પ્રતિકાર રેલી : કૉંગ્રેસના હાર્દિક પટેલ, અમિત ચાવડાની અટકાયત, જિગ્નેશ મેવાણી નજરકેદ

પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

ઉત્તર પ્રદેશના હાથરસમાં ઘટેલી ગૅંગરેપની કથિત ઘટના વિરુદ્ધમાં કૉંગ્રેસ અને વિવિધ સંગઠનો દ્વારા અમદાવાદમાં 'પ્રતિકાર રેલી'નું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, રેલી શરૂ થાય એ પહેલાં જ ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના અધ્યક્ષ અમિત ચાવડા, કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ, નૌશાદ સોલંકી સહિત મોટા પ્રમાણમાં કૉંગ્રેસની કાર્યકરોની અટકાયત કરી લેવાઈ છે. આ રેલીને સમર્થન આપવનારા વડગામના અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની પણ ધરપકડ કરી લેવામાં આવી છે.

ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિના પ્રભારી અનિલ નગરારે બીબીસીને જણાવ્યું, "હાથરસમાં ઘટેલી ઘટનાના વિરુદ્ધમાં ગુજરાત કૉંગ્રેસે શાંતિપૂર્ણ રીતે માર્ચનું આયોજન કર્યું હતું."

"જોકે, માર્ચ શરૂ થાય એ પહેલાં જ મોટા પ્રમાણમાં કૉંગ્રેસના નેતાઓ અને કાર્યકરોની ધરપકડ કરીને શાહીબાગ પોલીસ સ્ટેડિયમ લઈ જવાયા છે.

તેમના જણાવ્યા અનુસાર હાલમાં પોલીસ સ્ટેડિયમ ખાતે કૉંગ્રેસના 200 જેટલા કાર્યકરોને રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત આસપાસનાં બીજાં પોલીસ સ્ટેશનોમાં પણ અટકાયત કરાયેલા કાર્યકરોને રાખવામાં આવ્યા છે.

અમિત ચાવડાએ ટ્વિટર પર જણાવ્યું હતું, "ગુજરાતમાં દરરોજ દીકરીઓ પર થઈ રહેલાં દુષ્કર્મો, યુપીના હાથરસમાં ભાજપના શાસનમાં માસૂમ બાળકી પર કરાયેલો ગૅંગરેપ અને દીકરીઓની સુરક્ષામાં સરકારની વિફળતાના વિરુદ્ધમાં પ્રદર્શન"

"સરકાર પોતાના વિરુદ્ધ થતાં પ્રદર્શનોને અટકાવવામા જેટલી પોલીસ લગાવે છે, એટલી દીકરીઓની સુરક્ષામાં કેમ નથી લગાવતી?"

જિગ્નેશ મેવાણી નજરકેદ

વડગામના અપક્ષ ધારાસભ્ય અને દલિત નેતા જિગ્નેશ મેવાણીને પણ પ્રતિકાર રેલીના પગલે નજરકેદ કરી લેવાયા છે.

તેમણે ટ્વીટ કરીને આ અંગે જાણકારી આપી હતી.

જિગ્નેશે ટ્વિટર પર લખ્યું, "હાથરસનાં પીડિતા માટે ન્યાય માગવા માટે મને પ્રતિકાર રેલીમાં સામેલ ન થવા દેવો એ ગુજરાતમાં લોકશાહની હનન છે."

"હું અમદાવાદમાં નજરકેદ છું અને મારા ઓરડાની બહાર નીકળવાની મંજૂરી નથી."

હાર્દિકની અટકાયત

ગુજરાત કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ કૉંગ્રેસ દ્વારા આયોજિત 'પ્રતિકાર રેલી'માં ભાગ લે એ પહેલાં જ તેમની અટકાયત કરી લેવાઈ છે.

હાર્દિક પટેલની દંતાલીસ્થિત તેમના ઘરેથી અટકાયત કરવામાં આવી છે.

હાર્દિક પટેલના પિતા ભરત પટેલે બીબીસી ગુજરાતીના સંવાદદાતા દિપલકુમાર શાહ સાથે આ અંગે પુષ્ટિ કરી છે.

તેમણે જણાવ્યું કે કોઈ પણ કારણ આપ્યા વગર જ પોલીસ હાર્દિકને લઈ ગઈ છે.

કૉંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમારે બીબીસી ગુજરાતીના સંવાદદાતા તૈજસ વૈદ્ય સાથે આ વાતની પુષ્ટિ કરી છે.

ગુજરાતમાં અઘોષિત કટોકટી જેવો માહોલ હોવાનો અને કાયદો કે લાકશાહીનું કોઈ શાસન ન હોવાનો આરોપ લગાવતાં તેમણે જણાવ્યું, "સરકારના મંત્રીઓ જ્યારે ગુનામાં સંડોવાય ત્યારે એમની સામે કોઈ ફરિયાદ પણ થતી નથી અને હાર્દિક પટેલની વારંવાર કનડગત કરવામાં આવે છે. આજે પણ પ્રતિકાર રેલીમાં યોજાઈ રહી જેમાં હાર્દિક ભાગ લે એ પહેલાં જ એમની અટકાયત કરી લેવાઈ છે."

તેમણે એવું પણ જણાવ્યું કે કૉંગ્રેસના નેતા ઇમરાન ખેડાવાલા અને શૈલેષ પરમારને નજરકેદ કરવામાં આવ્યા છે.

'પ્રતિકાર રેલી'

હાર્દિક આજે આમદાવાદમાં હાથરસ ઘટનાના વિરુદ્ધમાં આયોજિત પ્રતિકાર રેલીમાં ભાગ લેવાના હતા. જોકે, આ રેલીનું આયોજન થાય એ પહેલાં જ મોટી સંખ્યામાં કૉંગ્રેસના કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે.

હાર્દિક ઉપરાંત ઉપરાંત, ગુજરાત કૉંગ્રેસના અધ્યક્ષ અમિત ચાડવા, મુખ્ય પ્રવક્તા ડૉ. મનીષ દોશીની પણ અટકાયત કરાઈ છે.

નોંધનીય છે કે ઉત્તર પ્રદેશના હાથરસમાં ઘટેલી કથિત ગૅગરેપની ઘટનાના વિરોધમાં કૉંગ્રેસે અમદાવાદના કોચરબ આશ્રમથી સાબરમતી આશ્રમ સુધી 'પ્રતિકાર રેલી'નું આયોજન કર્યું હતું. જોકે, પોલીસે આ રેલીને મંજૂરી આપી નહોતી.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો