You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મહિલા ટી-20 વર્લ્ડકપ: ઇંગ્લૅન્ડ સામે રોમાંચક મુકાબલામાં ભારતની 11 રને હાર
મહિલા ટી20 વર્લ્ડકપની રોમાંચક એવી મૅચમાં ઇંગ્લૅન્ડે ભારતને 11 રનથી હરાવ્યું છે.
ઇંગ્લૅન્ડે પ્રથમ બેટિંગ કરીને સાત વિકેટ પર 151 રન બનાવ્યા હતા. લક્ષ્યાંકનો પીછો કરવા ઊતરેલી ભારતીય ટીમે 20 ઓવરમાં પાંચ વિકેટના નુક્સાને 140 રન બનાવ્યા હતા.
ભારત તરફથી સૌથી વધુ રન ઉપકપ્તાન સ્મૃતિ મંધાનાએ બનાવ્યા હતા. તેમણે 41 બૉલમાં 52 રન ફટકાર્યા. જ્યારે ઋચા ઘોષે 34 બૉલમાં 47 રન ફટકાર્યા હતા.
આ મૅચમાં ઘણી રોમાંચક અને રસપ્રદ બાબતો જોવા મળી.
ભારતીય કપ્તાન રૅકોર્ડ બનાવવાથી ચૂક્યા, ઉપકપ્તાનની ઝંઝાવાતી અડધી સદી
152 રનોનો ટાર્ગેટ ચેઝ કરવા ઊતરેલી ભારતીય ટીમની શરૂઆત ધીમી રહી. પ્રથમ બે ઓવરોમાં માત્ર 11 રન બનાવી શકી હતી.
ત્રીજી ઓવરમાં ઉપકપ્તાન સ્મૃતિ મંધાનાએ ચાર ચોગ્ગા ફટકારીને સ્કોર 27 રન સુધી પહોંચાડ્યો હતો.
જોકે, ચોથી ઓવરમાં ભારતની પ્રથમ વિકેટ પડી હતી. છેલ્લા બૉલે શેફાલી વર્મા (આઠ રન) આઉટ થયાં હતાં.
તેમના પછી બેટિંગમાં આવેલાં જેમિમા રૉડ્રિગ્ઝે સ્મૃતિ મંધાના સાથે બીજી વિકેટ માટે 28 રનની ભાગીદારી નોંધાવી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે, 10મી ઓવરના પ્રથમ બૉલ પર તેઓ આઉટ થયાં હતાં અને તેમના પછી બેટિંગ માટે આવેલાં કપ્તાન હરમનપ્રીત પણ 11મી ઓવરના બીજા બૉલ પર આઉટ થયાં હતાં.
કપ્તાન હરમનપ્રીતકોર માત્ર ચાર રન બનાવી શક્યાં હતાં. જો તેમણે આ મૅચમાં 11 રન બનાવ્યા હોત તો આંતરરાષ્ટ્રીય ટી20માં તેમના ત્રણ હજાર રન પૂર્ણ કર્યા હોત.
જોકે, ઉપકપ્તાન સ્મૃતિ મંધાના 41 બૉલમાં એક છગ્ગો અને સાત ચોગ્ગાની મદદથી 52 રન ફટકારીને આઉટ થઈ ગયાં હતાં.
રેણુકાસિંહે લીધી પાંચ વિકેટ
ગ્રૂપ-2ની આ સૌથી મહત્ત્વપૂર્ણ મૅચમાં ભારતીય કૅપ્ટન હરમનપ્રીતકોરે ટૉસ જીતીને પહેલા બૉલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. તેમણે આ ટુર્નામેન્ટમાં પહેલી વખત ટૉસ જીત્યો છે.
ભારતનો આ નિર્ણય ત્યારે યોગ્ય સાબિત થતો દેખાયો જ્યારે રેણુકાસિંહ ઠાકુરે પ્રથમ ઓવરના ત્રીજા બૉલમાં જ ઇંગ્લૅન્ડના ઓપનર ડૅની વૉટની વિકેટ લીધી.
રેણુકા ઠાકુરે તેના પછીની બે ઓવરોમાં પણ બે વિકેટ લીધી.
પોતાની બીજી ઓવરના પ્રથમ બૉલમાં જે તેમણે ઍલિસ કૅપ્સીને બોલ્ડ કર્યાં અને ત્રીજી ઓવરના ચોથા બૉલ પર તેમણે ઇંગ્લૅન્ડના બીજા ઓપનર સોફિયા ડંકલીને બોલ્ડ કર્યાં.
પ્રથમ પાંચ ઓવરમાં ઇંગ્લૅન્ડે રેણુકાસિંહની ઉત્કૃષ્ઠ બૉલિંગના કારણે ત્રણ વિકેટના નુકસાને માત્ર 29 રન ફટકાર્યા.
રેણુકા ઠાકુરે મૅચની અંતિમ ઓવરમાં બીજી બે વિકેટ લીધી અને આ ટુર્નામેન્ટમાં પાંચ વિકેટ લેનારા બીજા ખેલાડી બન્યાં.
શિખા પાંડેની પ્રથમ ઇન્ટરનેશનલ ટી20 વિકેટ
કૅપ્ટન હીથર નાઇટ અને નૅટ સીવર બર્ન્ટની જોડી ક્રીઝ પર ટકીને રહી અને એક સમયે પાંચ રનની ઍવરેજ પર ચાલી રહેલી મૅચને સાત રનની એવરેજ સુધી પહોંચાડી.
આ બંને ખેલાડીઓના કારણે ઇંગ્લૅન્ડની ટીમ 10 ઓવરમાં 72 રન બનાવી શકી હતી.
ચોથી વિકેટ માટે બંનેએ 51 રનની ભાગીદારી નોંધાવી જ હતી એવામાં શિખા પાંડેએ કૅપ્ટન હીથર નાઇટની વિકેટ લીધી.
હીથર નાઇઅટે 23 બૉલમાં 121.73ના સ્ટ્રાઇક રેટથી 28 રન બનાવ્યા હતા.
આ શિખા પાંડેની ઇન્ટરનેશનલ ટી20માં પ્રથમ વિકેટ હતી.
નૅટ સીવર બર્ન્ટનું અર્ધશતક
હીથર નાઇટ આઉટ થયાં બાદ એમી જોન્સ ક્રીઝ પર આવ્યાં અને તેમણે નૅટ સીવર બર્ન્ટ સાથે પાંચમી વિકેટ માટે 40 રન જોડ્યા.
નૅટ સીવર બર્ન્ટે આ દરમિયાન પોતાનું અર્ધશતક પૂર્ણ કર્યું, પરંતુ 50 રનના વ્યક્તિગત સ્કોર પર દીપ્તિ શર્માએ તેમને સ્મૃતિ મંધાનાના હાથે કૅચઆઉટ કરાવી દીધાં.
આ સાથે ઇંગ્લૅન્ડે 20 ઓવરમાં સાત વિકેટે 151 રન બનાવ્યા હતા અને ભારતને 152 રનોનો ટાર્ગેટ આપ્યો હતો.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો