You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ડૉ. મનમોહનસિંહની તબિયત લથડી, AIIMSમાં દાખલ - TOP NEWS
દેશના પૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહને દિલ્હીસ્થિત ઍઇમ્સ (ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિઝ) ખાતે દાખલ કરાવવામાં આવ્યા છે.
ન્યૂઝ એજન્સી એએનઆઈના રિપૉર્ટ મુજબ 89 વર્ષીય મનમોહન સિંહને તાવ આવતો હતો. સારવાર દરમિયાન તેમની સ્થિતિ સ્થિર હોવાનું જણાવાય રહ્યું છે.
કૉંગ્રેસ પાર્ટીના સત્તાવાર ટ્વિટર હૅન્ડલ પરથી જણાવવામાં આવ્યું, "સમગ્ર દેશ આપણા પ્રિય પૂર્વ વડા પ્રધાન મનમોહનસિંહના સારા સ્વાસ્થ્ય તથા જલદી સાજા થવા માટે પ્રાર્થના કરે છે."
ઉલ્લેખનીય છે કે ડૉ. સિંહે વર્ષ 2004-2014 દરમિયાન યુપીએ (યુનાઇટેડ પ્રૉગ્રેસિવ અલાયન્સ)ની પહેલી તથા બીજી સરકારનું નેતૃત્વ કર્યું હતું. આ પહેલાં તેઓ નરસિંહ્મા રાવ સરકારમાં નાણાં મંત્રી રહ્યા હતા અને દેશમાં ઉદારીકરણની નીતિ લાગુ કરી હતી. તેઓ દેશની મધ્યસ્થ બૅન્ક રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાના ગવર્નરપદે પણ રહ્યા છે.
સાવરકરે મહાત્મા ગાંધીના કહેવાથી અંગ્રેજો સામે દયાઅરજી કરી : રાજનાથસિંહ
વિનાયક દામોદર સાવરકરની અંગ્રેજો પાસે માગી માગવાના લીધે થતી ટીકાનો સંરક્ષણમંત્રી રાજનાથસિંહે જવાબ આપ્યો છે. રાજનાથસિંહે કહ્યું છે, "મહાત્મા ગાંધીના કહેવા પર જ વીર સાવરકરે દયાઅરજી દાખલ કરી હતી.
મહાત્મા ગાંધીએ કહ્યું હતું કે જે રીતે દેશને સ્વતંત્ર કરવા માટે આપણે અભિયાન ચલાવી રહ્યા છીએ, એ જ રીતે સાવરકરને આઝાદ કરાવવા માટે પણ આપણે અત્યારે અભિયાન ચલાવીશું."
'એનડીટીવી'ના અહેવાલ અનુસાર આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સાવરકર પર લખાયેલા એક પુસ્તકના વિમોચન વખતે સંરક્ષણમંત્રીએ આ વાત કરી.
સાવરકર ફાસીવાદી કે નાઝીવાદી હોવાનો ઇન્કાર કરતાં તેમણે 'યથાર્થવાદી અને રાષ્ટ્રવાદી' ગણાવ્યા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ પ્રસંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવત પણ હાજર હતા. કાર્યક્રમને સંબોધતાં ભાગવતે જણાવ્યું કે સાવરકર આકરું બોલતા હોવાથી તેમના વિશે ગેરસમજણ ઊભી થઈ છે.
હિંદુત્વની અલગઅલગ પરિભાષાઓને લઈને ભાગવતે કહ્યું, "સાવરકરનું હિંદુત્વ, વિવેકાનંદનું હિંદુત્વ, એવું કંઈ નથી. હિંદુત્વ એક જ છે, એ સનાતન છે અને અંત સુધી રહેશે."
'ભારતે યુદ્ધ કર્યું તો એની હાર થશે', ચીનના સરકારી અખબારની ધમકી
ભારત અને ચીનની સૈન્ય વાટાઘાટ નિષ્ફળ ગયાના બીજા જ દિવસે ચીનના સરકારી અખબાર 'ગ્લોબલ ટાઇમ્સે' એક લેખમાં કહ્યું કે, જો ભારત ચીન સાથે યુદ્ધ શરૂ કરશે તો નિશ્ચિતપણે તેણે પરાજયનો સામનો કરવો પડશે.
ગ્લોબલ ટાઇમ્સના લેખમાં કહેવાયું છે કે, "ભારતે એ વાત સ્પષ્ટ સમજી લેવી જોઈએ કે તેને જે પ્રકારની સરહદ જોઈએ છે તે તેને મળી શકે તેમ જ નથી."
ચીની અખબારે તેની સરકારને ભારત સાથે ડીલ કરવા મામલે બે સૂચન પણ કર્યાં છે.
જેમાં પહેલા સૂચનમાં કહેવાયું છે કે, ભારત ગમે તેટલો પ્રયત્ન કરે, ચીનના વિસ્તારો ચીનના જ છે અને અને તેને ક્યારેય નહીં છોડવામાં આવશે. આથી ધીરજ રાખવી જોઈએ.
બીજી વાત એ છે કે બદલાતી પરિસ્થિતિને જોતાં ચીને દરેક પ્રકારના સૈન્યસંઘર્ષ માટે તૈયાર રહેવું જોઈએ પરંતુ શાંતિ જાળવી રાખવાનો પૂરો પ્રયત્ન કરવો જોઈએ.
આ મામલે હજુ ભારતના વિદેશ મંત્રાલય તરફથી કોઈ પ્રતિક્રિયા કે નિવેદન નથી આવ્યાં.
સપ્ટેમ્બરમાં રિટેલ ફુગાવો ઘટીને 4.35 ટકા : પાંચ માસના તળિયે
સપ્ટેમ્બરમાં રિટેલ ફુગાવો ઘટીને 4.35 ટકા થયો છે તેમ સરકાર દ્વારા જારી કરાયેલા આંકડામાં જણાવવામાં આવ્યું છે. વળી સપ્ટેમ્બરમાં રિટેલ ફુગાવો ઘટીને પાંચ માસના તળિયે પહોંચી ગયો છે.
'એનડીટીવી'ના અહેવાલ અનુસાર 'કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ' (સીપીઆઇ) સંબંધિત ફુગાવો ઑગસ્ટ, 2021માં 5.30 ટકા અને સપ્ટેમ્બર, 2020માં 7.27 ટકા હતો.
નેશનલ સ્ટેટિસ્ટિકલ ઑફિસ(એનએસઓ) દ્વારા જાહેર કરવામાં આવેલા ડેટા અનુસાર સપ્ટેમ્બર, 2021માં ખાદ્યફુગાવો ઘટીને 0.68 ટકા થયો છે.
ઑગસ્ટ, 2021માં ખાદ્ય ફુગાવો 3.11 ટકા હતો.
આરબીઆઈના અંદાજ મુજબ સમગ્ર વર્ષ (2021-22)માં સીપીઆઈ આધારિત રિટેલ ફુગાવો 5.3 ટકા રહેશે.
તદુપરાંત ઑગસ્ટમાં ઔદ્યોગિક ઉત્પાદન વધીને 11.9 ટકા રહ્યું છે. મૅન્યુફેકચરિંગ, માઇનિંગ અને વીજ સૅક્ટરના સારા દેખાવને પગલે ઔદ્યોગિક ઉત્પાદનમાં વધારો જોવા મળ્યો છે.
અહેવાલ અનુસાર ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં ઘટાડો થતા રિટેલ ફુગાવો ઘટ્યો છે.
ઍરલાઇન્સ કંપનીઓ હવે પૂરી ક્ષમતા સાથે ડૉમેસ્ટિક ફ્લાઈટ્સ ઑપરેટ કરશે
દેશની તમામ ઍરલાઇન્સ કંપનીઓ હવે આગામી 18 ઑક્ટોબરથી વિમાનની સંપૂર્ણ બેઠક ક્ષમતા સાથે તમામ શહેરોમાં ડૉમેસ્ટિક ફ્લાઇટ ઊડાડી શકશે.
'ઇન્ડિયન એક્સપ્રેસ'ના રિપોર્ટ અનુસાર કેન્દ્રીય નાગરિક ઊડ્ડયન મંત્રાલયે હવાઈ મુસાફરી માટે લોકોમાં વધી રહેલી માગને ધ્યાનમાં રાખી આ જાહેરાત કરી છે.
દરમિયાન, દેશની તમામ ઍરલાઇન્સ કંપનીઓ ગત 18 સપ્ટેમ્બરથી વિમાનની 85 ટકા ક્ષમતા સાથે ડૉમેસ્ટિક ફ્લાઇટોનું સંચાલન કરી રહી હતી. આ કોવિડ પહેલાંની ક્ષમતા હતી.
12 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર વચ્ચે ઍરલાઇન્સ કંપનીઓનાં વિમાનોએ 72.5 ટકાની ક્ષમતા સાથે ઊડાણો ભરી હતી.
મંત્રાલયે પોતાના આદેશમાં કહ્યું હતું કે આગામી 18 ઑક્ટોબરથી દેશની બધી જ ઍરલાઇન્સ કંપનીઓના શિડયૂલ્ડ ઍર ઑપરેશનને કોઈ પણ જાતની ક્ષમતાની મર્યાદા વિના સંચાલન કરવાની મંજૂરી આપવામાં આવે છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો