You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
Top News : વિરાટ કોહલી અને ભૂવીના પ્રદર્શનથી ભારતે વેસ્ટ ઇન્ડીઝ સામેની વન-ડે મૅચ જીતી
રવિવારે પોર્ટ ઑફ સ્પેનમાં રમાયેલી બીજી વન-ડે મૅચમાં ભારતે ડકવર્થ લૂઈસ નિયમ સાથે વેસ્ટ ઇન્ડીઝને સરળતાથી 59 રને હરાવી દીધું.
વેસ્ટ ઇન્ડીઝ પાસે જીતવા માટે 46 ઓવરમાં 270 રનનું લક્ષ્ય હતું. વેસ્ટ ઇન્ડીઝની ટીમ ઇવિન લેવિસના 65 અને નિકોલસ પૂરનના 42 રન છતાં 42 ઓવરમાં 210 રનમાં સમેટાઈ ગઈ. ક્રિસ ગેલની આ 300મી મૅચ હોવાથી તેમની પાસે ઝંઝાવાતી બેટિંગની અપેક્ષા હતી પરંતુ તેઓ 11 રનમાં આઉટ થઈ ગયા.
ભારતના ફાસ્ટ બૉલર ભુવનેશ્વર કુમારે 31 રનમાં 4, મહોમ્મદ શમીએ 39 રનમાં બે અને કુલદીપ યાદવે 59 રન આપીને બે વિકેટ લીધી.
કૅપ્ટન વિરાટ કોહલીએ 125 બૉલમાં 14 ફોર સાથે 120 રન કરીને 42મી સદી ફટકારી હતી. શ્રેયસ અય્યરે 71 રન કર્યા હતા.
મોદી-શાહ કૃષ્ણ અર્જૂન જેવા - રજનીકાંત
અભિનેતા અને રાજકારણી રજનીકાંતે રવિવારે એક પુસ્તક વિમોચનના કાર્યક્રમમાં કાશ્મીરના ખાસ દરજ્જાને રદ્દ કરવા બાબતે ગૃહમંત્રી અમિત શાહના વખાણ કર્યા હતાં.
આ સાથે તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહને કૃષ્ણ અર્જૂન ગણાવ્યા હતાં.
એનડીટીવી ઇન્ડિયાના અહેવાલ મુજબ રજનીકાંતે કહ્યું કે તેઓ બંને ભગવાન કૃષ્ણ અને અર્જૂન જેવા છે, પરંતુ આપણે એ નથી જાણતા કે કોણ કૃષ્ણ અને કોણ અર્જૂન છે.
વિદેશમાં રહેતા પાકિસ્તાનીઓને કલમ 370ને લઈને આહ્વાન
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વિદેશોમાં વસતા પાકિસ્તાનીઓને વિદેશમંત્રી મહમૂદ કુરેશીએ કલમ 370ને લઈને આહ્વાન કર્યું છે.
એક ટ્વીટ કરીને કુરેશીએ કહ્યું છે કે પરદેશમાં રહેતા પાકિસ્તાનીઓ 15 ઓગસ્ટના ભારતીય દૂતાવાસ સામે પ્રદર્શન કરે અને ભારત પ્રશાસિત કાશ્મીરમાં ગેરકાયદેસર, બર્બર અને જબરદસ્તી કબજા વિરુદ્ધ પોતાનો વિરોધ દર્શાવે.
આ પહેલાં પાકિસ્તાની વડા પ્રધાન ઇમરાન ખાને એક ટ્વીટ કરીને કહ્યું કે તેઓ આરએસએસની વિચારધારાથી ડરેલા છે કારણ કે તે નાઝી વિચારધારા જેવી છે.
તેમણે ટ્વીટમાં લખ્યું, "ભારત પ્રશાસિત કાશ્મીરમાં કરફ્યૂ, જબરદસ્તી અને જનસંહારની સ્થિતિ બિલકુલ આરએસએસની વિચારધારાનો પુરાવો છે, જે નાઝી વિચારધારાથી પ્રેરિત છે. નક્સલવાદી કત્લેઆમથી કાશ્મીરનું લોકતંત્ર બદલવાની કોશિશ છે. સવાલ એ છે કે હિટલરના સમયની જેમ દુનિયા જોતી રહેશે?"
ત્યાર બાદ બીજા ટ્વીટમાં તેમણે લખ્યું, "હું આરએસએસની હિંદુ શ્રેશ્ઠતાની વિચારધારાથી ડરું છું કારણ કે તે નાઝી આર્યન શ્રેષ્ઠ જેવું છે. ભારત પ્રશાસિત કાશ્મીરમાં આ અટકવું જોઈએ. નહીં તો તેનાથી ભારતમાં મુસ્લિમો પર દમન વધશે અને અંતે પાકિસ્તાન નિશાન બનશે. હિન્દુ શ્રેષ્ઠતા હિટલરશાહીનું જ સ્વરૂપ છે."
નોર્વેની મસ્જીદમાં ગોળીબાર
નોર્વેની રાજધાની ઓસ્લેની બહાર એલ-નૂર-ઇસ્લામિક સેન્ટરમાં શનિવારે એક અજાણી વ્યક્તિએ ગોળીબાર કર્યો.
નોર્વેની પોલીસે આ હુમલાખોરને પકડી લીધો છે, પરંતુ તેમની ઓળખ જાહેર કરી નથી. 20 વર્ષના યુવાન પર હત્યાનો પણ આરોપ મૂકવામાં આવ્યો છે કારણ કે અન્ય એક સ્થળે તેમના 17 વર્ષનાં બહેનનો મૃતદેહ પણ મળી આવ્યો હતો.
પોલીસ તપાસ અધિકારી રૂન સ્કોલ્ડના જણાવ્યા અનુસાર હુમલાખોર મસ્જિદના વિસ્તારનો જ રહેવાસી છે, પરંતુ આ અગાઉ ગુનાહિત માનસિકતા ઓળખી શકાઈ નહોતી.
નોર્વેના સ્થાનિક અખબારો મુજબ આ વ્યક્તિએ હુમલો કરતા પહેલાં એક ઑનલાઇન ફોરમમાં આ વર્ષની શરૂઆતમાં ન્યૂઝીલૅન્ડમાં ક્રાઇસ્ટ ચર્ચમાં ગોળીબારીમાં 51 લોકોનાં મૃત્યુ થયા તેનાં વખાણ કર્યા હતા.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો