You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પ્રશાંત કિશોર: મોદી હારશે તો પણ ભાજપ દેશના રાજકારણના કેન્દ્રમાં રહેશે - TOP NEWS
ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરનું માનવું છે કે 'ભાજપ આગામી અમુક દાયકા સુધી ભારતીય રાજકારણના કેન્દ્રમાં રહેશે તથા રાહુલ ગાંધી આ વાતને સમજી નથી શકતા.'
સોશિયલ મીડિયા ઉપર પ્રશાંત કિશોરનો એક વીડિયો શૅર કરવામાં આવી રહ્યો છે, જેમાં તેમને એમ કહેતા સાંભળી શકાય છે, "ભારતના રાજકારણના કેન્દ્રમાં ભાજપ રહેશે, તે હારે કે જીતે તેનાથી કોઈ ફેર નહીં પડે. જેવું કૉંગ્રેસ માટે 40 વર્ષ સુધી હતું, એવું ભાજપ માટે છે, તે ક્યાંય નહીં જાય. જો તમે રાષ્ટ્રીયસ્તરે 30 ટકા મત મેળવી લો, તો તમને સહેલાઈથી કાઢી ન શકાય."
કહેવાય છે કે આ વીડિયો ગોવાના એક કાર્યક્રમ દરમિયાનનો છે, જેમાં તેઓ આગળ કહે છે, "એવા વહેમમાં રહેવાની જરૂર નથી કે લોકો મોદીથી નારાજ છે અને તેઓ મોદીને હરાવી દેશે. શક્ય છે કે મોદીને હરાવી દે તો પણ ભાજપ તો રહેવાની જ છે. પાર્ટી આગામી અમુક દાયકા સુધી રાજકારણમાં રહેશે. રાહુલ ગાંધીની કદાચ મુખ્ય સમસ્યા એ છે કે તેમને લાગે છે કે સમય આવવામાં છે, લોકો આમને સત્તા પરથી હઠાવી દેશે, પરંતુ એવું નહીં થાય."
પ્રશાંત કિશોરે ઉમેર્યું, "જ્યાર સુધી તમે મોદીને ન સમજો, તેમની તાકતને ન સમજો, ત્યાર સુધી તેમને હરાવવાની વ્યૂહરચના તૈયાર ન કરી શકો. હું જે સમસ્યા જોઈ રહ્યો છું, એ છે કે લોકો ન તો તેમની તાકતને સમજી રહ્યાં છે તથા તેઓ શા માટે લોકપ્રિય છે, તેનથી સમજી રહ્યા. જ્યાર સુધી તમે આ વાત નહીં જાણો, ત્યાર સુધી તમે એમને હરાવી ન શકો."
દિલ્હી ભાજપના પ્રવક્તા અજય શહરાવતે આ વીડિયોને ટ્વીટ કર્યો અને લખ્યું, "છેવટે પ્રશાંત કિશોરે સ્વીકારી લીધું કે ભાજપ આવનારા અમુક દાયકા સુધી ભારતના રાજકારણમાં મહત્ત્વપૂર્ણ બની રહેશે. અમિત શાહ અગાઉ જ આ વાત કહી ચૂક્યા છે."
આ પહેલાં જુલાઈ મહિનામાં વરિષ્ઠ પત્રકાર બરખા દત્ત સાથે વાત કરતી વેળાએ પ્રશાંત કિશોરે કહ્યું હતું, "રાહુલ ગાંધીને લાગે છે કે પરંપરાગત રીતે કૉંગ્રેસનો પુનરુદ્ધાર થઈ શકે છે, પરંતુ કૉંગ્રેસે તેથી આગળ વધવું પડશે. બિહાર અને પંજાબને બાદ કરતા વર્ષ 2013 પછી કૉંગ્રેસે કોઈ ચૂંટણી નથી જીતી. આ બંને જગ્યાએ પણ ગઠબંધનનો વિજય થયો હતો."
"આંકડાકીય રીતે જોવામાં આવે તો વર્ષ 1985થી કૉંગ્રેસની સ્થિતિ કથળવાની ચાલુ જ છે. લોકોને લાગે છે કે વર્ષ 2014 પછી કૉંગ્રેસની સ્થિતિ ખરાબ થઈ, પરંતુ એવું નથી. એમને લાગે છે કે મોદીને હરાવવાનું લક્ષ્યાંક રાખવું જોઈએ, જેના દ્વારા કૉંગ્રેસનો પુનરુદ્ધાર કરી શકાય છે. મને એમ લાગે છે કે તમે એમને હરાવી શકો કે ન કરાવી શકો, તેનાથી કોઈ ફેર નથી પડતો. ધરાતલ ઉપર કામ કરીને કૉંગ્રેસનો પુનરુદ્ધાર કરવાની જરૂર છે."
કૉંગ્રેસ સાથે તણાવપૂર્ણ સંબંધ
થોડા અઠવાડિયાં પહેલાં કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી તથા મહાસચિવ પ્રિયંકા ગાંધી સાથે પ્રશાંત કિશોરે મુલાકાત કરી હતી, https://bbc.com.im/hindi/india-57835486 જેની વ્યાપક ચર્ચા થઈ હતી. એવી અટકળો લગાવવામાં આવતી હતી કે તેમને કૉંગ્રેસમાં કોઈ મોટી ભૂમિકા આપવામાં આવશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પરંતુ તાજેતરમાં લખીમપુર ખીરી અકસ્માત અંગે પ્રશાંત કિશોરના નિવેદનથી કૉંગ્રેસ અને તેમની વચ્ચેના સંબંધમાં તણાવ આવ્યો હોવાનું કહેવાય છે. ઑક્ટોબર મહિનામાં સોશિયલ મીડિયા ઉપર તેમણે ગૂઢ રીતે પાર્ટીના ફરી બેઠા થવા ઉપર સવાલ ઉઠાવ્યા હતા અને લખ્યું હતું,
"જેમને લાગે છે કે લખીમપુર-ખીરી અકસ્માત પછી જીઓપી (ગ્રાન્ડ ઑલ્ડ પાર્ટી)ના નેતૃત્વમાં વિપક્ષનો પુનરુદ્ધાર થઈ શકે છે, તેમને નિરાશા સાંપડશે. જે સમસ્યાઓ ઊંડે સુધી પેઠી ગઈ હોય, તેમનો ઉકેલ સહેલાઈથી નથી થતો."
આના જવાબમાં કૉંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે લખીમપુર-ખીરીની ઘટનાને રાજકારણમાં હાર-જીતના ત્રાજવે તોળીને જોવી પાપ છે. પરંતુ આ ઘટના બાદ પાર્ટી તથા પ્રશાંત કિશોર વચ્ચેના સંબંધો તણાવપૂર્ણ બન્યા હોવાનું કહેવાય છે.
ગોવામાં તૃણમૂલ
ઉલ્લેખનીય છે કે ગુરૂવારે પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી તથા તૃણમૂલ કૉંગ્રેસ પાર્ટીનાં નેતા મમતા બેનરજી ગોવા પહોંચ્યાં હતાં અને તેઓ ત્યાં ત્રણ-ચાર દિવસ રહેશે, એવા અહેવાલ છે તેઓ ગોવામાં પાર્ટીની પેઠ વધારવા માગે છે.
એવું માનવામાં આવે છે કે પ્રશાંત કિશોર ગોવામાં તૃણમૂલ કૉંગ્રેસનો વ્યાપ વધારવા માટે ત્યાં પહોંચ્યા હતા. આ પહેલાં ગોવાના પૂર્વ મુખ્ય મંત્રી લુઇજિન્હો ફ્લેરો ટીએમસીમાં સામેલ થયા હતા. તાજેતરમાં સમાપ્ત થયેલી પશ્ચિમ બંગાળની ચૂંટણી સમયે પ્રશાંત કિશોર મમતા બેનરજીની પાર્ટી સાથે જોડાયેલા હતા.
એ પછી તા. બીજી મેના દિવસે એક ટીવી ઇન્ટરવ્યૂમાં તેમણે એવું નિવેદન કર્યું હતું કે તેઓ વ્યવસાયિક રીતે રાજકીય સલાહકાર તરીકેની ભૂમિકા ભજવવાનું બંધ કરી દેશે. આ નિવેદનથી આશ્ચર્ય ફેલાયું હતું અને એવી અટકળો ચાલી રહી હતી કે તેઓ પોતે સક્રિય રાજકારણમાં ઉતરવા માગે છે.
બીજી બાજુ, ટીએમસીએ આગામી વિધાનસભા ચૂંટણી (2026) માટે પ્રશાંત કિશોરની રાજકીય સલાહકાર કંપની ઇન્ડિયા પોલિટિકલ ઍક્શન કમિટી (આઈપૈક) સાથે કરાર કર્યા છે.
2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપના વિજય સાથે પ્રશાંત કિશોર ચૂંટણી રણનીતિકાર તરીકે ચર્ચામાં આવ્યા હતા. મૂળ બિહારના પ્રશાંત અત્યારસુધીમાં નરેન્દ્ર મોદી, ભાજપ અને મમતા બેનરજી ઉપરાંત નીતીશ કુમાર પંજાબના મુખ્ય મંત્રી અમરિન્દરસિંહ, આંધ્ર પ્રદેશના મુખ્ય મંત્રી જગન મોહન રેડ્ડી, તામિલનાડુના મુખ્ય મંત્રી એમકે સ્ટાલિનને ચૂંટણી વ્યૂહરચના ઘડવામાં મદદ કરી ચૂક્યા છે.
પાકિસ્તાનના વિજયની ઉજવણી કરનાર કાશ્મીરી વિદ્યાર્થીઓની આગ્રામાં ધરપકડ
પાકિસ્તાનના વિજય સંબંધિત વૉટ્સઍપ સ્ટેટસ મૂકવા બદલ રાજસ્થાનનાં મહિલા શિક્ષિકાએ નોકરી ગુમાવ્યાની શાહી હજુ સુકાઈ નથી, ત્યાં ઉત્તરપ્રદેશ પોલીસે આગ્રામાંથી ત્રણ કાશ્મીરી વિદ્યાર્થીઓની ધરપકડ કરી છે.
આ શખ્સો પર આરોપ છે કે મૅચ દરમિયાન તેમણે પાકિસ્તાનતરફી તથા ભારતવિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા.
સોમવારે તેમને કૉલેજમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. તેમણે વૉટ્સઍપ પર કથિત રીતે પાકિસ્તાની ખેલાડીઓની પ્રશંસા કરતી પોસ્ટ મૂકી હતી. ત્યારબાદ ભાજપના નેતાઓ દ્વારા તેમની વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવતા બુધવારે તેમની ધરપકડ કરવામાં આવી હતી.
ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે, "આ લોકો દ્વારા તણાવ ઊભો કરવામાં આવી રહ્યો હતો, જેના કારણે દેશનો માહોલ બગડે તેમ છે."
ન્યૂઝ એજન્સી ઍસોસિયેટ પ્રેસના રિપોર્ટ મુજબ, મૅચ સમાપ્ત થયો ત્યારે સેંકડો કાશ્મીરીઓ રસ્તા ઉપર ઊતરી આવ્યા હતા અને તેમણે 'પાકિસ્તાન જિંદાબાદ'ના નારા લગાવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે રવિવારે ટી-20 વર્લ્ડકપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર થઈ હતી, જેમાં પાકિસ્તાને ભારતને 10 વિકેટે પરાજય આપ્યો હતોપાકિસ્તાનના વિજય સંબંધિત વૉટ્સઍપ સ્ટેટસ મૂકવા બદલ રાજસ્થાનનાં મહિલા શિક્ષિકાએ નોકરી ગુમાવ્યાની શાહી હજુ સુકાઈ નથી, ત્યાં ઉત્તરપ્રદેશ પોલીસે આગ્રામાંથી ત્રણ કાશ્મીરી વિદ્યાર્થીઓની ધરપકડ કરી છે.
મહારાષ્ટ્ર પોલીસે અદાલતને જણાવ્યું કે સમીર વાનખેડેની વિરુદ્ધ ચાર અલગઅલગ કેસ દાખલ કરાયા છે અને એસીપી સ્તરના અધિકારી આ કેસની તપાસમાં વ્યસ્ત છે.
રાજ્ય સરકારે પોતાના વકીલના માધ્યમથી કહ્યું છે કે હાલ આ કેસમાં કોઈ એફઆઈઆર પણ દાખલ નથી કરાઈ એટલે વાનખેડેની ધરપકડથી પ્રોટેક્શનની અરજી પ્રીમૅચ્યોર છે.
આર્યન ખાન સાથે સેલ્ફી લેનાર કિરણ ગોસાવીની ધરપકડ
મુંબઈ ડ્રગ્સ મામલામાં NCBના સાક્ષી કિરણ ગોસાવીની ધરપકડ કરી લેવાઈ છે. પુણેના પોલીસ કમિશનર અમિતાભ ગુપ્તાએ આ જાણકારી આપી છે.
પુણે પોલીસે જણાવ્યું છે કે NCBના સ્વતંત્ર સાક્ષી ગોસાવીની છેતરપિંડી મામલે પૂછપરછ કરાઈ રહી છે.
મુંબઈ ડ્રગ્સ મામલામાં શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાનની ધરપકડ બાદ ગોસાવીએ તેમની સાથે એક સૅલ્ફી લીધી હતી જે સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ ગઈ હતી.
વર્ષ 2018ની છેતરપિંડી અંગેના એક મામલામાં પુણે પોલીસે ગોસાવી વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર જારી કર્યો હતો.
મુંબઈ ડ્રગ્સ મામલામાં જ એક અન્ય સ્વતંત્ર સાક્ષી પ્રભાકર સાઈલે ગોસાવી પર 25 કરોડ રૂપિયાની ખંડણી માગવાનો આરોપ પણ લગાવ્યો હતો.
મોદી ભારતના સૌથી સફળ વડા પ્રધાન : અમિત શાહ
'ફર્સ્ટપોસ્ટ'ના એક અહેવાલ પ્રમાણે સરકારના વડા તરીકે નરેન્દ્ર મોદીનાં 20 વર્ષ અંગે અવલોકન વ્યક્ત કરવા માટે યોજાયેલી એક કૉન્ફરન્સને સંબોધતાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નરેન્દ્ર મોદીને 'ભારતના સૌથી સફળ વડા પ્રધાન' ગણાવ્યા હતા.
શાહે પોતાના સંબોધનમાં આગળ કહ્યું કે, "વર્ષ 2014માં જ્યારે દેશ નેતાગીરીની કટોકટીનો સામનો કરી રહ્યો હતો તેવા સમયે ભાજપે વડા પ્રધાનપદના ઉમેદવાર તરીકે નરેન્દ્ર મોદીને પસંદ કર્યા. તેમની પસંદગીનું કારણ મુખ્ય મંત્રી તરીકે ગુજરાતને મૉડલ સ્ટેટ તરીકેનો વિકાસ પણ હતું."
શાહે પોતાના સંબોધનમાં UPA સરકારના શાસનકાળ પર નિશાન સાધતાં કહ્યું હતું કે, "મનમોહનસિંહ જ્યારે વડા પ્રધાન હતા ત્યારે કૅબિનેટના દરેક મંત્રી પોતાની જાતને વડા પ્રધાન માનતા. જ્યારે વડા પ્રધાનને વડા પ્રધાન નહોતા માનવામાં આવતા."
"પરંતુ જ્યારે મોદી વડા પ્રધાન બન્યા ત્યારે લોકોને લાગ્યું કે હવે બધું સુધરશે, સિસ્ટમ બદલાશે."
દિવાળીની રજા બાદ સુરત પરત ફરનાર માટે RT-PCR ટેસ્ટ ફરજિયાત
'ન્યૂઝ 18 ડોટ કૉમ'ના એક અહેવાલ પ્રમાણે સુરત મ્યુનિસિપલ કૉર્પોરેશને દિવાળીની રજાઓ બાદ શહેરમાં પરત ફરનાર લોકો માટે RT-PCR ટેસ્ટ કરાવવાનું ફરજિયાત કરી દેવાયું છે.
શહેરમાં કોરોનાના કેસોમાં વધારો ન થાય તે હેતુસર આ નિર્ણય લેવામાં આવ્યો છે.
અધિકારીઓએ આપેલી માહિતી અનુસાર વૅક્સિનના બંને ડોઝ લેનાર વ્યક્તિઓએ પણ આ નિયમ પાળવો પડશે.
નોંધનીય છે કે સુરતમાં હિરાઉદ્યોગ, કાપડઉદ્યોગ અને અન્ય ઉદ્યોગો સાથે સંકળાયેલ ઘણા લોકો આ દરમિયાન પોતાના વતન જતા હોય છે.
તેમજ ઘણા લોકો દિવાળીની રજાઓનો આનંદ માણવા માટે ફરવા પણ જતા હોય છે. જેથી તકેદારીના ભાગરૂપે આવા તમામ લોકોને 72 કલાક કરતાં વધુ જૂનો ન હોય તેવો RT-PCR રિપોર્ટ કરાવવો પડશે.
ભારતે પાંચ હજાર કિમીની રૅન્જવાળી અગ્નિ-V મિસાઇલનું ટેસ્ટિંગ કર્યું
બુધવારે સાંજે ભારત પાંચ હજાર કિલોમિટર કરતાં વધુ રૅન્જ ધરાવતી અગ્નિ-V મિસાઇલ ટેસ્ટ કરી છે.
'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના એક અહેવાલ પ્રમાણે આ ટેસ્ટ 17 માસથી ચાલી રહેલા ભારત-ચીન ઘર્ષણ દરમિયાન ચીન માટે એક કડક સંદેશાસમાન છે.
ભારતના સંરક્ષણમંત્રાલયના જણાવ્યાનુસાર, "આ એક સફળ પરીક્ષણ હતું. જે વિશ્વાસપાત્ર મિનિમમ ઉશ્કેરણીની ભારતની નીતિ અનુરૂપ હતું. આ નીતિ 'નો ફર્સ્ટ-યુઝ'ના સંકલ્પને અનુરૂપ છે."
નોંધનીય છે કે સફળ પ્રક્ષેપણ સાથે ઉત્તર ચીનના ભાગો પણ આ મિસાઇલની રૅન્જમાં સમાવિષ્ટ થઈ ગયા છે.
એક અધિકારીના જણાવ્યાનુસાર, "આ મિસાઇલમાં થ્રી સ્ટેજ સોલિડ ફ્યુલ્ડ એંજિન છે. જે પાંચ હજાર કિલોમિટરના અંતરે આવેલા લક્ષ્ય પર ચોકસાઈપૂર્વક હુમલો કરી શકે છે."
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો