મોદી સરકાર પર સવાલ વિનાની સંસદ મુદ્દે સવાલ કેમ થઈ રહ્યા છે?

પ્રકાશિત
વાંચવાનો સમય: 4 મિનિટ

ભારતમાં સંસદસત્ર શરૂ થાય ત્યારે એક હેડલાઇન ઘણી ચર્ચામાં રહેતી હોય છે - "સંસદના સત્રમાં હોબાળો થાય તેવી આશંકા."

ક્યારેક હંગામો પ્રશ્નકાળ દરમિયાન થાય છે તો ક્યારેક કોઈ વિધેયક પર ચર્ચા દરમિયાન થાય. અનેક વખત વિપક્ષ સંસદ પરિસરમાં વિવિધ મુદ્દે ધરણા-પ્રદર્શન પણ કરે.

પરંતુ આ વખતે સંસદનું સત્ર શરૂ થાય તે પહેલાં જ હંગામો શરૂ થઈ ગયો છે.

કોરોનાના કારણે સંસદનું ચોમાસુંસત્ર આ વખતે મોડું શરૂ થઈ રહ્યું છે. આ કારણે આ વખતે સંસદસત્રને લઈને અનેક પ્રકારનાં પરિવર્તન કરવામાં આવ્યાં છે.

14 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહેલા આ સત્રમાં લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી પહેલા દિવસને બાદ કરતા બાકીના દિવસો દરમિયાન બપોરે 3 થી સાંજે 7 વાગ્યા સુધી ચાલશે.

પહેલા દિવસે બંને ગૃહ સવારે 9 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી ચાલશે.

આ સિવાય સાંસદોની બેસવાની જગ્યામાં પરિવર્તન કરવામાં આવ્યું છે, જેથી કોરોનાના સમયમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરી શકાય.

એટલું જ નહીં, આ વખતનું સત્ર શનિવાર અને રવિવારે પણ ચાલશે, જેથી સંસદનું સત્ર જેટલા કલાક ચલાવવું જરૂરી છે, તેટલા સમયમાં પૂર્ણ કરી શકાય.

આ પહેલાં પણ અનેક વખત રજાના દિવસે અને જરૂર પડે તો રાતના સમયે સંસદનું સત્ર ચાલ્યું છે. જીએસટી બિલ પણ આવા જ એક સત્રમાં રાત્રે પાસ કરવામાં આવ્યું હતું.

આ સત્રમાં પ્રાઇવેટ મેમ્બર બિઝનેસને પરવાનગી આપવામાં આવી નથી, શૂન્યકાળ હશે અને સાંસદો જનતા સાથે જોડાયેલા મુદ્દા ઉઠાવી શકશે પરંતુ તેનો સમયગાળો ઘટાડીને 30 મિનિટ કરી દેવામાં આવ્યો છે.

સંસદનું સત્ર પહેલી ઑક્ટોબરે પૂર્ણ થશે.

વિપક્ષ કેમ નારાજ છે?

આ વખતે સંસદસત્રમાં પહેલાંની જેમ હોબાળા નહીં જોવા મળે કારણ કે આ વખતે પ્રશ્નકાળ નહીં હોય.

આ વખતે સંસદ સભ્યોને પ્રશ્ન કાળ દરમિયાન પ્રશ્ન પૂછવાની પરવાનગી નહીં હોય. સરકારના આ નિર્ણયને લઈને વિપક્ષના સાંસદો વાંધો ઉઠાવી રહ્યા છે.

ટીએમસીના સંસદ સભ્ય ડૅરેક ઑ'બ્રાયને ટ્વીટ કરીને કહ્યું, "સાંસદોએ સંસદના સત્રમાં સવાલ પૂછવા માટે 15 દિવસ પહેલા જ સવાલ મોકલવા પડતા હતા. સત્ર 14 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યું છે. પ્રશ્નકાળ રદ કરી દેવામાં આવ્યો છે? "

"વિપક્ષ હવે સરકારને સવાલ પણ નથી પૂછી શકતો. 1950 પછી પહેલીવાર આવું થઈ રહ્યું છે? આમ તો સંસદનું સત્ર જેટલા કલાક ચાલવુ જોઈએ એટલા કલાક ચાલી રહ્યું છે, તો પછી પ્રશ્નકાળ કેમ રદ કર્યો? કોરોનાનો હવાલો આપીને લોકતંત્રની હત્યા કરવામાં આવી રહી છે. "

એક ખાનગી પોર્ટલ પર લખેલા લેખમાં ઑ'બ્રાયને લખ્યું છે - "સંસદસત્રના કુલ સમયમાંથી 50 ટકા સમય સત્તા પક્ષનો હોય છે અને 50 ટકા સમય વિપક્ષનો હોય છે. પરંતુ ભાજપના આ સંસદને M&S Private Limitedમાં ફેરવવા માગે છે. "

"સંસદીય પરંપરામાં વૅસ્ટમિંસ્ટર મૉડલને જ ઘણું સારું મૉડલ ગણવામાં આવે છે, તેમાં કહેવામાં આવ્યું છે કે સંસદ વિપક્ષ માટે હોય છે."

ત્યારે કૉંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગે અને શશી થરૂરે પણ સોશિયલ મીડિયા પર સરકારના આ નિર્ણયની ટીકા કરી છે.

બે ટ્વીટ દ્વારા થરૂરે કહ્યું કે આપણે સુરક્ષિત રાખવાના નામ પર આ તમામ વસ્તુઓ કરવામાં આવી રહી છે.

તેમણે લખ્યુ છે, "મેં ચાર મહિના પહેલાં જ કહ્યું હતુ કે તાકાતવર નેતા કોરોનાનો સહારો લઈને લોકતંત્ર અને વિરોધના અવાજને દબાવવાના પ્રયત્ન કરશે."

"સંસદસત્રનું જે જાહેરનામું આવ્યુ છે તેમાં લખવામાં આવ્યુ છે કે પ્રશ્નકાળ નહીં થાય. આપણે સુરક્ષિત રાખવાના નામ પર આને યોગ્ય ઠેરવી ન શકાય."

પોતાના બીજા ટ્વીટમાં તેમણે લખ્યુ કે સરકારને સવાલ પૂછવા, લોકતંત્રની વ્યવસ્થા માટે ઓક્સિજન સમાન હોય છે.

આ સરકાર સંસદને એક નોટિસ બોર્ડમાં ફેરવવા માગે છે. તે પોતાની બહુમતીનો એક રબર સ્ટૅમ્પની જેમ ઉપયોગ કરાવવા માગે છે, જેથી જે બિલ હોય તે પોતાના હિસાબથી પાસ કરાવી શકે.

સરકારની જવાબદારી સાબિત કરવા માટે એક રસ્તો હતો, સરકારે તેને પણ ખતમ કરી દીધો છે.

તૃણમૂલ કૉંગ્રેસ અને કૉંગ્રેસના વિરોધને ડાબેરી પક્ષોનું સમર્થન મળ્યું છે.

સીપીઆઈના રાજ્યસભાના સંસદ સભ્ય વિનૉય વિશ્વમે રાજ્યસભાના સ્પીકર વેંકૈયા નાયડુને પત્ર લખીને પોતાનો વિરોધ રજૂ કર્યો છે.

તેમણે લખ્યું છે કે પ્રશ્નકાળ અને પ્રાઇવેટ મેમ્બર બિઝનેસ ખતમ કરવા એકદમ અયોગ્ય છે અને આનો ફરીથી સંસદની કાર્યસૂચિમાં સમાવેશ કરવો જોઈએ.

આવો જ એક પત્ર લોકસભામાં કૉંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ પણ લોકસભા સ્પીકર ઓમ બિરલાને લખ્યો હતો.

સરકારનો પક્ષ

મીડિયા અહેવાલ પ્રમાણે કેન્દ્રીય સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે પ્રશ્નકાળને સ્થગિત કરવા માટે વિપક્ષના નેતાઓ સાથે વાત કરી છે.

કૉંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ સરકારના પ્રયત્નો વિશે જાણકારી આપતાં કહ્યું કે સરકારની તરફથી એ દલીલ આપવામાં આવી છે કે પ્રશ્નકાળ દરમિયાન જે પ્રશ્ન પૂછવામાં આવે છે, તે સંબંધિત અધિકારીઓ પણ સંસદમાં હાજર હોય છે.

મંત્રીઓને બ્રિફ કરવા માટે આ જરૂરી છે. આ કારણે સંસદમાં એક સમયમાં નક્કી કરાયેલા લોકોની સંખ્યા વધી જશે, જેનાથી ભીડનો ભય રહેલો છે, તેને જ પૂર્ણ કરવા માટે સરકારે આ યોજના બનાવી છે.

સંસદની કાર્યવાહી પ્રશ્નકાળથી શરૂ થાય છે, જે પછી શૂન્યકાળ આવે છે. જોકે સરકાર તરફથી વિપક્ષને ભરોસો આપવામાં આવ્યો છે કે પ્રશ્નકાળની તેમની માગ પર વિચાર કરવામાં આવશે.

સંસદનું છેલ્લું સત્ર 29 માર્ચ સુધી ચાલ્યુ હતું. આ સમયે કેટલાંક સંસદ સભ્યોએ કોરોનાના ભયને કારણે સંસદનું સત્ર જલદી પૂર્ણ કરવાની માગ કરી હતી. પરંતુ ત્યારે તેમની માગને ફગાવી દેવાઈ હતી.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો