વડા પ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસની ગુજરાતની મુલાકાતે, જાણો શું છે કાર્યક્રમ - BBC TOP NEWS

પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસની ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે.

ડીએનએના અહેવાલ અનુસાર સરદાર વલ્લભભાઈ પટેલની જયંતીએ વડા પ્રધાન સ્ટેચ્યૂ ઑફ યુનિટીની મુલાકાત લેશે અને વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ પણ કરશે.

ગુજરાતના પૂર્વ મુખ્ય મંત્રી કેશુભાઈ પટેલનું ગુરુવારે નિધન થયું હતું, નરેન્દ્ર મોદી શુક્રવારે સૌથી પહેલાં તેમના પરિવારની મુલાકાતે જશે, ત્યારબાદ તેઓ સ્ટેચ્યૂ ઑફ યુનિટી પહોંચશે.

કેવડિયા ખાતે વડા પ્રધાન આરોગ્યવન, આરોગ્યકુટિર, એકતા મૉલ, ચિલ્ડ્રન ન્યૂટ્રિશન પાર્ક, જંગલ સફારી અને ડૅમની લાઇટનું ઉદ્ઘાટન કરવાના છે.

31 ઑક્ટોબરે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સરદાર પટેલના જન્મદિવસે એકતા દિવસની પરેડમાં હાજર રહેશે.

ત્યારબાદ વડા પ્રધાન કેવડિયા ખાતે સી પ્લેનનું ઉદ્ઘાટન કરશે અને કદાચ તેઓ સી પ્લેનમાં અમદાવાદ આવી શકે છે.

જમ્મુ-કાશ્મીરમાં ભાજપના ત્રણ કાર્યકર્તાઓની હત્યા

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર જમ્મુ-કાશ્મીરમાં ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના જિલ્લાના જનરલ સેક્રેટરી સહિત ત્રણ કાર્યકર્તાઓની હત્યા કરી દેવામાં આવી છે.

ભારતીય યુવા મોર્ચાના જિલ્લા સેક્રેટરી ફિદા હુસૈન યટુ, ભારતીય જનતા પાર્ટીની યુથ વિંગના બે કાર્યકર ઉમર રમઝાન હાજમ અને ઉમર રાશિદ બૈગની હત્યા કરી દેવાઈ છે.

પોલીસે જાહેર કરેલા નિવેદનમાં કહ્યું, "આજે રાતના 10.20 કલાકે કુલગામ પોલીસને માહિતી મળી કે વાય. કે. પોરોમાં ઉગ્રવાદીઓ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેમાં ભાજપના ત્રણ કાર્યકરોનાં મૃત્યુ થયાં."

"પ્રાથમિક તપાસમાં ખ્યાલ આવ્યો હતો કે ભાજપના જે કાર્યકર્તાઓ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું તેમને હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા."

સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે આ વર્ષે કાશ્મીરમાં નવ જેટલા ભાજપના નેતાઓ અને કાર્યકરોની હત્યા કરી દેવાઈ છે.

ગુજરાતની સરકારી હૉસ્પિટલમાં 50 ટકા સીટ ખાલી

અમદાવાદ મિરરના અહેવાલ અનુસાર ભારતીય જાહેર આરોગ્યના માપદંડ પ્રમાણે ગુજરાતમાં મેડિકલ સર્વિસને લગતી 50 ટકા જગ્યાઓ ખાલી હોવાથી ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકાર પાસેથી અહેવાલ માગ્યો છે.

ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરાયેલી પિટિશન પ્રમાણે રાજ્ય સરકારે સરકારી હૉસ્પિટલ અને બીજે કામ કરતાં મેડિકલ પ્રૅક્ટિશનરની 6,611 બેઠકોની જોગવાઈની સામે માત્ર 4,454 જગ્યાઓ મંજૂર કરી છે.

બાકીની 3,312 જગ્યાઓ ભરવામાં આવી છે, જ્યારે 1,182 જગ્યાઓ ખાલી રાખી છે. આમ રાજ્યમાં કુલ 3,299 ડૉક્ટરની જગ્યાઓ ખાલી છે.

પિટિશનમાં મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે કે કેન્દ્ર સરકાર દ્વારા આરોગ્યકેન્દ્ર અને હૉસ્પિટલ સારી રીતે ચાલે એ માટે જેટલી જગ્યાઓ ભરવાનું કહેવાયું છે, તેટલી જગ્યાઓ સરકારે ભરી નથી.

આ પ્રકારની જ સ્થિતિ નર્સિંગ, ફાર્માસ્યુટિકલ અને બીજા સપોર્ટ સ્ટાફમાં પણ છે.

ભારતે સાઉદી અરેબિયાને સરહદમાં સુધારા માટે કહ્યું

સાઉદી અરબની નવી બૅન્ક નોટ પર આંતરરાષ્ટ્રીય સરહદને લઈને ભારતે પોતાની ચિંતા વ્યક્ત કરીને તેને સુધારવાની માગ કરી છે.

ગત અઠવાડિયે જાહેર થયેલી નોટ અંગે ભારતના વિદેશ મંત્રાલયે ગુરુવારે એક નિવેદન જાહેર કર્યું અને ખાડી દેશને 'તાત્કાલિક સુધારાત્મક પગલાં' ઉપાડવાની માગ કરી.

20 રિયાલની બૅન્ક નોટમાં દુનિયાનો નકશો છપાયેલો છે, જે સાઉદી અરેબિયાએ જી-20 સમૂહની અધ્યક્ષતાને ચિન્હિત કરવા માટે જાહેર કરી હતી.

આમાં જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને ભારતનો ભાગ દેખાડવામાં આવ્યો ન હતો.

ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે કહ્યું, "અમે બ‌ૅન્ક નોટ જોઈ છે, જે ભારતની બહારની સરહદને ખોટી રીતે રજૂ કરે છે."

"અમે આ ગંભીર ચિંતાને સાઉદી અરબ સામે મૂકી ચૂક્યા છીએ. અમે નવી દિલ્હીમાં તેમના રાજદૂત અને સાથે રિયાદમાં આ વિશે જાણ કરી છે."

"સાઉદી પક્ષને કહેવામાં આવ્યું છે કે તેઓ આને લઈને તાત્કાલિક સુધારાત્મક પગલાં લે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો