You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
BBC EXCLUSIVE : 'શિવકુમારને એકથી વધુ ફ્રૅક્ચર, હાથનાં નખ પણ ઉખડી ગયેલી હાલતમાં'
- લેેખક, અરવિંદ છાબરા
- પદ, બીબીસી સંવાદદાતા
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 3 મિનિટ
મજદૂર અધિકાર સંગઠનના અધ્યક્ષ શિવકુમાર (24)ના મેડિકલ રિપોર્ટમાં બહાર આવ્યું છે કે તેમને સામાન્ય તથા ગંભીર ઈજાઓ પહોંચી છે, પોલીસે ગયા મહિને તેમની ધરપકડ કરી હતી.
રિપોર્ટ મુજબ, તેમના હાથ તેમના હાથ અને પગમાં ફ્રેક્ચર થયા છે અને તેમના નખ તૂટી ગયા છે. આ સિવાય તેમનામાં પૉસ્ટ-ટ્રોમૅટિક ડિસૉર્ડરના લક્ષણ પણ જોવા મળી રહ્યા છે.
શિવકુમારના વકીલ અર્શદીપ ચીમાના કહેવા પ્રમાણે, "શિવકુમારને ગંભીર ઈજા સંદર્ભનો મેડિકલ રિપોર્ટ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટને સુપ્રત કરવામાં આવ્યો છે." ચીમાએ ઉમેર્યું કે અદાલતે હરિયાણા પોલીસ પાસેથી જવાબ માગ્યો છે, જેણે અગાઉ દાવો કર્યો હતો કે શિવકુમારને કોઈ ઈજા નહોતી થઈ.
અદાલતે શિવકુમારનો કેસ સમગ્ર કેસ સેન્ટ્રલ બ્યૂરો ઑફ ઇન્વેસ્ટિગેશનને (સી.બી.આઈ.) સોંપવા સંબંધિત અરજી ઉપર સુનાવણી હાથ ધરી હતી.
શિવકુમારની સાથે શ્રમિકોના અધિકાર માટે કાર્યરત કર્મશીલ નવદીપ કૌર (25)ના કેસને પણ સાંભળ્યો હતો, જેમાં નવદીપે નિયમિત જામીનની અરજ કરી હતી. આ અંગે વધુ સુનાવણી શુક્રવારે હાથ ધરવામાં આવશે.
ઈજાનો અહેવાલ
તબીબોએ સુપ્રત કરેલા શિવકુમારના મેડિકલ રિપોર્ટની નકલ બીબીસી પાસે છે. જેમાં ઈજાઓનું વિવરણ આપતાં નોંધ્યું છે :
ડાબા હાથ તથા જમણા હાથના ભાગોમાં ફ્રેકચર સહિતની ઈજાઓ ; થોડા ખચકાઈને ચાલે છે; જમણા પગમાં સોજો; ડાબા પગમાં સોજો અને દુખાવો; ડાબા પગના આગળના ભાગમાં કાળા રંગના ડાઘ; ડાબા અંગૂઠા તથા તર્જનીમાં બ્લૂ રંગની ઝાંયવાળા કાળા ડાઘા; જમણા હાથના કાંડાના ભાગમાં દુખાવો ; ડાબી જાંઘમાં અલગ રંગ (કાળો) ભાગ.
રિપોર્ટ મુજબ આ ઈજાઓ બે અઠવાડિયાથી પુરાણી છે અને તે બૂઠ્ઠાં કે ધારવિહિન હથિયારને કારણે થઈ હોવાનું જણાય છે. વકીલોનું કહેવું છે કે ધરપકડના એક મહિના બાદ પણ ઈજાઓ જોવા મળી રહી છે, તે બાબત નોંધપાત્ર છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હાઈકોર્ટે ચંદીગઢમાં તબીબો દ્વારા મેડિકલ તપાસ કરાવવાના આદેશ આપ્યા હતા.
શું છે શિવકુમાર કેસ?
હરિયાણાના સોનિપતની જેલના અધિકારીઓના કહેવા પ્રમાણે, તા. બીજી ફેબ્રુઆરીએ કાચા કામના કેદી (અંડરટ્રાયલ) તરીકે શિવકુમારને લાવવામાં આવ્યા હતા. તા. 28મી ડિસેમ્બરે કુંડલી પોલીસ સ્ટેશને તેમની વિરુદ્ધ હુલ્લડ તથા ગુનાહિત ઉશ્કેરણી સહિતના આરોપો હેઠળ ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો (148,149,323,384,506) હેઠળ કેસ નોંધ્યો હતો.
12મી જાન્યુઆરીએ હુલ્લડ, હત્યાનો પ્રયાસ તથા અન્ય આરોપો સબબ વધુ એક ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. એ જ દિવસે કુંડલી પોલીસ સ્ટેશનમાં ત્રીજો કેસ પણ દાખલ કરવામાં આવ્યો હતો.
શિવકુમારે તબીબોને જણાવ્યું હતું કે 12મી જાન્યુઆરીની બપોરે શ્રમિક સંગઠન સોનિપતમાં ધરણા દઈ રહ્યું હતું, ત્યારે પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. મનો દાવો હતો કે એ દિવસે અને એ સમયે તેઓ ત્યાં ન હતા.
શિવકુમારે ઉમેર્યું, "કુંડલી પોલીસ સ્ટેશનના કર્મચારી ત્યાં આવ્યા અને કેટલાક લોકોની ધરપકડ કરી તથા એસ.એચ.ઓ.એ (સ્ટેશન હાઉસ ઓફિસર, પોલીસ સ્ટેશનના પ્રભારી) તેમના મિત્ર ઉપર હુમલો કર્યો હતો."
તા. 16મી તારીખે જ્યારે તેઓ કુંડલીમાં ખેડૂતોના પ્રદર્શનસ્થળે હતા ત્યારે પોલીસે તેમને ઉઠાવી લીધા હતા અને કથિત રીતે માર માર્યો હતો.
પોલીસે કથિત રીતે તેમના બંને પગ બાંધી દીધા અને જમીન ઉપર સૂવડાવીને જૂતાંથી માર માર્યો હતો. કથિત રીતે તેમના નખ ઉખેડી કાઢવામાં આવ્યા હતા. પોલીસે કથિત રીતે તેમના હાથ બાંધીને સપાટ લાકડાથી ફટકાર્યા હતા.
ત્રણ દિવસ સુધી તેમને સૂવા દેવાયા ન હતા. રિપોર્ટમાં શિવકુમારને થયેલી શારીરિક અને માનસિક યાતનાનું કમકમાટીભર્યું વિવરણ લખેલું છે.
શિવકુમાર ઉપર આરોપ છે કે શ્રમિકોને પગાર ચૂકવાતો નથી, તેવા બહાના હેઠળ કુંડલીની એક ફેકટરીમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો એટલે પોલીસે તેમને ઉઠાવ્યા હતા.
જોકે, વકીલો તથા પરિવારજનોનું કહેવું છેકે દિલ્હીની સીમાએ ખેડૂતોના આંદોલનમાં શિવ તથા નવદીપ સક્રિય ભૂમિકા ભજવી રહ્યાં હતાં, એટલે પોલીસે તેમને ઉઠાવ્યાં હતાં.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો