નીતિન પટેલ : ગુજરાતીઓ મોટા પ્રમાણમાં IAS/IPS ક્લિયર કરી નથી શકતા

પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર રાજ્યના ઉપમુખ્ય મંત્રી નીતિન પટેલે ગાંધીનગર ખાતે યોજાયેલા એક સમારોહમાં કહ્યું હતું કે ગુજરાતીઓ મોટા પ્રમાણમાં IAS/IPSની પરીક્ષા ક્લિયર કરી શકતા નથી.

તેમણે સમારોહમાં પોતાના વક્તવ્યમાં કહ્યું હતું કે "ગુજરાતીઓ અમેરિકામાં તો મોટા પ્રમાણમાં પહોંચ્યા છે."

"પરંતુ કમનસીબે IAS, IPS અને IFS જેવા હોદ્દા પર વધારે પ્રમાણમાં જોવા નથી મળતા."

તેમણે આગળ કહ્યું હતું કે "રાજ્યના યુવાનોએ મોટા પ્રમાણમાં UPSCની પરીક્ષાઓમાં ભાગ લઈ સફળતા હાંસલ કરવી જોઈએ."

"દરેક રાજ્યમાં સ્થાનિક વહીવટી તંત્રમાં સ્થાનિક અધિકારીઓને પ્રાથમિકતા અપાય છે, પરંતુ કમનસીબીની વાત તો એ છે કે રાજ્યના સચિવાલયમાં ખૂબ જ ઓછા ગુજરાતી IAS/IPS/IFS અધિકારીઓ જોવા મળે છે."

અમરેલી : મહાત્મા ગાંધીની પ્રતિમા ખંડિત કરાઈ

ફાયનાન્સિયલ એક્સપ્રેસના અહેવાલ અનુસાર અમરેલી જિલ્લામાં હરિકૃષ્ણ તળાવના કાંઠે આવેલી મહાત્મા ગાંધીની પ્રતિમા શુક્રવારે રાત્રે અજાણ્યા શખ્સો દ્વારા ખંડિત કરાઈ હોવાની જાણકારી મળી છે.

અહેવાલ અનુસાર આ પ્રતિમાનું અનાવરણ વર્ષ 2017માં વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરાયું હતું.

લાઠી પોલીસ સ્ટેશનના નાયબ પોલીસ ઇન્સ્પેક્ટર વાય. પી. ગોહિલે આ બનાવ અંગે માહિતી આપતાં કહ્યું હતું :

"બનાવ શુક્રવારે મોડી રાત્રે બન્યો હતો. ઘટના માટે જવાબદારોને શોધવા અને યોગ્ય પગલાં લેવાની કાર્યવાહી હાથ ધરાઈ છે."

"કદાચ તળાવના નિર્માણથી નાખુશ લોકો દ્વારા અથવા તો અસામાજિક તત્વો દ્વારા આ ઘટનાને અંજામ અપાયો હોવાની શંકા છે."

CAA પર અભિજિત બેનરજી : "એક વાત જે મને ચિંતિત કરી મૂકે છે..."

એનડીટીવી ડોટ કૉમના અહેવાલ અનુસાર નોબલ પુરસ્કારથી સન્માનિત અર્થશાસ્ત્રી અભિજિત બેનરજીએ નાગરિકતા સંશોધન કાયદા અંગે પોતાની ચિંતા વ્યક્ત કરી છે.

તેમણે આ વાતચીતમાં કહ્યું કે "મારા ફિલ્ડ-વર્કના અનુભવને કારણે એક વાત મને ચિંતિત કરે છે."

"જ્યારે કોઈ વ્યક્તિ ખૂબ જ શક્તિશાળી હોય છે, ત્યારે તે એ નક્કી કરી શકે છે કે તમારું નામ એ યાદીમાં હશે કે નહીં."

તેમણે આગળ કહ્યું હતું કે "જો હું કોઈ સીમાડાના જિલ્લામાં રહેતો હોત, તો હું વિચારથી ભયભીત થઈ ગયો હોત."

નોંધનીય છે કે ભારતીય મૂળના અભિજિત બેનરજી, તેમનાં પત્ની એસ્થર ડુફ્લો અને અર્થશાસ્ત્રી મઇકલ ક્રેમરને સંયુક્તપણે વર્ષ 2019નો અર્થશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર અપાયો હતો.

સુશીલ મોદીએ બિહાર માટે NPRની તારીખો જાહેર કરી

ધ ઇન્ડિયન એક્સપ્રેસ ડોટ કૉમના અહેવાલ અનુસાર બિહારના ઉપમુખ્ય મંત્રી સુશીલ કુમાર મોદીએ શનિવારે બિહાર રાજ્ય માટે નેશનલ પૉપ્યુલેશન રજિસ્ટર (NPR) તૈયાર કરવાની તારીખો જાહેર કરી છે.

અહેવાલ અનુસાર 15 મે, 2020થી 28 મે, 2020ની વચ્ચે બિહારમાં NPR તૈયાર કરવા માટેની માહિતી એકત્રિત કરાશે.

બિહારના સત્તારૂઢ ગઠબંધનમાં ભાજપના સાથી પક્ષ જનતા દળ (યુનાઇટેડ)એ રાજ્યમાં ભાજપના આ નિર્ણય અંગે કોઈ જ વાંધો ઉઠાવ્યો નથી.

જદયુ અનુસાર વડા પ્રધાન મોદીએ દેશવ્યાપી નેશનલ રજિસ્ટર ઑફ સિટિઝન (NRC) લાગુ કરવાની વાતથી ઇનકાર કર્યો છે, તેથી રાજ્યમાં NPR માટે માહિતી એકત્રિત કરાય તેનાથી પક્ષને કોઈ જ વાંધો નથી.

CAA મુદ્દે ચર્ચા માટે ભારત સરકારનું બોલિવૂડની હસ્તીઓને આમંત્રણ

ધ હિન્દુ ડોટ કૉમના અહેવાલ અનુસાર બોલિવૂડની ખ્યાતનામ વ્યક્તિઓને 'CAA મુદ્દે કેન્દ્ર સરકાર સાથે ચર્ચા' માટે કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે આમંત્રણ આપ્યું છે.

અહેવાલ મુજબ 3 જાન્યુઆરી, 2020ના રોજ કેન્દ્રીય મંત્રી દ્વારા CAAનો છડેચોક વિરોધ કરનાર જાવેદ અખ્તર, ફરહાન અખ્તર અને કબીર ખાનને આ ચર્ચા માટે નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

અહેવાલ અનુસાર આમંત્રિત હસ્તીઓ સાથેની કેન્દ્રીય મંત્રીની આ મુલાકાત 5 જાન્યુઆરી રાત્રે 8 વાગ્યે ગ્રાન્ડ હયાત હોટલમાં યોજાશે.

નોંધનીય છે કે કાયદાનો સતત વિરોધ કરી રહેલાં બોલિવૂડના કેટલાંક ખ્યાતનામ નામો જેમ કે અનુરાગ કશ્યપ, અનુભવ સિંહા અને સ્વરા ભાસ્કરને આ ચર્ચામાં ભાગ લેવા માટે આમંત્રિત કરાયાં નથી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો