ડૉ. મનમોહન સિંઘ ઍઇમ્સમાંથી ડિસ્ચાર્જ, છાતીમાં દુઃખાવાની હતી ફરિયાદ

પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

ભારતના પૂર્વ વડા પ્રધાન અને કૉંગ્રેસના નેતા ડૉ. મનમોહન સિંઘને દિલ્હીના ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑલ મેડિકલ સાયન્સ (ઍઇમ્સ)માંથી ડિસ્ચાર્જ કરી દેવાયા છે.

રવિવારની રાતે છાતીમાં દુઃખાવાની ફરિયાદ બાદ તેમને ઍઇમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા.

કૉંગ્રેસ સહિત કેટલાય પક્ષોએ તેમના જલદીથી સાજા થવા માટે કામના કરી હતી.

87 વર્ષના ડૉ. સિંઘના હૃદયની બે વખત બાયપાસ સર્જરી થઈ ચૂકી છે. વર્ષ 2009માં ઍઇમ્સમાં જ તેમની બાયપાસ સર્જરી થઈ હતી.

જ્યારે 1990માં બ્રિટનમાં તેમણે બાયપાસ સર્જરી કરાવી હતી.

ડૉ. સિંઘ વર્ષ 2004થી 2014 સુધી ભારતના વડા પ્રધાન રહ્યા હતા.

મનમોહન સિંઘને નરસિમ્હા રાવ શોધીને લાવ્યા

વિનય સીતાપતિ પોતાના પુસ્તક 'હાફ લાયન- હાઉ પીવી નરસિમ્હા રાવ ટ્રાન્સફૉર્મ્ડ ઇન્ડિયા'માં લખે છે કે નરસિમ્હા રાવનું કૉંગ્રેસ અને ભારત માટે સૌથી મોટું યોગદાન હતું અને એ હતું ડૉક્ટર મનમોહન સિંઘની શોધ.

વિનય સીતાપતિએ બીબીસીના સંવાદદાતા રેહાન ફઝલને જણાવ્યું, "જ્યારે નરસિમ્હા રાવ 1991માં વડા પ્રધાન બન્યા ત્યારે ઘણી બાબતોના નિષ્ણાત બની ગયા હતા. સ્વાસ્થ્ય અને શિક્ષણ મંત્રાલય પણ તેઓ સંભાળી ચૂક્યા હતા. તેઓ ભારતના વિદેશમંત્રી પણ રહ્યા હતા. એક જ મંત્રાલય તેમના માટે મુશ્કેલ હતું અને એ હતું નાણા મંત્રાલય.

વડા પ્રધાન બન્યાના બે દિવસ અગાઉ કૅબિનેટ સચિવ નરેશ ચંદ્રાએ તેમને આઠ પાનાંની એક નોટ આપી હતી, જેમાં જણાવવામાં આવ્યું હતું કે ભારતની આર્થિક સ્થિતિ બહુ ખરાબ છે."

સીતાપતિ આગળ કહે છે, "તેમને એક ચહેરો કે મહોરું જોઈતું હતું જે આંતરરાષ્ટ્રીય મુદ્રાકોષ અને તેના ઘરેલુ વિરોધીઓઓને સહયોગ બંધાવી શકે કે હવે ભારત જૂની રીત પ્રમાણે નહીં ચાલે. તેઓએ એ સમયે તેમના સૌથી મોટા સલાહકાર પીસી ઍલેકઝાન્ડરને પૂછ્યું કે શું તમે નાણામંત્રી માટે એક કોઈ શખ્સનું નામ સૂચવી શકો જે આંતરરાષ્ટ્રીયસ્તરે સ્વીકાર્ય હોય. ઍલેકઝાન્ડરે તેમને રિઝર્વ બૅન્કના ગવર્નર રહી ચૂકેલા અને લંડન સ્કૂલ ઑફ ઇકૉનૉમિક્સના નિદેશક આઈજી પટેલનું નામ સૂચવ્યું."

સીતાપતિ અનુસાર, "આઈજી પટેલ દિલ્હી આવવા નહોતા માગતા, કેમ કે તેમનાં માતા બીમાર હતાં અને તેઓ વડોદરામાં રહેતા હતા. પછી ઍલેકઝાન્ડરે જ મનમોહન સિંઘનું નામ લીધું. ઍૅલેકઝાન્ડરે શપથગ્રહણ સમારોહના એક દિવસ પહેલાં મનમોહન સિંઘને ફોન કર્યો. એ સમયે તેઓ ઊંઘતાં હતા, કેમ કે થોડા કલાક પહેલાં જ તેઓ વિદેશથી આવ્યા હતા. જ્યારે તેમને ઉઠાવીને આ પ્રસ્તાવ અંગે જણાવવામાં આવ્યું ત્યારે તેમને વિશ્વાસ ન થયો."

"આગલા દિવસે એટલે કે શપથગ્રહણ સમારોહના ત્રણ કલાક પહેલાં મનમોહન સિંઘ પર વિશ્વવિદ્યાલય અનુદાન આયોગની ઑફિસમાંથી નરસિમ્હા રાવનો ફોન આવ્યો કે હું તમને નાણામંત્રી બનાવવા માગું છું. શપથગ્રહણ સમારોહ અગાઉ નરસિમ્હા રાવે મનમોહન સિંઘને કહ્યું કે જો આપણે સફળ થઈશું તો આપણે બંનેને તેનું શ્રેય મળશે, પરંતુ જો આપણને નિષ્ફળતા મળશે તો તમારે જવું પડશે."

સીતાપતિ જણાવે છે કે 1991ના બજેટના બે અઠવાડિયાં પહેલાં જ્યારે મનમોહન સિંઘ બજેટનો મુસદ્દો લઈને નરસિમ્હા રાવ પાસે ગયા તો તેઓએ તેને નકારી કાઢ્યો. તેમના મોઢામાંથી શબ્દો નીકળ્યા, "જો મારે આ જ જોઈતું હતું, તો મેં તમને શા માટે પસંદ કર્યા?"

પોતાના પહેલા બજેટમાં મનમોહન સિંઘે વિક્ટર હ્યુગોની એક મશહૂર પંક્તિનો ઉલ્લેખ કર્યો હતો કે "દુનિયાની કોઈ તાકાત એ વિચારને રોકી ન શકે, જેનો સમય આવી ગયો હોય."

તેઓએ પોતાના બજેટભાષણમાં રાજીવ ગાંધી, ઇંદિરા અને નેહરૂનું વારંવાર નામ ચોક્કસ લીધું, પરંતુ તેમની આર્થિક નીતિઓને પલટવામાં તેઓ સહેજ પણ અચકાયા નહીં.

મનમોહન સિંહ કહેતા હતા કે મંત્રીમંડળમાં મોટા ભાગના લોકો તેમની વિરુદ્ધમાં હતા, પરંતુ તેમની પાસે હંમેશાં એક શખ્સનો બહુમત હતો... એ હતા વડા પ્રધાન રાવ.

જ્યારે તેમને યુરો મનીએ 1994માં સર્વશ્રેષ્ઠ નાણામંત્રીનો પુરસ્કાર આપ્યો ત્યારે તેઓએ પોતાના ભાષણમાં કહ્યું હતું કે તેનું શ્રેય નરસિમ્હા રાવને આપવું જોઈએ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો