You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
જમ્મુ-કાશ્મીર : ઉગ્રવાદીઓએ દાદાની હત્યા કરી, બાળક મૃતદેહ પર બેસી રહ્યું
- લેેખક, માજિદ જહાંગીર
- પદ, બીબીસી માટે
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 3 મિનિટ
જમ્મુ અને કાશ્મીરમાં એક ઉગ્રવાદી હુમલા દરમિયાન મૃત્યુ પામેલા દાદાના મૃતદેહ પાસે બેઠેલા એક ત્રણ વર્ષના બાળકની તસવીર અને વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યાં છે.
શ્રીનગરથી લગભગ ચાળીસેક કિલોમિટર દૂર બારામુલ્લા જિલ્લાના સોપોરમાં બુધવાર સવારે આ ઘટના ઘટી હતી.
દિલ્હીમાં સુરક્ષાદળે જણાવ્યું કે આ હુમલામાં સૅન્ટ્રલ રિઝર્વ પોલીસ ફૉર્સ (સીઆરપીએફ)ના એક જવાનનું મૃત્યુ થયું છે, જ્યારે અન્ય ત્રણને ઈજા પહોંચી છે.
આ ઘર્ષણ દરમિયાન સીઆરપીએફના હેડ કૉન્સ્ટેબલ દીપચંદ વર્મા માર્યા ગયા, જ્યારે કૉન્સ્ટેબલ ભોયા રાજેશ, દીપક પાટિલ અને નિલેશ ચાવડે ઘાયલ થયા છે અને હાલમાં તેમની સારવાર ચાલી રહી છે.
સીઆરપીએફની 179 બટાલિયનની G કંપનીના આ સૈનિકો છે.
બુધવારે વહેલી સવારે ઉગ્રવાદીઓએ સોપોરમાં સીઆરપીએફ પર પેટ્રોલિંગ દરમિયાન હુમલો કર્યો હતો.
આ ઘટનાની જે હૃદયદ્રાવક તસવીરો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ છે, તેમાં પોતાના દાદાના મૃતદેહ પાસે બેઠેલો એક બાળક જોઈ શકાય છે.
પોલીસજવાને જ્યારે બાળકને તેડ્યો ત્યારે તે ડરના માર્યા અવાક થઈ ગયો હતો. પોલીસની વાનમાં રડી રહેલા આ બાળકનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. પોલીસે આ બાળકને સુરક્ષિત લઈ જવાયો હોવાની તસવીર પણ ટ્વીટ કરી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ ઘટનામાં માર્યા ગયેલા 65 વર્ષીય બશીર અહમદના પરિવારજનોએ સુરક્ષાદળો પર ગભીર આરોપ લગાવ્યા છે.
મૃતકનાં પત્નીએ બીબીસીને જણાવ્યું, "એમને અટકાવીને કારની બહાર નીકળવા કહેવાયું હતું અને એ બાદ સીઆરપીએફે તેમને ગોળી મારી દીધી હતી."
બશીરના કુટુંબીજનોએ કહ્યું, "જ્યાં આ શૂટઆઉટ થયું ત્યાંના સ્થાનિકોએ અમારો સંપર્ક સાધ્યો હતો અને ઘટના અંગે જણાવ્યું હતું. જો તેઓ ગાડી ચલાવી રહ્યા હતા તો એમને ગાડીની અંદર ગોળી વાગી હોત, ગાડીથી અમુક મીટર દૂર એમને ગોળી કેમ વાગી?"
જોકે, પોલીસે ટ્વીટ કરીને જણાવ્યું છે, "સોપોરમાં આતંકવાદી હુમલા દરમિયાન જમ્મુ અને કાશ્મીર પોલીસે ત્રણ વર્ષના બાળકને ગોળી વાગવાથી બચાવી લીધો હતો."
સોપોરના એસએચઓ અઝીમ ખાને સમાચાર સંસ્થા એએનઆઈને જણાવ્યું, "બાળકને બચાવવો એ અમારી પ્રાથમિકતા હતી. આતંકવાદીઓ અમારા પર ગોળીબાર કરી રહ્યા હતા એટલે એ ભારે પડકારજનક હતું."
ખાનને ટાંકીને એએનઆઈ જણાવે છે કે બાળક પોતાના દાદા સાથે હંદવારા જઈ રહ્યો હતો.
મૃતકનાં પત્નીએ આરોપ લગાવ્યો છે કે સુરક્ષાકર્મીઓએ અહમદની હત્યા કર્યા બાદ વાઇરલ થયેલી તસવીરો ખેંચવા માટે બાળકને એમના મૃતદેહ પર બેસાડ્યો હતો.
જોકે, સીઆરપીએફના ઍડિશનલ ડિરેક્ટ જનરલ ઝુલ્ફીકાર અલીએ બીબીસી સાથેની વાતચીતમાં આ તમામ આરોપ ફગાવી દીધા છે.
તેમણે જણાવ્યું, "હું અને મારા આઈજી ઘટનાસ્થળ પર પરત જ ફરી રહ્યા છીએ. અમે એ સ્થળ જોયું છે અને અમે તમામ ચકાસણી કરી છે. આ બધુ જ ખોટું છે."
"ઉગ્રવાદીઓએ મસ્જિદને કબજે કરી લીધી હતી, જ્યાં ફજર(સવારની નમાઝ) થવાની હતી અને જ્યારે સીઆરપીએફ ત્યાં પહોંચી, તેના પર ગોળીબાર શરૂ કરી દેવાયો."
"આ દરમિયાન તેઓ (ક્રૉસ-ફાયરિંગમાં) ફસાઈ ગયા. ઉગ્રવાદીઓએ જ્યારે ગોળીબાર કર્યો ત્યારે તેમની કાર પસાર થઈ રહી હતી."
"અમને એટલું સમજાયું છે કે એમને ઉગ્રવાદીઓની ગોળીઓ વાગી. તેઓ ન તો કારની બહાર કઢાયા કે ન તો સીઆરપીએફે તેમને ગોળી મારી."
અલીએ એવું પણ જણાવ્યું કે મૃતકે ગાડી ઊભી રાખી દીધી હતી અને કદાચ ડરેલા પણ હતા. તેઓ ક્યાંક ઓથ લેવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે ઉગ્રવાદીની ગોળીઓ એમને વાગી ગઈ.
તેમણે ઉમેર્યું, "બહુ દૂર બેઠેલા લોકો પ્રમાણભાન રાખ્યા વગરની વાર્તા ઘડી રહ્યા છે કે સીઆરપીએફે એમને મારી નાખ્યા."
જમ્મુ ઍન્ડ કાશ્મીર અપની પાર્ટી (જેકેએપી)એ આ ઘટનામાં સામાન્ય નાગરિકનું મૃત્યુ કઈ રીતે થયું એ મામલે મર્યાદિત સમયની તપાસની માગ કરી છે.
પક્ષના પ્રવક્તાએ નિવેદન કર્યું છે, "મૃતકના પરિવારજનોનો મત, સંજોગવશાત્ પુરાવા, પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર ખાનની ઠંડા કલેજે હત્યા કરાઈ છે. એવા તે ક્યા સંજોગો સર્જાયા કે એક સામાન્ય નાગરિકની હત્યા થઈ એ અંગે સરકારે નિષ્પક્ષ તપાસ કરાવવી જોઈએ."
નોંધનીય છે કે આ ઘટનાના છ દિવસ પહેલાં બીજાબહેરા વિસ્તારમાં સીઆપીએફની ચોકી પર કરાયેલા હુમલા દરમિયાન એક છ વર્ષના બાળકને ગોળી વાગી હતી. જેને લીધે તેનું મૃત્યુ થયું હતું.
કાશ્મીરના આઈજી વિજય કુમારે બાદમાં જણાવ્યું કે ગત બે મહિના દરમિયાન થયેલાં બે અભિયાનોમાં ઉગ્રવાદીઓએ મસ્જિદોનો દુરુપયોગ કર્યો હતો. તેમણે મસ્જિદસમિતિને પણ આ દુરુપયોગ અટકાવવા અપીલ કરે છે.
(આ સ્ટોરીમાં શ્રીનગર ખાતેના બીબીસીના સંવાદદાતા આમીર પીરઝાદાના ઇનપુટ મળેલા છે.)
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો