બિલકીસબાનો કેસ : દોષિતોની સજામાફીના દસ્તાવેજો સુપ્રીમ કોર્ટને આપવા ગુજરાત અને કેન્દ્ર સરકારે તૈયારી બતાવી

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, સુચિત્ર મોહંતી
- પદ, બીબીસી માટે
- પ્રકાશિત
મંગળવારે કેન્દ્ર અને ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે તેઓ બિલકીસબાનો કેસમાં 11 દોષિતોની ‘સજામાફી’ને લગતા ઑરિજિનલ દસ્તાવેજો જમા કરાવવાના સુપ્રીમ કોર્ટના આદેશ સામે ફેરવિચારણાની દરખાસ્ત નહીં કરે.
સરકારોએ સુપ્રીમ કોર્ટને આ મામલા અંગે જણાવતાં એવી પણ ખાતરી આપી કે તેઓ આ દસ્તાવેજોને લઈને વિશેષાધિકારનો દાવો કરશે નહીં.
જસ્ટિશ કે. એમ. જોસેફ અને બી. વી. નાગરત્નાની બેન્ચે આ કેસમાં દોષિતોને પણ આ મામલે સોગંદનામાં દાખલ કરવાનું કહ્યું હતું. નોંધનીય છે કે દોષિતોએ કોર્ટ સમક્ષ પોતાના જવાબ રજૂ કર્યા નહોતા.
નોંધનીય છે કે 2002નાં ગોધરા રમખાણ દરમિયાન બિલકીસબાનો સાથે સામૂહિક બળાત્કાર અને તેમના સંબંધીઓની હત્યાના કેસમાં 11 દોષિતોને ‘સજામાફી’ આપવાના નિર્ણયને બિલકીસબાનો અને અન્યોએ સુપ્રીમ કોર્ટ સમક્ષ પડકાર્યો હતો.
15 ઑગસ્ટ 2022ના રોજ ગુજરાત સરકાર બિલકીસબાનો કેસમાં 11 દોષિતોને ગુજરાત સરકારની ‘સજામાફી નીતિ’ અંતર્ગત જેલમાંથી મુક્ત કરાયા હતા.
તમામ દોષિતો ગોધરા સબજેલમાં સજા ભોગવી રહ્યા હતા.
નોંધનીય છે કે આ કામના તમામ દોષિતોને આજીવન કારાવાસની સજા કરાઈ હતી.
તમામ દોષિતોને સજાના અંગેનો નિર્ણય જે સમયે આવ્યો ત્યારની એટલે કે 2008માં લાગુ રહેલી સજામાફીની નીતિ અંતર્ગત મુક્ત કરાયા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
તમામ દોષિતોએ બિલકીસબાનો સાથે સામૂહિક બળાત્કાર ઉપરાંત તેમના પરિવારના 14 સભ્યોની હત્યા કરી હતી. મૃતકોમાં બિલકીસની ત્રણ વર્ષીય પુત્રીનો પણ સમાવેશ થાય છે.
વડોદરામાં હુમલા સમયે બિલકીસને પાંચ માસનો ગર્ભ પણ હતો.
સુપ્રીમ કોર્ટે આ મામલે આગામી 9 મેના રોજ દિશાનિર્દેશ આપવાનું ઠરાવ્યું હતું. આ મામલો સુનાવણી માટે જુલાઈમાં લિસ્ટ કરાશે.
ગત મુદ્દતે સરકારોએ કોર્ટના 27 માર્ચના હુકમ અંગે ફેરવિચારણાની દરખાસ્ત કરવાની તૈયારી બતાવી હતી.
ઉપરાંત આ દરમિયાન સરકારોએ દોષિતોને ‘સજામાફી’ના દસ્તાવેજ જમા કરાવવાના હુકમ સામે દસ્તાવેજો પર વિશેષાધિકારનો દાવો પણ કર્યો હતો.
દોષિતોને સજામાફીના આદેશ સામે કરાયેલ અરજી સિવાય બિલકીસબાનોએ સુપ્રીમ કોર્ટના એ આદેશ સામે પણ ફેરવિચારણા અરજી કરી હતી જેમાં કોર્ટે ગુજરાત સરકારને દોષિતોની ‘સજામાફી’ને લગતી અરજી પર વિચારણા અંગે કહ્યું હતું. આ અરજી કોર્ટે નકારી દીધી હતી.
આ સિવાય 11 દોષિતોની સજામાફી પાછી ખેંચી લેવા માટે કેટલીક જાહેર હિતની અરજીઓ પણ થઈ હતી. નેશનલ ફેડરેશન ઑફ ઇન્ડિયન વિમૅનનાં સેક્રેટરી એન્ની રાજા ઉપરાંત અન્ય કેટલાકે પણ આ મામલાને લઈને અરજી કરી હતી.
જેમાં કૉમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયા (માર્કશિસ્ટ)નાં સભ્ય સુભાષિની અલી, પત્રકાર રેવતી લાઉલ, સમાજસેવિકા અને પ્રોફેસર રૂપ રેખા વર્મા અને તૃણમૂલ કૉંગ્રેસનાં સાંસદ મહુઆ મોઇત્રા સામેલ છે.

- બિલકીસબાનો કેસમાં 11 દોષિતોની સજામાફીની અરજી અંગે વિચાર કરવાનું કહેતા સુપ્રીમ કોર્ટના હુકમ સામે ફેરવિચારણાની અરજી ફગાવાઈ
- ગત વર્ષે 15 ઑગસ્ટે બિલકીસબાનો કેસમાં 11 દોષિતોને ગુજરાત સરકારે છોડી મૂકવાનો નિર્ણય કર્યો હતો
- આ સમાચાર સામે આવતાં જ આ મુદ્દો સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બન્યો હતો
- આ મામલાને લઈને સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી કરાઈ હતી

‘દોષિતોનું જેલમાં વર્તન સારું હતું’

ઇમેજ સ્રોત, DAXESH SHAH
ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલ સોગંદનામામાં દોષિતોને સજામાફી આપવાના નિર્ણયનો બચાવ કર્યો હતો.
તેમાં દલીલ કરાઈ હતી કે દોષિતોએ જેલમાં 14 વર્ષ પસાર કર્યાં છે, એ દરમિયાન તેમનું ‘વર્તન સારું જણાયું હતું.’
રાજ્ય સરકારે જણાવ્યું હતું કે તેમણે સજામાફી માટે 1992ની નીતિનો આધાર લીધો હતો. સરકારે આ કેસમાં 10 ઑગસ્ટે સજામાફી અપાઈ હોવાની વાત કરી હતી અને દલીલ કરી હતી કે કેન્દ્ર સરકારે પણ આ નિર્ણય મંજૂર રાખ્યો હતો.
સોગંદનામા અનુસાર આ સજામાફી “આઝાદી કા અમૃત મહોત્સવ”ની ઉજવણીના ભાગરૂપે કરાયેલ દોષિતોને સજામાફીને લગતા પરિપત્ર અંતર્ગત અપાઈ નહોતી.
“આ નિર્ણય માટે સરકારે બધા મતો ધ્યાનમાં લીધા હતા.”
સરકારે આ મામલે જાહેર હિતની અરજી કરનારા લોકોના ‘કોર્ટમાં મામલો લાવવાના અધિકાર’ અંગેની પણ પૃચ્છા કરી હતી અને કહ્યું હતું કે તેમને આ કેસ સાથે કોઈ લેવાદેવા નથી.
નોંધનીય છે કે અરજીમાં ગુજરાત સરકારના યોગ્ય સત્તામંડળ દ્વારા ક્રૂર ગુના મામલે દોષિત ઠરેલા 11 દોષિતોને સજામાફી આપી છોડી મૂક્યા હોવાની વાત કરાઈ હતી.
અરજીમાં દલીલ કરાઈ હતી કે આ પ્રકારના જઘન્ય અપરાધમાં દોષિત થયેલાને સજામાફી આપવી એ જાહેર હિતની વિરુદ્ધનું છે. તેમજ એવી પણ દલીલ કરાઈ હતી કે આ નિર્ણયને કારણે સામૂહિક જાહેર ચેતનાને ફટકો પડ્યો છે. નિર્ણયને કારણે પીડિત અને તેમના સંબંધીઓની સુરક્ષા જોખમમાં મુકાઈ શકે છે.



























