સ્વતંત્રતા દિવસ : 'આવનારાં પાંચ વર્ષમાં ભારત ટોચની અર્થવ્યવસ્થા બનશે', વડા પ્રધાન મોદી

પ્રકાશિત
વાંચવાનો સમય: 6 મિનિટ

ભારત 77મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના લાલ કિલ્લા પર ત્રિરંગો ફરકાવ્યો.

વડા પ્રધાન મોદી લાલ કિલ્લા પર તિરંગો ફરકાવ્યા બાદ દેશને સંબોધિત કરી રહ્યા છે.

નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસની શુભકામના પાઠવતા કહ્યું, "જનસંખ્યાની દૃષ્ટિએ આપણે નંબર વન દેશ છીએ. આટલો વિશાળ દેશ, દેશના પરિજનો આજે આઝાદીનો પર્વ મનાવી રહ્યા છે. કોટિ કોટિ જનોને તથા દેશને પ્રેમ કરનારા દુનિયાના લોકોને હું આ પર્વની શુભકામનાઓ પાઠવું છું."

તેમણે કહ્યું, "પૂજ્ય બાપુના નેતૃત્વમાં જે લોકોએ બલિદાન આપ્યું એવા અગણિત વીરોને હું નમન કરું છું. એ પેઢીમાં કદાચ એવી કોઈ વ્યક્તિ નહીં હોય જેમણે પોતાનું બલિદાન નહીં આપ્યું હોય. જેમણે જે પ્રકારે ત્યાગ કર્યો છે, તપસ્યા કરી છે તેમને હું વંદન કરું છું."

પીએમ મોદીએ મણિપુરને યાદ કરતા કહ્યું, "છેલ્લા કેટલાક દિવસોમાં મણિપુરમાં હિંસા ફેલાઈ. માતા-બહેનોના સન્માન સાથે ખિલવાડ કરવામાં આવ્યો, પરંતુ સમગ્ર દેશ આજે મણિપુર સાથે છે."

"મણિપુરથી હવે શાંતિના સમાચારો મળી રહ્યા છે. જનજીવન સામાન્ય થઈ રહ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર શાંતિ સ્થાપવાના પ્રયત્નો કરી રહી છે."

આ સંબોધન દરમિયાન પીએમ મોદીએ કહ્યું, "આવનારાં પાંચ વર્ષ ભારત માટે મહત્ત્વપૂર્ણ રહેશે. તેથી આવનારા દિવસોમાં હું ફરી લાલ કિલ્લા પર આવીશ અને ભારતે પ્રાપ્ત કરેલી ઉપલબ્ધિઓને ગણાવીશ."

વડા પ્રધાન મોદીના સંબોધનના મુખ્ય અંશો

  • આ કાલખંડમાં લેવાયેલા ઐતિહાસિક નિર્ણયો હજાર વર્ષનો સ્વર્ણિમ ઇતિહાસ લખશે.
  • "અમે જે પણ નિર્ણય લઈશું તે 1000 વર્ષ સુધી આપણા ભાગ્યને લખનારા રહેશે. હું દેશવાસીઓને કહીશ, જે સૌભાગ્ય આજે મળ્યું છે તે કદાચ સહુને નસીબમાં નથી હોતું. તેને ગુમાવવું નથી. મને યુવા શક્તિ પર ભરોસો છે. આજે અમારા યુવાનોએ ભારતને દુનિયામાં ત્રણ પહેલાં સ્ટાર્ટઅપ ઇકૉસિસ્ટમમાં સ્થાન અપાવ્યું છે. દુનિયા ભારતની આ શક્તિથી અચંબિત છે."
  • "ભારતે જે કમાલ કરી દેખાડી છે જે દિલ્હી, મુંબઈ અને ચેન્નાઈ સુધી સીમિત નથી. ટિયર 2 અને ટિયર 3 સિટીના નવયુવકો પણ ભારતના ભાગ્ય લખવાનું કામ કરી રહ્યા છે. દેશનું જે સામર્થ્ય નજરે પડે છે તે નાનાં શહેરોમાંથી પણ દેખાય છે."
  • આ દરમિયાન પીએમ મોદીએ ગુલામીના દિવસો પણ યાદ કર્યા. તેમણે આ દિવસોની યાદો વર્ણવતા કહ્યું, "જ્યારે આપણે ઇતિહાસ તરફ નજર દોડાવીએ તો કેટલીક પળો એવી હોય છે જે આપણા પર છાપ છોડીને જાય છે. આ પળો અનેક સમસ્યાની જડ મનાય છે. હજાર વર્ષ પહેલા દેશ પર આક્રમણ થયું. ત્યારે ખબર નહોતી કે એક ઘટના દેશને હજાર વર્ષની ગુલામીમાં નાખી દેશે."
  • "તકોની અછત નથી. તમને જે પ્રકારે તક જોઈતી હોય તે તકો દેશ આપવા તૈયાર છે. દેશમાં વિશેષ શક્તિ જોડાઈ રહી છે અને એ છે માતા-બહેનોની શક્તિ. આ તમારો જ પરિશ્રમ છે. ખેડૂતોની શક્તિ જોડાઈ રહી છે. દેશનું કૃષિ ક્ષેત્ર આગળ વધી રહ્યું છે. હું મજુરો, શ્રમિકોને કોટિ-કોટિ વંદન કરું છું."
  • G-20ની બેઠક વિશે બોલતા પીએમ મોદીએ કહ્યું, "ભારતનું સામર્થ્ય અને વિશ્વાસ નવી ઉંચાઈ પર છે. દેશને જી-20નું આતિથ્ય કરવાની તક સાંપડી છે. આ સંદર્ભે દેશના ખૂણેખૂણે આયોજન થઈ રહ્યાં છે. જેને કારણે દેશના સામાન્ય માનવીના સામર્થ્યનો દુનિયાને પરચો મળ્યો છે."

જુઓ વડા પ્રધાન મોદીનું રાષ્ટ્રજોગ સંબોધન લાઇવ

  • "2014માં તમે મજબૂત સરકાર બનાવી, 2019માં ફરી તમે અમારી સરકાર બનાવી. તો મોદીને રિફૉર્મ કરવાની હિંમત મળી. નોકરશાહીને ટ્રાંસફૉર્મ કરવાની જવાબદારી પણ મેં સારી રીતે નિભાવી. જનતા પણ તેમાં જોડાઈ અને તેના પરિવર્તનના પરિણામ તમે જોઈ શકો છો."
  • "અમે અલગ-અલગ મંત્રાલયો બનાવ્યાં. આજે યોગ અને આયુષ પોતાની યશગાથા લખી રહ્યાં છે. મત્સ્યપાલનનું કલ્યાણ કરવાનું પણ અમારા મનમાં છે. તે માટે અમે અલગથી મંત્રાલયની રચના કરી. અમે અલગથી સહકારિતા મંત્રાલય પણ બનાવ્યું જેથી ગરીબોને લાભ થાય. તેઓ પણ રાષ્ટ્રનિર્માણમાં પોતાનું યોગદાન આપી શકે."
  • "અમે જ્યારે 2014માં સરકારમાં આવ્યા હતા ત્યારે દેશની અર્થવ્યવસ્થા વિશ્વમાં 10મા ક્રમાંકે હતી. આજે ભારત વિશ્વની પાંચમી અર્થવ્યવસ્થા છે. ભ્રષ્ટાચારનો રાક્ષસ દેશને ભરખી રહ્યો હતો, અમે તેને બંધ કર્યો છે. મજબૂત અર્થવ્યવસ્થા ઊભી કરી છે. ગરીબ કલ્યાણ માટે વધારે ધન ખર્ચ કરવામાં આવે છે. મારો આ દસ વર્ષનો હિસાબ હું તિરંગાની નીચે ઊભો રહીને આપી રહ્યો છું."
  • "અમે ઇચ્છીએ છીએ કે યુરિયા સસ્તામાં મળે. સરકાર યુરિયા માટે દસ લાખ કરોડ રૂપિયાની સબસિડી આપે છે. મુદ્રા યોજના અંતર્ગત 20 લાખ કરોડ રૂપિયા યુવાનોને નવો કારોબાર શરૂ કરવા આપવામાં આવ્યા છે. 8 લાખ લોકોએ પોતાનો નવો કારોબાર શરૂ કરી દીધો છે. દરેક કારોબારે વધુ લોકોને રોજગારી આપી છે. નાના ઉદ્યોગકારોને અમે કોવિડ ગાળામાં ડૂબવા નહોતા દીધા. વન રૅન્ક વન પેન્શન યોજના સેનાના નાયકોના પરિવારજનોને પહોંચાડવામાં આવે છે."
  • "અમારી સરકારે 13.5 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યા છે. સ્વાનિધિ યોજના, આવાસ યોજનાનો લાભ અનેક લોકોને મળ્યો છે. આવનારા દિવસોમાં વિશ્વકર્મા જયંતિ પર 13-15 કરોડ રૂપિયાની નવી વિશ્વકર્મા યોજના શરૂ કરવામાં આવશે જેને કારણે યુવાનોને નવી તાકત મળશે."
  • "દેશભરમાં જનઔષધિ કેન્દ્રોની સંખ્યા દસ હજારથી વધારીને 25 હજાર કરવામાં આવી રહી છે. દેશ આવનારાં પાંચ વર્ષોમાં ત્રીજી સૌથી મોટી આર્થિક તાકત બનશે. મોદીની આ ગૅરેન્ટી છે."
  • "જ્યારે અમે ઇન્કમ ટૅક્સમાં છૂટ આપી તો સૌથી વધુ લાભ પગારદાર વર્ગને થયો. મારા પરિવારજનો કોરોનાકાળ બાદની પીડામાંથી બહાર નથી આવી શક્યા. યુદ્ધે નવી મુસીબત પેદા કરી છે. દુનિયા મોંઘવારીના સંકટથી ઝઝૂમે છે. આપણે પણ દુનિયામાંથી સામાન લઈએ છીએ જેથી દુર્ભાગ્યવશ મોંઘવારીમાં આયાત થાય છે. મારી સરકારે મોઘવારીને નિયંત્રણમાં લેવા માટે અનેક પ્રયાસો કર્યા છે અને તેમાં સફળતા પણ મળી છે. દુનિયા કરતા સારી સ્થિતિ ભારતની છે. આવું વિચારીને આપણે બેસી નથી રહેવાનું. અમારો ધ્યેય મોઘવારીથી દેશને છૂટકારો અપાવવાનો છે. તેના પ્રયાસો ચાલુ રહેશે."
  • "ખેલાડીઓને અમે સ્પેશિયલ તાલીમ આપી રહ્યા છે. જે યોજનાનો શિલાન્યાસ અમે કરીએ છીએ અમે તે જ યોજનાનું ઉદ્ઘાટન પણ કરીએ છીએ. આઝાદીના અમૃતકાળમાં અમે 50 હજાર અમૃત સરોવર બનાવવાની કલ્પના કરી હતી. આજે 75 હજાર અમૃત સરોવરો બની રહ્યા છે. 18000 ગામોમાં વીજળી પહોંચાડવાનું કામ ચાલુ છે. દીકરીઓ માટે શૌચાલય બનાવવાના લક્ષ્યમાં સમય પહેલા કામ કરવામાં આવી રહ્યું છે. 200 કરોડ વૅક્સિનેશન થયું તે વાત સાંભળીને દુનિયા અચંબામાં છે. અમે 6Gની તૈયારી કરી રહ્યા છે."
  • "વિકાસનો સૌથી મોટો દુશ્મન છે તુષ્ટીકરણ. તુષ્ટીકરણને કારણે સામાજીક ન્યાયને ભારે નુકસાન થયું છે. આપણે કોઈ પણ સંજોગોમાં ભ્રષ્ટાચારને નહીં સાખી લઈએ. આપણે એવું ભારત બનાવવાનું છે કે જે બનાવવા માટે પૂજ્ય બાપૂનું સ્વપ્ન હતું. જેમણે માતૃભૂમિ માટે પોતાનું જીવન અર્પી દીધું."
  • પીએમ મોદીએ ત્રણ ખામીઓ પર પણ ધ્યાન દોર્યું. તેમણે કહ્યું, "ભ્રષ્ટાચાર, પરિવારવાદ અને તુષ્ટીકરણ સામે લડવું પડશે. આ એવી બાબત છે જે આપણા દેશના લોકોની આશા પર પાણી ફેરવે છે. આ ત્રણેય દેશનું દુર્ભાગ્ય છે. દેશમાં એવી વિકૃતિ પેદા થઈ છે કે પરિવારવાદી પાર્ટી એવું જ માને છે કે રાજનીતિ તેમના પરિવાર માટે જ છે. તેઓ સામર્થ્યનો સ્વીકાર કરતા નથી."
  • "વિકાસનો સૌથી મોટો દુશ્મન છે તુષ્ટીકરણ. તુષ્ટીકરણને કારણે સામાજિક ન્યાયને ભારે નુકસાન થયું છે. આપણે કોઈ પણ સંજોગોમાં ભ્રષ્ટાચારને નહીં સાખી લઈએ. આપણે એવું ભારત બનાવવાનું છે કે જે બનાવવા માટે પૂજ્ય બાપુનું સ્વપ્ન હતું. જેમણે માતૃભૂમિ માટે પોતાનું જીવન અર્પી દીધું."
  • મોદીએ કહ્યું, "આવનારાં પાંચ વર્ષ ભારત માટે મહત્ત્વપૂર્ણ રહેશે. તેથી આવનારા દિવસોમાં હું ફરી લાલ કિલ્લા પર આવીશ અને ભારતે પ્રાપ્ત કરેલી ઉપલબ્ધિઓને ગણાવીશ."
  • "2014માં તમે મને રિફૉર્મ-પરફૉર્મ અને ટ્રાંસફૉર્મ માટે સત્તા સોંપી, 2019માં તમે મને પરફોર્મન્સના આધારે તમે મને આશીર્વાદ આપ્યો. હવે આવનારાં પાંચ વર્ષ અભૂતપૂર્વ વિકાસના છે. 2047ના સપનાને સાકર કરવા માટે મહત્ત્વનાં છે. તેથી આવતાં વર્ષે 15 ઑગસ્ટે આ જ લાલ કિલ્લા પર દેશની ઉપલબ્ધિઓ ગણાવીશ."

મોદીએ 15 ઑગસ્ટની શુભેચ્છા પાઠવી

વડા પ્રધાન મોદી જ્યારે લાલ કિલ્લા પર પહોંચ્યા ત્યારે લાહોરી ગેટ પર સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, સંરક્ષણ રાજ્ય મંત્રી અજય ભટ્ટ અને સંરક્ષણ સચિવે તેમનું સ્વાગત કર્યું.

આ પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઍક્સ(ટ્વિટર) પર લોકોને સ્વતંત્રતા દિવસની શુભકામના પાઠવી.

તેમણે લખ્યું, "તમને બધાંને સ્વતંત્રતા દિવસની અનેકાનેક શુભકામનાઓ. આવો આ ઐતિહાસિક અવસર પર અમૃતકાળમાં વિકસિત ભારતને સંકલ્પને વધુ સશક્ત બનાવીએ. જય હિંદ."

આ પ્રસંગે કેબિનેટ મંત્રીઓ, રાજનીતિક પાર્ટીઓના નેતાઓ તથા ત્રણેય સેનાઓના પ્રમુખો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સરકારના જન ભાગીદારી કાર્યક્રમ અંતર્ગત અલગ-અલગ વ્યવસાયોના લોકો - નર્સો, ગામના સરપંચો, શિક્ષકો, ખેડૂતો અને માછીમારોને વિશેષ અતિથિરૂપે આમંત્રિત કરવામાં આવ્યા છે.

સરકાર 'હર ઘર તિરંગા' કાર્યક્રમ અંતર્ગત લોકોને પોતાના ઘરે તિરંગા લહેરાવવા માટે પ્રોત્સાહિત કરી રહી છે. આ સિવાય વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ પર પોતાની પ્રોફાઇલ ફોટો બદલાવા માટે પણ પ્રોત્સાહિત કર્યા છે.

લાલ કિલ્લા પર સમારોહ કડક સુરક્ષા વચ્ચે આયોજીત કરવામાં આવી રહ્યો છે. જેમાં 1000 ચહેરાઓની ઓળખ કરનારા કૅમેરા, ઍન્ટી ડ્રોન સિસ્ટમ અને 10 હજારથી વધુ પોલીસકર્મીઓની તહેનાતી કરવામાં આવી છે.

સમાચાર એજન્સી પીટીઆઈએ વરિષ્ઠ પોલીસ અધિકારી દીપેન્દ્ર પાઠકના હવાલે કહ્યું છે કે છેલ્લાં કેટલાંક વર્ષોની માફક આ વખતે કોવિડ પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યા નથી.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો