કોરોના વૅક્સિન : યુકેમાં બે દર્દીઓ પર રસીનું પરીક્ષણ

    • લેેખક, ફર્ગ્યુસ વૉલ્શ
    • પદ, મેડિકલ સંવાદદાતા
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 5 મિનિટ

યુરોપમાં કોરોના વાઇરસ માટેની પ્રથમ વૅક્સિનનું મનુષ્ય પર ટ્રાયલ ઑક્સફર્ડમાં શરૂ થઈ છે.

બે સ્વંયસેવકો રસી લેવા માટે તૈયાર થયા હતા. રસીના અભ્યાસ માટે 800 લોકોને પસંદ કરાયા છે, તેમાં આ બે સૌપ્રથમ છે, જેમણે રસી લીધી.

પસંદ કરાયેલા લોકોમાંથી અડધાને Covid-19 રસી અપાશે, જ્યારે અડધાને કોરોના સામે નહીં, પણ મેનિનજાઇટિસ સામે રક્ષણ આપતી રસી અપાશે.

પરીક્ષણની પદ્ધતિ એવી રીતે નક્કી કરવામાં આવેલી છે કે ડૉક્ટર્સને ખબર હોય કે કોને કઈ રસી અપાઈ છે, પણ સ્વંયસેવકોને ખ્યાલ નહીં હોય કે તેમને બેમાંથી કઈ રસી અપાઈ છે.

બે પ્રથમ સ્વંયસેવકોમાંથી એક એલિસા ગ્રેનાટોએ બીબીસીને જણાવ્યું: "હું વિજ્ઞાની છું, તેથી શક્ય હોય ત્યાં વૈજ્ઞાનિક પરીક્ષણને મદદરૂપ થવા માગતી હતી."

ઑક્સફર્ડ યુનિવર્સિટીની એક ટીમે ત્રણ જ મહિનામાં રસી વિકસાવી છે. જેનર ઇન્સ્ટિટ્યૂટના વેક્સિનૉલૉજીના પ્રોફેસર સારાહ ગિલ્બર્ટની આગેવાનીમાં પ્રિ-ક્લિનિકલ સંશોધન કરવામાં આવ્યું છે.

"વ્યક્તિગત રીતે મને આ રસી કામ કરશે તેવો ખૂબ આત્મવિશ્વાસ છે," એમ સારાહ કહે છે.

"અલબત, તેનું પરીક્ષણ કરવાનું છે અને મનુષ્યોમાંથી તેના પરિણામ મેળવવાના છે. તે ખરેખર કામ કરે છે અને કોરોના ચેપ લાગતો અટકાવે છે તે અમારે દેખાડવાનું છે. તે પછી જ જનતામાં તેનો ઉપયોગ થઈ શકશે."

પ્રોફેસર ગિલ્બર્ટે અગાઉ એવું કહ્યું હતું કે તેઓ "80% આત્મવિશ્વાસ" ધરાવે છે, પણ હવે તેવી ટકાવારીમાં વાત કરવા માગતા નથી. માત્ર એટલું જ કહે છે કે રસી ઉપયોગી થાય તે માટે "ખૂબ આશાવાદી" છે.

રસી કઈ રીતે કામ કરે છે?

સામાન્ય શરદી કરતાં વાઇરસ (એડિનો વાઇરસ)ને નબળો પાડીને તેમાંથી રસી તૈયાર કરવામાં આવી છે. ચિમ્પાન્ઝીમાંથી વાઇરસ લઈને તેમાં સુધારો કરવામાં આવ્યો છે, જેથી મનુષ્યમાં તે વાઇરસ વકરે નહીં.

ઑક્સફર્ડ યુનિવર્સિટીએ અન્ય એક કોરોના વાઇરસ મેર્સ સામે રસી તૈયાર કરેલી છે, જેના ક્લિનિકલ ટ્રાયલના પ્રોત્સાહક પરિણામો મળ્યા છે. તે રસી તૈયાર કરવા માટે પણ આ જ પદ્ધતિએ સંશોધન કરાયું હતું.

રસી કામ કરે છે તેની ખાતરી કેવી રીતે થશે?

સ્વંયસેવકોના બે જૂથો પાડીને રસી અપાઈ છે, તેમાંથી કેટલી સંખ્યામાં કોને આગામી મહિનાઓમાં કોરોના વાઇરસનો ચેપ લાગે છે તેના આધારે આ Covid-19 રસી કામ કરે છે કે કેમ તે નક્કી થઈ શકશે.

જોકે યુકેમાં ચેપના નવા કેસ બહુ ઝડપથી ઘટી જાય તો મુશ્કેલી થઈ શકે છે, કેમ કે તે પછી ખાતરી માટે પૂરતા પ્રમાણમાં આંકડાં નહીં હોય.

ટ્રાયલની આગેવાની કરી રહેલા ઑક્સફર્ડ વૅક્સિન ગ્રુપના ડિરેક્ટર પ્રોફેસર એન્ડ્રૂ પોલાર્ડે જણાવ્યું : "હાલના રોગચાળાનો છેડો આવી રહ્યો છે, ત્યારે તેની પાછળ અત્યારે અમે ચાલી રહ્યા છીએ.""જો તે દરમિયાન ચકાસણી નહીં થઈ શકે તો આગામી મહિનાઓમાં રસી કામ કરશે કે કેમ તે કહી શકાશે નહીં.""જોકે અમારી ધારણા છે કે ભવિષ્યમાં વધારે કેસ થવાના છે, કેમ કે વાઇરસ હજી નાબુદ થયો નથી."

રસીનું સંશોધન કરી રહેલી ટીમ હાલમાં આરોગ્ય કર્મચારીઓ પર ટ્રાયલને પ્રાધાન્ય આપી રહ્યા છે, કેમ કે તેમને ચેપ લાગવાની શક્યતા બીજા કરતાં વધારે હોય છે.

આગામી મહિનાઓમાં લગભગ 5,000 સ્વંયસેવકો સાથે વધારે વ્યાપક પ્રમાણમાં ટ્રાયલ કરવામાં આવશે, જેમાં કોઈ વયમર્યાદા રાખ્યા વિના ટેસ્ટ કરવામાં આવશે.

વૃદ્ધોમાં રસીની પ્રતિકારકશક્તિ તરફ ઓછી પ્રતિક્રિયા થતી હોય છે. સંશોધકો એવું પણ જાણવાની કોશિશ કરી રહ્યા છે કે શું બે ડોઝ આપવાની જરૂર પડશે ખરી.

ઑક્સફર્ડની ટીમ આફ્રિકામાં પણ રસીની ટ્રાયલ કરવા વિચારે છે. કદાચ કેનિયામાં ટ્રાયલ કરાશે, કેમ કે ત્યાં હજી નાના પાયે ચેપ ફેલાયેલો છે અને ધીમે-ધીમે વધી રહ્યો છે.

જો પૂરતી સંખ્યામાં પરિણામો ના મળતા હોય તો શા માટે સ્વંયસેવકોમાં કોરોના વાઇરસ પણ દાખલ કરવામાં નથી આવતો?

તે રીતે તરત એ ખ્યાલ આવી જાય કે રસી કેટલી અસરકારક છે.

જોકે તેની સામે નીતિમત્તાના સવાલો ઊભા થવાના, કેમ કે Covid-19નો ખાતરીદાયક ઉપચાર ઉપલબ્ધ નથી, ત્યારે સ્વંયસેવકોને સામેથી જોખમમાં નાખવા જોઈએ કે કેમ, તે એક સવાલ છે.

જોકે ભવિષ્યમાં એવું પણ કરી શકાશે. પ્રોફેસર પોલાર્ડે જણાવ્યું : "અમુક પ્રકારનો ઉપચાર આપણી પાસે ઉપલબ્ધ થઈ જાય અને સ્વંયસેવકોને અમુક હદની સુરક્ષાની ખાતરી આપી શકવાની સ્થિતિમાં આવી જઈએ, ત્યારે તે પદ્ધતિએ પણ રસીનું પરીક્ષણ કરવાનું વધારે સરળ બનશે."

શું ટ્રાયલ સલામત છે?

ટ્રાયલ માટે તૈયાર થયેલા સ્વંયસેવકો પર આગામી મહિનાઓમાં સતત દેખરેખ રાખવામાં આવશે. તેમને જણાવાયું છે કે રસી લીધાના થોડા દિવસોમાં કદાચ કેટલાક કિસ્સામાં હાથ સોજી જશે, માથું દુખશે અને તાવ પણ આવશે.

થિયરીની રીતે તેમણે એ જોખમ માટે પણ તૈયાર રહેવાનું છે કે તેમના શરીરમાં દાખલ કરાયેલો ડોઝ કોરોના વાઇરસ સામે ગંભીર પ્રતિક્રિયા પણ આપે.

સાર્સ માટે પ્રારંભમાં કેટલા પશુઓમાં પર પરીક્ષણ કરાયું હતું, ત્યારે આવું જોવા મળ્યું હતું.

જોકે ઑક્સફર્ડ ટીમનું કહેવું છે કે ઉપલબ્ધ આંકડા પ્રમાણે, આપવામાં આવેલી રસીથી બીમારી વધે તેવી શક્યતા નહિવત્ છે.

વિજ્ઞાનીઓને આશા છે કે સપ્ટેમ્બર પહેલાં 10 લાખ ડોઝ શરૂ કરી શકાશે અને તે પછી જો રસી અસરકારક સાબિત થાય તો મોટા પાયે તેની ઉત્પાદન ક્ષમતા વધારવાની રહેશે.

રસીનો લાભ પ્રથમ કોને મળશે?

એવો કોઈ નિર્ણય લેવાયો નથી, એમ પ્રોફેસર ગિલ્બર્ટ કહે છે: "આગળ શું થશે તે નિર્ણય આમ તો અમારે કરવાનો થતો નથી.""અમારું કામ રસી તૈયાર કરવાનું છે અને તેનું પૂરતા પ્રમાણમાં ઉત્પાદન કરવાનું છે. તે પછીનો નિર્ણય અન્યોએ કરવાનો છે."

પ્રોફેસર પોલાર્ડ ઉમેરે છે: "જેમને ખરેખર જરૂર છે તેમને પહોંચડાવા માટે પૂરતા પ્રમાણમાં રસી હોય તે આપણે જોવાનું છે. માત્ર યુકેમાં નહીં, પણ વિકાસશીલ દેશોમાં પણ."

ઇમ્પિરિયલ લંડન કૉલેજની ટીમ પણ રસી તૈયાર કરી રહી છે અને તેમને આશા છે કે જૂનમાં તેઓ મનુષ્ય પર ટ્રાયલ શરૂ કરી શકશે.

ઑક્સફર્ડ અને ઇમ્પિરિયલની ટીમોને સરકાર તરફથી ચાર કરોડ પાઉન્ડથી પણ વધુનું ભંડોળ મળ્યું છે.

આરોગ્ય સચિવ મેટ હેન્કોકે બંને ટીમની પ્રસંશા કરી હતી અને કહ્યું હતું કે યુકે UK "તેની પાછળના ઉપલબ્ધ બધા સ્રોતો રસી વિકસાવવા પાછળ ખર્ચી નાખવા તૈયાર છે."

જોકે યુકેના ચીફ મેડિકલ એડવાઇઝર પ્રોફેસર ક્રિસ વ્હિટ્ટીએ જણાવ્યું છે કે Covid-19ની સારવાર માટેનો ઉપચાર કે તેની રસી બેમાંથી એકેય આગામી વર્ષ પહેલાં ઉપલબ્ધ થાય તેવી શક્યતા નથી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો