You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારતીય નૌકાદળ માટે મુંબઈનું ડ્રાય ડૉક શા માટે મહત્ત્વપૂર્ણ છે?
- લેેખક, જુગલ પુરોહિત
- પદ, બીબીસી સંવાદદાતા
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 2 મિનિટ
સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે અત્યાર સુધીનું સૌથી મોટું ડ્રાય ડૉક નૅવી માટે ખુલ્લું મૂક્યું છે.
આ ડૉકની મદદથી આઈએનએસ વિક્રમાદિત્ય, યુદ્ધજહાજો તથા અન્ય સબમરીનોનું સમારકામ તથા નિરીક્ષણ એકસાથે, એક જ સમયે શક્ય બનશે.
ભારતીય નૅવી પાસે મુંબઈ સહિત દેશમાં અલગ-અલગ સ્થળે ડ્રાય ડૉક છે, પરંતુ તેમાંથી કોઈની પણ ક્ષમતા આટલી મોટી નથી.
જોકે, અગાઉથી જ વ્યસ્ત મુંબઈના બંદર ભારતીય નૌકાદળ સંકડાશની સમસ્યા ઊભી કરી શકે છે.
શું છે ડ્રાય ડૉક?
ડ્રાય ડૉક એ એવી વ્યવસ્થા હોય છે કે જેમાં દરવાજા ખોલવામાં આવે એટલે જહાજ અંદર આવી શકે. ત્યાર બાદ દરવાજાને બંધ કરી દેવામાં આવે છે.
જહાજને પ્લૅટફૉર્મ ઉપર ગોઠવીને ધીમે-ધીમે તેની અંદરથી પાણી કાઢી લેવામાં આવે છે.
સામાન્ય રીતે પાણીની નીચે રહેતાં સેન્સર, સોનાર, હથિયાર અને પ્રપલ્શન સિસ્ટમનું નરી આંખે નિરીક્ષણ, સમારકામ તથા સંભાળ શક્ય બને છે.
રશિયા પાસેથી ખરીદેલું આઈએનએસ વિક્રમાદિત્ય (અગાઉ એડમિરલ ગોર્શકોવ) ભારતનું એકમાત્ર સેવારત વિમાનવાહજ જહાજ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નૅવીના અત્યારસુધીના સૌથી મોટા વિમાનવાહક જહાજનું ટનેજ (દરિયામાં પરિવહન કરતી વખતે જહાજ જેટલું પાણી હડસેલે તે) 44 હજાર ટન છે.
આ સિવાય કોચિન શિપયાર્ડ ખાતે ભારતમાં નિર્મિત પ્રથમ વિમાનવાહક જહાજનું નિર્માણકાર્ય ચાલુ છે, જેનું ટનેજ 40 હજાર ટન છે.
આ જહાજ 2023માં ભારતીય નૌકાદળમાં સામેલ કરવાની યોજના છે.
ભારતે સૌપ્રથમ વિમાનવાહક આઈએનએસ વિક્રાન્ત (અગાઉ HMS હર્ક્યુલસ) અને ત્યારબાદ આઈએનએસ વિરાટ (અગાઉ HMS હર્મસ) બંને બ્રિટન પાસેથી ખરીદ્યાં હતાં, જેમની અંદાજિત ટનેજ ક્ષમતા અનુક્રમે 20 હજાર અને 30 હજાર ટન હતી.
ડ્રાય ડૉકની ખાસિયતો
જેમ ફૂટબૉલની એક પીચમાંથી ક્રિકેટની અનેક પીચ કંડારી શકાય તેમ આ વિશાળ ડ્રાય ડૉકને જરૂર પ્રમાણે, નાનાં-નાનાં ડૉકમાં વિભાજીત કરી શકાય છે, જેથી કરીને સબમરીન કે નાના યુદ્ધજહાજને રિપેર કરી શકાય.
આ ડૉકના નિર્માણ પાછળ લગભગ દસ વર્ષનો સમય લાગ્યો છે તથા અંદાજે 40 લાખ માનવદિવસ કામ ચાલ્યું હતું.
281 મિટર લાંબા અને 45 મીટર પહોળા અને 16.7 મીટર ઊંડા ડૉકમાં 20 કરોડ લીટર પાણીનો સંગ્રહ કરી શકાય છે.
લગભગ આઠ હજાર ટન લોખંડનો ઉપયોગ થયો છે, જે પેરિસના વિખ્યાત એફિલ ટાવર જેટલું છે. આ સિવાય પાંચ લાખ ટન કૉન્ક્રીટ વપરાયું છે.
આ ડૉક ખાતે 90 હજાર ટનેજ સુધીનાં જહાજોનું સમારકામ થઈ શકશે.
સંકડાશની સંભવિત સમસ્યા
મુંબઈનું બંદર અગાઉથી જ વ્યસ્ત ડૉક છે. ત્યાં ખાનગી, માલવાહક જહાજ અને ખુદ નેવીના જહાજોની પણ મોટાપાયે અવર-જવર થતી રહે છે.
અગાઉથી જ વ્યસ્ત ડૉકયાર્ડ ખાતે ડ્રાય ડૉકનું નિર્માણ થતાં જહાજોને કારણે વધુ સંકડાશ અનુભવાશે.
આ સિવાય ત્યાં બંદરની ગોદી પૂરાઈ જવાની સમસ્યા પણ રહેલી છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો