You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઉત્તરાખંડના દહેરાદૂનમાં બોલેરો ખીણમાં પડી, 13 લોકોનાં મૃત્યુ
ઉત્તરાખંડની રાજધાની દહેરાદૂનમાં એક દુર્ઘટનામાં રવિવારે સવારે 13 લોકોનાં મૃત્યુ થયાં છે. આ ઘટના ચકરાતા-ત્યુણી માર્ગ પર ઘટી હતી, જેમાં એક બોલેરો ગાડી ખીણમાં પડી ગઈ હતી.
આ ગાડીમાં કુલ 15 લોકો હતા, જેમાંથી બે લોકોને બચાવી લેવામાં આવ્યા છે અને તેમને નજીકની હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
મુખ્ય મંત્રી પુષ્કરસિંહ ધામીએ ઘટના અંગે ખેદ પ્રગટ કર્યો છે અને દુર્ઘટના અંગે ન્યાયિક તપાસ કરવાના આદેશ આપ્યા છે.
કૅબિનેટ મંત્રી ગણેશ જોશી, ગઢવાલ કમિશનર અને દહેરાદૂનના જિલ્લા કક્ષાના અધિકારીઓ દુર્ઘટનાસ્થળની મુલાકાત લેશે.
ગામથી 100 મીટર દૂર ખીણમાં ગાડી ખાબકી
વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મૃતકોના પરિવારજનો માટે બે લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરાઈ છે, જ્યારે ઇજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની સહાય કરાશે.
વિકાસનગર તાલુકાના એસડીએમ સૌરભ અસવાલે ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
તેમણે બીબીસી હિંદીને જણાવ્યું કે બોલેરોમાં સવાર 13 લોકોનાં મૃત્યુ થયાં છે અને બે ઇજાગ્રસ્તો ગંભીર છે.
તેમના જણાવ્યા પ્રમાણે ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર બાદ દહેરાદૂન રિફર કરવામાં આવ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ચકરાતા પોલીસસ્ટેશન પ્રમાણે સવારે અંદાજે 8.15 વાગ્યે દુર્ઘટના અંગે માહિતી મળી હતી, જે બાદ પોલીસદળ અને એસડીઆરએફની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને રાહતકામગીરી શરૂ કરી દીધી હતી.
પોલીસના જણાવ્યા પ્રમાણે આ ગાડી ચકરાતાના બાયલા ગામથી વિકાસનગર જવા માટે સવારે આઠ વાગ્યે નીકલી હતી અને ગામથી માંડ 100 મીટરના અંતરે અનિયંત્રિત થઈને ઊંડી ખીણમાં પડી ગઈ હતી.
દુર્ઘટનાનાં કારણો અંગે તપાસ કરાઈ રહી છે.
ઓવરલોડિંગ ન કરો - મુખ્ય મંત્રીની અપીલ
મુખ્ય મંત્રી પુષ્કરસિંહ ધામીએ દુર્ઘટના અંગે ખેદ વ્યક્ત કર્યો છે.
સાથે જ તેમણે કહ્યું છે કે ઈજાગ્રસ્તોની સારવાર માટે સરકાર શક્ય તમામ પ્રયાસ કરશે.
મુખ્ય મંત્રીએ જિલ્લા કલેક્ટરને દુર્ઘટનાની ન્યાયિક તપાસ કરાવવાના આદેશ આપ્યા છે.
મુખ્ય મંત્રીએ પરિવહનવિભાગને નિર્દેશ આપ્યા છે કે વાહનોમાં ઓવરલોડિંગ ન થાય, એની તકેદારી રાખવામાં આવે.
સાથે જે તેમણે રાજ્યનાના લોકોને અપીલ કરી છે કે ઓવરલોડિંગ ન કરે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો