ઇ-કૉમર્સ ક્ષેત્રે નવા કાયદાની તૈયારી, ભારતમાં Flipkart અને Amazon જેવી મહાકાય કંપનીઓ સામે શું પડકારો છે?

    • લેેખક, અરુણોદય મુખરજી
    • પદ, બીબીસી ન્યૂઝ
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 6 મિનિટ

ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ઈ-કૉમર્સ ક્ષેત્રનો અદ્ભુત વિકાસ થયો છે. તે બહુ સગવડભર્યું છે, સસ્તું પડે છે અને કોરોના મહામારી દરમિયાન કરોડો લોકોને ઘરની બહાર નીકળવાની તકલીફમાંથી બચાવે છે.

પરંતુ ભારતમાં ઈ-કૉમર્સ ક્ષેત્ર અત્યારે એક મોટા વિવાદના કેન્દ્રમાં પણ ઘેરાયું છે.

ભારતમાં -કૉમર્સ ક્ષેત્ર શા માટે વિવાદમાં છે?

ઈ-કૉમર્સના કારણે ભારતમાં શૉપિંગનું ચિત્ર જ બદલાઈ ગયું છે. આગામી ત્રણ વર્ષમાં આ ક્ષેત્ર 99 અબજ ડૉલરનું ટર્નઓવર નોંધાવે તેવો અંદાજ છે.

કોવિડ મહામારી દરમિયાન તેની ઝડપથી વૃદ્ધિ થઈ છે.

ભારતમાં દર વર્ષે લાખો લોકો ઑનલાઇન થઈ રહ્યા છે, ત્યારે અમેઝોન અને વૉલમાર્ટની માલિકીની ફ્લિપકાર્ટ જેવી ઇ-કૉમર્સ કંપનીઓની સફળતાના કારણે કેટલાક વિવાદ પણ પેદા થયા છે.

નાના વેપારીઓ ઇ-કૉમર્સ કંપનીઓથી નારાજ છે. તેમણે વારંવાર એવો આરોપ મૂક્યો છે કે ઈ-કૉમર્સ કંપનીઓ અમુક સેલર્સને જ પ્રાથમિકતા આપે છે અને બીજાની અવગણના કરે છે.

ભારતમાં પરંપરાગત રીતે દુકાન ચલાવનારા લાખો દુકાનદારોનું કહેવું છે કે અનિયંત્રિત ઈ-કૉમર્સ સાઇટ્સના કારણે તેઓ બિઝનેસમાંથી બહાર ફેંકાઈ જાય છે.

મોદી સરકાર-કૉમર્સને લગતા કેવા નવા નિયમો લાવી રહી છે?

નિયમોને ચુસ્ત બનાવવા માટે 21 જૂને કેન્દ્રીય ગ્રાહક બાબતોના મંત્રાલયે ઈ-કૉમર્સ નીતિમાં કેટલાક ફેરફાર કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.

તેમાંથી એક પ્રસ્તાવ પ્રોડક્ટના ફ્લૅશ સેલ પર પ્રતિબંધ મૂકવાનો છે. તહેવારો દરમિયાન ઇ-કૉમર્સ પ્લૅટફૉર્મ પર ફ્લૅશ સેલ બહુ લોકપ્રિય હોય છે જેમાં બહુ ઓછા સમયમાં મોટા પ્રમાણમાં પ્રોડક્ટનું વેચાણ થાય છે.

નવા નિયમો પ્રમાણે ઇ-કૉમર્સ કંપનીઓએ એ બાબતની ખાતરી કરવી પડશે કે તેઓ પોતાના પ્લૅટફૉર્મ પર એવી કોઈ માહિતીનો ઉપયોગ નહીં કરી શકે જેને સંબંધિત પક્ષો તથા સંલગ્ન એન્ટરપ્રાઇઝને ગેરવાજબી ફાયદો થાય તે રીતે એકત્ર કરવામાં આવી હોય.

તેમણે કોઈ પણ સંલગ્ન પક્ષ (રિલેટેડ પાર્ટી) અથવા એસોસિયેટેડ એન્ટરપ્રાઇઝનો સેલર્સમાં હિસ્સો ન હોય તે પણ જોવું પડશે.

નવા નિયમોથી બધા માટે એક સમાન લેવલ રચાશે. આ દરખાસ્ત માટે તારીખ જુલાઈ સુધી સૂચનો મગાવવામાં આવ્યા છે એવું સરકારનું કહેવું છે.

કન્ફેડરેશન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સ (સીએઆઇટી)ના સેક્રેટરી જનરલ પ્રવીણ ખંડેલવાલે સરકારના આ પગલાંને આવકાર્યું છે. તેમણે કહ્યું છે કે તેનાથી ઇ-કૉમર્સ કંપનીઓ વધારે જવાબદાર બનશે.

છેલ્લા ત્રણ વર્ષથી આ અંગે નાના વેપારીઓ અને મોટી ઇ-કૉમર્સ કંપનીઓ વચ્ચે વિવાદ ચાલે છે ત્યારે છેક ચાલુ વર્ષે જૂનમાં આ નવી દરખાસ્તો આવી છે.

મોટી -કૉમર્સ કંપનીઓને લગતા કેસમાં કર્ણાટક હાઈકોર્ટે શું કહ્યું?

આ સમસ્યાને સમજવા માટે આપણે 2019માં જવું પડશે જ્યારે દિલ્હી ટ્રેડર્સ એસોસિયેશન ભારતીય સ્પર્ધા પંચ (સીસીઆઈ) સમક્ષ ગયું હતું અને અમેઝોન તથા ફ્લિપકાર્ટ ગેરવાજબી વેપારનીતિ અપનાવતા હોવાનો આરોપ મૂક્યો હતો.

ચાલુ વર્ષે જૂનમાં કર્ણાટક હાઈકોર્ટે અમેઝોન અને ફ્લિપકાર્ટની અરજી ફગાવી દીધી હતી અને સીસીઆઈને અબજો ડૉલરનું ટર્નઓવર ધરાવતી આ કંપનીઓ સામે તપાસ શરૂ કરવાની મંજૂરી આપી હતી.

કોર્ટના નિર્ણયને આવકારતા સીએઆઇટીના ખંડેલવાલે જણાવ્યું કે, "આ ચુકાદાના કારણે અમારી દલીલ ખરી પૂરવાર થાય છે કે અમેઝોન અને ફ્લિપકાર્ટનું બિઝનેસ મૉડેલ સંપૂર્ણપણે એફડીઆઈ નીતિ, નિયમો અને બીજા કાયદાના ભંગ પર આધારિત છે."

વેપારીઓના સંગઠનનો દાવો છે કે તેઓ લગભગ આઠ કરોડ જેટલા રિટેલ સ્ટોર્સનું પ્રતિનિધિત્વ કરે છે.

2020માં અમેઝોનના જૅફ બેઝોસ ભારતની મુલાકાતે આવ્યા ત્યારે તેમણે તેમની વિરુદ્ધ પ્રદર્શન કર્યા હતા. ખંડેલવાલે ભારત સરકારને વારંવાર ફરિયાદો કરી છે અને "ઇ-કૉમર્સને આર્થિક ત્રાસવાદ"માંથી મુક્તિ અપાવવા માંગણી કરી છે.

આ બાબતે દલીલ કરતા વકીલોએ આ બાબતને સબ-જ્યુડિસ ગણાવીને ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.

જોકે, આ અંગે ભારતીય સ્પર્ધા પંચના ઑર્ડર પ્રમાણે (જેની એક કૉપી બીબીસી પાસે છે) ફ્લિપકાર્ટ અને અમેઝોન સામે "પ્રિફર્ડ સેલર્સ" ધરાવવાનો આરોપ મૂકાયો છે, જેઓ કથિત રીતે "પરોક્ષ અથવા પ્રત્યક્ષ રીતે ઇ-કૉમર્સ કંપનીઓ દ્વારા નિયંત્રિત છે."

ઑર્ડરમાં એવો આરોપ પણ મૂકાયો છે કે આ કંપનીઓ સ્માર્ટફોન કંપનીઓ સાથે ઍક્સક્લુઝિવ જોડાણ ધરાવે છે અને તેના કારણે તેઓ ઍક્સક્લુઝિવ ડિસ્કાઉન્ટ આપી શકે છે.

તેના કારણે બીજા સ્પર્ધકો બજારમાંથી બહાર ફેંકાઈ જાય છે. ભારતીય સ્પર્ધાપંચ (સીસીઆઈ) મુજબ આ બધાના કારણે આ બાબતની તપાસ થવી જોઈએ.

શું ભારતીય સ્પર્ધાપંચ હવે -કૉમર્સ કંપનીઓ સામે પગલાં લેશે?

તપાસનો આદેશ આપી દેવાયો હોવાથી હવે સીસીઆઈના ડિરેક્ટર જનરલ એક વિગતવાર ચકાસણી કરશે અને સીસીઆઈના સભ્યોને તેનો રિપોર્ટ સોંપશે.

ત્યાર પછી સીસીઆઈ પુરાવાની સમીક્ષા કરશે અને કંપનીએ સ્પર્ધાના નિયમોનો ભંગ કર્યો છે કે નહીં તે નક્કી કરશે.

તેમાં કેટલો સમય લાગશે તે કહી શકાય નહીં.

ઇ-કૉમર્સ કંપનીઓ સામેના આરોપ સાચા સાબિત થશે તો તેમને ભારે નાણાકીય ફટકો પડી શકે છે.

એઝેડબી ઍન્ડ પાર્ટનર્સ ખાતે કૉમ્પિટિશન કાયદાના નિષ્ણાત અદિતી ગોપાલાક્રિષ્નને જણાવ્યું કે "આ કંપનીઓએ છેલ્લા ત્રણ વર્ષના સરેરાશ ટર્નઓવરના મહત્તમ 10 ટકા જેટલો દંડ ભરવો પડી શકે છે."

તેમણે ઉમેર્યું કે, "ભારતમાં કૉમ્પિટિશન ઍક્ટ એક સિવિલ કાયદો છે તેથી તેમાં કોઈ ક્રિમિનલ જવાબદારી નથી. પરંતુ કૉમ્પિટિશનના કાયદાનો ભંગ ધ્યાનમાં આવશે તો ઍન્ટી-ટ્રસ્ટ પંચ તે કંપનીને તથા આ વર્તણૂક માટે જવાબદાર વ્યક્તિગત કર્મચારીઓને નાણાકીય દંડ ફટકારી શકે છે. તે આ બિઝનેસની પ્રક્રિયામાં ફેરફારનો આદેશ પણ આપી શકે છે. "

"ઉદાહરણ તરીકે એગ્રીમેન્ટના નિયમોમાં ફેરફાર, કૉન્ટ્રૅક્ટ આધારિત પાર્ટનર્સ સાથે કામગીરીમાં વધારે પારદર્શિતાનો આદેશ આપી શકે છે."

આ વિશે એફડીઆના વર્તમાન નિયમો શું કહે છે?

ભારતીય નિયમો પ્રમાણે ઑટોમેટિક રૂટથી 100 ટકા એફડીઆઈ (વિદેશ પ્રત્યક્ષ રોકાણ)ની મંજૂરી છે. પરંતુ એફડીઆઈમાં ઇન્વેન્ટરી આધારિત ઇ-કૉમર્સના મૉડલને મંજૂરી નથી મળી જેમાં ઇ-કૉમર્સ કંપની જ માલની માલિક હોય છે અને ગ્રાહકોને સીધું વેચાણ કરે છે.

ઇ-કૉમર્સ કંપનીઓને તેમના એક વેન્ડર અથવા કંપનીઓના જૂથ મારફતે 25 ટકાથી વધારે વેચાણ કરવાની પણ મનાઈ છે.

કંપનીઓને ગુડ્સ કે સર્વિસના વેચાણ ભાવ પર પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે પ્રભાવ પાડવાની મનાઈ છે.

કાયદા પ્રમાણે તેમણે વેપાર માટે એક સમાન ફિલ્ડ જાળવી રાખવું જરૂરી છે.

ખંડેલવાલે આ આધાર પર ઇ-કૉમર્સ કંપનીઓને વારંવાર પડકારી છે.

તેમનો દાવો છે કે આ કંપનીઓ કેટલાક પસંદગીના વેચાણકારોને પ્રાથમિકતા આપે છે, હરીફો ટકી ન શકે તેવા ભાવ રાખે છે, ઊંચું ડિસ્કાઉન્ટ આપે છે, ઇન્વેન્ટરી પર નિયંત્રણ ધરાવે છે અને ઇ-કૉમર્સને અસમાન ફિલ્ડ બનાવે છે.

તેઓ કહે છે કે તેમના સંગઠને છેલ્લા ત્રણ વર્ષમાં અનેક વખત નિયમોના ભંગ વિશે ભારત સરકારને ફરિયાદ કરી છે છતાં "હજુ સુધી કંઈ થયું નથી."

વિદેશી કંપનીઓ માટે ભારતમાં ઘણું બધું દાવ પર લાગ્યું છે.

1.4 અબજની વસતી ધરાવતા ભારતને તેઓ ગ્રોથ માર્કેટ તરીકે જુએ છે. તેનું સૌથી મોટું ઉદાહરણ મે 2018માં જોવા મળ્યું હતું જ્યારે વૉલમાર્ટે વિશ્વના સૌથી મોટા ઇ-કૉમર્સ સોદામાં ફ્લિપકાર્ટને 16 અબજ ડૉલરમાં ખરીદી હતી.

પરંતુ ઘણા લોકોએ મોટા જૂથોને નિરંકુશ ઍક્સેસ આપવાના જોખમ સામે ચેતવણી આપી છે. આવા આરોપો સાવ નવા નથી.

મોટી કંપનીઓ સામે વિશ્વભરમાં એવા આરોપો થયા છે કે તેઓ મૉનોપૉલી અને સ્પર્ધાવિરોધી વાતાવરણ રચે છે.

પરંતુ નિષ્ણાતો ચેતવણી આપે છે. ટેકનોપૅક ઍડવાઇઝર્સ ખાતે સિનિયર વાઇસ પ્રેસિડન્ટ તથા કન્ઝ્યુમર અને રિટેલના વડા અંકુર બિસેન કહે છે, "કોઈની સામે આંગળી ચિંધવી સહેલી છે, પરંતુ કંપનીઓનો વાંક કાઢી ન શકાય. તેઓ પહેલા આવી હતી અને નીતિ ત્યાર પછી ઘડાઈ હતી."

તેઓ કહે છે, "સરકારે એક જટિલ માળખું બનાવ્યું છે જેમાં ઘણા પડકાર રહેલા છે."

ઇ-કૉમર્સ અંગે એક ડ્રાફ્ટ પોલિસી છે જે ઘણા પેન્ડિંગ પ્રશ્નોને ઉકેલી શકે, પરંતુ આ પોલિસીની હજુ જાહેરાત નથી થઈ.

અંકુર કહે છે કે આમા વિલંબ થઈ રહ્યો છે કારણ કે "ઘણા બધા હિતધારકો પાસેથી મિશ્ર અભિપ્રાય મળી રહ્યા છે. બધાને માફક આવે તેવી નીતિ ઘડવી મોટો પડકાર છે."

કાનૂની નિષ્ણાતોના મતે આવા શૂન્યાવકાશની સ્થિતિમાં ભારતીય સ્પર્ધાપંચે આગેવાની લેવી જોઈએ.

અદિતી ગોપાલાક્રિષ્નન કહે છે કે ઍન્ટી-ટ્રસ્ટ નિયમનકાર (સીસીઆઇ)એ બિન-સ્પર્ધાત્મક વર્તણૂક અંગે કંપનીઓને માર્ગદર્શન આપવું જોઈએ.

તેઓ કહે છે, "સીસીઆઈની તપાસના કારણે કંપનીઓ પર ભારે બોજ પડે છે તેથી તેમની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચી શકે છે. તપાસનો આદેશ આપતા પહેલા અમુક પ્રમાણમાં ચોકસાઈ હોય તે મહત્ત્વનું છે."

-કૉમર્સ કંપનીઓનો બચાવ

આ વિશે બીબીસીએ સંપર્ક કર્યો ત્યારે આ બાબત કોર્ટમાં હોવાનું કારણ આપીને અમેઝોન અને ફ્લિપકાર્ટે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.

ભૂતકાળમાં તેમણે હંમેશા દલીલ કરી છે કે તેઓ વૃદ્ધિ કરતી હતી ત્યારે તેમણે ભારતની વૃદ્ધિમાં પણ યોગદાન આપ્યું છે. બંને કંપનીઓએ ભારતમાં રોજગારી પેદા કરવાનું અને નાના તથા મધ્યમ ઉદ્યોગો સાથે કામ કરવાનું વચન આપ્યું છે.

અમેઝોને ગયા વર્ષે જાહેરાત કરી હતી કે તે 2025 સુધીમાં ભારતમાં 10 લાખ રોજગારી પેદા કરવાની યોજના ધરાવે છે. 2020માં જૅફ બેઝોસ ભારત આવ્યા ત્યારે તેમણે એક કરોડ જેટલા નવા ભારતીય બિઝનેસને ઑનલાઇન લાવવા માટે એક અબજ ડૉલરના રોકાણની જાહેરાત કરી હતી. ગયા વર્ષે એપ્રિલમાં કંપનીએ દાવો કર્યો હતો કે ભારતીય સેલર્સ દ્વારા નિકાસ વધીને ત્રણ અબજ ડૉલર સુધી પહોંચી ગઈ છે.

2019માં વૉલમાર્ટની માલિકીની ફ્લિપકાર્ટે સમર્થ પ્રોગ્રામ શરૂ કર્યો હતો જેના દ્વારા વંચિત વર્ગને મદદ કરવાની અને તેમના બિઝનેસને ઉત્તેજન આપવાની યોજના હતી.

તેમાં ગ્રામીણ મહિલાઓ, વણકરો, સ્થાનિક કલાકારો અને અન્ય સામાજિક સાહસોને ટેકો આપવાનું લક્ષ્ય છે.

ચાલુ વર્ષે ફેબ્રુઆરીમાં ફ્લિપકાર્ટે સ્થાનિક કારીગરો અને નાના તથા મધ્યમ સાહસોને મુખ્યધારામાં લાવવા માટે મહારાષ્ટ્ર રાજ્ય ખાદી અને ગ્રામોદ્યોગ બોર્ડ સાથે જોડાણ કર્યું હતું.

બંને કંપનીઓએ ઍન્ટી-ટ્રસ્ટ તપાસ માટે જવાબદાર હાઇકોર્ટના આદેશને પડકાર્યો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો