ટમેટાં અને શાકભાજીના ભાવ આગામી બે મહિના સુધી ઘટવાની કોઈ શક્યતા નથી? રિપોર્ટ શું કહે છે? - BBC Top News

પ્રકાશિત
વાંચવાનો સમય: 4 મિનિટ

ક્રિસિલના રિસર્ચ પ્રમાણે કમોસમી વરસાદના કારણે ભારતના ઘણા ભાગોમાં શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. આ રિપોર્ટ અનુસાર આગામી બે મહિના સુધી ટમેટાંના ભાવ ઘટવાની શક્યતા નથી.

કર્ણાટકમાં ટમેટાંની સારી એવી ખેતી થાય છે, પરંતુ હાલમાં ત્યાં સ્થિતિ એટલી વિકટ છે કે નાસિકથી શાકભાજી ત્યાં મોકલવામાં આવી રહી છે. રિસર્ચમાં નોંધ્યું છે કે, કર્ણાટકમાં ભારે વરસાદને કારણે પાકને ઘણું નુક્સાન થયું છે.

સામાન્ય રીતે ઑક્ટોબરથી ડિસેમ્બર સુધીમાં આંધ્ર પ્રદેશ અને મહારાષ્ટ્રનો શાકભાજીનો જથ્થો પૂરો પાડવામાં મોટો ફાળો હોય છે, પરંતુ હાલમાં ત્યાં પણ વિકટ સ્થિતિ સર્જાઈ છે.

શાકભાજીની કિંમતોમાં 25 નવેમ્બર સુધીમાં 142 ટકાનો વધારો નોંધાયો છે અને આગામી બે મહિના સુધી કિંમતોમાં ઘટાડાની કોઈ શક્યતા નથી.

જાન્યુઆરીથી મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાંથી પણ શાકભાજી બજારોમાં આવશે, ત્યારે વધી રહેલા ભાવમાંથી રાહત મળી શકે છે.

ગુજરાતમાં 18 ટકા લોકો ગરીબ, જાણો કયા જિલ્લા સૌથી ગરીબ

નીતિ આયોગ દ્વારા દેશની પ્રથમ મલ્ટિડાઇમેન્શનલ પૉવર્ટી ઇન્ડેક્સ બહાર પાડી છે. આ ઇન્ડેક્સ મુજબ ગુજરાતની વસતિ પૈકી કુલ 18.60 ટકા લોકો ગરીબ હોવાનું સામે આવ્યું છે.

જે એક કરોડ કરતાં પણ વધુ છે. ઇન્ડેક્સ પ્રમાણે 51.91 ટકા સાથે બિહાર સૌથી ગરીબ રાજ્ય હોવાનું સામે આવ્યું છે. તેમજ કેરળમાં માત્ર 0.71 ટકા લોકો ગરીબ છે.

વિવિધ મીડિયાના અહેવાલોના આધારે સૂચકાંકમાં 700 કરતાં વધુ જિલ્લાનું જિલ્લા સ્તરની ગરીબાઈના ત્રણ ક્ષેત્રો સ્વાસ્થ્ય, શિક્ષા અને જીવનધોરણ સાથે જોડાયેલા 12 માપદંડોને આધારે આકલન કરાયું હતું.

જેમાં પોષણ, બાળ-કિશોર મૃત્યુદર, પ્રસૂતિ અગાઉની સુવિધાની ઉપલબ્ધતા, ભણતરનાં વર્ષ, સ્કૂલમાં હાજરી, સફાઈ, પીવાનું પાણી, વીજળી, ઘર, સંપત્તિ અને બૅંકનાં ખાતાં જેવા સૂચકાંક સામેલ છે.

જો જિલ્લાસ્તરે વાત કરીએ તો રાજ્યમાં સૌથી વધુ ગરીબાઈ ડાંગ અને દાહોદ જિલ્લામાં જોવા મળી છે.

પરમબીરસિંઘ અજમલ કસાબનો ફોન લઈને પાછો નહોતો આપ્યો : ભૂતપૂર્વ ACP

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ અનુસાર ભૂતપૂર્વ ACP શમશેરસિંઘ પઠાણે, મહારાષ્ટ્રના પોલીસવડાને લખેલ એક પત્રમાં આરોપ મુંબઈના ભૂતપૂર્વ કમિશનર પરમબીરસિંઘ પર ગંભીર આરોપ મૂક્યો છે.

તેમણે તે પત્રમાં લખ્યુ છે કે, વર્ષ 2008માં થયેલા મુંબઈ ઉગ્રવાદી હુમલાના આરોપમાં પકડાયેલ આરોપી અજમલ કસાબનો જપ્ત કરાયેલ મોબાઇલ તે સમયે ઍન્ટિ-ટેરરિસ્ટ સ્ક્વૉડમાં ફરજ બજાવતાં પરમબીરસિંઘે કૉન્સ્ટેબલ પાસેથી લઈને ક્યારેય પાછો આપ્યો ન હતો.

પત્રમાં પરમબીરસિંઘે આ અંગે તેમના સિનિયરોને પણ જાણ ન કરાઈ હોવાનો આરોપ મુકાયો છે.

પઠાણે પોતાના પત્રમાં લખ્યું છે કે, "26 નવેમ્બર, 2008ના રોજ હુમલાના આરોપમાં પકડાયેલ કસાબ પાસેથી તેમના બૅચમેટ એન. આર. માલી અને ડી બી માર્ગ પોલીસની ટીમે એક ફોન રિકવર કર્યો હતો. જે કૉન્સ્ટેબલ કાંબલેની કસ્ટડીમાં હતો, પરંતુ પાછળથી તે ફોન DIG સિંઘે લઈ લીધો હતો."

હુમલા સમયે પીધોની પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં પઠાણનો આરોપ હતો કે કસાબનો ફોન મહત્ત્વપૂર્ણ પુરાવો હતો, કારણ કે તેઓ પાકિસ્તાથી ઑર્ડર મેળવી રહ્યા હતા.

આંધ્ર પ્રદેશમાં 2 ડિસેમ્બર સુધી ભારે વરસાદનું ઍલર્ટ

ભારતીય હવામાન વિભાગ દ્વારા આંધ્ર પ્રદેશના રાયલસીમા અને દક્ષિણ તટીય વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે.

ન્યૂ ઇન્ડિયન એકસપ્રેસના એક અહેવાલ અનુસાર ચિત્તૂર અને નેલ્લોરમાં 26 નવેમ્બરથી 2 ડિસેમ્બર સુધી ભારેથી અતિભારે વરસાદ પડવાની આશંકા છે.

હવામાનવિભાગે રાયલસીમા અને દક્ષિણ તટીય વિસ્તારો અંગે ચેતવણી આપી છે તે ચિંતાનો વિષય એટલા માટે પણ છે કે પાછલા દિવસોમાં પડેલા તોફાની વરસાદના નુકસાન અને સર્જાયેલી આફતો સામે વિસ્તારો હજુ સુધી ઝઝૂમી રહ્યા હતા.

આ ચેતવણીને પગલે કપાડા જિલ્લા વહીવટી તંત્રે પહેલાંથી ભરાયેલાં ટૅન્ક છલોછલ થઈ જઈ હેઠવાસના વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જી શકે છે, તે માટેનું ઍલર્ટ જારી કરી દીધુ છે.

સ્થાનિક અધિકારીઓને ઉતુકુરુ અને ક્રિષ્નારેડ્ડી તળવો અને ગલિવીડૂ, નાગરીપડુ, પુત્તમપલ્લી, ચિંતાકુંદા. ચિંતલુરુ, શિતયાલા, પોલીપેડા અને સી. કે. ડિન ટૅન્કોમાં પાણીની આવકને કારણે આસપાસના વિસ્તારોનાં ગામોમાં પૂરના જોખમ અંગે માહિતી ફેલાવવા જણાવી દીધું હતું.

વાઇબ્રન્ટ ગુજરાતનો રાજ્યને વૈશ્વિક બજાર સાથે સ્પર્ધામાં મૂકવાનો હેતુ: ભૂપેન્દ્ર પટેલ

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ અનુસાર આગામી જાન્યુઆરી માસમાં યોજાનાર વાઇબ્રન્ટ ગુજરાત સમિટ માટે ગુરુવારે દિલ્હી ખાતે કર્ટેઇન રેઇઝર કાર્યક્રમ યોજાયો હતો.

જેમાં ઉદ્યોગજગતના કેટલાક પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.

આ પ્રસંગે ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે આ સમિટનો હેતુ ગુજરાતને ટોચના વૈશ્વિક બજારો સાથે સ્પર્ધામાં મૂકવાનો છે.

તેમણે આગળ કહ્યું કે, “રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં જ લૉજિસ્ટિક્સ, લૉજિસ્ટિક્સ પાર્ક્સ, ઇલેક્ટ્રિક વિહિકલ, સોલાર પાવર જનરેશન અને અન્ય ક્ષેત્રો માટે નવી નીતિ જાહેર કરાઈ છે.”

મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં રોકાણ માટે ઉપલબ્ધ તકો અને રાજ્ય સરકારની તે માટેની પ્રતિબદ્ધતા સૂચિત કરતાં કહ્યું કે, “અમારું રાજ્ય એ નીતિથી ચાલતું રાજ્ય છે. તેમજ હું ગુજરાતમાં રોકાણ કરનારને સંપૂર્ણ ટેકો અને સહકાર આપવાનો વાયદો કરું છું.”

ગુજરાત કૅડરના અધિકારી પ્રવીણ સિંહા ઇન્ટરપોલ કારોબારી પૅનલમાં ચૂંટાયા

લાઇવમિન્ટ ડોટ કૉમના એક અહેવાલ અનુસાર સેન્ટ્રલ બ્યૂરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ના સ્પેશિયલ ડિરેક્ટર પ્રવીણ સિંહા ઇન્ટરપોલની કારોબારી પૅનલમાં એશિયન ડેલિગેટ તરીકે ચૂંટાઈ આવ્યા છે.

નોંધનીય છે કે સિંહા ગુજરાત કૅડરના IPS ઑફિસર છે.

આ બાબત સાથે સંકળાયેલી એક વ્યક્તિએ વેબસાઇટને જણાવ્યું હતું કે, “આ એક અઘરી ચૂંટણી હતી, જેમાં ભારતનો મુકાબલો ચીન, સિંગાપોર, રિપબ્લિક ઑફ કોરિયા અને જોર્ડન સાથે હતો. ચૂંટણીઓ તુર્કીના ઇસ્તાંબુલમાં યોજાયોલ ઇન્ટરપોલની 89મી સામાન્ય સભામાં યોજાઈ હતી.”

અહીં નોંધનીય છે કે ઇન્ટરપોલએ ટ્રાન્સ-નેશનલ આયોજિત ગુનાખોરી, આતંકવાદ અને સાઇબર-ક્રાઇમને રોકવા માટે કામ કરતી સંસ્થા છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો