ભારતના જીડીપીમાં નોંધાયેલા ભારે ઘટાડા બાદ હવે કયા વિકલ્પો બચ્યા?

પ્રકાશિત
વાંચવાનો સમય: 5 મિનિટ

ભારતના સકલ ઘરેલુ ઉત્પાદ એટલે કે જીડીપીના વિકાસદરમાં લૉકડાઉનની શરૂઆતના ત્રણ મહિનામાં ભારે ઘટાડો થયો છે.

કેન્દ્ર સરકારના સાંખ્યિકીમંત્રાલય અનુસાર 2020-21ના નાણાકીય વર્ષની પહેલા ત્રિમાસિકમાં એટલે કે એપ્રિલથી જૂન વચ્ચે વિકાસદરમાં 23.9 ટકાનો ઘટાડો નોંધાયો છે.

એવું અનુમાન લગાવવામાં આવ્યું હતું કે કોરોના વાઇરસ મહામારી અને દેશવ્યાપી લૉકડાઉનને કારણે ભારતના જીડીપીનો દર પહેલા ત્રિમાસિકમાં 18 ટકા ઘટી શકે છે.

જાન્યુઆરી-માર્ચ ત્રિમાસિકમાં ભારતીય અર્થવ્યવસ્થામાં 3.1 ટકાની વૃદ્ધિ જોવા મળી હતી, જે આઠ વર્ષમાં સૌથી ઓછી હતી.

જીડીપીના આંકડા દર્શાવે છે કે જાન્યુઆરી-માર્ચ ત્રિમાસિકમાં ગ્રાહકખર્ચ ધીમો થયો, ખાનગી રોકાણ અને નિકાસ ઓછી થઈ. તો ગત વર્ષે આ એપ્રિલ-જૂન ત્રિમાસિકનો દર 5.2 ટકા હતો.

જીડીપીના આ આંકડાને વર્ષ 1996 બાદ ઐતિહાસિક રીતે સૌથી મોટો ઘટાડો ગણાવવામાં આવ્યો છે.

આ આંકડા પર મંત્રાલયે કહ્યું કે કોરોના વાઇરસ મહામારીને કારણે આર્થિક ગતિવિધિ સિવાય આંકડા એકઠા કરવાના તંત્ર પર પણ અસર થઈ છે. મંત્રાલયે કહ્યું કે 25 માર્ચથી દેશમાં લૉકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું, જે બાદ આર્થિક ગતિવિધિઓ પર રોક લાગી ગઈ.

જીડીપીમાં આવેલા આ ઘટાડાનો અર્થ શું છે અને હવે આ સ્થિતિમાંથી બહાર નીકળવા માટે કયા સંભવિત વિકલ્પ હોઈ શકે છે, એ જાણવા માટે બીબીસીના સહયોગી સરબજિત ઘાલીવાલે આર્થિક મામલાના જાણકાર દેવેન્દ્ર શર્મા સાથે વાત કરી.

સવાલ : આ ઘટાડાને તમે કેવી રીતે જુઓ છે? કેમ કે ત્યારે આખા દેશમાં પૂર્ણ લૉકડાઉન હતું.

જવાબ : આ લૉકડાઉન દરમિયાનનું જ વિવરણ છે. આ દરમિયાન દુનિયાની વીસ મોટી અર્થવ્યવસ્થાવાળા દેશોની વાત કરીએ તો ભારતનું પ્રદર્શન સૌથી નીચલા સ્તરે છે.

23.9 ટકા ઘટાડો નોંધાયો છે, તેનાથી એ ખબર પડે છે કે કૃષિક્ષેત્રને છોડીને બાકી જેટલાં પણ સૅક્ટર છે, તેમને લૉકડાઉનમાં માર વેઠવાનો વારો આવ્યો છે. પછી તે હોટલ ઇન્ડસ્ટ્રી હોય, સર્વિસ ઇન્ડસ્ટ્રી હોય- બધે ઘટાડો થયો છે અને તેનાથી સંકેત મળે છે કે લૉકડાઉન દરમિયાન જે ઇન્ડસ્ટ્રિયલ કે ઇકૉનૉમિકલ ઍક્ટિવિટી બંધ હતી તેના કારણે અર્થવ્યવસ્થાને જે અસર થઈ હતી, એ બહુ સ્પષ્ટ હતી.

તેનાથી એ પણ સ્પષ્ટ છે કે જે સંકટ છે, તે બહુ મોટું છે અને આવનારા સમયમાં સરકાર સામે એક પડકાર હશે કે તે કેવી રીતે તેને નિવારે છે.

સવાલ : કૃષિક્ષેત્ર આ દરમિયાન પ્રભાવિત થયું નથી. તેના પર તમારું શું કહેવું છે?

જવાબ : જે સમયે બધાં સૅક્ટર પ્રભાવિત રહ્યાં, એ સમયે એકમાત્ર એગ્રિકલ્ચર સૅક્ટર છે, જેમાં પૉઝિટિવ ગ્રોથ થયો છે.

ઍગ્રિકલ્ચર સૅક્ટરમાં ગ્રોથ રેટ 3.4 જીવીએ રહ્યો છે. તેનાથી સ્પષ્ટ થઈ ગયું કે ખેતી દેશની લાઇફલાઇન છે.

ઍગ્રિકલ્ચરે દેશને સંભાળ્યો છે, દેશની અર્થવ્યવસ્થાને સંભાળી છે અને હવે દેશની જવાબદારી બને છે કે તેઓ ખેડૂતોને સંભાળે, કેમ કે જે લોકોએ દેશને સંભાળ્યો છે, એ લોકોને પણ સંભાળવા જોઈએ.

તેનાથી નીતિનિર્ધારકોએ પણ સ્પષ્ટ થઈ જવું જોઈએ કે કૃષિક્ષેત્રની શું ભૂમિકા છે. આ લાઇફલાઇનને વધુ સુદૃઢ કરવાની જરૂર છે. આ ઝટકાથી ઍગ્રિકલ્ચર સૅક્ટરનું મહત્ત્વ પણ સ્પષ્ટ થયું છે અને હવે તેને પણ એટલું મહત્ત્વ મળવું જોઈએ.

સવાલ : દેશમાં કોરોનાનો કેર હાલ પણ સમાપ્ત થયો નથી. શું આવનારા સમયમાં વધારે ઘટાડો થઈ શકે છે અથવા પછી સુધારાની સંભાવનાઓ છે?

જવાબ : અલગ-અલગ અર્થશાસ્ત્રીઓ કહે છે કે હાલના સમયમાં આપણે જે સ્તરે પહોંચી ગયા છીએ તેમાંથી બહાર આવવામાં અનેક વર્ષો લાગી જશે અને આ વાતના ગંભીર સંકેત મળી રહ્યા છે કે જો આપણે આખા વર્ષનો ગ્રોથ જોઈએ એટલે 2021નું જે નાણાકીય વર્ષ હશે (એપ્રિલથી શરૂ કરીને અને આગામી વર્ષે માર્ચ સુધી) તો તેમાં છ ટકા, સાત ટકા અથવા પછી પાંચ ટકાનો ઘટાડો થશે. એવા પણ અંદાજિત આકડા આવી રહ્યા છે.

એવામાં એ વાત નક્કી છે કે જીડીપી ગ્રોથ રેટને સુધારવામાં હાલ સમય લાગશે અને હાલ આપણે જોઈએ તો એ પણ છે કે સરકાર કેવા પ્રકારની યોજનાઓને લઈને આવી રહી છે.

કારણ કે જે પ્રકારે લાખો-કરોડો લોકો બેરોજગાર થઈ ગયા છે, તેને કેવી રીતે ફરીથી કામ પર લઈ જવામાં આવે.

આમાં માત્ર લોકો સામેલ છે જે સંગઠિત ક્ષેત્રમાં હતા, અસંગઠિત ક્ષેત્રની તો વાત પણ હાલ કરી રહ્યા નથી.

રિવર્સ માઇગ્રેશનમાં જે લોકો પરત ફરી ગયા છે તેમને પરત કેવી રીતે લાવી શકાય છે, કૃષિક્ષેત્રમાં સૌથી વધારે અસંગઠિત ક્ષેત્રના લોકો છે. જ્યાં ગુપ્ત-રોજગારી સૌથી વધારે હોય છે.

તો એ પડકાર પણ મોટો હશે કે કેવી રીતે તેમને કામ આપવામાં આવી રહ્યું છે.

સવાલ : હવે આ સ્થિતિમાં શું કરવું જોઈએ?

જવાબ : સામાન્ય રીતે બે વસ્તુઓ કરવાની જરૂરિયાત છે.

ઉદાહરણ તરીકે સરકારે સપ્ટેમ્બરમાં દોઢ લાખ કરોડ સુધીના ટૅક્સ-કન્સેશન કૉર્પોરેટને આપ્યા, કહ્યું કે આનાથી ડિમાન્ડ વધશે. જ્યારે મોટા ભાગના જાણકારોનું માનવું છે કે આવું કરવાથી રોકાણ આવતું નથી અને આનાથી રોજગારી પણ ઊભી થતી નથી.

એનો અર્થ એ નક્કી છે કે આપણો આર્થિક વિચાર એ જ પુસ્તકથી ચાલી રહ્યો છે જેના હેઠળ એવું માનવામાં આવતું હતું કે જ્યાં સુધી આપણે કૉર્પોરેટમાં પૈસા નહીં નાખીએ ત્યાં સુધી ગ્રોથ નહીં થાય.

પરંતુ આ લૉકડાઉન એક શીખ પણ આપે છે અને આમાં સમજ આવી જવી જોઈએ કે તે એક ખોટો વિચાર હતો અને હવે ડિમાન્ડ ક્રિએટ કરવાની છે ત્યારે આપણે આની પર વધારે ધ્યાન આપવું પડશે.

સરકાર આ દોઢ લાખ કરોડ રૂપિયાની ખેતીમાં લગાવી શકે છે. જે હેઠળ ખેડૂતને મદદ આપવામાં આવશે.

બીજું કે જે પ્રકારે સરકારે હાલમાં ત્રણ અધ્યાદેશ જાહેર કર્યા છે, જેમાં કહેવામાં આવી રહ્યું છે કે ખેડૂતોને મંડીના ભભકાથી આઝાદી આપવામાં આવી છે.

આ પ્રયોગ અમેરિકા અને યુરોપમાં કરવામાં આવ્યો છે અને નિષ્ફળ રહ્યો છે.

તો શું કારણ છે કે આપણે અમેરિકા અને યુરોપની નિષ્ફળ ગયેલી યોજનાઓને અહીં લાગુ કરી રહ્યા છીએ.

આપણે આપણા દેશની સ્થિતિ અને ખેડૂતની સ્થિતિ પ્રમાણે યોજનાઓ બનાવવાની જરૂરિયાત છે, જ્યાં ખેડૂતને બજારના હવાલે છોડી દેવામાં આવે છે.

એપીએમસીના વિસ્તારને વધારવો જોઈએ. ત્યાં રોકાણની જરૂરિયાત છે. ગ્રામીણ અર્થતંત્ર પર કોઈ પણ સ્થિતિમાં કામ કરવાની જરૂર છે.

સવાલ : અનલૉક-4 પછી કોઈ મોટા ફેરફારની સંભાવના દેખાય છે?

જવાબ : ગત વર્ષે પણ કહેવામાં આવ્યું હતું કે દિવાળીનો સમય આવ્યો છે તો માગ વધશે અને દેશના અર્થતંત્રમાં સુધારો થશે, પરંતુ એવું થયું નહીં.

આનો અર્થ એમ થયો કે જે આપણા અર્થશાસ્ત્રી છે તે પુસ્તકના જ્ઞાનને જ માનીને ચાલી રહ્યા છે. જેમાં લખ્યું હોય છે કે તહેવારોમાં માગ વધશે પરંતુ આવું થતું નથી.

સામાન્ય લોકો આનાથી કંઈક અલગ વિચારે છે. લોકો ખર્ચ કરવાની જગ્યાએ બચાવવા પર ભાર આપી રહ્યા છે.

આ સમજવાની જરૂરિયાત છે કે આપણા સમાજમાં તો આ બચાવવાનો વિચાર છે તેના આધારે જ આગળની નીતિ બનાવવા પર ભાર આપવો જોઈએ.

લોકોને એવા વિકલ્પ આપવા જોઈએ કે તે બૅન્કોમાં વધારે અને લાંબા સમય સુધી પૈસા સુરક્ષિત રાખે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો