વિસ્ફોટમાં હજારોની સંખ્યામાં નાગિરકો ઘાયલ થયા હતા. આ સિવાય લગભગ ત્રણ લાખ લોકો બેઘર થઈ ગયા હતા.
આ ઘટનાને કારણે ઉશ્કેરાયેલા લોકોએ સરકાર વિરુદ્ધ દેખાવ ચાલુ કરી દીધા હતા અને તત્કાલીન વડા પ્રધાન સહિત અનેક પ્રધાનોએ રાજીનામાં આપી દેવાં પડ્યાં હતાં.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો