ગુજરાતમાં રકાબી મૂકવાની બાબતે દલિતને માર મારવાની ફરિયાદ - TOP NEWS

પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

'ધ ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'માં પ્રકાશિત અહેવાલ પ્રમાણે ગુજરાતમાં પટેલ જ્ઞાતિના શખ્સે મૂકેલી રકાબી સાથે પોતાની રકાબી મૂકતાં દલિત શખ્સને માર મારવામાં આવ્યો છે.

અહેવાલ પ્રમાણે આ ઘટના અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના મેરિયાના ગામમાં ઘટી છે.

ગુજરાતના ગામડાંમાં હજી 'રામપતર' કે 'રામપત્ર'નામ નામે ઓળખાતી પ્રથા હજી ચાલે છે, એ વાત આ ઘટનાથી છતી થાય છે એવું અખબાર લખે છે.

અહેવાલ નોંધે છે કે આ મામલામાં કથિત રીતે 38 વર્ષીય સના ચૌહાણને પટેલ જ્ઞાતિના રાણા બોદાર દ્વારા માર મારવામાં આવ્યો છે.

એફઆઈઆરમાં સનાએ લખાવ્યું છે કે બોદારે તેમને બાંધકામ કરવા માટે ઘરે બોલાવ્યા હતા.

સનાએ લખાવ્યું છે, "હું તેમના ઘરે કામ કરવા માટે 15 અને 17મી જૂને ગયો હતો. મને રકાબીમાં ચા આપવામાં આવી હતી. મેં ચા પીધા પછી રકાબી બોદારની રકાબીની ઉપર મૂકી દીધી હતી."

ફરિયાદમાં એવું પણ નોંધ્યું છે કે આ પછી રોષે ભરાયેલા બોદારે સનાને જ્ઞાતિ-સંબંધી ઉદ્ગારો કહ્યા હતા, આ પછી ભૂલ થઈ ગયાનું સનાએ કહેતાં જ રોષે ભરાયેલા બોદારે સના સાથે મારઝૂડ કરી હતી.

અહેવાલ નોંધે છે કે આ અગાઉ સનાનાં માતા અને પિતા પર પણ બે અલગ-અલગ મામલામાં હુમલો કરવાની ઘટનાઓ ઘટી છે.

અનલૉક-2 હેઠળ સરકાર વધુ છૂટછાટ આપશે?

'ધ ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના અહેવાલ પ્રમાણે વિવિધ વર્ગોના વધી રહેલા દબાણને પગલે ગુજરાત સરકાર લૉકડાઉન 2.0 અંતર્ગત પહેલી જુલાઈથી છૂટછાટ આપી શકે છે.

અહેવાલમાં નોંધ્યું છે કે રાજ્ય સરકાર પાસે અનેક રજૂઆતો આવી છે. જેમાં મુખ્ય માગ કરવામાં આવી છે કે રાત્રિ કર્ફ્યુના કલાકો ઘટાડીને દુકાનો અથવા મહેકમને વધારે કલાકો સુધી ખૂલી રાખવાની પરવાનગી આપવામાં આવે.

આ સંદર્ભે રેસ્ટોરાં, જીમ, દુકાનના સંચાલકોએ રજૂઆત કરી છે કે સાત વાગ્યા સુધી જ ખૂલું રાખવાનો સમય હોવાથી મુશ્કેલીઓ અને આર્થિક નુકસાન વેઠવાં પડી રહ્યાં છે.

આ મામલે સરકારી સૂત્રોને ટાંકતાં અખબાર લખે છે કે ધારાસભ્યો અને વેપારમંડળો પાસેથી સરકારને પ્રતિભાવ મળી રહ્યા છે. રાત્રિ કર્ફ્યુથી લોકોને પરેશાનીઓ વેઠવી પડી રહી છે. આ મામલે વિચારણા બાદ નિર્ણય લેવાશે.

પાકિસ્તાન હાઈકમિશનના સ્ટાફની સંખ્યા પર ભારતે 50 ટકાનો કાપ મૂક્યો

'એનડીટીવી ઇન્ડિયા'ના અહેવાલ પ્રમાણે ભારતે નવી દિલ્હીસ્થિત પાકિસ્તાની હાઈ-કમિશનમાં 50 ટકા સ્ટાફ ઘટાડવા કહ્યું છે. આગામી સાત દિવસમાં આ નિર્ણય લાગુ કરાશે.

આ માટે ભારતે કહ્યું છે કે પાકિસ્તાન વિયેના કન્વેન્શનનું સતત ઉલ્લંઘન કરતું આવ્યું છે અને એથી આ નિર્ણય લેવામાં આવી રહ્યો છે.

અહેવાલમાં એવું પણ લખ્યું છે કે એક્ટિંગ હાઈકમિશનરને બોલાવીને આ મામલે ભારત દ્વારા જાણ કરાઈ હતી.

હાઈકમિશનરને એવું પણ કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાન હાઈકમિશનના અધિકારીઓ જાસૂસી અને ઉગ્રવાદી સંગઠનો સાથે સંબંધ ધરાવે છે.

બીજી તરફ ઇસ્લામાબાદમાં ભારતીય હાઈકમિશનના અધિકારીઓને પણ પરેશાન કરવામાં આવી રહ્યા છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો