You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
નેપાળની સુપ્રીમ કોર્ટે પીએમ ઓલીના સંસદ ભંગ કરવાના નિર્ણયને પલટી નાખ્યો
નેપાળની સુપ્રીમ કોર્ટે પીએમ ઓલીના સંસદ ભંગ કરવાના નિર્ણયને પલટી નાખ્યો
નેપાળની સુપ્રીમ કોર્ટે વડા પ્રધાન કેપી શર્મા ઓલીના સંસદ ભંગ કરવાના નિર્ણયને પલટી નાખ્યો છે.
કેપી શર્મા ઓલીએ ગત વર્ષે 20 ડિસેમ્બરના રોજ સંસદને ભંગ કરી હતી. ઓલીના આ નિર્ણયની વિરુદ્ધ સુપ્રીમ કૉર્ટમાં ઘણી અરજીઓ દાખલ કરવામાં આવી હતી.
આ જ અરજીઓની સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ચોલેન્દ્ર શમશેર રાણાએ નિર્ણય આપ્યો છે અને સંસદ ભંગ કરવાને ગેરબંધારણીય ગણાવી છે.
કોર્ટે પીએમ ઓલીને 13 દિવસની અંદર પ્રતિનિધિ સભાનું અધિવેશન બોલાવવા આદેશ આપ્યો છે.
ટૂલકિટ કેસમાં દિશા રવિને જામીન મળ્યા
ખેડૂત આંદોલન સાથે જોડાયેલી ટૂલકિટ મામલે પર્યાવરણ ઍક્ટિવિસ્ટ દિશા રવિને દિલ્હીની સેશન્સ કૉર્ટે જામીન આપ્યા છે.
દિશા રવિનાં કેસ મામલે ઍડિશનલ સેશન્સ જજ ધર્મેન્દ્ર રાણાએ આ નિર્ણય આપ્યો છે.
દિશા રવિ ફ્રાઇડે ફૉર ફ્યૂચર નામક આંદોલનના સંસ્થાપક છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે બેંગલુરુથી તેમની ધરપકડ કરી હતી અને અનેક લોકોએ આનો વિરોધ કર્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મહત્ત્વનું છે કે દિલ્હી પોલીસે દિશા રવિને દિલ્હીની એક અદાલતમાં રજૂ કરતાં કહ્યું હતું કે "દિશા રવિ ટૂલકિટ ગૂગલ ડોક્યુમેન્ટનાં ઍડિટર છે અને આ ડોક્યુમેન્ટ બનાવવામાં અને તેને પ્રસારિત કરવામાં એમની મુખ્ય ભૂમિકા છે."
પોલીસે પોતાના નિવેદનમાં કહ્યું કે "આ સિલસિલામાં એમણે ખાલિસ્તાન સમર્થક પોએટિક જસ્ટિસ ફાઉન્ડેશન સાથે મળીને ભારતીય રાજ્ય સામે નફરત ફેલાવવાનું કામ કર્યું છે અને એમણે જ ગ્રેટા થનબર્ગ સાથે આ ટૂલકિટ શૅર કરી હતી."
દિશા રવિ સાથે કામ કરનાર લોકો એમની ઇમાનદારી અને નિષ્ઠાનો ઉલ્લેખ કરે છે. અનેક લોકોએ દિશા રવિની ધરપકડનો વિરોધ કર્યો છે તો અનેક લોકોએ તેને યોગ્ય ગણાવી છે.
અમેરિકામાં કોરોનાથી મૃત્યુઆંક પાંચ લાખને પાર, 5 દિવસનો રાષ્ટ્રીય શોક
અમેરિકામાં કોરોના વાઇરસના કારણે મોતનો આંકડો પાંચ લાખને પાર થયો છે. આ અંગે રાષ્ટ્રપતિ જો બાઇડને દેશને સંબોધન કર્યું હતું. દુનિયામાં કોરોના વાઇરસથી સૌથી વધારે મૃત્યુ અમેરિકામાં થયા છે.
રાષ્ટ્રને સંબોધિત કરતાં રાષ્ટ્રપતિ જો બાઇડને કહ્યું, "એક દેશના રૂપમાં આપણે આવા ક્રૂર ભાગ્યનો સ્વીકાર ન કરી શકીએ."
વ્હાઇટ હાઉસની બહાર મીણબત્તીઓ પ્રગટાવીને મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી અને સાથે જ રાષ્ટ્રપતિ તેમજ ઉપરાષ્ટ્રપતિએ પોત-પોતાનાં જીવનસાથીઓ સાથે થોડી ક્ષણનું મૌન પાળ્યું.
અત્યાર સુધી 28.1 મિલિયન કરતાં વધારે અમેરિકી નાગરિક કોરોનાથી સંક્રમિત થયા છે, જે વધુ એક વૈશ્વિક રૅકૉર્ડ છે.
રાષ્ટ્રપતિ બાઇડને અમેરિકાવાસીઓને કોરોના વાઇરસ વિરુદ્ધ લડવા માટે આહ્વાન કર્યું છે અને કહ્યું છે, "આજે હું દરેક અમેરીકાવાસીઓને કહું છું કે તેઓ યાદ કરે. જે લોકોને આપણે ગુમાવ્યા છે તેમને યાદ કરો અને તેમને યાદ કરો જેમને આપણે પાછળ મૂકી દીધા છે."
રાષ્ટ્રપતિએ આગામી પાંચ દિવસ માટે સરકારી ઇમારતો પર રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવાનો આદેશ આપ્યો છે.
વ્હાઈટ હાઉસમાં પોતાના ભાષણની શરૂઆતમાં તેમણે કહ્યું કે પ્રથમ વિશ્વયુદ્ધ, દ્વિતીય વિશ્વયુદ્ધ અને વિયેતનામ યુદ્ધમાં જેટલા અમેરિકાવાસીઓનાં મૃત્યુ થયા નથી એટલા મૃત્યુ કોરોના વાઇરસના કારણે થયાં છે.
'રામમંદિર ભૂલી જાવ, પેટ્રોલની કિંમત ઘટાડો'
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર શિવસેનાના મુખપત્ર સામનામાં રામમંદિર માટે ઉઘરાવવામાં આવતા પૈસાને લઈને આકરી ટીકા કરવામાં આવી છે.
શિવસેનાએ કહ્યું કે 'અયોધ્યામાં રામમંદિર માટે ફાળા વસુલી(પૈસા ઉઘરાવવા) કરતાં, મોદી સરકારે ચંદ્ર પર પહોંચેલી પેટ્રોલ અને ડિઝલની કિંમત નીચી લાવવી જોઈએ.'
સામનાના તંત્રી લેખમાં લખવામાં આવ્યું છે કે 'જો અગાઉની સરકારમાં પેટ્રોલની કિંમત વધતી હતી, તો તે સમયના ગુજરાતના મુખ્ય મંત્રી તરીકે નરેન્દ્ર મોદી કૉંગ્રેસને લૂંટારુ કહેતા હતા.'
"મોદીએ હવે તમામ પબ્લિક સેક્ટર યુનિટનું સેલ ગોઠવ્યું છે અને ગત સરકારોને પેટ્રોલનો ભાવ વધારવા માટે દોષ આપે છે."
કૉંગ્રેસનો આરોપ છે કે અમિતાભ બચ્ચન અને અક્ષય કુમાર જેવા સેલેબ્રિટી તેમની સરકારમાં પેટ્રોલની કિંમત ઊંચી જતી હતી ત્યારે બોલતા હતા આજે બોલી રહ્યા નથી.
સામનામાં આ અંગે લખાયું છે કે તેમની પર આક્ષેપ ન મૂકી શકાય. આનો અર્થ એ છે કે 2014 પહેલાં બોલવાની આઝાદી, અને ટીકા કરવાનો અધિકાર હતો. સરકારની પૉલિસીની ટીકા કરવા કોઈને જેલમાં મોકલવામાં નહોતા આવતા. હાલ આપણે તે આઝાદી ભૂલી ગયા છીએ.
ગુજરાતમાં કોરોનાને લઈને અનિશ્ચિત સ્થિતિ, સરકાર આકરાં પગલાં લે : AHNA
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર અમદાવાદ હૉસ્પિટલ્સ અને નર્સિંગ હૉમ્સ ઍસોસિયેશને કહ્યું છે કે રાજ્યમાં કોરોના વાઇરસની સ્થિતિ અનિશ્ચિત છે અને તે કોઈપણ તરફ જઈ શકે છે.
ઍસોસિયેશને મુખ્ય મંત્રી વિજય રૂપાણીને અપીલ કરી હતી કે કડકાઈથી કોરોના વાઇરસને અટકાવવાનાં પગલાં લેવામાં આવે.
તેમણે લખ્યું છે કે ગુજરાતના લોકો સાવ બેફિકર થઈ ગયા છે અને માસ્ક પહેરવાના નિયમને પાળતા નથી. લોકો કોઈપણ પ્રકારના ઇવેન્ટ્સમાં સાવચેતી વિના ભાગ લે છે.
ઍસોસિયેશને વધુમાં કહ્યું છે કે 'આ એક ચિંતાજનક સ્થિતિ છે અને અમે તમને જલદી પગલાં લેવાની વિનંતી કરીએ છીએ કે મહારાષ્ટ્ર, કર્ણાટક અને કેરળથી કોઈ કેસ અહીં ટ્રાન્સમિટ ન થાય અને સ્થાનિક કેસમાં વધારો ન થાય.'
એએચએનએના પ્રમુખ ભરત ગઢવીએ કહ્યું, "આગામી દિવસોમાં અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મૅચ રમાશે. જ્યાં હજારોની સંખ્યામાં લોકો મુલાકાત લેશે. જો આ પગલાં નહીં લેવાય તો સ્થિતિ નિયંત્રણ બહાર જતી રહેશે."
'કૃષિકાયદાઓ પર ખેડૂતોને કેવી રીતે ભ્રમિત કરી શકાય?'
એનડીટીવીના અહેવાલ અનુસાર હરિયાણામાં કૃષિ કાયદાઓના મુદ્દે બોલાવાયેલી ભાજપની બેઠકનો વીડિયો સામે આવ્યો છે જેમાં એક કાર્યકર્તા ખેડૂતોને ભ્રમિત કરવાની વાત કરી રહ્યા છે.
ભાજપના એક કાર્યકર્તાએ પદાધિકારીઓને પુછ્યું હતું કે 'કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા ખેડૂતો અમારું સાંભળવા તૈયાર નથી, તેઓ કૃષિ કાયદાઓ પર કોઈ પણ તર્કની વાત કરવા તૈયાર નથી. તેમને ભ્રમિત કરવા પડશે.'
કૉંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાએ ટ્વિટર પર આ વીડિયો શૅર કર્યો છે.
ખેડૂત આંદોલનને લઈને ભાજપે હરિયાણા, પશ્ચિમ ઉત્તર પ્રદેશના નેતાઓને કહ્યું છે કે ખેડૂત નેતાઓ, ખાપ ચૌધરીઓ સાથે મુલાકાત કરી તેમને કૃષિકાયદાઓના ફાયદા સમજાવે. જોકે ભાજપના નેતાઓથી સ્થાનિક લોકો ખૂબ જ નારાજ છે.
સરકારે RTIના કાયદા સામે સુપ્રીમ કોર્ટમાં થયેલી અરજીનો એક વર્ષ સુધી જવાબ ન આપ્યો
હિંદુસ્તાન ટાઇમ્સના અહેવાલ અનુસાર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને પૂછ્યું હતું કે માહિતી અધિકારના કાયદામાં જે નવો સુધારો લાવવામાં આવ્યો હતો તેને લઈને જવાબ ગત વર્ષે જાન્યુઆરીમાં આપવાનો હતો, છતાં કેમ આપ્યો નથી?
માહિતી અધિકારના કાયદામાં 2019માં સુધારો કરવામાં આવ્યો હતો. જે પ્રમાણે માહિતી કમિશનરની ઑફિસનો સમયગાળો, પગાર વગેરેની બાબતો બદલવામાં આવી હતી.
જેના વિરુદ્ધમાં કૉંગ્રેસ નેતા સુપ્રીમ કોર્ટમાં ગયા હતા.
ગત વર્ષે જાન્યુઆરીમાં સરકારને જવાબ આપવા માટે ત્રણ અઠવાડિયાંનો સમય અપાયો હતો. જોકે, વર્ષ સુધી જવાબ ન આપતા સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને પૂછ્યું હતું કે હજુ સુધી કેમ જવાબ ન આપ્યો. સુપ્રીમ કોર્ટે હવે બે અઠવાડિયાંમાં જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે.
ચીન ડેપસાંગ ખાલી કરવા માટે તૈયાર નથી : સુબ્રમણ્યમ સ્વામી
ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ એક ટ્વીટ કરીને દાવો કર્યો છે કે તેમને સરકારી સૂત્રો દ્વારા મળેલી જાણકારી પ્રમાણે ચીને સ્પષ્ટ કર્યું છે કે ડેપસાંગ વિસ્તારને ખાલી નહીં કરે.
તેમણે લખ્યું, "સરકારી સૂત્રોએ મને કહ્યું કે ચીન ડેપસાંગ વિસ્તારને ખાલી કરાવવા તૈયાર નથી. ચીનનું કહેવું છે કે ભારત એપ્રિલ 2020ની યથાસ્થિતિ ઇચ્છે છે પરંતુ 1998થી 2013 સુધી ચીને ધીમે ધીમે કબજો કર્યો છે. જરૂર પડે ત્યારે ખાલી કરાવવું પડશે."
એક ટ્વિટર યુઝરે પુછ્યું કે તમારો મત શું છે? તો તેમણે કહ્યું યુદ્ધ.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો