'સરકારી કામ નહીં મળે તો અમે કંઈ ભૂખે નથી મરવાના' – વિક્રમ ઠાકોરે આવું કેમ કહ્યું?

વિક્રમ ઠાકોર, અભિનેતા, ગુજરાતનું રાજકારણ, ગુજરાત, ઠાકોર સમાજ, ઉત્તર ગુજરાત, શંકર ચૌધરી, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Vikramthakorofficial01/IG

પ્રકાશિત
વાંચવાનો સમય: 4 મિનિટ

છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં 'પ્રસિદ્ધ' ફિલ્મ કલાકાર વિક્રમ ઠાકોરનું નામ સતત ચર્ચામાં છે. પરંતુ કારણ કોઈ ફિલ્મ નથી, વિક્રમ ઠાકોરના શબ્દોમાં જ કહીએ તો કારણ 'ઠાકોર સમાજની અવગણના છે.'

વાત એમ છે કે થોડા દિવસ પહેલાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ વિધાનસભામાં કેટલાક ગુજરાતી કલાકારોને મળવા બોલાવ્યા હતા. જેમાં માયાભાઈ આહીર, કિર્તીદાન ગઢવી, ભીખુદાન ગઢવી, કિંજલ દવે, રાજભા ગઢવી, ગીતા રબારી જેવા અનેક કલાકારો સામેલ હતા.

ત્યારબાદ વિક્રમ ઠાકોરે તેમના સોશિયલ મીડિયા પર એક વીડિયો મૂક્યો હતો. જેમાં તેમણે કહ્યું હતું કે તેમના ઠાકોર સમાજના લોકોને અવગણવામાં આવી રહ્યા છે. તેમણે સવાલો પણ ઉઠાવ્યા હતા કે ઠાકોર સમાજના લોકોને કેમ બોલાવવામાં આવતા નથી?

વિક્રમ ઠાકોરના આ નિવેદન બાદ આ મુદ્દો ખૂબ ચર્ચાયો હતો અને અનેક લોકોએ તેના પર પ્રતિક્રિયા આપી હતી.

આજે આ મુદ્દે પ્રેસ કૉન્ફરન્સ બોલાવીને વિક્રમ ઠાકોરે વિસ્તારથી વાત કરી હતી. તેમણે પોતે કરેલા વિરોધ અંગે શું ખુલાસો કર્યો?

વિક્રમ ઠાકોરને કેમ બોલવું પડ્યું?

વિક્રમ ઠાકોર, અભિનેતા, ગુજરાતનું રાજકારણ, ગુજરાત, ઠાકોર સમાજ, ઉત્તર ગુજરાત, શંકર ચૌધરી, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, HARSUKH PATEL

વિક્રમ ઠાકોરે પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યું હતું કે, "મને ન બોલાવ્યો, એ વાતનો મને કોઈ રંજ નથી. પણ ઘણા સમયથી હું જોઈ રહ્યો છું કે અમારા ઠાકોર સમાજને આ લોકો અવગણી રહ્યા છે."

તેમનો ઇશારો અહીં સરકાર અને સત્તાધારી ભાજપ પક્ષ તરફ હતો.

તેમણે કહ્યું હતું કે, "આ વખતે જ્યારે વિધાનસભામાં મોટા કલાકારોને બોલાવવામાં આવ્યા ત્યારે મને મારા ઘણા ચાહકો, વડીલોના ફોન આવ્યા કે તમે ત્યાં નથી ગયા? મેં તેમને જણાવ્યું કે મને કોઈ આમંત્રણ મળ્યું નથી. પછી લોકોએ મને એમ પણ કહ્યું કે આપણા સમાજના કોઈ લોકોને બોલાવવામાં આવતા નથી, તો તમે કેમ કંઈ બોલતા નથી? "

વિક્રમ ઠાકોરનું કહેવું હતું કે જો આ વાત માત્ર તેમના પૂરતી હોત તો તેમણે અવગણી હોત, પરંતુ આ વાત તેમના આખા સમાજને સ્પર્શતી હોવાથી તેમણે બોલવું પડ્યું છે.

વિક્રમ ઠાકોરે એમ પણ સવાલ ઉઠાવ્યો હતો કે, "ઠાકોર સમાજમાં પણ ઘણા પેટા સમાજ છે, અને દરેકમાં શ્રેષ્ઠ કલાકારો છે. તો તેમને કેમ બોલાવવામાં ન આવ્યા? સરકારને મારી વિનંતી છે કે તમે દરેક સમાજમાંથી કલાકારોને બોલાવો."

વિક્રમ ઠાકોરે બીજું શું કહ્યું

વિક્રમ ઠાકોર, અભિનેતા, ગુજરાતનું રાજકારણ, ગુજરાત, ઠાકોર સમાજ, ઉત્તર ગુજરાત, શંકર ચૌધરી, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Shankar Chaudhary/X

ઇમેજ કૅપ્શન, વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી સાથે મુલાકાત કરી રહેલા કલાકારો

તેમણે કહ્યું હતું કે, "સરકારી કાર્યક્રમોમાં પણ ઘણા સમયથી ઠાકોર સમાજના લોકોને અવગણવામાં આવી રહ્યા છે, તેમને બોલાવવામાં આવતા નથી."

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તમને નથી બોલાવવામાં આવ્યા એટલે તમારો વિરોધ છે?

તો આ સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું, "આ વાત માત્ર મારી નથી, સરકારી કાર્યક્રમો ન મળે તો અમે કંઈ ભૂખે નથી મરવાના. આ સમાજને થઈ રહેલા અન્યાયની વાત છે."

જોકે, તેમણે એમ પણ કહ્યું હતું કે બની શકે કે એમાં સરકારનો વાંક ન હોય, પણ તેમની નીચે કામ કરી રહેલા લોકોનો વાંક હોય.

'મારે રાજકારણમાં આવવું નથી'

વિક્રમ ઠાકોર, અભિનેતા, ગુજરાતનું રાજકારણ, ગુજરાત, ઠાકોર સમાજ, ઉત્તર ગુજરાત, શંકર ચૌધરી, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Vikramthakorofficial01/IG

ઇમેજ કૅપ્શન, વિક્રમ ઠાકોર

જ્યારે તેમને પ્રેસ કૉન્ફરન્સમાં પૂછવામાં આવ્યું કે આ નિવેદન પાછળ કોઈ રાજકીય હેતુ છે કે નહીં.

તો એ સવાલના જવાબમાં વિક્રમ ઠાકોરે એ સ્પષ્ટતા કરી હતી કે તેમને હાલમાં રાજકારણમાં જોડાવું નથી અને તેમની કોઈ ઇચ્છા નથી.

તેમણે કહ્યું હતું કે, "મેં ભાજપનો કે કૉંગ્રેસનો ખેસ પહેર્યો નથી. મારે રાજકારણમાં જોડાવું હોત તો હું પહેલાં જ જોડાઈ ચૂક્યો હોત. 2007માં ખુદ મોદીસાહેબે મને રાજકારણમાં જોડાવાની ઑફર કરી હતી. હું આ બધું રાજકારણ માટે કરી રહ્યો નથી."

તેમણે સીધું જ નિવેદન કર્યું હતું કે, "ઠાકોર સમાજ તમને જીતાડે છે, તમે તેમને ઇગ્નોર ન કરી શકો."

વિક્રમ ઠાકોરે એ સવાલ પણ ઉઠાવ્યો હતો કે, "મારા સિવાય પણ અનેક લોકકલાકારો છે, તેમને કેમ બોલાવવામાં આવ્યા નહોતા? હવે હું આગળ મારો સમાજ જેમ કહેશે તેમ કહીશ."

સરકાર કે ભાજપની પ્રતિક્રિયા શું?

આ વિવાદમાં હજુ સુધી સરકાર કે સત્તાધારી ભાજપ તરફથી કોઈ જાહેર પ્રતિક્રિયા આવી નથી.

પક્ષના પ્રવક્તા યજ્ઞેશ દવેએ પણ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું હતું કે આ મુદ્દે પક્ષ તરફથી કોઈ પ્રતિક્રિયા નથી.

બીબીસી સહયોગી ભાર્ગવ પરીખે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલનો સંપર્ક કર્યો હતો. તેમણે આ મુદ્દે કોઈ પ્રતિક્રિયા આપવાની ના પાડી હતી.

વિક્રમ ઠાકોરે કહ્યું હતું કે વીડિયો મૂક્યા પછી અલ્પેશ ઠાકોરે પણ તેમને ફૉન કર્યો હતો અને મુખ્ય મંત્રી સાથે મુલાકાત કરાવવાની વાત કરી છે.

અલ્પેશ ઠાકોર હાલમાં ભાજપના નેતા અને ધારાસભ્ય છે.

વિક્રમ ઠાકોરે કહ્યું હતું કે, "જો મને બોલાવવામાં આવશે તો હું મળવા માટે અવશ્ય જઈશ. પણ મારો સમાજ કહેશે એમ જ કરીશ."

આમંત્રણ સ્વીકારીને વિધાનસભા ગયેલા કીર્તિદાન ગઢવીએ મીડિયા સમક્ષ કહ્યું હતું કે, "વિક્રમ ઠાકોરની નારાજગી યોગ્ય છે, પરંતુ કલાકારની કોઈ જ્ઞાતિ હોતી નથી."

વિક્રમ ઠાકોર કોણ છે?

વિક્રમ ઠાકોર, અભિનેતા, ગુજરાતનું રાજકારણ, ગુજરાત, ઠાકોર સમાજ, ઉત્તર ગુજરાત, શંકર ચૌધરી, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, HARSUKH PATEL

વિક્રમ ઠાકોર ગુજરાતી સિનેમામાં વિશાળ ચાહકવર્ગ ધરાવતા અભિનેતા છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં તેમના પ્રશંસકો સૌથી વધારે છે.

વિક્રમ ઠાકોર લોકગાયક તરીકે છેલ્લા દોઢ દાયકા કરતાં વધુ સમયથી લોકપ્રિય છે અને ગાયક તરીકેની તેમની લોકપ્રિયતા તેમને અભિનેતા બનવા તરફ દોરી ગઈ હતી.

'એક વાર પિયુને મળવા આવજે' એ તેમની પ્રથમ ફિલ્મ હતી જે વર્ષ 2006માં રજૂ થઈ હતી.

તેમના દર્શકોનો મોટો વર્ગ ગુજરાતના ગ્રામીણ વિસ્તારોનો છે.

વિક્રમ ઠાકોરના ઇન્સ્ટાગ્રામ પર સત્તર લાખથી વધુ ફૉલોઅર્સ છે.

તેઓ ઠાકોર સમાજના છે અને ઉત્તર ગુજરાતના રાજકારણમાં ઠાકોર સમાજ મુખ્ય ભૂમિકા ભજવતો હોવાથી તેમણે હાલમાં ઉઠાવેલો મુદ્દો ચર્ચિત બન્યો છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.