LIC IPOમાં પ્રથમ દિવસે જ રોકાણકારોને નુકસાન, 8.11 ટકા નીચે થયું લિસ્ટિંગ - પ્રેસ રિવ્યૂ

પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

દેશની સૌથી મોટી વીમા કંપની ભારતીય જીવન વીમા નિગમ (એલઆઈસી)ના શૅર મંગળવારના નેશનલ સ્ટૉક એક્સચેન્જ (એનએસઈ)માં તેના ઇશ્યૂ પ્રાઇસથી 8.11 ટકા નીચે લિસ્ટ થયા છે.

સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર બીએસઈમાં પણ એલઆઈસીના શૅરને 867.20 રૂપિયા પર લિસ્ટ થયા છે, જે તેના ઇશ્યૂ પ્રાઇસથી નીચે છે.

એલઆઈસીનો એક શૅર રોકાણકારોએ 949 રૂપિયામાં ખરીદ્યો હતો.

એલઆઈસીએ આઈપીઓ લૉન્ચના સમયે પોતાના શૅરની ઇશ્યૂ પ્રાઇસ 949 રૂપિયા નક્કી કરી હતી જેનાથી સરકારને 20 હજાર 557 કરોડ રૂપિયાની આવક થઈ.

એલઆઈસીના પૉલિસીધારકોએ એક શૅર માટે 889 રૂપિયા આપવા પડ્યા હતા તો રિટેલ રોકાણકારોએ 904 રૂપિયા આપવા પડ્યા હતા.

એલઆઈસીના શૅર પ્રથમ વખત મંગળવારના બીએસઈ અને એનએસઈમાં 81.80 રૂપિયા અને 77 રૂપિયાની છૂટ સાથે લિસ્ટ કરાયા હતા.

સરકારે એલઆઈસીમાં પોતાની 3.5 ટકા ભાગીદારી કે 22.13 કરોડ શૅર વેચ્યા છે. તેના માટે 902-949 રૂપિયાનો પ્રાઇસ બૅન્ડ નક્કી કરાયો હતો.

'વડા પ્રધાન તરીકે મોદીનો ટ્રેક રેકૉર્ડ હિંદુ વિરોધી છે' - સુબ્રમણ્યન સ્વામી

ભાજપના રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યન સ્વામીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને હિંદુ વિરોધી કહ્યા છે અને તેના ઉદાહરણ આપ્યા છે.

સ્વામીએ ટ્વીટ કર્યું, 'વડા પ્રધાન તરીકે મોદીનો ટ્રૅક રેકૉર્ડ હિંદુવિરોધી રહ્યો છે જે ભાજપના મૅનિફેસ્ટોમાં કહેવામાં આવેલા વાયદાઓને પૂર્ણ નથી કરતો.'

'ઉદાહરણ તરીકે રામ મંદિરમાં સુપ્રીમ કોર્ટના ચુકાદામાં વાર લગાડવી, રામસેતુને એન્શિયન્ટ હૅરિટેજનો દરજ્જો ન આપવો, ઉત્તરાખંડના પ્રાચીન મંદિરોનું અધિગ્રહણ અને 1991ના ઉપાસનાસ્થળ અધિનિયમને પરત લેવાથી ઇનકાર કરવો.'

સુબ્રમણ્યન સ્વામી અવારનવાર ભાજપ અને વડા પ્રધાનની ટીકા કરતા રહ્યા છે.

જ્ઞાનવાપી મસ્જિદને લઈને સ્વામીએ મુસ્લિમ પક્ષ પાસેથી અપેક્ષા રાખી છે કે દેશના કાયદાઓનું સમ્માન કરે.

તેમણે લખ્યું, 'મુસ્લિમ લીગ તરફથી માતૃભૂમિની માગને પૂર્ણ કરવા માટે ભારતનું વિભાજન કરવામાં આવ્યું. જે મુસલમાન ભારતમાં રહી રહ્યા છે તેમણે પારસ્પરિક રીતે ભારતીય બંધારણનો સ્વીકાર કરવા સહમતી દર્શાવી હતી.'

'એટલા માટે જ્યારે જ્ઞાનવાપી મસ્જિદને લઈને કાયદો એમ કહે કે આ વિસ્તારને હિંદુઓને આપવો જોઈએ, તો અમને આશા છે કે તે કાયદાનું સમ્માન કરશે.'

અગાઉના સમય કરતા સૌથી વધુ પુરુષો નૉન-વેજ ખાય છેઃ હૅલ્થ રવે

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર ભારતમાં માંસાહારી ખોરાક ખાતા લોકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે.

2019-21ની વચ્ચે કરાયેલા નેશનલ ફૅમિલી હેલ્થ સરવે અનુસાર 15 થી 49 વર્ષની ઉંમરના 83.4 ટકા પુરુષો અને 70.6 ટકા મહિલાઓ માંસાહારી ભોજન દરરોજ, અઠવાડિયે અને ક્યારેક કરે છે. અગાઉના સરવેમાં આ સંખ્યા 78.4 ટકા પુરુષો અને 70 ટકા મહિલાઓ માંસાહારી ભોજન કરતાં હતાં.

2015-16 કરતા માંસાહાર કરતા પુરુષોની સંખ્યામાં પાંચ ટકાનો વધારો જોવા મળ્યો છે.

માંસાહારમાં માછલી, ચિકન અને મીટનો સમાવેશ કરવામાં આવે છે. 2019-21ના સરવે અનુસાર 29.4 ટકા મહિલાઓએ ક્યારેય માંસાહાર કર્યો નથી. જેમની સંખ્યા 2015-16માં 29.9 ટકા હતી. પુરુષોની વાત કરીએ તો જેઓ ક્યારેય માંસાહાર કરતા નથી તેમની 16.6 ટકા છે. જે 2015-16માં 21.6 ટકા હતી.

17.9 ટકા ગુજરાતીઓ અઠવાડિયામાં એક વખત માંસાહાર કરે છે.

અઠવાડિયામાં એક વખત માંસાહાર ખ્રિસ્તી ધર્મના લોકો સૌથી વધારે કરે છે. 15-49 વર્ષની ઉંમરના જૂથમાં 80 ટકા પુરુષો અને 79 ટકા મહિલાઓ માંસાહાર કરે છે.

હિંદુઓમાં 52.5 ટકા પુરુષો અને 40.7 ટકા મહિલાઓ અઠવાડિયામાં એક વખત માંસાહાર કરે છે. મુસ્લિમ 79.5 ટકા પુરુષ અને 70.2 ટકા મહિલા માંસાહાર કરે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો