ગુજરાત : ૩ લોકોનાં મોત બાદ પાંચ સિંહો પાંજરે પૂરાયા, આ સિંહોને કેવી મળી શકે છે સજા?

ઇમેજ સ્રોત, Faruk Kadri/BBC
મંગળવાર અને ગુરુવાર વચ્ચે અમરેલી જિલ્લા અને તેના પાડોશી ભાવનગર જિલ્લામાં ત્રણ પુરુષોનાં મોત થયાં હતાં. અમરેલીના કોવાયા અને જુના સાવર અને ભાવનગર જિલ્લાના ગઢડા ગામે નોંધાયેલાં મોતની આ ત્રણેય ઘટનાઓમાં સિંહોની સંડોવણી હોઈ શકે તેવી શંકાને આધારે વનવિભાગે કુલ પાંચ સિંહોને પકડીને પાંજરે પૂરી દીધા છે.
તપાસ સાથે સંકળાયેલા પોલીસ અને વનવિભાગના અધિકારીઓ કહે છે કે અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કોવાયા ગામની ઘટનામાં મૃતકના શરીરને સિંહો ખાઈ ગયા હોય તેવા પ્રાથમિક પુરાવા છે.
રાજુલાના પાડોશી તાલુકા સાવરકુંડલાના જુના સાવર ગામમાં અને સાવરકુંડલા નજીક આવેલા ભાવનગરના મહુવા તાલુકાના ગઢડા ગામે પણ મૃતકોને સિંહો આરોગી ગયા ગયાની શંકા છે. પરંતુ અધિકારીઓ કહે છે કે આ ત્રણેય પુરુષો પર જો ખરેખર સિંહોએ હુમલો કરી તેમનાં મોત નિપજાવ્યાં હોય તો પણ સિંહોએ આવા હુમલા અંધારામાં ભૂલથી કર્યા હશે. કારણ કે સામાન્ય સંજોગોમાં સિંહો માણસો પર હુમલા કરતા નથી અને તેમનાં મોત નિપજાવતાં નથી.
હજુ આ ત્રણેય બનાવોમાં તપાસ ચાલી રહી છે. પકડવામાં આવેલા પાંચ સિંહો પૈકી બે નાનાં બચ્ચાં પણ છે. અધિકારીઓનું કહેવું છે કે, જો આ બનાવોમાં તેમની સંડોવણીના પુરાવા મળશે તો આ સિંહોને જનમટીપ થઈ શકે છે.
રેસ્ટોરાંનો કર્મચારી ઘરે જવા નીકળ્યો ને રસ્તામાં સિંહો ભેટી ગયા?

ઇમેજ સ્રોત, Faruk Kadri/BBC
ત્રણમાંથી પહેલો બનાવ દરિયા કાંઠે આવેલ કોવાયા ગામે નોંધાયો હતો જ્યાં એક જાણીતી સિમેન્ટ કંપનીની ફૅક્ટરી આવેલી છે.
પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, મૃતક પ્રકાશચંદ્ર હરગોવિંદ કોવાયામાં આવેલી 'મા રેસ્ટોરાં'માં હેલ્પર તરીકે કામ કરતા હતા. પોલીસના જણાવ્યા પ્રમાણે ત્રીસ વરસના આ કર્મચારી ઉત્તરાખંડના પિથોરાગઢના વતની હતા.
આ રેસ્ટોરાંના માલિક શિવાભાઈ લાખણોત્રાએ બીબીસી ગુજરાતીને જણાવ્યું, "અમે સાત વરસથી આ રેસ્ટોરાં ચલાવીએ છીએ અને પ્રકાશચંદ્ર અમારા ઘણા જૂના કર્મચારી હતા.16 તારીખે મધરાતે તેઓ તેમના વતન જવા નીકળ્યા. સવારે 6 : 30 વાગ્યે મને વનવિભાગમાંથી ફોન આવ્યો અને મને અમારી રેસ્ટોરાંથી એકાદ કિલોમીટર દૂર કોવાયાના પાદરમાં આવેલા પેટ્રોલ પમ્પ નજીક બોલાવવામાં આવ્યો. હું ત્યાં ગયો અને મને કહેવામાં આવ્યું કે ચંદ્રપ્રકાશને સિંહો ખાઈ ગયા છે."
વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડીયાએ આ ઘટનાને દુઃખદ ગણાવી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એક નિવેદનમાં મોઢવાડિયાએ કહ્યું, "અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કોવાયા ગામ પાસે એક સિંહ પરિવાર સાથે એક યુવાન અથડામણમાં આવતા તેનું દુઃખદ અવસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. જે પ્રમાણે પ્રાથમિક માહિતી મળી છે તે પ્રમાણે યુવાન એક રેસ્ટોરાંમાં કામ કરતો હતો અને ત્યાંથી ઓચિંતો જ કોઈ કારણસર નીકળી ગયો હતો. એ પછી તેના દુઃખદ મૃત્યુના સમાચાર આવ્યા."
મોઢવાડિયાએ ઉમેર્યું, "તાકીદે પગલાં લઈને બે સિંહોને પકડીને રૅસ્ક્યૂ કરી લેવામાં આવ્યા છે અને તેની સાથે જે નાનાં કબ (બચ્ચાં) હતાં તેને પણ તાકીદે રૅસ્ક્યૂ કરવાની સૂચના આપવામાં આવી છે. ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે આ વિસ્તારમાં ટ્રૅકરોની સંખ્યા વધારવાની પણ સૂચના આપવામાં આવી છે."

ઇમેજ સ્રોત, Faruk Kadri/BBC
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
કોવાયા શેત્રુંજી વન્યજીવ વિભાગ હેઠળ આવે છે.
આ વિભાગના નાયબ વન સંરક્ષક ચિરાગ અમીને બીબીસીને શુક્રવારે જણાવ્યું કે સિંહનાં બે બચ્ચાં, જેની ઉમર અંદાજે એક વર્ષ છે, તેને પણ પકડી લેવામાં આવ્યાં છે.
બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં ચિરાગ અમીને જણાવ્યું, "સિંહો એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરતા રહે છે અને કોવાયા તેમનો કૉરિડોર (પસાર થવાનો પટ્ટો) છે. ત્યાં સિંહોની ઘણી અવરજવર રહે છે. અમારા એક વન્યપ્રાણી મિત્રએ આ વ્યક્તિને રાત્રે એકાદ વાગ્યે રસ્તા પર જોઈ હતી. સિંહોએ મારણ જનારના મૃતદેહને ખાધો છે તેવા પ્રાથમિક પુરાવા છે. વૈજ્ઞાનિક પુરાવા માટે અમે સિંહોના માલનું પૃથક્કરણ કરી રહ્યા છીએ."
માણસોની રુવાંટી કે વાળ વિઘટન પામ્યા વગર જ સિંહોનાં પાચનતંત્રમાંથી પસાર થઇ જાય છે. તેથી કોઈ સિંહ કે દીપડાએ કોઈ માણસના મૃતદેહને ખાધો કે નહીં તે નક્કી કરવા સિંહ કે દીપડાના મળનું પૃથ્થકરણ કરી તેમાં માનવ રુવાંટી કે વાળ કે હાડકાના ટુકડાની હાજરી છે કે નહીં તેની ચકાસણી કરાય છે.
ચિરાગ અમીને બીબીસીને કહ્યું કે કોવાયાના સિંહના મળના પૃથ્થકરણનાં પરિણામ આવ્યાં નથી.
પીપાવાવ મરિન પોલીસ સ્ટેશનમાં આ બાબતે અકસ્માતે મોતની નોંધ કરવામાં આવી છે.
પીપાવાવ મરીન પોલીસના પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી. કે. રાઠોડે બીબીસીને જણાવ્યું, "ચંદ્રપ્રકાશ તેમની બૅગ લઈને રસ્તા પર ચાલીને જતા હતા ત્યારે ચારેક સિંહ તેને બાજુની ઝાડીમાં ખેંચી ગયા અને તેનું મોત નિપજાવ્યું તેવી પ્રાથમિક વિગત છે. તેમના મોત બાબતે હાલ અન્ય કોઈ શંકા નથી."
ખેડૂત ગુમ થયા ને છઠ્ઠા દિવસે તેમનાં અંગો મળ્યાં

ઇમેજ સ્રોત, Faruk Kadri/BBC
સાવરકુંડલાના જુના સવારના 62 વર્ષના ખેડૂત દિલીપ દેસાઈ પણ 16 જૂને તેમની વાડીમાં મૃત મળી આવ્યા હતા તેમ સાવરકુંડલા રૂરલ (એટલે કે ગ્રામ્ય) પોલીસના આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર રમેશ મારુએ બીબીસી ગુજરાતીને જણાવ્યું.
મારુએ કહ્યું કે દેસાઈનો મૃતદેહ મળ્યો તે પહેલાં પાંચ દિવસ સુધી તેઓ સુરત રહેતા તેમના પરિવાર સાથે સંપર્કમાં ન હતા.
મારુએ ઉમેર્યું, કે દિલીપભાઇ દેસાઈ મૂળ જુના સાવારના વતની છે પરંતુ હાલ તેમના બે દીકરા સુરત રહે છે. દિલીપભાઈ પોતે પણ સુરત જ રહેતા હતા પરંતુ આશરે બે વરસથી જુના સવાર પરત આવી ખેતી કરતા હતા.
મારુએ બનાવની વિગતો વિશે કહ્યું, "દિલીપભાઇ દેસાઈ ટ્રૅક્ટર લઈને 10 જૂને તેમની વાડીએ ગયા ત્યાર પછી સુરત રહેતા તેમના દીકરા તેમનો ફોન પર સંપર્ક કરી ન શક્યા. દિલીપભાઈ ફોન ઉપાડતા નહોતા. તેથી15 તારીખે તેમના દીકરા વિશાલે જુના સવારમાં રહેતા તેના કૌટુંબિક કાકા દિનેશભાઇ દેસાઈને આ બાબતે ફોન કર્યો. દિનેશભાઇ અને અન્ય લોકો 15 તારીખે વાડીએ ગયા તો તેમને દિલીપભાઈનું ટ્રૅક્ટર અને ફાટેલાં કપડાં મળી આવ્યાં. બીજા દિવસે પોલીસને એ વિસ્તારમાંથી એક માનવ ખોપરી અને પગનાં કેટલાંક હાડકાં મળી આવ્યાં. ખોપરીમાં રહેલા દાંતમાં ચડાવેલી ચાંદીના વરખને આધારે દિલીપભાઈના શરીરને તેમના કુટુંબે ઓળખી બતાવ્યું હતું."

ઇમેજ સ્રોત, Faruk Kadri/BBC
મારુએ વધારેમાં ઉમેર્યું કે જ્યાં આ ખેડૂતના અવશેષો મળ્યા ત્યાં સિંહનાં પગલાંનાં નિશાન જોવાં મળ્યાં છે.
"એ ઉપરાંત કોઈ વન્ય પ્રાણીની રુવાંટી જેવી લાગતી રુવાંટી પણ સ્થળ પરથી મળી આવી છે. તેથી, પ્રાથમિક દૃષ્ટિએ એવું લાગે છે કે કોઈ વન્યપ્રાણીએ હુમલો કરતા દિલીપભાઈનું મોત થયું હશે. તેમના પરિવારના સભ્યો કહે છે કે તેમને કોઈ સાથે જૂની અદાવત નથી કે કોઈના પર શંકા પણ નથી. પરંતુ મોતનું ખરું કારણ શોધવા માટે દિલીપભાઈના મૃતદેહના ફોરેન્સિક પોસ્ટમૉર્ટમના રિપોર્ટની રાહ જોવાય છે."
જુના સવાર ગીર(પૂર્વ) વનવિભાગની સાવરકુંડલા રેન્જમાં આવે છે.
ગીર(પૂર્વ) વનવિભાગના નાયબ વન સંરક્ષક વિકાસ યાદવે બીબીસી ગુજરાતીને જણાવ્યું, " ઘટનાસ્થળ નજીક વન્યજીવોનાં પગલાં અને રુવાંટીની હાજરી નોંધાઈ છે. તે વિસ્તારમાં સિંહોની અવરજવર રહે છે. ઘટના સ્થળથી એકાદ કિલોમીટરની ત્રિજીયામાં બચ્ચાંવાળી એક સિંહણ અને નર સિંહોની હાજરી હતી."
"પરંતુ કોઈ વન્યપ્રાણીએ આ ખેડૂત પર હુમલો કરીને તેમનું મોત નિપજાવ્યું કે ખેડૂતનું અન્ય કારણોસર મોત થયા બાદ તેના મૃતદેહને વન્યપ્રાણીઓએ ખાધો કે નહીં તે હજુ તપાસનો વિષય છે," તેમણે ઉમેર્યું હતું.
"પ્રાથમિક માહિતી અનુસાર ખેડૂત ટ્રૅક્ટર લઈને વાડીએ ગયા હતા. ટ્રૅક્ટર જેવા ભારે વાહનથી વન્ય પ્રાણીઓ સામાન્ય રીતે દૂર રહે છે. આખો ઘટનાક્રમ પણ શંકા ઉપજાવે તેવો છે. તેથી, વધારે તપાસ ચાલુ છે," એમ વિકાસ યાદવે જણાવ્યું હતું.
મહુવામાં ખેતમજૂરને સિંહનો ભેટો થઇ ગયો?

ઇમેજ સ્રોત, Faruk Kadri/BBC
મહુવા તાલુકામાં દરિયા કિનારે આવેલા ગઢડા ગામના 30 વર્ષીય ખેત મજુર નાગજીભાઈ ગુજારિયાના મૃતદેહનાના કેટલાક ભાગો રિઝર્વ ફૉરેસ્ટ(અનામત જંગલ)ની નજીકથી 18 જૂને મળી આવ્યા હતા. મહુવા રૂરલ પોલીસે આ બાબતે એક અકસ્માતે મોતની નોંધ દાખલ કરી તપાસ હાથ ધરી છે.
આ વિસ્તાર શેત્રુંજી વન્યપ્રાણી વિભાગની મહુવા રેન્જમાં આવે છે.
નાયબ વન સંરક્ષક ચિરાગ અમીને કહ્યું કે નાગજીભાઈ બે દિવસ સુધી ઘરે પાછા ફર્યા ન હતા. "પ્રાથમિક દૃષ્ટિએ એવું લાગે છે કે તેમના મૃતદેહને કોઈ વન્ય પ્રાણી ખાઈ ગયું છે. એ વિસ્તારમાં ઘટનાના સમય દરમિયાન અમારા સ્ટાફને એક સિંહણની હાજરી દેખાઈ હતી. તેથી, સાવચેતીના ભાગ રૂપે અમે તે સિંહણને પકડી લીધી છે અને આગળની તપાસ કરી રહ્યા છીએ."
ત્રણયે ઘટનાઓમાં શું સામ્યતા છે?

ઇમેજ સ્રોત, Information Department, Gujarat
મંત્રી અર્જુન મોઢવાડીયા કહ્યું, "સામાન્ય રીતે કોઈ સિંહ કોઈ દિવસ ભાગ્યે જ આ રીતે હુમલા કરતા હોય છે. પરંતુ કોઈ કારણસર તેમના વ્યવહારમાં પરિવર્તન લાગે અથવા તો કોઈ કારણસર એકલતાને કારણે આવી ઘટના ક્યારેક બનતી હોય છે. એટલે વનવિભાગ પણ આ બાબતે ખુબ સાવચેત રહીને પગલાં લઇ રહ્યો છે."
બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં ચિરાગ અમીને અને વિકાસ યાદવે એ બાબત પર ભાર મૂક્યો કે ત્રણેય ઘટનામાં માર્યા ગયેલા પુરુષો રાતના સમયે સિંહોની અવર-જવરવાળા વિસ્તારમાં એકલા હતા અને તેમની પાસે સ્વબચાવ માટે કોઈ બત્તી કે લાકડી ન હતાં.
ચિરાગ અમીને કહ્યું, " એશિયાઇ સિંહો સામાન્ય સંજોગોમાં માણસો પર હુમલા કરતા નથી. કોવાયાની ઘટનામાં યુવાન તેની પીઠ પાછળ એક મોટી બૅગ લઈને જતો હતો. તેથી જો તે કોઈ કારણસર તે વાંકો વાળ્યો હોય અને તે વિસ્તારમાં સિંહો હોય તો સિંહોને તે યુવાન કોઈ પ્રાણી જેવો જ લાગે. આમ, આ ઘટનામાં ભોગ બનનારને ઓળખવામાં થાપ ખાઈને પ્રાણીઓએ તેમના પર હુમલા કર્યો હોય એવું બની શકે. આમાં અકસ્માતે વન્યપ્રાણીઓ અને માનવોનો ભેટો થયો હોઈ શકે."
અધિકારીએ ઉમેર્યું, "કોવાયાના જે સિંહો પર શંકા છે તેમાંથી બે તો બચ્ચાં છે. તેની ઉંમર આશરે એક વરસ જેટલી છે. બાકીના બે પાઠડા (તરુણ છે) જેમને તાજેતરમાં તેમના પરિવારમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. તેથી આ નર પાઠડાને હજુ શિકાર કરતા બરાબર આવડતું ન હોય અને માનવીને ઓળખવામાં થાપ ખાઈ ગયા હોઈ શકે છે."
આ પાંચ સિંહોનું હવે શું થશે?

ઇમેજ સ્રોત, Faruk Kadri/BBC
જો કોઈ સિંહ કે દીપડો માનવો સાથે ઘર્ષણમાં આવે તો ગુજરાતનો વનવિભાગ આવી ઘટનામાં સામેલ કે સામેલ હોવાની શંકા હોય તેવા સિંહ કે દીપડાને વહેલામાં વહેલી તકે પકડીને પાંજરે પૂરી દે છે.
ચિરાગ અમીન કહે છે, "નીતિ એવી છે કે જે વન્યપ્રાણીએ માનવો સાથેના ઘર્ષણ દરમિયાન માનવોને ઈજા પહોંચાડી હોય કે મૃત્યુ નિપજાવ્યું હોય તેમને પકડી લેવાં અને ફરી ક્યારેય ન છોડવાં. માર્ગદર્શન એવું છે કે આવાં પ્રાણીઓને પકડી લઈએ તો વધારે ઘર્ષણ ટાળી શકાય."
અમીને ઉમેર્યું કે પડકી લેવાયેલા સિંહ-દીપડાને સાસણમાં, જૂનાગઢમાં કે અન્ય જગ્યાએ જ્યાં સુવિધા ઉપલબ્ધ હોય ત્યાં રાખવામાં આવે છે. ત્યાર બાદ સામાન્ય રીતે આખી જિંદગી તેમને છોડતા નથી. "તેમને છોડવા કે નહિ તે નિર્ણય ઊપલા લેવલેથી લેવાતો હોય છે," અમીને ઉમેર્યું.
આમ, આ પાંચેય સિંહોને આજીવન કારાવાસ થઇ શકે છે.
બીબીસી માટે કલેક્ટીવ ન્યૂઝરૂમનું પ્રકાશન






















