ખેડૂત આંદોલન : કડકડતી ઠંડી બાદ ધકધકતા ઉનાળામાં આંદોલન ચાલુ રાખવા ખેડૂતો સજ્જ - BBC Top News

પ્રકાશિત
વાંચવાનો સમય: 5 મિનિટ

દિલ્હીની સરહદ ઉપર ધરણા ઉપર બેઠેલા ખેડૂતોએ આગામી ઉનાળા માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

આ ખેડૂતો કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા ત્રણ કૃષિ કાયદાનો વિરોધ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે, જ્યાર સુધી આ કાયદા પરત નહીં ખેંચાય, ત્યારસુધી તેઓ પોત-પોતાના ગામડે પરત નહીં જાય.

નવેમ્બર-2020થી ખેડૂતો દિલ્હીમાં આંદોલન કરી રહ્યાં છે અને તેમણે કડકડતી ઠંડીનો સમય પણ ખુલ્લામાં જ વિતાવ્યો હતો.

પંખા અને ફ્રિઝ પહોંચ્યા

ઉનાળાની ગરમીને પહોંચી વળવા માટે ખેડૂતોએ જરૂરી સામાન લાવવાની શરૂઆત કરી દીધી છે.

પ્રદર્શનમાં સામેલ થવા માટે અમૃતસરથી દિલ્હી જવા નીકળેલા ખેડૂતઓ પોતાની ટ્રૅક્ટર ટ્રૉલીઓમાં મચ્છરદારી તથા મચ્છર મારવાના ઇલેક્ટ્રૉનિક મશીનોની વ્યવસ્થા કરી છે.

આ સિવાય પંખા અને ફ્રિઝ જેવો સામાન પણ આંદોલનસ્થળે પહોંચવાનો શરૂ થઈ ગયો છે.

કિસાન મજદૂર સંઘર્ષ સમિતિના મહાસચિવ સર્વનસિંહ પંધેરે ન્યૂઝ એજન્સી એ.એન.આઈ.ને જણાવ્યું :

"દિલ્હીની ગરમીને જોતા હવે જે લોકો નીકળી રહ્યાં છે, તેઓ જરૂરી સજ્જતા સાથે પ્રવાસ કરી રહ્યા છે. પહેલાં અમે ઠંડીથી બચવા માટે ટ્રૅક્ટરની ટ્રૉલી ઉપર તાડપત્રી ચડાવી હતી, હવે અમે તેને હઠાવીને મચ્છરદાની લગાવી દીધી છે."

ટિકરી બૉર્ડર ઉપર ખેડૂતોએ ગરમીથી બચવા માટે ફ્રિજ મૂક્યું છે અને પાણીની વ્યવસ્થા પણ કરી છે.

દિલ્હી-ઉત્તર પ્રદેશની સીમા ઉપર ગાઝીપુર બૉર્ડર ખાતે ખેડૂતપ્રદર્શનનોનું નેતૃત્વ કરી રહેલા ભારતીય કિસાન યુનિયનના પ્રવક્તા રાકેશ ટિકૈતનું કહેવું છે કે જ્યાર સુધી સરકાર તેમની વાત નહીં માને, ત્યાર સુધી ખેડૂતો પરત નહીં જાય.

તેમણે કહ્યું :"સરકાર સાથે વાતચીતનો કોઈ અવકાશ નથી રહ્યો. ખેડૂતોએ લાંબી તૈયારી કરી રાખી છે."

ઉલ્લેખનીય છે કે ખેડૂતો તથા કેન્દ્ર સરકાર વચ્ચે અનેક તબક્કાની બેઠકો થઈ ચૂકી છે, પરંતુ કોઈ નિરાકરણ નથી આવ્યું.

પશ્ચિમ બંગાળમાં પેટ્રોલ પંપો પરથી નરેન્દ્ર મોદીની તસવીરોવાળા હોર્ડિંગ્સ હઠાવો - ચૂંટણીપંચ

પશ્ચિમ બંગાળમાં ચૂંટણીઓ જાહેર થઈ ગઈ છે ત્યારે ભારતના ચૂંટણીપંચે રાજ્યમાં પેટ્રોલ પંપો પરથી નરેન્દ્ર મોદીની તસવીરો હઠાવવા આદેશ કર્યો છે.

નરેન્દ્ર મોદીની તસવીરો સાથે વિવિધ સરકારી યોજનાઓની જાહેરાત પશ્ચિમ બંગાળમાં અનેક પેટ્રોલ પંપો પર લાગેલી છે.

ચૂંટણીપંચે આ સરાકારી યોજનાઓની જાહેરાતોને 72 કલાકમાં હઠાવી લેવાનો આદેશ કર્યો છે.

પશ્ચિમ બંગાળ ચૂંટણીપંચના અધિકારીએ પીટીઆઈને કહ્યું કે, હોર્ડિંગ્સમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની તસવીરો એ ચૂંટણી આચારસંહિતાનો ભંગ છે. ભારતના ચૂંટણીપંચે રાજ્યમાં ચૂંટણીની જાહેરાત 26 ફેબ્રુઆરીએ કરી દીધી છે એટલે આ હોર્ડિંગ્સ આચારસંહિતાનો ભંગ ગણાય.

ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળમાં આઠ તબક્કામાં ચૂંટણી યોજાશે. ચૂંટણીની તારીખો 27 માર્ચ (30 બેઠકો માટે), 1 એપ્રિલ (30 બેઠકો માટે), 6 એપ્રિલ (31 બેઠકો માટે), 10 એપ્રિલ(44 બેઠકો માટે), 17 એપ્રિલ (45 બેઠકો માટે), 22 એપ્રિલ (43 બેઠકો માટે), 26 એપ્રિલ (36 બેઠકો માટે) અને 29 એપ્રિલે (35 બેઠકો માટે)ચૂંટણી યોજાશે.

2 મેના રોજ મતગણતરી થશે.

અદાણી એન્ટરપ્રાઇઝની માર્કેટ કૅપ 1 ટ્રિલિયનને પાર પહોંચી

અદાણી ગ્રુપની ત્રીજી કંપનીની માર્કેટ કૅપ 1 ટ્રિલિયનને પાર પહોંચી

બિઝનેસ સ્ટાન્ડર્ડના અહેવાલ અનુસાર અદાણી એન્ટરપ્રાઇઝની માર્કેટ કૅપિટલાઇઝેશન બૉમ્બે સ્ટોક એક્સચેન્જ પર એક ટ્રિલિયનને પાર પહોંચી છે.

અદાણી એન્ટરપ્રાઇઝનો શેર ત્રણ માર્ચે 911એ પહોંચ્યો હતો.

બીએસઈના ડેટા પ્રમાણે અદાણી એન્ટરપ્રાઇઝ ઓવરઑલ માર્કેટ કેપમાં 39માં નંબરે છે.

અદાણી એન્ટરપ્રાઇઝ અદાણી જૂથની ત્રીજી કંપની છે જેની માર્કેટ કૅપ 1 ટ્રિલિયનને પાર પહોંચી છે.

અદાણી ગ્રીન ઍનર્જી (1.82 ટ્રિલિયન) અને અદાણી પોર્ટ અને સ્પેશિયલ ઇકૉનોમિક ઝોન (1.52 ટ્રિલિયન)ની માર્કેટ કૅપ ધરાવે છે.

ભાજપ અમને હિંદુત્વનો પાઠ ન ભણાવે, દેશ કોઈની જાગીર નથી : ઉદ્ધવ ઠાકરે

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ બુધવારે હિંદુત્વથી લઈને ખેડૂત આંદોલનના મુદ્દે ભાજપની આકરી ટીકા કરી હતી. ઉદ્ધવ ઠાકરેએ સાવરકરને ભારતરત્ન ન આપવાનો મુદ્દો ઉઠાવીને વિધાનસભામાં કહ્યું કે, ભાજપ અમને હિંદુત્વનો પાઠ ન ભણાવે.

ઉદ્ઘવ ઠાકરેએ કહ્યું, “સાવરકરને ભારતરત્ન આપવાના મુદ્દે કેન્દ્ર સરકારને બે વખત ચિઠ્ઠી લખવામાં આવી. ભારતરત્ન કોણ આપે છે? આ વડા પ્રધાન અને એક કમિટીનો અધિકાર છે.”

મુખ્ય મંત્રીએ કહ્યું, “તમે સાવરકરને ભારતરત્ન આપતા નથી અને નામ નહીં બદલવાને લઈને અમને ઉપદેશ આપી રહ્યા છો.” જોકે, ઉદ્ધવ ઠાકરેએ સ્પષ્ટ કર્યું કે ઔરંગાબાદનું નામ બદલી નાખવામાં આવશે.

કૉંગ્રેસ અને રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીની સાથે ગઠબંધન કરવા પર શિવસેના ભાજપને એમ કહીને ટીકા કરતી રહી કે તેણે હિંદુત્વવાદી એજન્ડા છોડી દીધા છે.

ખેડૂત આંદોલનનો મુદ્દો ઉઠાવી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે કેન્દ્ર સરકારે કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલાં ખેડૂતોના રસ્તામાં લોખંડના ખીલા નાખ્યા, તેમના વીજળી અને પાણીને કાપી નાખ્યા.

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, “જો આવી વ્યવસ્થા સરહદ પર કરી હોત તો ચીન ઘુસણખોરી ન કરી શકત. શું પ્રદર્શન કરી રહેલાં ખેડૂત આતંકવાદી હતા? દેશ ભાજપની ખાનગી પ્રૉપર્ટી નથી.”

ઉદ્ધવે આગળ કહ્યું, “શિવસેના અને ભાજપનું પિતૃ સંગઠન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પણ આઝાદીની લડાઈમાં ન હતું. માત્ર ‘ભારત માતાની જય’ના નારા લગાવવાથી દેશ માટે તમારો પ્રેમ સાબિત થતો નથી. જો તમે લોકો સાથે તમે ન્યાય નથી કરતા તો તમને ‘ભારત માતાની જય’નો નારો લગાવવાનો કોઈ હક નથી.”

અસહમતી રાજદ્રોહ નથી, સરકાર વિરોધી વલણ માટે નાગરિકો પર ન વાપરી શકો : સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટે બુધવારે કહ્યું હતું કે સરકારની પૉલિસીથી અનુકૂળ કોઈનો મત ન હોય તો તેને રાજદ્રોહ કહી શકાય નહીં.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર જસ્ટિસ સંજય કિશન કૌલ અને હેમંત ગુપ્તાની બેન્ચે કહ્યું, “અસહમતીને રાજદ્રોહ કહી શકાય નહીં.”

જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાએ કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીરના સ્પેશિયલ સ્ટેટ્સ આર્ટિકલ 370 રદ્દ કર્યો તેની વિરુદ્ધમાં પોતાના વિચારો રજૂ કર્યા હતા. તેમની સામે રાજદ્રોહનો કેસ ચલાવવાનો અને સંસદમાંથી ડિસક્વૉલિફાય કરવાની માગ સાથે સુપ્રીમ કોર્ટમાં કેસ કરવામાં આવ્યો હતો.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે આપણે પબ્લિસિટી માટે પિટિશન કરનાર આ લોકોને દંડ કરવો જોઈએ. સુપ્રીમે કેસ કરનાર વકીલને 50 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.

સ્વતંત્રાની બાબતમાં ભારત ચાર સ્થાન નીચે આવ્યું

211 દેશોની સૌથી સ્વતંત્ર દેશની યાદીમાં ભારતનું સ્થાન 83 પરથી 88 પર ગયું છે.

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર વૉશિંગટનની થિંક ટૅન્ક ફ્રીડમ હાઉસે જાહેર કરેલા દુનિયાના સૌથી સ્વતંત્ર દેશોની યાદીમાં ભારતનો સ્કોર 71થી ઘટીને 67 પર પહોંચી ગયો છે.

ફ્રીડમ હાઉસે દેશમાં મળતી સ્વતંત્રતાના સ્કોરને ‘ફ્રી’ માંથી ‘અમુક અંશે ફ્રી’ ગણાવી છે. તેમણે કહ્યું છે, “2014માં જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી બન્યા ત્યારથી અધિકારીઓ અને નાગરિકોની સ્વતંત્રતા કથળી રહી છે.”

દુનિયામાં સૌથી વધારે આઝાદ દેશની યાદીમાં ટોપ પર ફિનલૅન્ડ, નોર્વે અને સ્વીડન છે, જ્યારે 1 પૉઇન્ટ પર તિબેટ અને સીરિયા છે.

ફ્રીડમ હાઉસના અહેવાલમાં લખવામાં આવ્યું છે કે, તેમની(મોદીની) હિંદુ રાષ્ટ્રવાદી સરકાર સત્તામાં આવ્યા પછી માનવાધિકાર સંગઠનો પર દબાણ વધ્યું છે, ઍકેડેમિક્સ અને પત્રકારોને ધમકીઓ મળી રહી છે. મુસ્લિમોને ધ્યાનમાં રાખીને હુમલાઓ અને લિંચિગ થઈ રહ્યા છે.

ભારત બાયૉટેકનો દાવો યુકેના સ્ટ્રેન સામે 81 ટકા કારગર છે કોવૅક્સિન

ભારત બાયૉટેકે કોવૅક્સિન રસીના ત્રીજા તબક્કાના આંકડા જાહેર કર્યા છે. કંપનીએ દાવો કર્યો છે કે તેની કોવૅક્સિન 81 ટકા અસરકારક છે.

એનડીટીવીના અહેવાલ અનુસાર કંપની પ્રમાણે 25800 વૉલિન્ટિયરે ત્રીજા તબક્કામાં ભાગ લીધો હતો. 43 કેસમાં વચગાળાના ડેટા પર એ જોવા મળ્યું છે કે 36 કેસમાં કોવૅક્સિન અને 7 કેસમાં પ્લેસિબો પડ્યું હતું.

ભારત બાયોટૅકે દાવો કર્યો છે કે યુકેના કોરોના વાઇરસ સ્ટ્રેનની સામે કોવૅક્સિન 81 ટકા અસરકારક છે.

કોવૅક્સિનનો સંપૂર્ણ વિકાસ ભારતમાં કરવામાં આવ્યો છે.

ભારતના ડીસીજીઆઈએ જે બે કોરોના વાઇરસની રસીને દેશમાં મંજૂરી આપેલી છે તેમાં એક કોવૅક્સિન છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો