પશ્ચિમ બંગાળ વિધાનસભામાં ધારાસભ્યો વચ્ચે મારામારી, TMC નેતા હૉસ્પિટલમાં દાખલ - પ્રેસ રિવ્યૂ

પ્રકાશિત
વાંચવાનો સમય: 4 મિનિટ

બીરભૂમની ઘટના મુદ્દે સોમાવારે પશ્ચિમ બંગાળ વિધાનસભામાં ભારે હંગામો થયો હતો. તૃણમૂલ કૉંગ્રેસ અને ભાજપના ધારાસભ્યો વચ્ચે થયેલી મારામારીમાં ઘાયલ તૃણમૂલ કૉંગ્રેસ ધારાસભ્ય અસિત મજુમદારને સરકારી એસ. એસ. કે. એમ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

તેમણે આરોપ લગાવ્યો હતો કે નેતા શુભેન્દુ અધિકારીના મુક્કાથી તેમનું નાક તૂટી ગયું છે. મુખ્ય મંત્રી મમતા બેનરજી દાર્જીલિંગના પહાડી વિસ્તારોમાં પાંચ દિવસના પ્રવાસે છે.

આ ઘટના પછી આરોપ-પ્રત્યારોપ થતા રહ્યા છે. વરિષ્ઠ ટીએમસી નેતા ફિરહાદ હકીમે સદનમાં ફેલાયેલી અશાંતિ માટે શુભેન્દુને જવાબદાર ગણાવતા કહ્યું કે તેમણે આવા ગુંડાગર્દી કરનારા વિપક્ષના નેતા પહેલા ક્યારેય જોયા નથી.

બન્ને પાર્ટીઓ એકબીજા પર આરોપ લગાવી રહી છે.

બીજી તરફ, ભાજપ નેતા શુભેન્દુ અધિકારીએ આરોપ લગાવ્યો હતો કે સાદાં કપડાંમાં પોલીસવાળા વિધાનસભા ગૃહમાં ઘસી ગયા અને તેમણે ભાજપના ઘારાસભ્યોને માર્યા હતા.

સોમવારે ગૃહના બજેટસત્રની શરૂઆતથી જ ભાજપ ધારાસભ્યોએ વિધાનસભામાં હંગામો શરૂ કરી દીધો હતો. તેમણે પોતાના હાથોમાં પ્લેકાર્ડ લઈ રાખ્યા હતા. આ પછી, પહેલા શાસક પક્ષના સભ્યો સાથે ઝપાઝપી કરી અને પછી મારામારી શરૂ થઈ.

આ સમય દરમિયાન ટીએમસી ધારાસભ્ય અસિત મજુમદારને નાક પર વાગ્યું હતું અને તેમાંથી લોહી વહેવા લાગ્યું હતું. તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

થોડા સમય સુધી ચાલેલી ઝપાઝપી બાદ ભાજપ ધારાસભ્ય 'જય શ્રી રામ'ના નારા લગાવતા ગૃહની બહાર નીકળી ગયા હતા.

શુભેન્દુ અધિકારીએ આરોપ લગાવ્યો કે, "ટીએમસીના કાર્યકરોએ પાર્ટીના ધારાસભ્યો - નરહરિ મહતો અને મનોજ ટિગ્ગા સાથે મારામારી કરી છે."

તેમનું કહેવું હતું કે બીરભૂમની હિંસા અને રવિવારે બસીરહાટમાં એક કિશોરી પર બળાત્કારની ઘટનાને ધ્યાનમાં રાખીને, ભાજપે ગૃહમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ચર્ચાની માગ ઉઠાવી હતી, પરંતુ થોડા સમય પછી હુમલો શરૂ થયો.

ગુજરાત યુવા કૉંગ્રેસનું સંમેલન, હાર્દિક પટેલ, જિજ્ઞેશ મેવાણી સહિત અનેકની અટકાયત

બેરોજગારો માટે ભરતીપ્રક્રિયા હાથ ધરવામાં આવતી નથી. પેપર ફૂટી જાય છે, ફિક્સ પગાર અને કૉન્ટ્રેક્ટના કર્મચારીઓનું શોષણ થઈ રહ્યું છે, વગેરે મુદ્દાઓને લઈને ગુજરાત યુવા કૉંગ્રેસ દ્વારા ગાંધીનગર ખાતે 'યુવા સ્વાભિમાન સંમેલન' અંતર્ગત 'હલ્લા બોલ'નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં ભાગ લેવા બદલ હાર્દિક પટેલ, જિજ્ઞેશ મેવાણી, મનીષ દોશી સહિતના અગ્રણીઓની અટકાયત કરવામાં આવી છે.

યુવા કૉંગ્રેસના કાર્યકરોની મંજૂરી વગર સંમેલનો યોજવા બદલ અટકાયત કરવામાં આવી છે.

ગુજરાત યુવા કૉંગ્રેસ દ્વારા શનિવારે ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે "યુવા સ્વાભિમાન સંમેલન" નું આયોજન કરાયું હતું.

ગાંધીનગરના પ્રવેશદ્વાર પર ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

ગુજરાત કૉંગ્રેસ પ્રદેશાધ્યક્ષ જગદીશ ઠાકોરે ટ્વીટ કરતાં લખ્યું છે કે યુવા કૉંગ્રેસ દ્વારા આયોજિત યુવા સ્વાભિમાન રેલીની મંજૂરી આપી નથી તેમજ અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલ પર એકઠા થયેલા યુવાનોને ડર્યા વગર ભાજપની તાનાશાહી સરકાર સામે લડવા કહ્યું હતું.

દેશભરમાં 18 હજાર બાળકો બેઘર, 1990 બાળકો સાથે ગુજરાત બીજા ક્રમે

શુક્રવારે લોકસભામાં રજૂ કરાયેલા આંકડા અનુસાર, બેઘર બાળકોમાં ગુજરાત સમગ્ર દેશમાં બીજા ક્રમે છે.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર, મહારાષ્ટ્ર આ મામલે પ્રથણ ક્રમે છે, અહીં 4,952 બેઘર બાળકો નોંધાયા છે. તે પછી 1,990 બેઘર બાળકો સાથે ગુજરાતનો નંબર આવે છે.

લોકસભામાં રજૂ કરાયેલા આંકડા અનુસાર, દેશભરમાં કુલ 17,914 બેઘર બાળકો છે.

તેમાંથી ગુજરાતના આંકડાને અલગ તારવતાં ગુજરાતમાં 1,066 બાળકો તેમનાં માતાપિતા સાથે શેરીઓમાં બેઘર રહે છે. જ્યારે 895 બાળકો દિવસ દરમિયાન શેરીઓમાં રહે છે અને રાત્રિ દરમિયાન નજીકનાં સ્લમ કે ઝૂંપડાંમાં જતાં રહે છે.

રાજ્યામાં કુલ 1,066 બેઘર બાળકો પૈકી નવ બાળકો અનાથ છે.

અમદાવાદની સામાજિક સંસ્થાઓના કહેવા અનુસાર, બેઘર બાળકોનો વાસ્તવિક આંક ઘણો વધારે હોઈ શકે છે.

કાર્યકર્તાના કહેવા અનુસાર, "ડેટા એકત્રીકરણની પદ્ધતિ મહત્ત્વની છે. નિયમિતપણે સ્થાળાંતરણ કરતાં સમૂહોનાં બાળકો પણ શેરીઓમાં જ રહે છે. આમાનાં કેટલાંક ચાર રસ્તે સામાન વેચતાં જોવા મળે છે."

અદાણી ટોટલ ગૅસનું અમદાવાદમાં પહેલું ઈવી ચાર્જિંગસ્ટેશન

બિઝનેસ સ્ટાન્ડર્ડના અહેવાલ અનુસાર, અદાણી સમૂહ અને ફ્રૅન્ચ ઍનર્જી જાયન્ટ ટોટલ ઍનર્જીસ એસઈનું સંયુક્ત સાહસ અદાણી ટોટલ ગૅસ લિમિટેડે અમદાવાદમાં તેમનું પ્રથમ ઇલેક્ટ્રિક વિહિકલ (ઈવી)નું ચાર્જિંગસ્ટેશન શરૂ કરીને આ ક્ષેત્રમાં પ્રવેશ કર્યો છે.

કંપનીએ એક નિવેદનમાં જણાવ્યા પ્રમાણે, તેમનું પ્રથમ ઈવી ચાર્જિંગસ્ટેશન અમદાવાદમાં મણિનગર ખાતે શરૂ કરવામાં આવ્યું છે.

અદાણી ટોટલ ગૅસ લિમિટેડ ભારતની સૌથી મોટી ખાનગી સીએનજી અને પાઇપ મારફતે રસોઈ ગૅસ પૂરી પાડતી કંપની છે.

કંપનીના નિવેદન અનુસાર, એટીજીએલએ દેશભરમાં 1,500 ઈવી ચાર્જિંગસ્ટેશન સ્થાપીને તેના નેટવર્કને વિસ્તારવાનું લક્ષ્ય રાખ્યું છે અને તેનાથી આગળ વધવા માટેની વિસ્તરણ યોજના તૈયાર રાખી છે.

કોવિડ-19 : ચીને સૌથી મોટા શહેર શાંઘાઈમાં લૉકડાઉનની જાહેરાત કરી

કોવિડ-19 મહામારી ફાટી નીકળ્યાનાં બે વર્ષ પછી ચીને તેના સૌથી મોટા શહેર શાંઘાઈમાં લૉકડાઉનની જાહેરાત કરી છે.

શાંઘાઈ શહેરમાં નવ દિવસમાં બે તબક્કામાં લૉકડાઉનનો અમલ કરવામાં આવશે અને કોવિડ-19 પરીક્ષણ કરાશે.

અઢી કરોડની વસ્તી ધરાવતા શાંઘાઈ શહેરનું અર્થતંત્ર ખોરંભે ન ચડે એટલા માટે અત્યાર સુધી અહીં લૉકડાઉન લાદવામાં આવતું નહોતું.

જોકે શાંઘાઈમાં શનિવારે સૌથી વધુ દૈનિક કેસ નોંધાયા પછી શહેરમાં લૉકડાઉન લાદવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

લૉકડાઉન દરમિયાન જાહેર પરિવહન સ્થગિત કરવામાં આવશે અને કંપનીઓ અને ફેક્ટરીઓને બંધ રાખવામાં આવશે એમ અધિકારીઓએ જણાવ્યું હતું.

વીચેટ પર સૂચનાઓ બહાર પાડવામાં આવી છે, જેમાં લોકોને સહકાર આપવાની અપીલ કરવામાં આવી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો