ઓમિક્રૉન વૅરિયન્ટની ભારતમાં ઍન્ટ્રી? દક્ષિણ આફ્રિકાથી આવેલો યુવક કોરોના સંક્રમિત - BBC TOP NEWS

પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

દક્ષિણ આફ્રિકાથી મહારાષ્ટ્ર પરત ફરેલા 32 વર્ષીય મર્ચન્ટ નૅવીના ઍન્જિનિયરનો કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે અને તેના સૅમ્પલને નવા વૅરિયન્ટની તપાસ માટે મોકલવામાં આવ્યા છે.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે, આ યુવકનો કોરોના રિપોર્ટ 24 નવેમ્બરના રોજ દિલ્હી ઍરપૉર્ટ ખાતે પૉઝિટિવ આવ્યો હતો.

મુંબઈ કૉર્પોરેશન દ્વારા 12થી 26 નવેમ્બર દરમિયાન ઓમિક્રૉનના કેસો ધરાવતા દેશોમાંથી પરત ફરેલા લોકોને ટ્રૅસ કરવામાં આવ્યા હતા, આ દરમિયાન તેઓ ઘરેથી મળી આવ્યા હતા.

નહિવત્ લક્ષણો ધરાવતા આ યુવકને હાલમાં મુંબઈના કસ્તુરબા હૉસ્પિટલમાં ક્વોરૅન્ટીન કરાયા છે. જ્યાંથી તેમના સૅમ્પલને જિનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યા છે.

રિપોર્ટ આવ્યા બાદ સ્પષ્ટતા થશે કે તેઓ કોરોનાના ઓમિક્રૉન વૅરિયન્ટથી સંક્રમિત છે કે કેમ?

આ 12 દેશોમાંથી ભારત આવતા લોકોએ થવું પડશે હોમ ક્વોરૅન્ટીન

કોરોનાના ઓમિક્રૉન વૅરિયન્ટને પગલે દેશમાં ફરીથી ઉચાટ છે, ત્યારે આરોગ્ય અને પરિવારકલ્યાણ મંત્રાલય દ્વારા એક ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે.

નવી ગાઇડલાઇન મુજબ તમામ આંતરરાષ્ટ્રીય મુસાફરોએ 14 દિવસની ટ્રાવેલ હિસ્ટ્રી રજૂ કરવાની રહેશે અને 'જોખમી' દેશોમાંથી આવતા મુસાફરોએ સાત દિવસ સુધી ફરજિયાત હોમ ક્વોરૅન્ટીન રહેવું પડશે.

એનડીટીવીના અહેવાલ પ્રમાણે, ભારત આવનારા તમામ મુસાફરોએ એક ફૉર્મ ભરવાનું રહેશે, જેમાં છેલ્લા 14 દિવસની ટ્રાવેલ હિસ્ટ્રી જણાવવાની રહેશે. સાથે જ મુસાફરી પહેલાંના 72 કલાક દરમિયાન કરાયેલા આરટીપીસીઆર ટેસ્ટનો રિપોર્ટ પણ મૂકવાનો રહેશે.

ઓમિક્રૉન વૅરિયન્ટના કેસ ધરાવતા 12 દેશોમાંથી ભારત આવતા મુસાફરો માટે વધુ તકેદારી રાખવામાં આવી છે.

તેમણે ઍરપૉર્ટ પર પહોંચ્યા બાદ સૌપ્રથમ કોરોના ટેસ્ટ કરાવવાનો રહેશે અને જો તે નૅગેટિવ આવે તો સાત દિવસ માટે હોમ ક્વોરૅન્ટીન થવાનું રહેશે.

ભારત સરકાર દ્વારા જાહેર કરાયેલા 'ઍટ-રિસ્ક' દેશોમાં યુનાઇટેડ કિંગ્ડમ, દક્ષિણ આફ્રિકા, બ્રાઝિલ, બાંગ્લાદેશ, બોત્સવાના, ચીન, મૉરિશ્યસ, ન્યૂઝીલૅન્ડ, ઝિમ્બાબ્વે, સિંગાપૉર, હૉંગકૉંગ અને ઇઝરાયલનો સમાવેશ થાય છે.

ગુજરાતના તબીબો આજે કરશે વિરોધ

ગુજરામાં ઠેકઠેકાણે તબીબો આજે પોતાના પડતર પ્રશ્નોને ઉકેલવાની માગ સાથે કાળી રિબન પહેરીને વિરોધ નોંધાવશે.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે રાજ્યની છ મેડિકલ કૉલેજો અને આઠ જીએમઈઆરએસ કૉલેજોના અધ્યાપકો, ગુજરાત ઇન સર્વિસ ડૉક્ટર્સ ઍસોસિયેશન તેમજ ગુજરાત મેડિકલ સર્વિસ ક્લાસ 2 ઍસોસિયેશન જેવાં અનેક તબીબોનાં સંગઠનો આ વિરોધમાં ભાગ લેશે.

જીએમઈઆરએસ ફૅકલ્ટી ઍસોસિયેશનના પ્રમુખ ડૉ. હિરેન પ્રજાપતિએ જણાવ્યું હતું કે, "અમે ગુજરાતના મુખ્ય મંત્રી અને આરોગ્યમંત્રીને અમારા પડતર પ્રશ્નો અંગે રજૂઆત કરી ચૂક્યા છે. જેનો કોઈ ઉકેલ ન આવતા અમે વિરોધ કરવાના છીએ."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો