You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કોરોના વાઇરસના કેસ વધતા ફ્રાંસમાં ચાર અઠવાડિયાનું લૉકડાઉન
કોરોના વાઇરસના કેસ વધતા ફ્રાંસના રાષ્ટ્રપ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોંએ ચાર અઠવાડિયાનાં રાષ્ટ્રવ્યાપી લૉકડાઉનની જાહેરાત કરી છે.
ટેલિવિઝન પર પ્રસારિત સંદેશમાં તેમણે કહ્યું હતું કે આ સમય દરમિયાન ફક્ત જરૂરી ચીજવસ્તુઓની દુકાનો જ ખોલવા દેવામાં આવશે અને લોકોને ઑફિસના બદલે ઘરેથી કામ કરવું પડશે.
તેમણે વધુમાં જણાવ્યું કે આ સમયગાળા દરમિયાન કોઈ પણ જાહેર સભાની પરવાનગી આપવામાં આવશે નહીં અને લોકો યોગ્ય કારણ વગર ઘરથી 10 કિલોમીટર દૂર નહીં જઈ શકે.
આવતા અઠવાડિયાથી શાળાઓને ઓછામાં-ઓછી ત્રણ અઠવાડિયા માટે બંધ રાખવામાં આવશે.
મેક્રોંએ કહ્યું કે, લૉકડાઉન દરમિયાન ઇસ્ટરના દિવસે લોકોને જ્યાં જવું હોય ત્યાં જવાની મંજૂરી આપવામાં આવશે.
દેશમાં કોરોના વાઇરસના કેસ વધી રહ્યાં છે એવું જણાવીને મેક્રોંએ કહ્યું કે તેના પર કાબૂ મેળવવો મુશ્કેલ નથી અને લોકોને ભયભીત થવાની કોઈ જરુર નથી.
''જો સરકાર હમણાં કઈ નહીં કરે તો પરિસ્થિતિ પર કાબૂ મેળવવામાં મુશ્કેલી થઈ શકે છે. હું લોકોને અપીલ કરું છું કે વાઇરસને વધતો અટકાવવા માટે તેઓ વધારે પ્રયાસ કરે.''
તેમણે કહ્યું કે સરકાર રસીકરણ કાર્યક્રમને ઝડપી બનાવશે અને ઉનાળાના અંત સુધીમાં 18 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને કોરોનાની રસી આપવામાં આવશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જૉન્સ હૉપકિન્સ યુનિવર્સિટીના ડેશબોર્ડ અનુસાર ફ્રાંસમાં કોરોના વાઇરસના કેસની સંખ્યા 46.46 લાખ સુધી પહોંચી ગઈ છે. વાઇરસના કારણે 95502 લોકોનાં મૃત્યુ થયાં છે. દેશમાં કોરોના વાઇરસના 5000 દરદીઓ આઈસીયુમાં સારવાર લઈ રહ્યાં છે.
કોરોના વાઇરસ : કેન્દ્ર સરકારની રાજ્યોની અપીલઃ બીજા ડોઝ માટે વૅક્સિનનો સંગ્રહ ન કરો
ધ ટાઇમ્સ ઑફ ઇન્ડિયા અનુસાર કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને જણાવ્યું છે કે બીજા ડોઝ માટે વૅક્સિનનો સંગ્રહ ન કરે અને તેના સ્થાને વધુને વધુ લોકોનું રસીકરણ કરવામાં આવે.
સરકારે રાજ્યોને કહ્યું છે કે જ્યાં રસીકરણ પૂરતાં પ્રમાણમાં થયું નથી તે વિસ્તારોમાં રસીકરણની કામગીરીમાં ઝડપ લાવવામાં આવે ખાસ તે જિલ્લાઓમાં જ્યાં કોરોના વાઇરસના કેસ વધી રહ્યાં છે.
આરોગ્ય સચિવ રાજેશ ભૂષણ અને નૅશનલ હૅલ્થ ઓથોરિટીના ચીફ ઍક્ઝીક્યુટીવ આર. એસ. શર્માએ જણાવ્યું કે ભારતમાં વૅક્સિનની કોઈ અછત નથી અને તેમને રાજ્યોને વિનંતી કરી કે ખાનગી હૉસ્પિટલોને વૅક્સિન આપવામાં આવે જેથી રસીકરણની કામગીરીને ઝડપી બનાવી શકાય.
અહેવાલ અનુસાર કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને જણાવ્યું છે કે તેમને નિયમિત રીતે વૅક્સિનનો સ્ટોક પૂરો પાડવામાં આવશે. આર. એસ. શર્માએ રાજ્યોને કહ્યું કે બીજા ડોઝ માટે વૅક્સિનનો સંગ્રહ કરવાનો કોઈ અર્થ નથી અને રાજ્ય સરકારોએ સરકારી અને ખાનગી હૉસ્પિટલોને તેમની જરુરિયાત પ્રમાણે વૅક્સિન આપવી જોઈએ.
1 એપ્રિલથી કેન્દ્ર સરકાર રસીકરણ કાર્યક્રમ ચલાવી રહી છે જેમાં 45 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓને કોરોના વાઇરસની રસી આપવામાં આવશે. બીજી બાજુ કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે ભારતમાં કોરોના વાઇરસની સ્થિતિ વણસી રહી છે.
ઉલ્લેખનીય છે કેસ ગુજરાતમાં આજથી અન્ય રાજ્યોમાંથી આવનાર પ્રવાસીઓનો કોરોના ટેસ્ટ ફરજિયાત કરવામાં આવ્યો છે.
6000-9000 પગારદારોને મહિને 80 રુપિયા પ્રોફેશનલ ટેક્સ ચૂકવવો પડશે
ધ ઇન્ડિયન એક્સપ્રેસ અનુસાર નાણાંમંત્રી નીતિન પટેલ જણાવ્યું છે કે રાજ્યમાં કામ કરતા લોકોને પ્રોફેશનલ ટેક્સ ચૂકવવો પડશે.
વિધાનસભામાં 'ગુજરાત સ્ટેટ ટેક્સ ઑન પ્રોફેશનલ્સ, ટ્રેડસ્, કૉલિંગ એન્ડ એમ્પલૉયમેન્ટસ્ (એમન્ડમેન્ટ) બિલ 2021 રજૂ કરતી વખતે નીતિન પટેલે જણાવ્યું કે જીએસટી લાગુ થયા બાદ મહારાષ્ટ્ર, કર્નાટક અને બીજાં રાજ્યોએ કાયદામાં સુધારો કર્યો, જેથી જીએસટીમાં સામેલ થયેલી કંપનીઓ પાસે પ્રોફેશનલ ટેકસની વસૂલાત કરી શકાય.
તેમણે કહ્યું કે રાજ્યમાં કાર્યરત કંપનીઓ અને ફર્મ પર કોઈ વધારાનો બોજ નાખવામાં આવ્યો નથી. પ્રોફેશનલ ટેક્સ મહાનગરપાલિકા, નગર પાલિકા અને પંચાયત દ્વારા લેવામાં આવે છે.
બિલ પ્રમાણે વ્યક્તિનો પગાર 6000 રુપિયાથી ઓછો હશે તો તેમને કોઈ પ્રોફેશનલ ટેક્સ નહીં આપવો પડે. જેમનો પગાર 6000-9000 રુપિયા વચ્ચે છે તેમને 80 રુપિયા, 9000-12000 વચ્ચે 150 રુપિયા અને 12000 રુપિયાથી વધુ પગાર મેળવતા વ્યક્તિઓને 200 રુપિયાનો પ્રોફેશનલ ટેક્સ આપવો પડશે.
બાંધવગઢ નેશનલ પાર્કમાં બે દિવસ પહેલાં લાગેલી આગ હજુ ઓલવાઈ નથી
મધ્યપ્રદેશના બાંધવગઢ નેશનલ પાર્કમાં બે દિવસ પહેલાં આગ લાગી હતી, જે હજુ સુધી કાબૂમાં આવી નથી.
એનડીટીવી અનુસાર સ્થાનિક લોકોનાં કહેવા મુજબ આગને કાબૂમાં લેવા માટેના પ્રયાસો ચાલુ છે. આગ નૅશનલ પાર્કના વિવિધ ઝોનમાં ફેલાઈ ગઈ છે, જેમાં સૌથી મહત્ત્વનો મગડી ઝોન પણ સામેલ છે.
નેશનલ પાર્કમાં આવેલા મોટાં વૃક્ષો આગની ઝપટમાં આવી ગયાં છે. અહેવાલ અનુસાર અપૂરતા સાધનોના કારણે પણ આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી નથી. સ્થાનિક લોકો કહી રહ્યાં છે કે જવાબદાર અધિકારીઓએ ત્વરિત પગલાં ન લેતા આગ કાબૂમાં ન આવી.
રાજ્યના પાટનગર ભોપાલથી આશરે 470 કિલોમીટર દૂર ઉમરિયા જિલ્લામાં આવેલો બાંધવગઢ નેશનલ પાર્ક 100 ચોરસ કિલોમીટરના ક્ષેત્રમાં પથરાયલો છે. આ પાર્ક રોયલ બેંગાલ ટાઇગર માટે પણ જાણીતો છે. અત્રે નોંધવું રહ્યું કે થોડાં દિવસો પહેલાં ઓડિશાના સિમલીપાલમાં પણ આગ લાગી હતી.
પર્યાવરણ પ્રેમીઓ સહિત ઘણાં લોકોએ બાંધવગઢમાં લાગે આગ વિશે ચિંતા વ્યક્ત કરી છે અને વહીવટીતંત્રને યોગ્ય પગલાં લેવા માટે વિનંતી કરી છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો