પંજાબે ઓક્સિજન માટે લોખંડ અને સ્ટીલના પ્લાન્ટમાં કામ બંધ કરાવ્યું

પ્રકાશિત
વાંચવાનો સમય: 5 મિનિટ

પંજાબના મુખ્ય મંત્રી અમરિંદર સિંહે શનિવારે રાજ્યના લોખંડ અને સ્ટીલની ઇન્ડસ્ટ્રીમાં કામ રોકવા અને તેમાં ઉપયોગમાં લેવાતો ઑક્સિજન મેડિકલ જરૂરિયાત માટે વાપરવાનું કહ્યું છે.

સમાચાર એજન્સી એએનઆઈ પ્રમાણે એ સિવાય કૅપ્ટન અમરિંદર સિંહે ઓક્સિજન સંકટને પહોંચી વળવા માટે રાજ્ય અને જિલ્લા સ્તરે ઓક્સિજન કંટ્રોલ રૂમ સ્થાપિત કરવાનું કહ્યું છે.

અમૃતસરમાં શનિવારે સવારે ઓક્સિજનની કમીને કારણે 6 લોકોનાં મોત થયાં હતાં. પંજાબમાં અનેક હૉસ્પિટલોમાં ઓક્સિજનની અછતના અહેવાલો આવી રહ્યા છે.

સાથે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે કેન્દ્ર દ્વારા પંજાબ માટે જે ક્વોટા નક્કી કરવામાં આવ્યો છે તે પૂરતો નથી.

પંજાબના મુખ્ય મંત્રીએ કેન્દ્ર સામે આ મુદ્દાને ઉઠાવતા ઓક્સિજનનો ક્વોટા વધારવાની માગ કરી છે.

લોખંડ અને સ્ટીલના પ્લાન્ટ બંધ કરવાના આદેશ મામલે મુખ્ય મંત્રીએ કહ્યું કે તેઓ આ મામલે જલદી જ કેન્દ્ર સરકારને જાણ કરશે.

નીતિન પટેલ કોરોના સંક્રમિત, સારવાર માટે અમદાવાદની હૉસ્પિટલમાં દાખલ

ગુજરાતના નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલનો કોરોનાનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે.

હાલ તેમને સારવાર માટે અમદાવાદમાં આવેલી યુ. એન. મહેતા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

નીતિન પટેલ સતત રાજ્યની કોરોનાની સ્થિતિ પર નજર રાખી રહ્યા હતા અને સ્થિતિની સમીક્ષા કરવા માટે તેઓ અનેક શહેરો અને જિલ્લાના અધિકારીઓ સાથે બેઠકો પણ કરી રહ્યા હતા.

ગૃહ મંત્રી અમિત શાહે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે બનેલી ધનવંતરી હોસ્પિટલની મુલાકાત લીધી ત્યારે તેમની સાથે હતા.

નીતિન પટેલ આજે સવારે ગાંધીનગરની આયુર્વેદિક હૉસ્પિટલ ખાતે અમિત શાહે ઓક્સિજન પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું તેમાં પણ સાથે હતા.

ફેબ્રુઆરી મહિનામાં ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણી પણ કોરોના વાઇરસથી સંક્રમિત થયા હતા. મુખ્ય મંત્રી ઓફિસ તરફથી 21 ફેબ્રુઆરીના રોજ કહેવામાં આવ્યું હતું કે વિજય રૂપાણીનો કોરોના વાઇરસનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે.

આ પહેલાં વડોદરામાં 14 ફેબ્રુઆરીના રોજ સ્થાનિક ચૂંટણી સભામાં ભાષણ આપતી વખતે તેઓ સ્ટેજ પરથી પડી ગયા હતા.

જે બાદ 15 ફેબ્રુઆરીના રોજ કહેવામાં આવ્યું હતું કે તેઓ વાઇરસ ઇન્ફેક્શનથી સંક્રમિત થયા છે.

થોડા દિવસની સારવાર બાદ વિજય રૂપાણી કોરોનામાંથી સાજા થઈ ગયા હતા.

ગુજરાતના ઘણા ધારાસભ્યો પણ કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર સિંહ ચુડાસમા પણ થોડા દિવસો પહેલાં કોરોના વાઇરસથી સંક્રમિત થયા હતા અને તેમને હૉસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું.

દિલ્હી હાઇકોર્ટે શનિવારે કહ્યું કે જો કોઈ કેન્દ્ર, રાજ્ય અથવા સ્થાનિક તંત્ર અથવા કોઈ પણ અધિકારી ઓક્સિજનની સપ્લાયમાં વિધ્ન ઊભું કરશે તો તેને 'ફાંસી પર લટકાવી દેવામાં આવશે.'

દિલ્હીની મહારાજા અગ્રસેન હૉસ્પિટલે ગંભીર રીતે બીમાર દર્દીઓ માટે ઓક્સિજનની કમીને લઈને હાઇકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા.

કોર્ટે આ ટિપ્પણી આ મામલાની સુનાવણી કરતા કરી હતી.

જસ્ટિસ વિપિન સાંઘી અને રેખા પલ્લીની બેંચે કહ્યું કે ઓક્સિજન પહોંચવામાં વિઘ્ન ઊભું કરનારાને છોડવામાં નહીં આવે.

સુનાવણી દરમિયાન કોર્ટે કેન્દ્ર સરકારને પણ ફટકરા લગાવી હતી.

કોર્ટે કહ્યું, "તમે 21 એપ્રિલના રોજ ભરોસો આપ્યો હતો કે દિલ્હીમાં રોજ 380 મેટ્રિક ટન ઓક્સિજનની સપ્લાય કરવામાં આવશે. એ ક્યારે થશે?"

દેશની રાજધાની દિલ્હીમાં મોટાભાગની હૉસ્પિટલોમાં લિક્વિડ ઓક્સિજનની ભારે અછત છે. જેની અસર ગંભીર રીતે બીમાર દર્દીઓ પર પડી રહી છે.

જેના કારણે કેટલીક હૉસ્પિટલોએ ઓક્સિજનની સપ્લાય મામલે હાઇકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા.

દિલ્હીની હૉસ્પિટલમાં ઓક્સિજનના અભાવે 20 દર્દીઓનાં મોત

દિલ્હીના રોહિણીમાં આવેલી જયપુર ગોલ્ડલ હૉસ્પિટલમાં ઓક્સિજનની અછતને કારણે 20 લોકોનાં મોત થયાં છે.

મેડિકલ ડાયરેક્ટર ડૉક્ટર દીપ બલુજાના કહેવા પ્રમાણે હૉસ્પિટલમાં 200 દરદી છે જેમાંથી 80 ઓક્સિજન સપોર્ટ પર છે અને 35 આઈસીયુમાં છે.

સમાચાર એજન્સી પીટીઆઈએ અધિકારીઓને ટાંકીને કહ્યું છે કે ગત રાત્રે ઓક્સિજનની ઘટના કારણે ગંભીર રીતે બીમાર 20 દરદીઓનાં મૃત્યુ થઈ ગયાં.

હૉસ્પિટલના મેડિકલ ડાયરેક્ટરે જાણકારી આપતાં કહ્યું છે કે તે ઓક્સિજનની રાહ જોઈ રહ્યા છીએ અને કોરોનાના 215 દરદીઓને તાત્કાલિક આની જરૂરિયાત છે.

હિંદુસ્તાન ટાઇમ્સે હૉસ્પિટલના અધિકારીઓને ટાંકીને જાણકારી આપી હતી કે મૃત્યુ પામનારા મોટા ભાગના કોરોના વાઇરસના દરદી હતા જે હૉસ્પિટલના ક્રિટિકલ કેર યુનિટમાં ભરતી હતા.

તમામ 20 દરદીઓનાં મૃત્યુ લો ઓક્સિજન પ્રેશરના કારણે થયાં કારણ કે હૉસ્પિટલની પાસે ઑક્સિજન પૂર્ણ થઈ ગયો હતો.

હૉસ્પિટલના મેડિકલ ડાયરેક્ટર ડૉક્ટર દીપ બલુજાએ કહ્યું, "અમે ક્રિટિકલ કેર યુનિટમાં તે તમામ 20 દરદીઓને ગુમાવી દીધા છે જે હાઈ ઓક્સિજન ફ્લો પર હતા."

તેમણે કહ્યું, "શુક્રવારે રાત્રે 10 વાગ્યા સુધી અમારી પાસે લિક્વિડ ઓક્સિજનનો સ્ટોક પૂર્ણ થઈ ગયો હતો જે પછી અમે મુખ્ય ગૅસ પાઇપલાઈન સાથે લગાવેલા ઓક્સિજન સિલિન્ડરનો સહારો લીધો પરંતુ ત્યાં લો પ્રેશરના કારણે દરદીઓનાં મૃત્યુ થયાં."

હિંદુસ્તાન ટાઇમ્સ પ્રમાણે હૉસ્પિટલને સાંજે સાડા પાંચ-છ વાગ્યા સુધી તેના ભાગનો લિક્વિડ ઓક્સિજન મળવો જોઈતો હતો પરંતુ તે અડધી રાત સુધી પહોંચ્યો ન હતો.

20 દરદીઓના મૃત્યુ પછી હૉસ્પિટલને જરૂર કરતા માત્ર 40 ટકા જ ઓક્સિજન મળ્યો છે.

'ગુજરાતમાં સૌથી વધારે ઓક્સિજન બેડ છે', અછત વચ્ચે અમિત શાહનો દાવો

ગુજરાતમાં હૉસ્પિટલોમાં બેડ ન મળતાં હોવાની ફરિયાદો ઊઠી રહે છે, એવામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દાવો કર્યો છે કે દેશમાં સૌથી વધારે ઓક્સિજન બેડ કદાચ ગુજરાતમાં છે.

ધ ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ પ્રમાણે અમદાવાદમાં 900 બેડ્સ ધરાવતી ધનવંતરી કોવિડ કૅર હૉસ્પિટલની મુલાકાત લેતી વખતે ગૃહમંત્રી અમિત શાહે આ નિવેદન આપ્યું હતું.

શાહે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે ગુજરાતમાં આઈસીયુ બેડ્સની સંખ્યા પણ વધારે છે.

આ સાથે જ તેમણે કહ્યું કે ટાટા ટ્રસ્ટ 1200 બેડ્સની હૉસ્પિટલ ગાંધીનગરમાં હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે ઊભી કરશે, જ્યારે ડીઆરડીઓ 600 આઈસીયુ બેડ્સ ધરાવતી હૉસ્પિટલ બનાવશે.

એક દિવસમાં ભારતમાં 3.46 લાખ કેસ, રોજ નવો વિક્રમ

ભારતમાં છેલ્લા દસ દિવસમાં કોરોના વાઇરસના સંક્રમણના અંદાજે દસ લાખ નવા મામલા નોંધાયા છે.

ધ ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે શુક્રવારે એક દિવસમાં નોંધાયેલા નવા કેસનો આંકે 3.46 લાખ હતો, જે એક દિવસમાં નોંધાયેલા કેસનો નવો વિક્રમ છે.

આ સાથે જ ભારતમાં એક દિવસમાં થયેલાં મૃત્યુનો આંક 2,600 નોંધાયો છે, જે પણ ભારતના દૈનિક મૃતકાંકનો નવો વિક્રમ છે.

ચિંતાની બાબત એ છે કે ભારતમાં સતત ચોથા દિવસે કોરોના સંક્રમણના કારણે બે હજાર કરતાં વધારે મૃત્યુ નોંધાયાં છે.

ભારતની તુલનામાં શુક્રવારે બ્રાઝિલમાં 79 હજાર કેસ નોંધાયા હતા, જ્યારે યુએસમાં 62 હજાર અને તુર્કીમાં 54 હજાર નોંધાયા છે.

કોરોના વાઇરસના UK વૅરિયન્ટનો કેર?

કોરોના વાઇરસના તાડેતરમાં કરવામાં આવેલા સૅમ્પલિંગથી જાણ થઈ છે કે દિલ્હીમાં બ્રિટનના વૅરિયન્ટના કેસ આવ્યા છે, અને આ પ્રકારના કેસ માર્ચમાં ઝડપથી નોંધાયા છે.

શુક્રવારે યોજાયેલા વેબિનારમાં નેશનલ સેન્ટર ઑફ ડિસીઝ કંટ્રોલના ડિરેક્ટર ડૉક્ટર સુજીત સિંહે કહ્યું: "દિલ્હીમાં કોવિડ-19ના નોંધાયેલા કેસમાંથી માર્ચના બીજા અઠવાડિયામાં 28 ટકા કેસ બ્રિટનના વૅરિયન્ટના નોંધાયા હતા, જે આંક માર્ચના અંત સુધીમાં વધીને 50 ટકા થઈ ગયો છે."

ડૉક્ટર સિંહ કહે છે કે "વાઇરસના બ્રિટનના વૅરિયન્ટમાં N501Y નામનો મ્યુટેશન છે, જેના કારણે આ વૅરિયન્ટ અગાઉના વાઇરસના મુકાબલે વધારે ચેપી છે."

"આ મ્યુટેશનના પગલે સંક્રમણ વધ્યું છે એટલું જ નહીં, સંક્રમિતોની સ્થિતિ ગંભીર થઈ રહી છે અને મૃત્યુદર પણ વધી રહ્યો છે."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો