ગુજરાત વિધાનસભા : જિજ્ઞેશ મેવાણી બીજી વાર સસ્પેન્ડ, કૉંગ્રેસના ધારાસભ્યોનો પણ ગૃહમાંથી વૉકઆઉટ

પ્રકાશિત
વાંચવાનો સમય: 4 મિનિટ

ગુજરાતની વિધાનસભાના બજેટસત્રમાં ગૃહવિભાગની ચર્ચા દરમિયાન અમરાભાઈ બોરિચાની હત્યાકેસની તપાસ વિશે વડગામના અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ પ્રશ્નો કરતાં તેમને ગૃહમાંથી બહાર કરી નાખવામાં આવ્યા છે એમ મેવાણીનું કહેવું છે.

મેવાણી અનુસાર બે દિવસમાં તેમને બીજી વાર ગૃહમાંથી બહાર કાઢી દેવામાં આવ્યા છે.

જિજ્ઞેશ મેવાણીએ ટ્વિટ કરીને જણાવ્યું કે "હું અમરાભાઈ બોરિચાની હત્યાકેસમાં આરોપી સામે પગલાં લેવાની માંગણી કરતા મને ગૃહમાંથી આખા દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે."

"ઘટનામાં ચાર્જશીટ દાખલ થયાને 17 દિવસ થઈ ગયા છે. ગઈ કાલે પણ મેં આ માગણી કરતી હતી, જેના કારણે મને વિધાનસભામાંથી બહાર જવા માટે કહેવામાં આવ્યું હતું."

તેમણે પ્રશ્ન કર્યો કે મુખ્ય મંત્રી વિજય રૂપાણી કોને બચાવી રહ્યા છે?

રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાને લઈને કૉંગ્રેસના ધારાસભ્યોએ શુક્રવારે વૉકઆઉટ કર્યું હતું.

ગુરુવારે પણ કૉંગ્રેસ અને ભાજપના ધારાસભ્યો વચ્ચે આ મુદ્દે ઉગ્રે બોલાચાલી થઈ હતી, જે બાદ કૉંગ્રેસના સભ્યો ગૃહમાંથી વૉકઆઉટ કરી ગયા હતા.

ધ હિંદુના અહેવાલ અનુસાર કૉંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ ભાજપ પર કટાક્ષ કરતાં જણાવ્યું કે "ગુજરાતનાં ઘણાં શહેરો હજુ પણ સ્થાનિક ડોન હોય તેમના નામે ઓળખાય છે. બધા જાણે છે કે શહેરા શહેરનું નામ કઈ રીતે પડ્યું. કુતિયાણામાં પણ આમ જ છે. રાજ્ય સરકાર લોકોને સુરક્ષા અને સલામતી આપવામાં નિષ્ફળ ગઈ છે."

અમિત ચાવડાના આ નિવેદન બાદ ભાજપ અને કૉંગ્રેસના ધારાસભ્યો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જે બાદ કૉંગ્રેસના 50 ધારાસભ્યો વૉકઆઉટ કરી ગયા હતા.

ગુજરાત વિધાનસભામાં શું થયું?

ગુરુવારે બજેટસત્રમાં ગૃહવિભાગની ચર્ચા દરમિયાન જિજ્ઞેશ મેવાણીએ પ્રશ્ન કર્યો હતો કે અમરાભાઈ બોરિચાના હત્યાકેસમાં આરોપી પોલીસ સબ-ઇન્સ્પેક્ટર પી. આર. સોલંકીની ધરપકડ કેમ કરવામાં આવી નથી?

શુક્રવારે પણ જિજ્ઞેશ મેવાણીએ આ મુદ્દા પર પ્રશ્ન કર્યો હતો, જે બાદ મેવાણી મુજબ તેમણે ગુજરાત વિધાનસભામાંથી બહાર કાઢી દેવામાં આવ્યા.

ઉલ્લેખનીય છે કે આ કેસમાં પી. આર. સોલંકી સામે પોતાની ફરજમાં બેદરકારી દાખવવાનો આરોપ છે.

મીડિયા સાથેની વાતચીતમાં જિજ્ઞેશ મેવાણી મુજબ, જ્યારે તેમણે પીએસઆઈ સોલંકીની ધરપકડને લઈને પ્રશ્ન કર્યો તો સ્પીકરે તેમને બોલતાં અટકાવી દીધા અને સ્પીકરના આદેશ બાદ ગૃહમાં હાજર સુરક્ષા કર્મચારીઓએ તેમને ગૃહમાંથી બહાર લઈ આવ્યા.

આ મામલે વિધાનસભાના અધ્યક્ષ તરફથી કોઈ નિવેદન હજી આવ્યું નથી.

મેવાણીએ આરોપ મૂક્યો કે, "2009-2021 દરમિયાન અમરાભાઈ બોરિચા પર 13 વખત હુમલા થયા છે અને 13 પ્રકારની ઍટ્રોસિટીની ફરિયાદ કરવામાં આવી હતી."

"અમરાભાઈ બોરિચાનું ઘર અને જમીન પચાવી પાડવાની કોશિશ કરવામાં આવી હતી, તેમનું જાતિવિષયક અપમાન કરવામાં આવ્યું, તેમની પર હુમલા થયા અને એફઆઈઆર પાછી ખેંચવા બદલ ધમકીઓ આપવામાં આવી."

વડગામના ધારાસભ્યે કહ્યું કે, "એક મહિના પહેલા વ્યવસાયે ખેડૂત એવા અમરાભાઈ બોરિચા ગામના ક્ષત્રિયો વિરુદ્ધ ઘોઘા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા ગયા હતા, પરંતુ પીએસઆઈ પી.આર. સોલંકીએ ફરિયાદ નોંધી નહોતી."

"ભાવનગર પોલીસે પોલીસ સબ-ઇન્સ્પેક્ટર પી. આર. સોલંકી સામે ફરજમાં બેદરકારીનો ગુનો નોંધ્યો છે, પરંતુ 16 દિવસ બાદ પણ તેમની ધરપકડ કરવામાં આવી નથી."

ભાવનગરની એ ઘટના શું છે?

ભાવનગરના જિલ્લાના ઘોઘા તાલુકાના સાનોદર ગામે એકમાત્ર દલિત અમરાભાઈ બોરિચાની તલવારના ઘા ઝીંકીને કથિતરૂપે હત્યા કરી નાખવામાં આવી હતી.

બોરિચાના પરિવારનો આરોપ છે કે હુમલો કરનારા લોકો કૉંગ્રેસના ઉમેદવારની જીતના વિજય સરઘસમાંથી આવ્યા હતા.

દલિત આગેવાનો તેમજ પરિવારજનો દ્વારા 10 લોકો સામે ફરિયાદ કરવામાં આવી હતી. પોતાની ફરજમાં બેદરકારી દાખવનારા પોલીસ સબ- ઇન્સ્પેક્ટર પી. આર. સોલંકીને તાત્કાલિક ધોરણે ધરપકડ કરવામાં આવે એવી પણ દલિત આગેવાનો અને પરિવાજનોએ માગ કરી હતી.

પોલીસ ફરિયાદમાં નિર્મળા બોરિચાએ કહ્યું છે કે, તારીખ 2-1-2021ના રોજથી અમરાભાઇની સુરક્ષા માટે ગુજરાત ગ્રામ રક્ષક દળ(જીઆરડી)ના બે પોલીસકર્મીઓની વ્યવસ્થા કરવામાં આવી હતી. જોકે, આ પોલીસકર્મીઓની હાજરીમાં તેમની પર ઘાતક હુમલો થયો અને હત્યા કરવામાં આવી.

પોલીસ ફરિયાદ મુજબ, અનેક વખત હથિયારધારી પોલીસકર્મીઓની માગણી કરવા છતાં અમરાભાઈ બોરિચાને એ પ્રકારની પોલીસ સુરક્ષા વ્યવસ્થા નહોતી આપવામાં આવી.

ફરિયાદ મુજબ, કૉંગ્રેસના સાનોદર ગામના ઉમેદવાર જીતી ગયા બાદ ગામમાં સરઘસ કાઢવામાં આવ્યું હતું. સરઘસમાંથી કેટલાક લોકોએ બહાર આવીને તલવાર, લોખંડની પાઇપ વગેરે હથિયારો સાથે અમરાભાઈ બોરિચાના ઘરમાં ઘૂસી ગયા હતા અને તેમના પર અને તેમનાં દીકરી નિર્મળાબહેન પર હુમલો કર્યોં હતો.

નિર્મળાબેને પોતાની પોલીસ ફરિયાદમાં કહે છે કે, "આ ઘટના સાંજે 4.30 વાગ્યાની છે, જ્યારે તેઓ પોતાના પિતા સાથે ઘરમાં જ હતાં. જોકે ત્યારબાદ પોલીસ બંદોબસ્તના જવાનોએ અને બીજા લોકોએ પોલીસને જાણ કરી હતી, અને 108માં બોરિચાને હૉસ્પિટલ લઈ જવાયા હતા. પરંતુ ડૉક્ટર્સે અડધે રસ્તે જ તેમને મૃત જાહેર કરી દીધા હતા."

હાલમાં કેસની તપાસ કયાં પહોંચી છે?

બીબીસીના સહયોગી પત્રકાર નીતિન ગોહિલ જણાવે છે "આ કેસમાં જે 10 લોકો સામે ફરિયાદ કરવામાં આવી હતી, તે તમામ લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે."

"તમામ આરોપીના રિમાન્ડ પૂરા થઈ ગયા છે અને હાલમાં તમામ ભાવનગર જેલમાં છે. આ કેસમાં પીએસઆઈ પી.આર.સોલંકીને ભાવનગર એસ.પી.એ સસ્પેન્ડ કરી દીધા છે. કેસમાં કોર્ટની સુનાવણી શરૂ થવાની બાકી છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો