વંદે ભારત ટ્રેનનું ભાડું વધુ હોવાથી કેટલાક રૂટ પર સીટો ખાલી રહે છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ચંદનકુમાર જજવાડે
- પદ, બીબીસી સંવાદદાતા
- પ્રકાશિત
ગયા અઠવાડિયે બે વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપ્યા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દાવો કર્યો કે ભારતના મધ્યમવર્ગમાં વંદે ભારત ટ્રેન એટલી લોકપ્રિય થઈ ગઈ છે કે દેશના ખૂણે-ખૂણેથી તેની માગ ઊઠી રહી છે અને એ દિવસો પણ દૂર નથી, જ્યારે વંદે ભારત ટ્રેન દેશના ખૂણેખૂણાને જોડશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 15 ઑગસ્ટ 2021ના રોજ લાલ કિલ્લા પરથી આપેલા ભાષણમાં 75 વંદે ભારત ટ્રેન ચલાવવાની જાહેરાત કરી હતી. આ તમામ ટ્રેનોને ભારતની આઝાદીનાં 75 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે એટલે કે 15 ઑગસ્ટ 2023 સુધી ચલાવવાની વાત કરવામાં આવી હતી.
વંદે ભારત ટ્રેનની આધુનિક ડિઝાઈન અને તેની અપેક્ષિત ઝડપને લીધે એક વર્ગ તેનાં વખાણ કરે છે, એક વર્ગનું કહેવું છે કે તેનું ભાડું વધારે છે.
‘વંદે ભારત’ ટ્રેન સાથે જોડાયેલા દાવા અને સોશિયલ મીડિયા પર જોવા મળતો ક્રેઝ એક બાજુ રાખીએ, પણ શું આ ટ્રેન મુસાફરોમાં ખરેખર લોકપ્રિય છે?
રેલવેના દસ્તાવેજ કહે છે કે ઘણા રૂટ્સ પર વંદે ભારત ટ્રેનમાં મુસાફરોની સંખ્યા ઓછી છે. માનવામાં આવે છે કે તેથી રેલવેએ હવે મુસાફરોને આકર્ષવા માટે ભાડામાં છૂટછાટ આપવાની યોજના રજૂ કરી છે.
રેલવે આ માટે કેવા પ્રકારની યોજના લઈને આવ્યું છે, તે અંગે પણ વાત કરીશું, પરંતુ એ પહેલાં વંદે ભારત ટ્રેન વિશેની કેટલીક ખાસ વાતો પર ચર્ચા કરીએ.

વંદે ભારત ટ્રેનનો મૉડર્ન લૂક

ઇમેજ સ્રોત, ANI
ભારતમાં પહેલી વંદે ભારત ટ્રેન ફેબ્રુઆરી, 2019માં દોડાવાઈ હતી અને અત્યાર સુધીમાં કુલ 50 વંદે ભારત ટ્રેન 25 રૂટ પર દોડી રહી છે. આ મહિનામાં એટલે કે જુલાઈ 2023માં ચાર નવી વંદે ભારત ટ્રેન શરૂ થવાની શક્યતા છે.
ભારતમાં જે ઝડપે વંદે ભારત ટ્રેનો દોડાવવામાં આવી રહી છે, તેનાથી પણ સવાલો ઊભા થઈ રહ્યા છે કે શું આ ટ્રેનોની માગ હકીકતમાં એટલી વધારે છે?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અનેક વંદે ભારત ટ્રેનો માત્ર 8 કોચ સાથે ચાલી રહી છે અને તેમાં ઘણી વાર સીટો ખાલી હોય છે.
રેલવેના આંકડા દર્શાવે છે કે રાણી કમલાપતિ સ્ટેશન (ભોપાલ)થી જબલપુર જતી વંદે ભારત ટ્રેન માત્ર 8 કોચની છે, તેમ છતાં 1લી એપ્રિલ 2023થી 29 જૂન 2023 વચ્ચે આ ટ્રેનની સરેરાશ ઑક્યુપન્સી માત્ર 32 ટકા જ રહી છે. તો પરત ફરતી આ ટ્રેનને માત્ર 36 ટકા જ મુસાફરો મળ્યા હતા.
માનવામાં આવે છે કે ટ્રેનના આધુનિક અને આકર્ષક હોવા છતાં તેનું ભાડું ઓછી માગનું કારણ છે.

પરંતુ કેટલાક રૂટ્સ પર ભારે માગ
એવું નથી કે દરેક રૂટ પર મુસાફરો ઓછા છે, કેટલાક રૂટ પર ટ્રેન મુસાફરોમાં ઘણી લોકપ્રિય પણ છે.
આ દરમિયાન એક એપ્રિલ 2023થી 29 જૂન 2023 વચ્ચે કાસરગોડ-ત્રિવેન્દ્રમ સેન્ટ્રલ વંદે ભારતની ઑક્યુપેન્સી 182 ટકા રહી, જ્યારે પરતમાં 176%.
એનો મતલબ કે ટ્રેન ભરચક ચાલી અને ક્રમશઃ 82 અને 76 ટકા મુસાફરોનું બુકિંગ ન થયું.
આ જ રીતે મુંબઈ સેન્ટ્રલ-ગાંધીનગર વંદે ભારત 129 ટકા ઑક્યુપેન્સી સાથે ચાલી અને પરતમાં 134 ટકા રહી.
સિકંદરાબાદ-વિશાખાપટ્ટનમ વંદે ભારતની ઑક્યુપેન્સી 114 ટકા રહી, તો એવી ઘણી વંદે ભારત ટ્રેન છે, જેની માગ ઉપલબ્ધ સીટ કરતાં વધુ પણ છે.


રેલવેના આંકડા અનુસાર, કેએસઆર બૅંગલુરુથી ધારવાડ વચ્ચે ચાલતી વંદે ભારત ટ્રેનની માત્ર 60 ટકા સીટો જ બુક થઈ હતી.
જ્યારે આ ટ્રેન પણ માત્ર 8 કોચની છે. રિટર્ન ટ્રેનમાં પણ અંદાજે એટલી જ સીટો ભરેલી જોવા મળી હતી. હાલમાં સૌથી ખરાબ પરિસ્થિતિ ઇન્દૌરથી ભોપાલ વચ્ચે દોડતી 8 કોચની વંદે ભારત ટ્રેનમાં જોવા મળી રહી છે.
આ ટ્રેનની માત્ર 21 ટકા સીટો પર જ મુસાફરો મુસાફરી કરી રહ્યા છે. પરત ફરતી વખતે આ ટ્રેનની માત્ર 29 ટકા સીટો જ ભરાઈ હતી.

ઇમેજ સ્રોત, INDIAN RAILWAY
દિલ્હી કૅન્ટથી અજમેર વચ્ચે ચાલતી વંદે ભારત ટ્રેનની પણ આ જ પરિસ્થિતિ હતી, તેમાં માત્ર 61 ટકા સીટ બુક થઈ હતી.
જ્યારે મડગાંવથી મુંબઈના શિવાજી ટર્મિનસ સુધી ચાલતી વંદે ભારતને પણ માત્ર 55 ટકા સીટો પર મુસાફરો મળ્યા હતા.
આ પ્રકારે ઘણી વંદે ભારત ટ્રેનો તેમની ક્ષમતા કરતાં ઘણા ઓછા મુસાફરો મેળવી રહી છે.
જોકે ભારતીય રેલવેએ બીબીસીને જણાવ્યું કે 25 વંદે ભારત ટ્રેનમાં સરેરાશ 93 ટકા સીટ ભરેલી હોય છે અને નવી ટ્રેનોની વાત કરીએ તો એને પૂરી ભરાતા સરેરાશ દોઢ મહિનનો સમય લાગી શકે છે.

કેવી રીતે દોડે છે નવી ટ્રેનો?

ઇમેજ સ્રોત, ANI
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
હકીકતમાં રેલવેમાં કોઈ પણ નવી ટ્રેન શરૂ કરતા પહેલાં ઘણી બાબતો પર વિચાર કરવામાં આવે છે.
રેલવે બોર્ડના એક પૂર્વ મેમ્બરના જણાવ્યા અનુસાર, રાજકીય માગ સિવાય રેલવે એ પણ જાણે છે કે કયા રૂટ પર ટ્રેનોની માગ વધુ છે.
તેનું આકલન માત્ર રૂટ પરની હાલની ટ્રેનોમાં બુકિંગ અને ભીડ દ્વારા કરવામાં આવે છે. દૈનિક યૂઝર્સ કન્સલ્ટેટિવ કમિટી રેલવેમાં સ્થાનિક સ્તરે ડીઆરએમ સાથે બેઠકો પણ કરે છે. ત્યાર બાદ ઝોનલ રેલવેમાં તેની ચર્ચા થાય છે અને પછી આ મામલો મંત્રાલય સુધી આવે છે.
ઘણી વખત માગ મુજબ રેલવે વર્તમાન ટ્રેનોમાં પણ કોચની સંખ્યા પણ વધારી દે છે અને ત્યાર પછી પણ જો માગ યથાવત્ રહે તો નવી ટ્રેન દોડાવવામાં આવે છે. તેના માટે ટ્રેનના કૉમ્પોઝિશન (એટલે કે કયા ક્લાસની માગ વધુ છે) અને સમય નક્કી થયા પછી ટ્રેનો ચલાવવામાં આવે છે.
તે સિવાય સાંસદ કે જનપ્રતિનિધિઓ અને નેતાઓ-મંત્રીઓની માગ પર પણ ટ્રેનો ચલાવાય આવે છે. પરંતુ તે માટે રૂટ પરની માગ અને નવી ટ્રેનો દોડાવાની તમામ શક્યતાઓ પર સંપૂર્ણ અભ્યાસ કરવામાં આવે છે.
ઑલ ઇન્ડિયા રેલવે મૅન્સ ફેડરેશનના જનરલ સૅક્રેટરી શિવ ગોપાલ મિશ્રા કહે છે કે, “રૂટ પર ડિમાન્ડ સર્વે વગેરે હવે જૂની વાતો થઈ ગઈ છે, હવે ચૂંટણીને અનુલક્ષીને ટ્રેનો દોડાવાય છે અને ઉદ્ઘાટન થાય છે.”

વંદે ભારત ટ્રેનનું ભાડું

ઇમેજ સ્રોત, ANI
શતાબ્દી જેવી જ ગણાતી વંદે ભારત ટ્રેનનું ભાડું તુલનાત્મક રીતે ઘણું વધારે છે અને માનવામાં આવે છે કે તેના લીધે ઘણા રૂટ પર મુસાફરોને ટ્રેન મોંઘા લાગે છે.
શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનની ચૅરકારમાં 100 કિલોમીટરનું લઘુતમ બેઝિક ભાડું 215 રૂપિયા છે, ત્યારે વંદે ભારત ટ્રેનમાં આ અંતરનું બેઝિક ભાડું 301 રૂપિયા છે.
જ્યારે સમાન અંતરની એક્ઝિક્યુટિવ ક્લાસમાં શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનનું બેઝિક ભાડું 488 રૂપિયા છે, ત્યારે વંદે ભારત ટ્રેનના આ જ ક્લાસનું બેઝિક ભાડું 634 રૂપિયા છે.
જો 500 કિલોમીટરના અંતરના ભાડાની વાત કરીએ તો શતાબ્દી એક્સપ્રેસની ચૅરકારનું લઘુતમ ભાડું 658 રૂપિયા છે, જ્યારે વંદે ભારત ટ્રેનનું ભાડું 921 રૂપિયા છે.
આ અંતરની શતાબ્દી એક્સપ્રેસના એક્ઝિક્યુટિવ ક્લાસનું ભાડું 1446 રૂપિયા છે, જ્યારે વંદે ભારત ટ્રેનનું ભાડું 1880 રૂપિયા છે.
એટલું જ નહીં આ ભાડા બાદ પણ મુસાફરોએ રિઝર્વેશન ચાર્જ, સુપરફાસ્ટ ચાર્જ, જરૂર મુજબ ખાણી-પીણીનો ચાર્જ અને જીએસટી પણ ચૂકવવો પડે છે.
રેલવે દાવો કરે છે કે તે મુસાફરોને લગભગ 45 ટકા સબસિડી આપે છે.
શિવગોપાલ મિશ્રા કહે છે કે, “વંદે ભારત ટ્રેનનું ભાડું એટલું વધારે છે કે જો ચાર લોકોને મુસાફરી કરવી હોય તો તેઓ ટ્રેન કરતાં કારમાં ઓછા ખર્ચે મુસાફરી કરી શકે. પણ રેલવેનું ફોકસ સામાન્ય લોકો માટે ટ્રેન ચલાવવા પર નથી, મોંઘી ટ્રેનો ચલાવવા પર થઈ ગયું છે.”

‘વંદે ભારત’ સામે શતાબ્દી એક્સપ્રેસ

ઇમેજ સ્રોત, Getty Images
આઈસીએફ ચેન્નાઈમાં બનાવાયેલી વંદે ભારત ટ્રેનનું નામ શરૂઆતમાં ટ્રેન-18 રાખવામાં આવ્યું હતું, કારણ કે રેલવેની યોજનામાં આ ટ્રેન વર્ષ 2018થી શરૂ થવાની હતી. આ સિવાય આ જ ટેકનિક પર ટ્રેન-20 પણ વર્ષ 2020માં શરૂ થવાની હતી.
ટ્રેન-20માં એસી ક્લાસના સ્લિપર કોચ હશે અને રેલવે અનુસાર આ પ્રકારની ટ્રેન હવે માર્ચ 2024 સુધી શરૂ થઈ શકે છે.
વંદે ભારત ટ્રેનોને શતાબ્દી એક્સપ્રેસના વિકલ્પ તરીકે જોવામાં આવે છે. તેમાં પણ શતાબ્દીની જેમ ચૅરકારવાળા ડબ્બા હોય છે.
ભારતમાં પ્રથમ શતાબ્દી એક્સપ્રેસ ટ્રેન 10 જુલાઈ, 1988માં દોડાવાઈ હતી. આ ટ્રેન શરૂઆતમાં ગ્વાલિયર સુધી ચાલી હતી, ત્યાર પછી તેને ભોપાલ સુધી લંબાવી દેવાઈ હતી.
વરિષ્ઠ પત્રકાર અને ‘ભારતીય રેલ’ પત્રિકાના સંપાદક રહેલા અરવિંદકુમાર સિંહ શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનની પ્રથમ મુસાફરીના સાક્ષી રહ્યા છે.
અરવિંદકુમાર સિંહ કહે છે કે, “માધવરાવ સિંધિયા એ સમયે રેલમંત્રી હતા અને તે ટ્રેન ભારતના પહેલા વડા પ્રધાન જવાહરલાલ નહેરુની જન્મશતાબ્દીના પ્રસંગે શરૂ કરવામાં આવી હતી. જોકે ટ્રેનમાં નહેરુજીનો ફોટો લગાવામાં આવ્યો નહોતો, પરંતુ આ ટ્રેનને આધુનિક અને 21મી સદીની ટ્રેન ગણાવીને પ્રચલિત કરવામાં આવી હતી.”

ઇમેજ સ્રોત, ARVIND KUMAR SINGH
હવે વંદે ભારત ટ્રેનને ભારતની સૌથી આધુનિક ટ્રેનનો દરજ્જો આપવામાં આવ્યો છે અને અત્યાર સુધી દરેક વંદે ભારત ટ્રેનને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લીલી ઝંડી આપી છે.
છેલ્લાં 35 વર્ષમાં ભારતમાં માત્ર 19 રૂટ પર શતાબ્દી એક્સપ્રેસ ટ્રેન ચલાવાઈ છે, જ્યારે હવે શતાબ્દી એક્સપ્રેસની જગ્યાએ વંદે ભારત ટ્રેનો પર રેલવે સૌથી વધુ ધ્યાન આપતું જોવા મળે છે.
16 કોચની વંદે ભારત ટ્રેનને બનાવવામાં લગભગ સો કરોડનો ખર્ચ થાય છે, જ્યારે 20 કોચની શતાબ્દી એક્સપ્રેસ ટ્રેન લગભગ 55 કરોડ રૂપિયામાં તૈયાર થઈ જાય છે.
વંદે ભારત ટ્રેનને સૌથી વધુ ઓળખ તેની ઝડપના કારણે મળી છે, પરંતુ હકીકત એ છે કે ભારતીય રેલના ટ્રેક પર વંદે ભારત અને શતાબ્દી એક્સપ્રેસ એટલે કે બંને ટ્રેનોની મહત્તમ ઑપરેશનલ સ્પીડ 160 કિલોમીટર પ્રતિ કલાક છે.
જોકે બંને ટ્રેનની સરેરાશ સ્પીડ તેનાથી ઘણી ઓછી જ હોય છે, તેમ છતાં કોઈ રૂટ પર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને સફર પૂરી કરવામાં શતાબ્દી એક્સપ્રેસની સરખામણીએ થોડો ઓછો સમય લાગે છે.
તેની પાછળનું મુખ્ય કારણ એ છે કે વંદે ભારત ટ્રેન ઝડપી સ્પીડ પકડી લે છે અને બ્રેક માર્યા બાદ ઓછા સમયમાં ઊભી રહે છે.
જોકે વંદે ભારત ટ્રેન શતાબ્દી એક્સપ્રેસની જેમ ઈંધણની મદદથી ચાલતી નથી, પરંતુ આ ‘ટ્રેન સેટ’ છે.
તેમાં દરેક કોચ પછી બીજા કોચમાં બૅટરી લાગેલી હોય છે, જે ટ્રેનને ખૂબ તાકાત સાથે ખેંચે છે. તેના લીધે ટ્રેન ઝડપથી સ્પીડ પકડી લે છે અને બ્રેક માર્યા બાદ ઝડપથી ઊભી રહી જાય છે.

રેલવેની નવી ઑફર

ઇમેજ સ્રોત, ANI
ભારતીય રેલના એક પરિપત્ર અનુસાર, જે રૂટ કે સેક્શન પર વંદે ભારત ટ્રેનની ઑક્યુપેન્સી 50 ટકાથી ઓછી હોય છે, ત્યાં મુસાફરોને ભાડામાં મહત્તમ 25 ટકા સુધીની છૂટ આપવામાં આવી શકે છે.
જોકે, આ યોજના વિસ્ટાડોમ (કાચની દીવાલ અને છતવાળા) કોચ, અનુભૂતિ કોચ અને અન્ય એસી સીટિંગ કોચ પર લાગુ થશે.
તેના માટે ઝોનલ રેલવેને ભાડામાં છૂટ નિર્ધારિત કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે.
રેલ મંત્રાલયના પ્રવક્તા અમિતાભ શર્માએ બીબીસીને જણાવ્યું હતું કે, “આ યોજના વર્ષ 2019માં લાવવામાં આવી હતી, પરંતુ કોવિડને કારણે આગળ વધી ન શકી. રેલવે એ જ યોજનાને નવી રીતે લઈને આવ્યું છે. આ નવી યોજના નથી અને માત્ર વંદે ભારત ટ્રેન માટે પણ લાવવામાં આવી નથી.”
ઝોનલ સ્તરે રેલવેને કોઈ પણ રૂટ કે સેક્શન પર મુસાફરીના અન્ય માધ્યમો પર પણ ચર્ચા કરવાની છે અને તેની તુલના કર્યા પછી જ વંદે ભારત અને અન્ય કેટલીક ટ્રેનોના ભાડામાં છૂટની યોજના તૈયાર કરવાની છે.
વંદે ભારત ટ્રેનો બે શહેરને જોડે છે અને ભારતમાં શ્રેષ્ઠ રસ્તાના નિર્માણે મોટી સંખ્યામાં લોકોને રોડથી મુસાફરી કરવા માટે પ્રોત્સાહિત કર્યા છે.
આ પ્રકારની મુસાફરીમાં મુસાફરોને ડોર-ટૂ-ડોર કનેક્ટિવિટી પણ મળી જાય છે.
આથી રેલવેને દરેક નવી ટ્રેન દોડાવવા અને નવી ઑફર રજૂ કરવામાં આ પડકારનો સામનો પણ કરવો પડી શકે છે.



























