You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઇમરાન ખાને કહ્યું, પાકિસ્તાનમાં કરાચી સ્ટૉક એક્સચેન્જ પર હુમલો ભારતે કરાવ્યો
પાકિસ્તાનથી પ્રકાશિત થતા ઉર્દુ સમાચારપત્રોમાં આ અઠવાડિયે કોરોના ઉપરાંત કરાચી સ્ટૉક એક્સચેન્જ પર થયેલા હુમલા સાથે જોડાયેલા સમાચાર ચર્ચામાં રહ્યા.
બીબીસી સંવાદદાતા ઇકબાલ અહેમદે પાકિસ્તાનથી પ્રકાશિત થતા ઉર્દુ સમાચારપત્રોનો રિવ્યૂ કર્યો છે. જેમાં પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને કરાચી હુમલા માટે ભારતને જવાબદાર ઠેરવ્યું હોવાની વાત બહાર આવી છે. જોકે, ભારત આ આરોપોને નકારે છે.
29 જૂનના સોમવારે પાકિસ્તાનના સૌથી મોટાં શહેર કરાચીમાં સ્ટૉક ઍક્સચેન્જની બિલ્ડિંગમાં ચાર બંદૂકધારીઓએ હુમલો કર્યો હતો. સુરક્ષાકર્મીઓએ હુમલો તો નિષ્ફળ બનાવ્યો, પરંતુ આ હુમલામાં ચાર બંદૂકધારી હુમલાખોરો સહિત બે સુરક્ષાકર્મીઓ અને એક પોલીસ સબ ઇન્સ્પેક્ટર માર્યા ગયા.
પાકિસ્તાનના બલુચિસ્તાનમાં સક્રિય ચરમપંથી જૂથ બલુચિસ્તાન લિબરેશન આર્મી (બી.એલ.એ.)એ હુમલાની જવાબદારી લીધી છે. સમાચાર પત્ર જંગ અનુસાર હુમલાના પછીના દિવસે પાકિસ્તાનની સંસદમાં બોલતાં ઇમરાન ખાને કહ્યું, "એમાં કોઈ શંકા નથી કે આ હુમલો ભારતે કરાવ્યો છે. પાકિસ્તાનને અસ્થિર કરવા માટેનું આ ષડયંત્ર રચવામાં આવ્યું."
સમાચાર પત્ર જંગમાં છપાયેલી એક ખબરમાં કહેવાયું છે કે "બલુચિસ્તાન લિબરેશન આર્મી (બીએલએ)ના ભારત સાથે સંબંધો છે એની જાણકારી બધાને છે. "
જંગ અખબાર પ્રમાણે સીપેક (ચીન-પાકિસ્તાન આર્થિક કૉરિડૉર)ના ઉદ્ઘાટન પછીથી ભારત બલુચિસ્તાનમાં વધુ સક્રિય થઇ ગયું છે અને તે બી.એલ.એ.ની મદદથી પાકિસ્તાનમાં ચરમપંથી કાર્યવાહીને અંજામ આપે છે.
જંગ અખબાર અનુસાર "ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે આ વાતનો ભાંડો ફોડયો હતો અને પાકિસ્તાનના એ આરોપોની પુષ્ટિ કરી હતી કે ભારત બલુચિસ્તાનમાં ચરમપંથી સંગઠનોની મદદ કરી રહ્યું છે. "
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2016માં સ્વતંત્રતા દિવસ પર દિલ્હીના લાલ કિલ્લા પરથી કરેલા પોતાના ભાષણમાં બલુચિસ્તાનનો ઉલ્લેખ કર્યો હતો. દૂરદર્શને એ જ વર્ષ (2016)માં 27 ઑગસ્ટે બલોચ નેતા બ્રાહ્મદાગ ખાન બુગટીનો એક ઇન્ટરવ્યૂ પણ ચલાવ્યો હતો. આને માટે દુરદર્શનની એક ટીમ જીનિવા મોકલવામાં આવી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પાકિસ્તાન આ જ બધી વાતોના આધારે આરોપ લગાવે છે કે ભારત બલુચિસ્તાનમાં ચરમપંથીઓની મદદ કરે છે. જો કે ભારત આ આરોપોને નકારે છે.
15 ઑગસ્ટ સુધીમાં રસી તૈયાર કરવા અંગે ICMRએ શું કહ્યું?
ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચે શનિવારે એક નિવેદનમાં કહ્યું કે અઠવાડિયાની શરૂઆતમાં ICMRના ડીજી ડૉ. બલરામ ભાર્ગવ તરફથી લખવામાં આવેલો પત્ર 'બિનજરૂરી રેડ ટેપને દૂર કરવા' અને 'ભાગ લેનારાઓની પસંદગીમાં ઝડપ'ના હેતુસર લખાયો હતો.
'ધ હિન્દુ' અખબારના અહેવાલ પ્રમાણે ગુરુવારે ICMRના ડિરેક્ટર જનરલ ડૉ.બલરામ ભાર્ગવના હસ્તાક્ષરવાળો એક પત્ર મીડિયામાં સામે આવ્યો હતો.
12 હૉસ્પિટલ સાઇટ્સને ઉદ્દેશીને લખાયેલા આ પત્રમાં કોરોના વાઇરસની સંભવિત રસીની ટ્રાયલને ઝડપી બનાવવા અને રસીને ઑગસ્ટ સુધીમાં જાહેર આરોગ્ય હેતુ માટે ઉપયોગમાં લેવા માટે ઉપલબ્ધ કરાવવા અંગે જોર અપાયું હતું, જે પછી વિવાદ સર્જાયો હતો.
આ પત્ર બાદ મેડિકલ નિષ્ણાતો તરફથી ટીકાઓ સામે આવી હતી. સરકારમાં કામ કરતા વૈજ્ઞાનિકો અને સ્વતંત્ર મેડિકલ તજજ્ઞોએ કહ્યું કે ટ્રાયલ માટે આ અશક્ય એવો ટૂંકો ગાળો છે.
હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેક દ્વારા ICMRના સહયોગથી કોવિડ-19ની સારવાર માટે વિકસિત કરાયેલી રસી કોવૅક્સિન ભારતની પહેલી સ્વબળે તૈયાર કરાયેલી રસી છે અને તેના માનવપરીક્ષણની મંજૂરી આપવામાં આવી છે.
જોકે હજી 30 જૂને જ તેને આ પરીક્ષણની મંજૂરી મળ્યાની જાહેરાત કરાઈ છે, આથી દોઢ મહિના જેટલા ટૂંકા ગાળામાં જ માનવપરીક્ષણ પૂર્ણ કરી તેને જાહેર આરોગ્ય માટે ઉપલબ્ધ કેવી રીતે કરાવી શકાય એવા સવાલો તજજ્ઞોએ ICMRના ડીજીના આ પત્રમાં લખાયેલી વિગતો માટે ઉઠાવાયા હતા.
કાનપુર મૂઠભેડમાં પોલીસકર્મીની ભૂમિકા અંગે તપાસ
કાનપુરમાં કુખ્યાત ગૅંગસ્ટરના માણસો સાથેની અથડામણમાં 8 પોલીસ જવાનોનાં મોત બાદ હવે પોલીસખાતાના જ કોઈ કર્મીની ભૂમિકા બાબતે તપાસ થઈ રહી છે.
કાનપુરના બિકરુ ગામના સંબંધિત પોલીસસ્ટેશનના અધિકારીને સસ્પેન્ડ કરી દેવાયા છે.
ઇન્ડિયન ઍક્સપ્રેસ અખબારના અહેવાલ પ્રમાણે કાનપુર રેન્જના આઈજી મોહિત અગ્રવાલે અખબારને જણાવ્યું કે પોલીસની રેડ વિશે વિકાસ દુબેને જાણકારી હતી કે કેમ, એ વિશે તપાસ થઈ રહી છે.
તેમણે કહ્યું કે પોલીસે જ્યારે રેડ કરી ત્યારે દુબેના માણસો સારી રીતે તૈયાર હતા અને તેમને માહિતી પહોંચાડનાર પોલીસ ખાતામાંથી જ કોઈ હોઈ શકે.
હાલ તો આને લગતી કાર્યવાહીમાં વિકાસ દુબે સાથે લિંકની તપાસ મામલે ચૌબેપુર પોલીસસ્ટેશનના સ્ટેશન ઓફિસર(SO) વિનય તિવારીને સસ્પેન્ડ કરી દેવાયા છે.
ઉચ્ચ અધિકારીઓને આશંકા છે કે વિકાસ દુબેને પોલીસની આ કાર્યવાહીની જાણકારી શુક્રવારે વહેલી સવારે જ મળી ચૂકી હતી.
જેથી તેને ભાગી જવામાં મદદ મળી જ્યારે તેના માણસોએ પોલીસ જવાનોને રોકી રાખ્યા.
પોલીસ ખાતાના કર્મીની સાંઠગાંઠ બાબતે તપાસ માટે બનાવાયેલી સ્પેશિયલ ટાસ્ક ફોર્સ હાલ વિનય તિવારીની પૂછતાછ કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે વિકાસ દુબેને પકડવા ગયેલી પોલીસ ટીમ પર કરેલા ગોળીબારમાં 8 પોલીસકર્મીઓના મોત થઈ ગયા હતા.
તીડોના હુમલા અંગે છ રાજ્યોને ઍલર્ટ
ઊભા પાકને નષ્ટ કરતાં તીડોના હુમલાની સંભાવનાને જોતાં છ રાજ્યોને કેન્દ્રના કૃષિવિભાગ દ્વારા ઍલર્ટ કરાયાં છે.
હિન્દુસ્તાન ટાઇમ્સના અહેવાલ પ્રમાણે કૃષિ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે ભારત-પાકિસ્તાનની સરહદ પરથી સોમાલિયા બાજુથી આવતાં તીડનો વધારે હુમલા થઈ શકે છે.
જેથી વધુ જોખમ ધરાવતાં છ રાજ્યોમાં અધિકારીઓને હાઈઍલર્ટ અપાયું છે.
આ છ રાજ્યોમાં ગુજરાત, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, પંજાબ, ઉત્તર પ્રદેશ અને હરિયાણા સામેલ છે.
કચ્છ સરહદેથી 36 લાખ રૂપિયાનું ચરસ ઝડપાયું
ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ(ICG)એ શુક્રવારે કચ્છના કિનારા પાસે જખઉ બંદર નજીક આવેલા કેડિયારી બેટ પરથી 36 લાખ રૂપિયાની કિંમતના ચરસના 24 પૅકેટ જપ્ત કર્યા.
અમદાવાદ મીરરના અહેવાલ પ્રમાણે પાછલા બે મહિનામાં સ્થાનિક પોલીસ, અર્ધસૈન્ય, સૈન્ય અને જાસૂસી સંસ્થાઓને કુલ મળીને 1.3 ટન પ્રતિબંધિત ડ્રગ્સનો જથ્થો કચ્છના કિનારેથી મળી આવ્યો છે.
ઑપરેશન નિષ્ફળ જતાં ડ્રગ્સનાં પૅકેટ કચ્છના કિનારેથી મળી આવ્યાં.
પોલીસના કહેવા પ્રમાણે ડ્રગનો જથ્થો જમીન પર ઉતારીને રવાના નથી કરાયો.
માનવામાં આવે છે કે કાં તો આ ચરસનો જથ્થો લઈ જતી બોટ ઊંધી વળી હશે અથવા જથ્થાને કિનારા પર નાખી દેવામાં આવ્યો હશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો