You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સુરતના વરાછામાં દીવાલ તૂટી પડી, ચારનાં મૃત્યુ, બે જીવતા કઢાયા
સુરતના મોટા વરાછા વિસ્તારમાં એક નિર્માણાધિન ઇમારતની દીવાલ ધરાશાયી થઈ હતી જેના કારણે ચાર લોકોનાં મૃત્યુ થયાં હતાં.
ઘટનાસ્થળ પર નિર્માણકાર્ય કરતા છ લોકો દીવાલની નીચે દબાયા હતા જેમને બહાર કાઢી લેવામાં આવ્યા હતા.
ઘટનાસ્થળથી બે લોકોને જીવિત કઢાયા હતા. જોકે, ચાર લોકોનાં મૃત્યુ થયાં હતાં.
દુર્ઘટનાની જાણ થતાની સાથે જ ફાયર-બ્રિગેડની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી.
સુરતના ફાયર ઑફિસર જગદીશ પટેલે કહ્યું, "અહીં નિર્માણકાર્ય ચાલી રહ્યું હતું, બીજા બૅઝમૅન્ટથી લઈને ગ્રાઉન્ડ લેવલ સુધી 20-25 ફુટના વિસ્તારમાં ખોદકામ ચાલુ હતું. "
"પાછળ માટીની દીવાલ હતી તે પડી ગઈ હતી અને માણસો એમાં ફસાઈ ગયા હતા. કુલ છ માણસો અંદર ફસાયેલા હતા જેમાંથી બે લોકોને જીવતા બહાર કાઢી લેવામાં આવ્યા હતા અને બાકીના ચાર લોકોને હૉસ્પિટલ મોકલી દેવામાં આવ્યા હતા."
"આ લોકો ઘણા સમય સુધી માટીમાં દબાયેલા હતા અને ઈજાગ્રસ્ત થયા હતા."
સુરતમાં બીબીસી ગુજરાતીના સહયોગી પત્રકાર ધર્મેશ અમીનના જણાવ્યા અનુસાર આ દુર્ઘટનામાં ચાર લોકોનાં મૃત્યુની પુષ્ટિ થઈ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ દુર્ઘટના
સુરતના મોટા વરાછા વિસ્તારમાં સિલ્વર 'પૅરાડાઇઝ' નામની ઇમારતના અંડરગ્રાઉન્ડ પાર્કિંગમાં ખોદકામ ચાલી રહ્યું હતું અને આ દુર્ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ ગઈ હતી.
સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે એકાએક માટી ઘસી પડે છે અને ત્યાં કામ કરતા શ્રમિકો દબાઈ જાય છે.
આ ઘટના બાદ ત્યાં અફરાતફરી મચી ગઈ હતી અને ફાયરવિભાગે બચાવ કામગીરી હાથ ધરી હતી.
ફાયર-બ્રિગેડની દસથી વધુ ગાડીઓ ઘટનાસ્થળ પર બચાવ કામગીરી માટે ધસી આવી હતી.
જવાબદાર લોકો સામે કાર્યવાહી
ઘટનાસ્થળની મુલાકાતે આવેલાં સુરતનાં મેયર હેમાલી બોઘવાલાએ કહ્યું કે જેટલા લોકો દબાયેલા હતા એમને બહાર કાઢવામાં આવ્યા હતા. જેમને ગંભીર ઈજાઓ થઈ છે તેમને હૉસ્પિટલમાં દાખલ કરાયા છે. જે આ દુર્ઘટના માટે જવાબદાર લોકો સામે કડક પગલાં લેવામાં આવશે.
તેમણે ચાર લોકોનાં મૃત્યુની પુષ્ટિ કરતાં કહ્યું કે આ ગંભીર દુર્ઘટના છે અને સુરત મહાનગરપાલિકા તરફથી પીડિતોને આર્થિક મદદ કરવામાં આવશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો