You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
જિજ્ઞેશ મેવાણી : 'હું ભારતનો યુવા નેતા છું, નીતિન પટેલ માત્ર ઉત્તર ગુજરાતના પાટીદાર નેતા' - TOP NEWS
ગુજરાત વિધાનસભામાં શુક્રવારે વડગામના અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી અને નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ વચ્ચે શાબ્દિક યુદ્ધ જોવા મળ્યું.
બજેટ સત્રમાં કૉંગ્રેસના ધારાસભ્યોની ગેરહાજરી વચ્ચે આદિવાસીઓનાં સવાલો પર જિજ્ઞેશ મેવાણીએ શુક્રવારે વિધાનસભામાં રજૂઆત કરી હતી.
ઇન્ડિયન એક્સપ્રેસમાં પ્રકાશિત અહેવાલ પ્રમાણે ગુજરાત વિધાનસભામાં આગામી રાજ્યસભાની ચૂંટણી માટે નીતિન પટેલે દલિત નેતા જિજ્ઞેશ મેવાણી ભાજપના આદિવાસી ઉમેદવારને મત આપે તેવી વાત કરી હતી.
આ મુદ્દે જિજ્ઞેશ મેવાણીનો ગુસ્સો ફૂટ્યો હતો અને તેમણે કહ્યું કે તેઓ રાષ્ટ્રીય દલિત યુવા નેતા છે જ્યારે નીતિન પટેલ માત્ર ઉત્તર ગુજરાતના પાટીદાર નેતા છે.
આના જવાબમાં નીતિન પટેલે કહ્યું કે, હું નેતા નથી, હું કાર્યકર છું. હવામાં ન ઉડો, ઘણાં આવ્યા અને જતા રહ્યાં.
જ્યારે ગૃહમાં વન અને પર્યાવરણ વિભાગ, જંગલ અને આદિવાસીઓના વિકાસ અને મહિલા તેમજ બાળ વિકાસ વિભાગ મામલે ચર્ચા ચાલી રહી હતી ત્યારે આની શરૂઆત થઈ.
ગૃહમાં વિપક્ષમાંથી માત્ર મેવાણી હાજર હતા કેમ કે કૉંગ્રેસના તમામ ધારાસભ્યો હાલ રાજ્યસભાની ચૂંટણીના પગલે ભાજપ દ્વારા હૉર્સ ટ્રેડિંગના ખતરાને પગલે જયપુરમાં છે. મેવાણીએ વિભાગના બજેટની જોગવાઈઓનો વિરોધ કર્યો.
ગૃહમાં મંત્રી ગણપત વસાવાએ સરકારે આદિવાસી સમાજ માટે લીધેલા પગલાંની વાત કરી હતી. તેમણે એમ પણ ઉમેર્યું કે રાજ્યસભાની ચૂંટણી માટે તેમણે આદિવાસી મહિલા નેતા રમીલાબેન બારાને ઉમેદવાર બનાવ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેવામાં નીતિન પટેલે મજાકીયા અંદાજમાં ગણપત વસાવાને કહ્યું કે, દલિત નેતા મેવાણીને કહો કે તેઓ રાજ્યસભાની ચૂંટણી માટે ભાજપના આદિવાસી નેતાને મત આપે.
એ પછી ગણપત વસાવાએ મેવાણીને કહ્યું કે, કૉંગ્રેસના તમામ દલિત અને આદિવાસી નેતાઓ રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપના આદિવાસી ઉમેદવાર રમીલાબહેન બારાને મત આપે એની આગેવાની તમે લો.
ચર્ચાના અંતમાં જિજ્ઞેશ મેવાણીએ હળવાશથી સ્મિત કરી રહેલા નીતિન પટેલને કહ્યું કે, તુમ ઇતના ક્યૂં મુસ્કુરા રહે હો, ક્યા ગમ હૈ જિસકો છિપા રહે હો.
એ પછી મેવાણીએ નીતિન પટેલને કહ્યું, "મારો મત માગતા પહેલા નીતિન પટેલે કહ્યું કે હું ગુજરાતનો દલિત નેતા છું પણ હું એમને કહું છું કે હું ગુજરાતનો નેતા છું અને દેશનો પણ યુવા નેતા છું. તમે માત્ર ઉત્તર ગુજરાતના પાટીદાર નેતા છો."
એમણે કહ્યું "એ લોકો, જેઓ મારો મત માગી રહ્યા છે તેમણે પોતાની જાતને પૂછવું જોઈએ કે ગઈકાલે મેં 15 ગામોમાંથી અસ્પૃશ્યતા હઠાવવા માટે હાથ જોડીને વિનંતિ કરી હતી. પણ તમે કોઈએ તેનો જવાબ ન આપ્યો અને હવે મારો મત માગો છો?"
"જે રમીલાબહેન માટે તમે મારો મત માગો છો, શું તેમણે 70 દિવસ સુધી ગાંધીનગરમાં આંદોલન કરનાર LRDની મહિલાઓ સાથે મુલાકાત કરી હતી?"
જિજ્ઞેશ મેવાણીની વાતનો જવાબ આપતા નીતિન પટેલે કહ્યું, "ભાજપમાં તમારા કરતાં પણ ઘણા મોટા આદિવાસી, દલિત અને OBC નેતા છે. અમે તમને સન્માન આપીએ છીએ, પરંતુ ભૂલથી પણ એવું ન માની લો કે તમે ખૂબ મોટા દલિત નેતા છો. હું મારી જાતને નેતા નથી માનતો. તમે કહ્યું કે હું ઉત્તર ગુજરાતનો પાટીદાર નેતા છું. પણ હું મારી જાતને કાર્યકર માનું છું. તમારી જેમ નેતા નહીં."
પેટ્રોલ- ડિઝલ પર સરકાર વધારી શકે છે ઍક્સાઇઝ ડ્યુટી
હિંદુસ્તાન ટાઇમ્સમાં પ્રકાશિત અહેવાલ પ્રમાણે કેન્દ્ર સરકાર પેટ્રોલ અને ડિઝલ પર પ્રતિલિટર 2 રૂપિયાનો ટેક્સ વધાર શકે છે.
આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડ ઑઇલના ભાવ તો ઘટ્યા છે, પરંતુ આ પગલું કોરોના વાઇરસને કારણે અર્થતંત્રને થયેલા નુકસાનની ભરપાઈ માટે હોઈ શકે છે.
માર્ચ 16થી ભારત જે રીતે ક્રૂડ ઑઇલના બૅરલ ખરીદી રહ્યું છે તેમાં પ્રતિ બૅરલ 309 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે.
મોદી સરકારે 14 માર્ચના રોજ પેટ્રોલ ડિઝલ પર 3 રૂપિયા પ્રતિલિટર ઍક્સાઇઝ ટ્યુટી વધારી હતી. જો 1 રૂપિયા પ્રતિલિટર પણ ઍક્સાઇઝ ડ્યુટી વધારવામાં આવે તો તેનાથી વાર્ષિક 14,500 કરોડ રૂપિયાની આવક વધશે.
અધિકારીઓનું કહેવું છે કે સરકારના આ પગલાંથી તેમને કોરોના વાઇરસને કારણે સર્જાયેલી જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે ભંડોળ મળી રહેશે.
શાહીનબાગના પ્રદર્શનકારીઓનું જનતા કર્ફ્યૂને સમર્થન
દિલ્હીના શાહીનબાગના પ્રદર્શનકારીઓએ પણ કોરોના વાઇરસ મામલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા જનતા કર્ફ્યૂને સમર્થન આપવાની જાહેરાત કરી છે.
લાઇવ હિંદુસ્તાનમાં પ્રકાશિત અહેવાલ પ્રમાણે રવિવારના રોજ મંચ પર માત્ર 4 વૃદ્ધ મહિલાઓ હશે અને બાકી લોકો પ્રદર્શનસ્થળથી અંતર જાળવીને રાખશે.
આ અંગે શુક્રવારની બેઠકમાં નિર્ણય લેવાયો હતો.
વધુમાં તેમણે નક્કી કર્યું છે કે સાંજે 5 વાગ્યે પતંગ ઉડાવીને કોરોનાની લડાઈમાં સામેલ ડૉક્ટરો, પોલીસકર્મીઓ અને અન્ય અધિકારીઓનો ધન્યવાદ વ્યક્ત કરશે.
પતંગો પર CAA, NRC અને NPR વિરુદ્ધ નારા લખવામાં આવશે અને રાત્રે 9 કલાકે બધા જ ફરી પ્રદર્શનસ્થળે પહોંચી જશે.
- ભારતના વિઝા પર પ્રતિબંધ બાદ કોણ આવી શકશે અને કોણ નહીં જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો?જાણવા માટે અહીં ક્લિક કરો
- ગુજરાતમાં કોરોના સામે લડવા માટે કેટલું તૈયાર છે?જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોનાથી બચવા માટે હાથ ધોવાની યોગ્ય રીત કઈ?જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસની શરૂઆતથી લઈને સારવાર સુધીની તમામ માહિતીજાણવા માટે અહીં ક્લિક કરો
- કયા પ્રાણીને કારણે કોરોના ફેલાયો? જાણવા માટે અહીં ક્લિક કરો
18 વર્ષમાં પહેલી વખત દિલ્હી મેટ્રો બંધ રહેશે
ગુરુવારના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રજોગ સંબોધનમાં લોકોને અપીલ કરી હતી કે રવિવાર 22 માર્ચે જનતા કર્ફ્યૂ લગાવવામાં આવે.
ત્યારે એનડીટીવીમાં પ્રકાશિત અહેવાલ પ્રમાણે દિલ્હી મેટ્રોએ પણ ઘોષણા કરી છે કે રવિવારે મેટ્રોનું સંચાલન નહીં થાય.
કોરોના વાઇરસના ખતરાને ધ્યાનમાં રાખીને ઘણા શહેરોમાં મૉલ, મ્યુઝિયમ સહિત અનેક સ્થળોને બંધ કરી દેવાની જાહેરાત કરવામાં આવી છે.
લોકોને સામાજિક અંતર રાખવાનું કહેવામાં આવ્યું છે ત્યારે દિલ્હી મેટ્રોનું આ પગલું મહત્ત્વપૂર્ણ મનાઈ રહ્યું છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો