You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
IND vs NZ : ન્યૂઝીલૅન્ડ સામે 300થી વધુ રન કરવા છતાં ભારત કઈ રીતે હારી ગયું?
ઑકલૅન્ડમાં રમાયેલી ભારત-ન્યૂઝીલૅન્ડ વચ્ચે ત્રણ વનડે સિરીઝની પ્રથમ મૅચ યજમાન ટીમે જીતી લીધી છે. ટૉસ હાર્યા બાદ ભારતે ન્યૂઝીલૅન્ડ 306 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જે એણે ત્રણ વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો.
ન્યૂઝીલૅન્ડની શરૂઆત ઘણી નબળી રહી હતી અને એણે માત્ર 100 રનમાં જ ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી.
જોકે, એ બાદ વિલિયમસન અને લાથમે ભારતના હાથમાંથી મૅચ આંચકી લીધી હતી. ટૉમ લાથમે અણનમ 145 રનની શાનદાર ઇનિંગ રમી, જેમાં 19 ચોગ્ગા, પાંચ છગ્ગા સામેલ હતા. જ્યારે કૅન વિલિયમસને 98 બૉલમાં અણનમ 94 રન બનાવ્યા. એમણે સાત ચોગ્ગા અને એક છગ્ગા ફટકાર્યાં. બન્ને ખેલાડીઓ વચ્ચે 221 રનની ભાગીદારી બની, જેને પગલે ન્યૂઝીલૅન્ડની ટીમે 17 બૉલ બાકી હતા ત્યારે જ લક્ષ્યાંક હાંસલ કરી લીધો. ટૉમ લાથમને 'મૅન ઑફ ધ મૅચ' જાહેર કરવામાં આવ્યા.
આ વિજય સાથે જ કિવી ટીમ ત્રણ મૅચોની સિરીઝમાં 1-0થી આગળ થઈ ગઈ છે.
ભારતની ઇનિંગ
આ પહેલાં ટૉસ હારીને બેટિંગ કરવા આવેલી ભારતીય ટીમે 50 ઓવરમાં સાત વિકેટના નુકસાને 306 રન બનાવ્યા હતા. ભારત તરફથી શ્રેયસ અય્યરે કમાલ કરી અને 76 બૉલમાં 80 રન કર્યા.
અય્યર ઉપરાંત કૅપ્ટન શિખર ધવને 72 અને શુભમન ગીલે 50 રન ફટકાર્યા.
ભારત તરફથી શિખર ધવન અન શુભમન ગિલે ઇનિંગને ઑપન કરી હતી. 12.3 ઓવરમાં ભારતે કોઈ વિકેટ ગુમાવ્યા વગર 50 રન પૂરા કર્યા હતા અને ઑપનિંગ જોડી સેટ થઈ ગયેલી જણાતી હતી.
જોકે, 124 રને ભારતની પ્રથમ વિકેટ પડી હતી. 65 બૉલમાં 50 રન કરીને શુભમન ગીલ લૉકી ફર્ગ્યુસનની બૉલિંગમાં ડેવોન કૉન્વેના હાથે કૅચ આઉટ થઈ ગયા હતા. એ બાદ શિખર ધવને પણ પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. ધવને 72 બૉલમા 77 રન કર્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે, એ બાદ આવેલા ઋષભ પંતને ફૉર્મમાં મુશ્કેલી પડતી જોવા મળી હતી અને તેમણે માત્ર 15 રન જ કરીને વિકેટ ગુમાવી દીધી હતી. પંત 23 બૉલ રમ્યા હતા. પંત ગત કેટલીક મૅચોથી આઉટ ઑફ ફૉર્મ જોવા મળ્યા છે અને એમની આ જ સમસ્યા હજુ પણ ચાલુ રહી હતી.
32 ઓવર પૂરી થઈ ત્યારે ભારતે 152 રન કર્યા હતા. જોકે, એ બાદ અય્યરને બાદ કરતાં ભારતની ઇનિંગ ખાસ કમાલ કરી નહોતી શકી. ટી20 ક્રિકેટમાં શાનદાર રમતનું પ્રદર્શન કરનારા સૂર્યકુમાર આ મૅચમાં કંઈ ખાસ કરી નહોતા શક્યા. તેઓ ત્રણ બૉલમાં માત્ર ચાર રન જ કરી શક્યા હતા.
ભારત તરફથી સંજુ સૅમસને 36 રન, વૉશિંગ્ટન સુંદરે અણનમ 37 રન જ્યારે શાર્દુલ ઠાકુરે એક રન કર્યા હતા. ન્યૂઝીલૅન્ડ તરફથી ટિમ સાઉધીએ 10 ઓવરમાં 73 રન આપીને ત્રણ વિકેટો હાંસલ કરી હતી. જ્યારે લૉકી ફર્ગ્યુસને 10 ઓવરમાં 59 રન આપીને ત્રણ વિકેટો મેળવી હતી. ઍડમ મિલ્નેને એક વિકેટ મળી હતી.
ન્યૂઝીલૅન્ડની ઇનિંગ
307 રનનો લક્ષ્યાંક હાંસલ કરવા ઊતરેલી ન્યૂઝીલૅન્ડની ટીમની શરૂઆત ખાસ નહોતી રહી અને ફિન ઍલન 22 રન કરીને આઉટ થઈ ગયા હતા. 16મી ઓવરમાં ન્યૂઝીલૅન્ડની બીજી વિકેટ પડી હતી. ડિવૉન કૉનવે 24 રન કરી શક્યા હતા. એ બાદ ડૅરિલ મિત્શેલ 11 રન કરીને આઉટ થઈ ગયા હતા.
જોકે, વિલિયમસન અને લાથમ સેટ જોવા મળ્યા હતા અને બન્નેએ ધીમેધીમે ભારતના હાથમાંથી મૅચ આંચકી લીધી હતી.
41મી ઓવરમાં લાથમે શાનદાર રમતનું પ્રદર્શન કરીને 100 રન પૂર્ણ કર્યા હતા. જ્યારે બીજી બાજુ કૅન વિલિયમસને 77 રન પૂર્ણ કરી લીધા હતા. એ બાદ 9 ઓવરમાં ભારતને વિજય માટે માત્ર 60 રનોની જરૂર હતી.
ન્યૂઝીલૅન્ડના આ બન્ને ખેલાડીઓ સામે ભારતીય બૉલરો નિષ્ફળ નિવડ્યા હતા અને ન્યૂઝીલૅન્ડનો વિજય સરળ બનાવી દીધો હતો.
ટૉલ લાથમે શાનદાર 145 રનની જબરદસ્ત ઇનિંગ રમી હતી. જ્યારે કૅપ્ટન વિલિયમનસને 94 રન ફટકાર્યા હતા. ભારત તરફથી ઉમરાન મલિકને 2 જ્યારે શાર્દુલ ઠાકુરને એક વિકેટ મળી હતી.
ભારતની ટીમ : શિખર ધવન (કૅપ્ટન), શુભમન ગિલ, ઋષભ પંત (વિકેટકીપર), શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ, સંજુ સૅમસન, વૉશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, ઉમરાન મલિક, અર્શદીપસિંહ, યુજવેન્દ્ર ચહલ
ન્યૂઝીલૅન્ડની ટીમ : કૅન વિલિયમસન (કૅપ્ટન), ફિન ઍલન, ડિવૉન કૉનવે, ટૉમ લાથમ (વિકેટકીપર), ડેલિર મિશેલ, મિચેલ સૅટનર, ઍડમ મિલ્ને, મૅટ હૅનરી, ટિમ સાઉથી, લૉકી ફર્ગ્યુસન