ઉત્તરાખંડ હોનારતઃ ચિપકો આંદોલન માટે પ્રસિદ્ધ ગામ જ્યાં હવે માત્ર તારાજી છે

    • લેેખક, ધ્રુવ મિશ્રા
    • પદ, ચમોલી ઉત્તરાખંડથી, બીબીસી ગુજરાતી માટે
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 4 મિનિટ

ઉત્તરાખંડના ચમોલી જિલ્લાનું રૈણી કોઈ સામાન્ય ગામ નથી. સિત્તેરના દાયકામાં વૃક્ષોને બચાવવા માટેના પ્રખ્યાત ચિપકો આંદોલનનું આ કેન્દ્ર હતું.

પરંતુ આ વખતે રૈણી ભયંકર કુદરતી હોનારતનું સાક્ષી બન્યું છે.

ધૌલીગંગા નદીના કાંઠે ઊભા રહીને 73 વર્ષના અવ્વલસિંહ કન્યાલ નદીના સામેની તરફ, દુર પહાડો પર આવેલા ઘરોને જોઈને રડી રહ્યા છે. તેમની પાસે મોટી ભીડ એકઠી થઈ ગઈ છે. વચ્ચે-વચ્ચે લોકો તેમને શાંત પાડવાનો પ્રયાસ કરી રહ્યા છે.

લોકો તેમને સાંત્વના આપી રહ્યા છે અને જણાવી રહ્યા છે કે ટૂંક સમયમાં જ તેમને ગામ સુધી પહોંચાડવા માટેની વ્યવસ્થા થઈ જશે.

રડતા-રડતા અવ્વલસિંહ સ્થાનિક ભાષામાં કહે છે કે, "મેં ત આજ નિ ભોલદકા પહુંચી જાલુ પર મેરા પરિવાર કિ ક્વે ખેર ખબર ની મિલડી. ક્વે ત મીરી વાત કરે દ્યાવા તોંસી કના હુલા ઈ બિચારા. (હું આજે નહીં તો આવતીકાલે ગામ પહોંચી જઈશ, પરતું મારા પરિવાર વિશે કોઈ માહિતી નથી મળી રહી. કોઈ મારી સાથે તેમની વાત કરાવી આપે. તેઓ બિચારા કઈ હાલતમાં હશે?)

થોડી વાર પછી અવ્વલસિંહ શાંત થઈ ગયા અને તેમણે બીબીસી સાથે વાત કરી.

હાથથી ઈશારો કરીને અવ્વલસિંહ કહે છે, મારું ગામ ભંગ્યુલ ધૌલીગંગા નદીની સામેની તરફ દુર પેલા પહાડ પર આવેલો છે. 7મી ફેબ્રુઆરીએ દવા લેવા માટે હું જોશીમઠ આવ્યો હતો. ઘર જતી વખતે જ્યારે હું તપોવન સુધી પહોંચ્યો ત્યારે લોકોએ જણાવ્યું કે નદીમાં અચાનક પાણીનું સ્તર વધી ગયું છે અને તમે ત્યાં નહીં જાઓ. ઘણું નુકસાન થયું છે.

ત્યાં તેમને ખબર પડી કે તેમના ગામને જોડતો એકમાત્ર બ્રિજ પૂરનાં પાણીમાં ગરકાવ થી ગયો છે. એ ઘટનાને ત્રણ દિવસ થયાં છે, અવ્વલસિંહ પોતાના ગામ પાછા ફરી શકયા નથી.

ઘણા ગામો સંપર્ક વિહોણા થઈ ગયા છે

7મી ફેબ્રુઆરીએ ચમોલીમાં જે હોનારત થઈ તેના કારણે ઘણાં ગામો સંપર્કવિહોણા થઈ ગયા છે. સૌથી પહેલાં રૈણી ગામમાં ઋષિગંગા નદી પરનો બ્રિજ તૂટી ગયો. સ્થાનિક લોકો કહે છે કે આશરે 16 ગામના લોકો આ પુલનો ઉપયોગ શહેર સુધી આવવા - જવા માટે કરતા હતા.

ઋષિગંગા પુલ એટલા માટે પણ મહત્ત્વનો હતો કારણ કે ભારતીય સેનાના વાહનો આ પુલનો ઉપયોગ ભારત-ચીન સરહદ સુધી પહોંચવા માટે કરતા હતા. રૈણી ગામથી 5 કિલોમીટર ઉપર પહાડ પર મુરણ્ડા અને પેંગ ગામ આવેલા છે.

આ બંને ગામ તરફ જવા માટે માત્ર એક પગદંડી હતી. હોનારત બાદ પગદંડી સંપૂર્ણ રીતે તૂટી ગઈ છે અને હવે આ બંને ગામ તરફ જવા માટે કોઈ રસ્તો નથી.

ગભરાઈને લોકો જંગલ તરફ ભાગ્યા હતા

રૈણી ગામનાં બીના રાણા કહે છે કે, "જ્યારે આ ઘટના બની ત્યારે અચાનક ઉપરની તરફ ધૂળ ઉડવા લાગી અને ચારેય બાજુ ધુમાડો થઈ ગયો. શરુઆતમાં મને સમજાયું નહીં કે આખરે થયું શું છે."

બીના રાણાનાં ઘરેથી ઋષિગંગા પ્રોજેક્ટ સ્પષ્ટ જોઈ શકાય છે. પોતાનાં ઘરેથી તેમને જોયું કે કંપનીના લોકો બહુ જોરથી ચીસો પાડી રહ્યાં હતા. જોતજોતામાં કાટમાળ કંપનીની અંદર ઘુસી ગયો હતો. ભયંકર અવાજ અને ધૂમાડાના ગોટા જોઈને ગામલોકો ગભરાઈ ગયા અને જંગલ તરફ ભાગવા લાગ્યા.

બીના બીબીસીને જણાવે છે કે, "અમે લોકો હજી પણ ગભરાયલા છીએ. ઘણા લોકો રાત્રે જંગલ તરફ ઉપર ચાલ્યા જાય છે. તેઓ હજુ પણ ડરી રહ્યાં છે કે ક્યાંક ફરીથી પૂર ન આવી જાય."

ગ્રામજનો આક્ષેપ કરી રહ્યાં છે કંપની દ્વારા બાંધકામ કરવાના કારણે નીચાણ વિસ્તારમાં આવેલાં તેમનાં ખેતરોમાં ભારે ભૂસ્ખલન થયું છે અને બધા ખેતરો ધોવાઇ ગયા છે.

અમુક ગામલોકો એટલા ગભરાઈ ગયા છે કે તેઓ સરકારને વિનંતી કરી રહ્યા છે કે તેમને અન્યત્ર ખસેડવામાં આવે.

પુત્ર કાટમાળ નીચે છે, પરિવાર રાહ જોઇ રહ્યો છે

ઋષિગંગા હાઈડ્રો પાવર પ્રોજેક્ટમાં કામ કરતા રણજિતસિંહ રાણા હોનારત બાદ કાટમાળમાં દબાયેલા છે.

તેમના પિતા ખેમસિંહ રાણાને કૅન્સર છે અને તેમના બંને પગ ખરાબ છે. તેઓ ચાલી શકતા નથી. હજુ સુધી પિતાને કહેવામાં આવ્યું નથી કે તેમનો પુત્ર કાટમાળ નીચે છે.

રણજિત રાણાને એક બહેન અને એક ભાઈ પણ છે અને બંને દિવ્યાંગ છે. ઘરમાં એકમાત્ર રણજિત રાણા જ નોકરી કરતા હતા.

તેમના વૃદ્ધ માતા પુત્રની રાહ જોઈ રહ્યા છે અને પુત્રને યાદ કરીને આખો દિવસ રડ્યાં કરે છે.

બીબીસી સાથે વાત કરતાં તેઓ જણાવે છે કે, "જો અમારું બાળક જ નહીં રહે તો અમને કોણ જમાડશે. શાસન પ્રશાસનની ટીમો આવી ગઈ છે પરતું ઉપર તરફ મશીનો ચલાવતાં નથી, જેથી મારા છોકરા વિશે કોઈ માહિતી મળે.

તેઓ કહે છે કે, "સરહદ તરફનો રસ્તો તૂટી ગયો છે અને અમે પહેલાં તેની સમારકામ કરીશું. તમે સરહદનો રસ્તો બરાબર કરશો અને અમે શું અહીં એમ જ મરતાં રહીશું. કઈ નહીં તો થોડા વધુ મશીનો લાવીને તેને શોધો."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો